૫. અખંડ ધ્યાનસ્થ સ્થિતિ ને સમાધિ દર્શન
બાળપણથી જ બાપાશ્રીની દિવ્ય સ્થિતિ જણાઈ આવતી હતી. માતુશ્રી દેવબા જણાવતાં કે બાપાશ્રી બહુ ઓછું સ્તનપાન કરતા. ક્યારેક મહિને તો ક્યારેક બે મહિને ને ક્યારેક તો ત્રણ-ચાર મહિના સ્તનપાન કર્યા વગર મૂર્તિમાં નિમગ્ન રહેતા. બાપાશ્રી આમ બાળપણથી જ સહજ સમાધિસ્થ વર્તતા.
બાપાશ્રી જ્યારે સમાધિદશામાં હોય ત્યારે બીજાને તો સુખેથી સૂતા હોય તેમ જણાય, પણ પોતે તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી ગયા હોય અને એ મૂર્તિના અપરિમ્ અપરિમ્ સુખનો દિવ્યાનંદ માણતા હોય. આ સમાધિકાળમાં દેહની એકેય ક્રિયા ચાલતી નહિ. નાડી ગતિહીન અર્થાત્ સ્તબ્ધ થઈ જતી; ખાવું, પીવું, શૌચાદિક વગેરે હોય જ શાનું? ઘરમાં, વાડીએ ગમે ત્યાં સમાધિ થતી. ઘરમાં પણ સૌને ખબર પડી ગયેલી એટલે બાપાશ્રી સમાધિમાં જાય ત્યારે માથે કપડું ઓઢાડી દે ને પાસે બેસીને ખબર રાખે. ગામ-બહારગામના હરિભક્તો પણ બાપાશ્રીની સમાધિસ્થ સ્થિતિના દર્શન કરવા આવતા. બાપાશ્રી તો એ બધાથી અલિપ્ત થકા બે-પાંચ, આઠ-દસ દિવસે સમાધિમાંથી જાગે ત્યારે કોઈ પૂછે તો સાધારણ વાત કરે જે, "હું તો જાણે અક્ષરધામમાં જતો રહું છું; મને ખબર રહેતી નથી, મહારાજ કરતા હોય તે ખરું!"
બાપાશ્રીના લગ્ન સમયનો પ્રસંગ જોઈએ. આ મુક્તશ્રી લગ્ન પ્રસંગે ગાડા (વહેલ)માં બેસતા જ મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી ગયા, જાણે નિદ્રામાં જતા રહ્યા હોય એમ સૌને જણાયું ત્યારે સાથે બેઠેલા જાનૈયા ને જાનડીઓ કહેતાં કે, "આ તો આવા ને આવા જ રહ્યા. આમને તો ઘરની કે બહારની કાંઈ ખબર જ નથી. જગન હોય કે લગન હોય, પણ જ્યાં બેઠા હોય ત્યાં આમ ને આમ જ મહારાજની મૂર્તિમાં થીજી જાય છે. એ બધુંય ઠીક, પણ લગ્ન થાય એ ટાણે આમ ન કરતા હોય તો ઠીક." એમ કહીને હસતે મુખે એ તો ગીત ગાતા જ જાય. આ મુક્તરાજ તો શ્રીજીમહારાજના અલૌકિક સ્વરૂપમાં તલ્લીન હોય. આ રીતે જાન નારણપુર થઈ માનકૂવા ગામે પહોંચતા પહેલાં મુક્તશ્રી જાગ્રત થયા. ત્યારે પાસે બેઠેલા સૌએ કહ્યું કે, "ભાઈ! આમ લગ્ન ટાણે સૂવાનું હોય?" ત્યારે આ મુક્તરાજ કહે: 'સૂવે છે કોણ? આપણે તો મહારાજની મૂર્તિથી જરાય વારે જુદા ન રહેવું, સૂવુંય નહિ ને જાગવુંય નહિ, ખાવુંય નહિ ને પીવુંય નહિ, મહારાજ સાથે જોડાઈ રહેવું." પણ એ સુખમાં ગતિ ન પહોંચી હોય ત્યાં સુધી એવાં વચન તેઓ ક્યાંથી સમજી શકે? આ પ્રકારે લગ્નવિધિ પૂરો થયો પણ મુક્તરાજ તો મૂર્તિમાં જ જોડાયેલા રહ્યા હતા. કોઈએ તેમને પૂછ્યું ત્યારે ઉત્તરમાં કહ્યું કે, "તમને મહારાજ સિવાય બીજું કેમ દેખાય છે? મને તો એ મૂર્તિ સિવાય બીજું કાંઈ નજરમાં જ આવતું નથી." આવાં વચનથી તેમની અલૌકિક સ્થિતિની વાત વધુ ને વધુ પ્રસરતી ગઈ.
