૧૫. સમાપન
(અ) આવ્યા અબજીબાપા
શ્રી શ્રીજીમહારાજ જે, અનંત મુક્તના રાય;
તે પ્રભુના સંકલ્પથી, આવ્યા અબજીબાપા.-1
સંવત ઓગણીસો એકની, પ્રબોધિની ને સોમ;
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય જે, આવ્યા અબજીબાપા.-2
ધન્ય ધન્ય કત્સ્યપ દેશને, ધન્ય ધન્ય વૃષપુર ગામ;
ધન્ય ધન્ય કણબી જ્ઞાતિને, આવ્યા અબજીબાપા.-3
ધન્ય કુળ પાંચાણીનું, ધન્ય છે દેવબા માત;
અનંત જન્મના પુણ્યથી, આવ્યા અબજીબાપા.-4
પંક્તિ પાછળ રહી ગયા, જેણે પ્રીછ્યા નહિ મહારાજ;
તેની ખામી ભાંગવા, આવ્યા અબજીબાપા.-5
શ્રી શ્રીજીમહારાજનો, દિવ્ય સત્સંગ બાગ;
કૃપા વર્ષા કરી પોષવા, આવ્યા અબજીબાપા.-6
ત્યાગી, ગૃહી, બાઈ-ભાઈના, સૌ સૌના જે ધર્મ;
તેમાં અચળ રખાવવા, આવ્યા અબજીબાપા.-7
મહાપ્રભુની પત્રીથી, વિરુદ્ધ જે જે કર્મ;
તેનાં મૂળ ઉખેડવા, આવ્યા અબજીબાપા.-8
શ્રી શ્રીજીમહારાજ ને, અનાદિ મહામુક્ત;
તેનો મહિમા ગાવવા, આવ્યા અબજીબાપા.-9
અનંત જીવ આ જગતના, મોકલવા પ્રભુ ધામ;
રતિલાલ કહે પ્રીતથી, આવ્યા અબજીબાપા.-10
- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા
(બ) એ છે અબજીબાપા
અગણિત જીવ ઉદ્ધારવા, ખેલ ખેલે મહામુક્ત;
પહેલે નંબરે આવતા, એ છે અબજીબાપા.-1
મહાપ્રભુની મૂર્તિમાં, મસ્ત રહે અહોનિશ;
મસ્ત દશા છે જેમની, એ છે અબજીબાપા.-2
સહજ સમાધિ જેમને, રહે માસ બે માસ;
રસબસ છે જે મૂર્તિમાં, એ છે અબજીબાપા.-3
આત્યંતિક કલ્યાણની, કરતા જે વળી ખેડ;
મૂર્તિમોલ પકાવતા, એ છે અબજીબાપા.-4
વેષ ધર્યો કૃષિકારનો, બોલે ચાલે તેમ;
દિવ્ય દશા જ્યાં ઝળકતી, એ છે અબજીબાપા.-5
ભોળા જીવ જાણે નહિ, નર નાટકના ભેદ;
સુર મુનિને પણ અગમ જે, એ છે અબજીબાપા.-6
ધન્ય છે નિર્ગુણ સંતને, જેણે ઓળખ્યું મહારત્ન;
ચીંથરે વીંટ્યું રત્ન છે, એ છે અબજીબાપા.-7
ગજગતિ ચાલે ચાલતા, વળી કરતા રમૂજ અનેક;
સંત અખાડો હોય જ્યાં, એ છે અબજીબાપા.-8
સત્સંગનું જે તિલક છે, મદભરી જેની આંખ;
ગરવા ગુણ ગંભીર જે, એ છે અબજીબાપા.-9
તરી રહે જે એકલા, મર હોયે લાખું જન;
રતિલાલ કહે જાણજો, એ છે અબજીબાપા.-10
- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા
(ક) એ તો અબજીબાપા
કરી ન શકે કોઈ કામ જે, ધરી શકે નહિ હામ;
સહેજે સાધે કામ તે, એ તો અબજીબાપા.-1
પાપી ફેલી જીવ જે, અસુર અંશ પ્રધાન;
તરત તેને પલટાવતા, એ તો અબજીબાપા.-2
કીટ ભ્રમરવત્ જે કરે, જીવમાંથી વળી શિવ;
જોડી દે જે મૂર્તિમાં, એ તો અબજીબાપા.-3
અજ્ઞાની ને પામર જીવો, તેનાં ન ગણે કર્મ;
એવું દિલ દરિયાવ છે, એ તો અબજીબાપા.-4
આગળ વંદે પાછળ નિંદે, 'પણ પણ' કરતા જેહ;
જાણે પણ નહિ ગણતા જેને, એ તો અબજીબાપા.-5
નિગમ જેને 'નેતિ' કહે છે, શ્રીજી કહે નિજ રૂપ;
રહી મૂર્તિમાં તાણે સૌને, એ તો અબજીબાપા.-6
એક પંક્તિમાં પીરસે સૌને, હોય રાહુ કે દેવ;
અભેદભાવે અમૃત આપે, એ તો અબજીબાપા.-7
દેવને અમૃત રગરગ વ્યાપે, રાહુને રહે કંઠ;
રાહુને પણ દેવ કરંતા, એ તો અબજીબાપા.-8
મૂર્તિ છે મહારાજની, દિવ્ય સદા સાકાર;
સત્સંગ જેને દિવ્ય જણાયો, એ તો અબજીબાપા.-9
ત્રિકાળમાં જે મૂર્તિ દેખે, રહે સદા જે મૂર્તિમાં;
રતિલાલ કહે આપે મૂર્તિ, એ તો અબજીબાપા.-10
- અ. મુ. પૂ. શ્રી રતિલાલ કરુણાશંકર ઓઝા