૧૪. અકળ દેહોત્સર્ગ લીલા ને અંતિમ દર્શન
આ પૃથ્વી પર બાપાશ્રીએ દૃષ્ટિગોચર થઈ, અનંતકોટી મુક્તના સ્વામી અને સદા સાકાર દિવ્યમૂર્તિ જે શ્રીજીમહારાજ તેમનું સર્વોપરીપણું પ્રવર્તાવ્યું. તદુપરાંત એ મૂર્તિમાં અનંત અનાદિ મુક્ત દિવ્ય સાકારપણે રસબસ રહ્યા થકા અનંત કલ્પથી અખંડ દિવ્ય સુખ ભોગવી રહ્યા છે, એવા શ્રીહરિના ગૂઢ રહસ્યજ્ઞાનની અનેકને અનુભવ દ્વારા પ્રતીતિ કરાવી. અનાદિ મુક્તની આવી અલૌકિક સ્થિતિ કરાવવા પોતાનો આગ્રહ દરેક પ્રસંગે જણાવતા. આ સર્વે કાર્ય હવે પૂરું થયું માની, શ્રીજીમહારાજની ઇચ્છાનુસાર પોતે આ લોકમાંથી અદૃશ્ય થવાનો દ્રઢ વિચાર કરી લીધો હોય તેવી રીત જણાવવા માંડી.
સં. 1984ના અષાડ સુદ એકમને દિવસ બાપાશ્રી પોતાની નવી વાડીએ બેઠા હતા ત્યારે બાપાશ્રીના પુત્રો, પૌત્રો તેમજ વૃષપુર તથા આસપાસનાં ગામોના હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા. તે વખતે બાપાશ્રીએ પોતાને અંતર્ધાન થવું છે, તે નિમિત્તે ભલામણ કરવા લાગ્યા જે, "હવે હું અક્ષરધામમાં જઈને મહારાજની મૂર્તિમાં બેસીશ ને મહારાજની મૂર્તિમાં રહીને સુખ ભોગવીશ. અને તમે સર્વે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહીને ભજન કરજો, તમે સર્વે મારા છો; તમને સર્વેને મૂર્તિમાં રાખ્યા છે ને મૂર્તિરૂપ છો; હું તમારા ભેગો રહીશ ને તમારી રક્ષા કરીશ. આગળ દેશકાળ કઠણ આવશે. હું અંતર્ધાન થયા પછી કેટલીક ઉપાધિ આવશે ત્યારે તમારી પરીક્ષા થશે. અત્યારે તો તમે સૌ અમારી છાયામાં કિલ્લોલ કરો છો; દર્શન સમાગમનું સુખ લો છો ને તે દિવસ (તે સમયમાં) પણ જો તમે શૂરવીર થઈને ઉપાધિને ગણશો નહિ ને અમારા કહેવા પ્રમાણે શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજીને કથાવાર્તા કરશો ને આજ્ઞામાં રહેશો તો અમે રક્ષા કરશું; તમે કાંઈ મૂંઝાશો નહિ. જેમ વાયુ-વરસાદનું ગમે તેટલું તોફાન થાય પણ મોટા પર્વતને કાંઈ અડતું નથી; તેમ તમને પણ તે ઉપાધિ કાંઈ અડશે નહિ, એમ હું રક્ષા કરીશ ને અંતે મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ ભોગવાવીશ. આ અમારાં વચન સત્ય માનજો. સૂર્ય ફરે, ચંદ્ર ફરે પણ આ અમારું વચન કોઈ દિવસ નહિ ફરે. અમે જે જે લીલા કરી છે તથા આશીર્વાદ આપ્યા છે તે સર્વે સંભારી રાખશો; ભૂલશો મા, જરૂર ભૂલશો મા." બાપાશ્રીનાં આવાં હિંમતનાં અભય વચન જીવમાં ધારીને ખિન્ન હૃદયે તે સર્વે હરિભક્તો પોતપોતાને ગામ ગયા. બાપાશ્રી પણ ગાડીમાં બેસીને પોતાના સેવકોએ સહિત ઘેર આવ્યા.
પછી બાપાશ્રીએ એમ ધાર્યું જે, "હું મંદવાડ ગ્રહણ કરીશ તો સમીપના ભક્ત તુરત ભેગા થઈ જશે ને મને રહેવાની પ્રાર્થના કરશે. પછી દૂર દેશના ભક્તજનો તથા સદગુરુ વગેરે સંત આવી પહોંચશે ને તેઓ પણ મને રહેવાની પ્રાર્થના કરશે. તે સર્વેનો અનાદર કરીને અંતર્ધાન થવું તે સારું નહિ, માટે કોઈ ન જાણે તેમ કરું, જેથી કોઈ પણ મને રહેવાની પ્રાર્થના કરી શકે નહિ. માટે હવે તો તુરત જ આ મનુષ્ય લીલા સંકેલી લઉં."