આ રીતે થોડાં વર્ષ વીત્યા પછી જ્યારે આ મુક્તરાજને બરાબર યુવાવસ્થા આવી ત્યારે પણ સૌ કોઈ જાણી ગયું હતું કે બીજા મનુષ્ય જેવા આ નથી; આ તો કોઈ મહારાજના મોટા મુક્ત જ છે. નહિ તો યુવાન અવસ્થામાં વૃદ્ધાવસ્થા જેવી રીત ન હોય. આમનું બોલવું, ચાલવું, જમવું, રમવું એ સર્વે જુદી જ રીતનું જણાય છે. સંતો પાસે અત્યંત દાસભાવ બતાવે છે, હરિભક્તો પાસે મિત્રભાવે વર્તે છે, માતાપિતા પાસે શિશુભાવ, સગાંવહાલાં સાથે સ્નેહભાવ જણાવે છે, પણ જેની સાથે વાતો કરે છે તેમાં મૂર્તિ વિના બીજા શબ્દ બોલતા નથી. એક એક વાતે મૂર્તિનું દ્રષ્ટાંત દઈને જ વાત કરે છે. આવા આ અનાદિ મુક્તરાજનાં દર્શનથી આનંદ પામતાં દેવબાઈને જ્યારે વૃદ્ધાવસ્થા જણાવા માંડી, ત્યારે પોતે તેમની પાસે બેસી શ્રીજીમહારાજની મૂર્તિ કેમ ધ્યાનમાં લેવી તે વાત કરવા લાગ્યા. ક્યારેક મૂર્તિનાં કીર્તન બોલે, પછી મહારાજનાં અંગોઅંગનું વર્ણન કરી સમજાવે, લીલાચરિત્ર કહે, પણ જ્યાં એ મૂર્તિના સુખનું બરાબર વર્ણન આવે ત્યાં પોતે જ સમાધિમાં જતા રહે, તેથી દેવબાઈને તેમના વિશે દિવ્યભાવ વધતો ગયો.
બાપાશ્રી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એકબીજામાં પરસ્પર વાતો થતા તેમની સ્થિતિની ઘણાઓને ખબર પડતી ગઈ. એ વખતે દહીંસરામાં કેસરોભાઈ, સુખપુરમાં દેવજીભાઈ, માંડવીમાં મહાસમર્થ લક્ષ્મીરામભાઈ, ભૂજમાં સૂરજબા, કેરામાં સદાબા ને રામપુરામાં ધનબા- એ પ્રસિદ્ધ મુક્તો હતાં. એ સર્વેને પણ આ મુક્તરાજ અબજીભાઈની સ્થિતિ બહુ જ મોટી લાગતી. જ્યાં સુધી આ મુક્તરાજ પોતાનું સાર્મથ્ય ઢાંકીને વર્તતા હતા ત્યાં સુધી તો સૌ મનમાં ને મનમાં જાણતાં, પણ જ્યારે નિરાવરણ દૃષ્ટિવાળા મોટા સંત સદગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામી તથા માંડવીમાં રહેતા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, સૂરજબા, ધનબા, કેસરાભાઈ, દેવજીભાઈ એવા મહાસમર્થ મુક્તોએ તેમનો મહિમા કહેવા માંડ્યો, ત્યારે સૌ કોઈની વૃત્તિ તેમના સામી તણાવા લાગી. આજુબાજુનાં ગામોમાં કથાપ્રસંગ હોય, સમૈયા હોય, મૂર્તિઓ પધરાવવાની હોય અથવા સગાંવહાલાંઓને ત્યાં નાતતેડાં હોય ત્યારે હરિભક્તો તેમને હેતે સહિત મળતા, બોલાવતા, પ્રાર્થના કરી રાજી કરતા. બાપાશ્રી પણ સૌની સાથે જાય-આવે, પણ પોતાને તો અખંડવૃત્તિ મૂર્તિમાં જ રહે. વૃષપુર કે બીજે ગામ એકાદ દિવસ સૂઈ રહ્યા હોય ત્યારે સહુને એમની ખબર જે, પોતાની મેળાએ ઊઠે છે, તેથી કોઈ ઉઠાડે નહિ. વાડીમાં કે ઘેર મહારાજની વાત કરતા હોય ને નેત્ર ઘેરાવા લાગે કે વાત અધૂરી રહે ને ઢળી પડે; બીજા જાણે સૂઈ રહ્યા, પણ પોતે તો સમાધિદશામાં રહેતા. કલાકે, બે કલાકે, ચાર કલાકે જ્યારે જાગે ત્યારે જે કામ કરવાનું હોય તે ઊઠીને કરવા માંડે- આવી રીતે નિરંતર અલૌકિકભાવે વર્તતા ને વ્યવહારિક કામકાજ કરતા.