આમ વિચારી બાપાશ્રીએ અષાડ સુદ ત્રીજને દિવસથી પ્રકરણ ફેરવ્યું. સવારમાં નાહી, પૂજા કરી મંદિરની ઓશરીમાં જ્યાં રોજ સભા થતી ત્યાં પોતાના આસને સૂઈ રહ્યા. સમય થયે હરિભક્તોએ કથા કરી પણ પોતે કાંઈ બોલ્યા જ નહિ. સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. પછી જ્યારે ઘેર ઠાકોરજીને જમાડવા ગયા ત્યારે પણ મને આજ રુચિ નથી એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. પાછા મંદિરમાં આવી ઓરડે સૂતા. તે સાંજે હળવે હળવે ઘેર ગયા. રાત્રે સભામાં આવ્યા પણ એમ જણાય જે આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. એમ ને એમ સભામાં કથા થઈ રહી ત્યાં સુધી બેઠા. પછી ઊઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખતે લડથડિયું આવી ગયું તેથી સેવક પ્રેમજી ને પૌત્ર જાદવજીભાઈએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા. થોડી ટાઢ લાગતી હોવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યા. કોઈ હરિભક્તો આવે ને પૂછે તે સૌને એમ કહે જે જરા ટાઢ વાય છે તે હવે ગોદડું ઓઢીને સૂતા સૂતા મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે, એમ સૌને કહેતા બાપાશ્રી પોઢી ગયા. બાપાશ્રીના દીકરા બન્ને ઘણી વાર બેઠા ને સેવા કરતા કરતા બાર વાગ્યા એટલે સર્વે સૂતા. એક વાગ્યાના સુમારે બાપાશ્રી ઓચિંતાના બેઠા થઈ ગયા ને પાસે સૂતેલા સેવક પ્રેમજીને જગાડી, તેના ઉપર ખૂબ રાજીપો જણાવ્યો. સાથે સાથે પોતે અંતર્ધાન થવાના છે એમ જણાવી એ વાત કોઈને પણ જણાવવાની ના પાડી ને કહ્યું કે હમણાં તું કોઈને કહીશ તો હું તારા ઉપર રાજી નહિ થાઉં. સ્વામીશ્રીને ખબર આપવાનું પૂછ્યું તો પણ ના પાડી. આ સાંભળી પ્રેમજી અત્યંત ઉદાસ થઈ ગયો.
બીજે દિવસે એટલે કે અષાડ સુદ 4ને રોજ સવારે શરીરમાં ઘણી અશક્તિ જણાવી. નહાવા જવા માટે પણ માંચીમાં બેસીને ચોકમાં આવ્યા. પછી નવડાવી, પૂજાનાં દર્શન કરાવીને જમવાનું પૂછ્યું તો પણ ના કહી. છેવટે ખૂબ આગ્રહ કર્યો એટલે સાકર નાખેલું કઢેલું દૂધ મહારાજને ધરાવીને થોડુંક પીધું. પછી કહે જે, 'ગરમી બહુ થાય છે તેથી વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. પછી વાડીએ જવા ગાડી બોલાવી ને ગાડીમાં બેસાર્યા ત્યારે પોતાના બંને પુત્રો જે કાનજીભાઈ ને મનજીભાઈ, તેમને પાસે બોલાવીને કહ્યું જે, "હવે મારા દેહનો નિરધાર નથી તેથી તમે સૌ ખબડદાર રહેજો. તમે મારો ચીલો રાખજો, મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ; ધ્યાન, ભજન, કથા-વાર્તા નિરંતર કર્યા કરજો; તમે મૂંઝાશો મા, હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો." આવાં વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ તથા પાસે ઊભેલા અન્ય સૌ અતિ ઉદાસ થઈ ગયા ને સૌના નેત્રમાંથી જળ પડવા લાગ્યાં. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું જે, "તમે કોઈ દિલગીર ન થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ." એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસ જોઈ બોલ્યા જે, "સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે ત્યારે તમને બધુંય ઠીક કરી દેશે." એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. વાડીમાં કૂવાના થાળામાં બેસી શરીર ઉપર ખૂબ પાણી રેડાવ્યું. પછી ધોતિયું બદલાવી ખાટલા પર સૂતા. જમવાની રુચિ ન હોવા છતાં ખૂબ આગ્રહને લઈને એક ગ્રાસ જમ્યા. પછી લઘુ કરી નહાવાની રુચિ જણાવી, તેથી થોડી વાર નવડાવ્યા. ત્યાર બાદ માંચીમાં બેસારી બાપાશ્રીને ઘેર લાવ્યા. બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી લાવ્યા ત્યારે બાપાશ્રી કહે હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહિ. એમ કહી પોઢી ગયા.