ક્યારેક ઘાસનો કે કડબનો મોટો ભારો માથે ઉપાડીને આવતા હોય ત્યારે કોઈ એમ જાણે જે, આવડો ભાર આમનાથી કેમ ઊપડતો હશે? કોઈ પૂછે કે, "તમને ભાર નથી લાગતો?" ત્યારે પોતે એમ ઉત્તર આપે જે, "મહારાજની મૂર્તિ ધારીએ એટલે ભાર લાગે નહિ. આપણે મહારાજ વિના બીજું કાંઈ જોવું નહિ." આવા મર્મવચન બીજા ક્યાંથી સમજી શકે? એમની સ્થિતિને આ લોકના માણસ શું પારખી શકે?
કોઈ વખત વાડીમાંથી વહેલા બળદ ચારવા ગયા હોય ત્યારે ચાલતા ચાલતા પોતે ડુંગરા પર ચડી જાય, ત્યારે બળદ ક્યાંય ચરતા હોય તેની પોતાને ખબર ન રહે. કોઈ વખત બીજા સાથે હોય ને માર્ગ મૂકીને ટેકરા ઉપર જતા રહે ત્યારે સાથે હોય તે એમ પૂછે કે એમ ક્યાં જાવું છે? આમ કેમ કરો છો? ત્યારે પોતે એમ બોલે જે, તમારે મારગ સામું જોઈને ચાલવું ને મારે મહારાજ સામું જોવું, તે ફેર તો પડે જ ને?
બાપાશ્રીની સમાધિ સ્થિતિનાં દર્શન કરનાર સૌ કોઈને અહોભાવ મનાતું. સામાન્યપણે તો મહારાજની મૂર્તિમાં જ લક્ષ હોય તેવું હંમેશાં દેખાઈ આવતું. તેમ છતાં ક્યારેક સમાસાર્થે સ્વતંત્રપણે બાપાશ્રી સમાધિમાં જતા-આવતા. સં. 1942માં છસો માણસોનો સંઘ લઈ તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા ત્યારે પણ રસ્તામાં કાજરડા ગામની સીમમાં તથા મૂળી મંદિરમાં સમાધિ થઈ હતી. તે સમયે હજારો જનોને એ અલૌકિક દર્શનનો લાભ મળ્યો હતો. સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે પણ ઘણા દિવસો સુધી સમાધિમાં રહ્યા હતા. ભૂજ મંદિરના સંતોએ તો બાપાશ્રીની સમાધિની પ્રતીતિ થતા, ઘણી વાર દર્શન કરી સંતોષ-સુખ અનુભવ્યા હતા. પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી આવી સ્વતંત્ર સમાધિ રહ્યા પછી ધીમે ધીમે આ સ્વતંત્ર સમાધિનું અખંડ સમાધિમાં રૂપાંતર થતું ગયું. બાપાશ્રી હંમેશાં મૂર્તિમાં રહ્યા થકા જ બધી ક્રિયા કરતા. પોતાની સમાધિ સ્થિતિ વિષે બાપાશ્રીએ સ્વયં કહેલું જે, "અમે તો શ્રીજીમહારાજના અનાદિ મુક્ત છીએ ને તેમની મૂર્તિમાં રહીને અખંડ સુખ ભોગવ્યા કરીએ છીએ, પણ મૂર્તિમાં રહ્યા છીએ એ કોઈને નજરે દેખાય નહિ, માટે ખેંચાણ ન થાય તેથી અનેક જીવોના સમાસ અર્થે પહેલાં સમાધિ કરી અમારી સ્થિતિની સૌને પ્રતીતિ કરાવી અને હવે મોટા યજ્ઞ-પારાયણોનું આયોજન કરી, ગામેગામથી હજારો સંત-હરિભક્તોને તેડાવી શ્રીજીમહારાજનો પ્રતાપ જણાવી, તેમની મનોરમ દિવ્ય મૂર્તિનું સર્વેને સુખ આપીએ છીએ. અમે તો લાખો જીવોને મહારાજના સુખમાં પહોંચાડવા આવ્યા છીએ."