પછી તો કોઈ હરિભક્તો 'જય સ્વામિનારાયણ' કહીને બોલાવે તો નેત્ર ઉઘાડી સામું જોઈ તરત જ નેત્ર મીંચી દે. લઘુ કરવા ઊઠે ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત કરે નહિ. રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું તે થોડું પીધું ને જાગ્રત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત-હરિભક્તો પાસે હતા, તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુંકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઇચ્છા કરી. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત્ કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તો પણ કાંઈ બોલ્યા નહિ. નેત્ર મીંચી દીધાં તે જાણે સમાધિ થઈ હોય ને શું! તેમ ઘણી વાર દર્શન આપ્યાં. પછી સૌ બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. આખરે સૌને મૂર્તિના સુખે સુખિયા કરી અતિ દયાળુ મૂર્તિ બાપાશ્રી પોતાનો લીલા-વિગ્રહ બંધ કરી આ લોકમાંથી સં. 1984ના અષાડ સુદ 4ની રાત્રિએ એક વાગે અંતર્ધાન થયા.
વીજળીના આંચકા જેવા આ આઘાતજનક સમાચાર વાયુવેગે ગામેગામ પ્રસરી ગયા. દિવસ ઊગ્યા પહેલાં તો ચોવીસે ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડા-ઘેલાની માફક ઉતાવળા આવ્યા. દિવસ ઊગ્યા સમયે તો આઠ-દશ હજાર જેટલો સંત-હરિભક્તોનો સમૂહ એકત્ર થઈ ગયો. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા સર્વે સંત-હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું, પરંતુ બાપાશ્રીએ બધાયનાં નાડી-પ્રાણ આકર્ષણ કરી, સૌને એવું તો બળ પ્રેર્યું કે કોઈ વિલાપ કરી શક્યા નહિ. અશ્રુભીની આંખે બાપાશ્રીને પાલખીમાં બિરાજમાન કરી, વિરહનાં કીર્તન બોલતા બોલતા, સર્વે જનોને દર્શનાર્થે બાપાશ્રીની પાલખીને સમગ્ર ગામમાં ફેરવીને છત્રીસ્થાને લાવ્યા. પછી બાપાશ્રીને ધૃતથી નવડાવી, અગ્નિસંસ્કાર વિધિ કર્યો. એ સમયે હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારુ અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહિ. તે વખતે બાપાશ્રીએ સૌને ધીરજ પ્રેરી એટલે સર્વે શાંત થઈ ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાનવિધિ કરી વિરહનાં કીર્તન બોલતા બોલતા બાપાશ્રીને ઘેર આવી મંદિરમાં આવ્યા. એ સમયે એકત્ર થયેલ વિશાળ શ્રદ્ધાંજલિ સત્સંગ-સભામાં સર્વેએ પરમ કૃપાળુ બાપાશ્રીના અલૌકિક જીવનનાં પોતાનાં સંભારણાં ને સ્વાનુભવો મુક્ત કંઠે રજૂ કર્યાં, તે સાંભળી સૌનાં નેત્રો અશ્રુભીનાં થઈ ગયાં. વળી સર્વે સંત-હરિભક્તોના મુખમાંથી એ સમયે એક સરખો સૂર નીકળ્યો કે, "આપણામાંથી કોઈને ક્યારેય પણ બાપાશ્રી વિષે જાણ્યે-અજાણ્યે મનુષ્યભાવ આવ્યો હોય તો તે સર્વની આર્દ્ર નયને અને તપ્ત હૃદયે આ ક્ષણે અંતરમાં તેમની માફી માગી તેનું નિવારણ કરી લેવું. તો જ આપણે સૌ અહીં એકત્ર થયા તે સાર્થક. દોષની ક્ષમાયાચના અને સત્સંગને વિષે દિવ્યભાવ રાખવો એ જ બાપાશ્રીને સર્વોત્તમ શ્રદ્ધાંજલિ છે."
જય શ્રી સ્વામિનારાયણ ને તેમના અનાદિ મુક્ત 'બાપાશ્રી'....