બાપાશ્રીની પ્રકૃતિ તો પ્રથમથી જ એવી હતી કે સહજ સ્વભાવે પોતે મૂર્તિના સુખની જ વાતો કરે, બીજું બોલે નહિ. આવા સ્વભાવથી તેમના તરફ સૌને વિશેષ આકર્ષણ થતું. હંમેશ એમ કહે જે, "આપણે તો મૂર્તિની જ વાતમાં ધ્યાન રાખવું. પ્રકૃતિનું કારખાનું સર્વે વિસારવાનું છે. મૂર્તિ રાખે તેને મારું-તારું ન હોય, હર્ષ-શોક ન હોય. મૂર્તિ મળી ન હોય તે ભલે કૂટે." આવી દિવ્યવાણીથી તેમની આધ્યાત્મિક સ્થિતિ સહેજે કળાઈ આવતી.
એક વખત સાંજના પોતાની નાનકડી દીકરી વાલબાઈને ગામમાંથી નવી વાડીએ જતાં તળાવની ભાગોળમાં ઢાળ છે ત્યાં કોઈ વિકરાળ જનાવર દીઠામાં આવ્યું. તેનું મોઢું મોટું ને પૂછડું લાંબું જોઈને રાડ નીકળી ગઈ. તે રાડ પોતે વાડીમાં સાંભળી. એ વખતે જાદવજી નામનો હરિભક્ત પાસે ઊભેલ, તેને મુક્તરાજ કહે, "જાદવા દોડ, જોને વાલબાઈએ કેમ રાડ પાડી?" ત્યારે તે હરિભક્તે પાસે જઈ ધીરજ દીધી ને બન્ને વાડીમાં આવ્યા. ત્યાં મુક્તરાજે માથે હાથ ફેરવીને પૂછ્યું જે, "વાલબાઈ! શું હતું? કેમ બીક લાગી?" ત્યારે તે કહે: "બાપા! મોટા પૂછડાવાળું ને મોટા મોઢાવાળું જનાવર કાળ જેવું હતું, તે જોઈને મારી તો રાડ નીકળી ગઈ." ત્યારે તેને મુક્તરાજ કહે: "બાઈ, આપણને કાળ બાપડો શું કરનારો હતો? કાળ કર્મ તો જીવને માથે હોય! આપણે તો શ્રીજીમહારાજના છીએ, તેથી એવી બીક ન રાખવી ને જ્યાં જઈએ ત્યાં મહારાજની મૂર્તિ ભેળી રાખવી, તેથી કોઈની બીક ન લાગે. મૂર્તિ વિના બીજા સહુ બીવરાવે એવા જ છે. મૂર્તિ હોય તો કોઈ પાસે આવી શકે નહિ. જોને સૂરજ હોય ત્યાં અંધારું આવે છે? હવે તું મહારાજને ભૂલીશ મા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, સૂતાં, બેસતાં, જાગતાં 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ' કહીએ, એટલે કોઈ પાસે જ આવી શકે નહિ." આમ જે જે વાત કરે તેમાં મહારાજનું મુખ્યપણું લાવતા.
ઘણી વાર પોતે અંતર્વૃત્તિ કરી બેઠા હોય તે દેખીને સંતો તેનો મર્મ જાણવા ક્યારેક એકાંતમાં બાપાશ્રીને પૂછતા કે, "તમને બેઠા બેઠા નિદ્રા આવી જાય છે કે ધ્યાનમાં ઊતરી જાઓ છો?" ત્યારે હસીને કોઈ વખત એમ કહે જે, "મને કાંઈ ખબર પડતી નથી!" કોઈ વખત કહે, "તમે જાણતા હો તે ખરું!" ક્યારેક તો એમ કહે જે, "નિદ્રા કે ધ્યાન મહારાજ ન મળ્યા હોય ત્યાં સુધી હોય. તે મહારાજ મળ્યા ક્યારે કહેવાય તો અનુભવે કરીને મળે ત્યારે મળ્યા કહેવાય. આમ મહારાજ મળ્યા પછી એ બધું શું કામ કરવું પડે? પછી તો મૂર્તિ સામું જ જોઈ રહેવાનું હોય. એમાં બધું આવી જાય." આવાં અનુભવ-વચન સાંભળી સંતોને ઘણો સમાસ થતો ને કાંઈ ને કાંઈ વાતનો પ્રસંગ કાઢી મહારાજના મહિમાની રહસ્યભરી વાતો જાણતા. બાપાશ્રી પણ અનહદ કૃપા કરી જોગમાં આવનાર સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિના સુખની વાતો કરી, તેમાં રસતરબોળ કરી દેતા. આવા દિવ્ય સ્વરૂપ અનાદિ મુક્તના પ્રત્યક્ષ જોગમાં આવી, તેમને યથાર્થપણે જેમણે ઓળખ્યા તેને શું બાકી રહે? તે સર્વે છતે દેહે જ શ્રીજીમહારાજની મૂર્તિના પરમ સુખને પામી ગયા.