૩. 'વર્તમાન' દીક્ષાવિધિ અને નામાભિધાન
એક વખત ભૂજથી મહાસમર્થ સંત સદ્. સ્વામીશ્રી અચ્યુતદાસજી પોતાના મંડળ સહિત શ્રીજીમહારાજની ઇચ્છાથી વૃષપુરમાં આવ્યા. ત્યારે મુક્તરાજ બાપાશ્રીના પિતા પાંચાભાઈ સ્વામીને મોટા સમર્થ ને નિરાવરણ દૃષ્ટિવાળા જાણીને પોતાના પુત્રને વર્તમાન ધરાવવા ને નામકરણવિધિ કરાવવા સારુ સ્વામીશ્રી પાસે લાવ્યા. ત્યારે સ્વામીશ્રી અચ્યુતદાસજી તે બાળસ્વરૂપ મુક્તના મુખ સામું બે ઘડી જોઈ રહ્યા ને તેમને ઓળખી લીધા. પછી તો મુક્તરાજનો જમણો હસ્ત પોતાના હાથમાં લઈને તેમાં ચિહ્ન જોઈને અતિ પ્રસન્ન થયા ને જળ રેડીને 'સ્વામિનારાયણ' એ ષડાક્ષર મંત્ર બોલીને વર્તમાન ધરાવ્યા. ત્યાર બાદ સ્વામીએ બાળસ્વરૂપ મુક્તના કંઠને વિષે તુલસીના મણકાની બેવડી માળા પહેરાવી અને ભાલને વિષે કુંકુમનાં ચાંદલા સહિત કેસરચંદનનું ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું તેમ જ બે બાહુ ને હૃદયને વિષે કેસરચંદનનું તિલક કર્યું. પછી પાંચાભાઈએ સ્વામીને 'નામકરણ' કરવા કહ્યું. ત્યારે સ્વામીશ્રીને બાળસ્વરૂપ મુક્તરાજ તેજોમય સ્વરૂપે દેખાતા તેમણે 'અબજીભાઈ' એવું અર્થગંભીર નામ પાડ્યું અને એ નામમાં સમાયેલો ગર્ભિત અર્થ એક સવૈયા (છંદ) દ્વારા જણાવ્યો :
'અ'ક્ષરકોટી પર પુરુષોત્તમની મૂર્તિમાં રહે જોડાઈ,
'બ'હુ જનને કરવા હરિ સન્મુખ એ જેની છે વડી વડાઈ;
'જી'વનદાતા સત્સંગીના, જેની કીર્તિ અતિ ગવાઈ,
'ભ્રાતા'વત્ હિતચિંતક જનના, નામ રૂડું શ્રી અબજીભાઈ.
પછી સ્વામીશ્રી બાળમુક્તશ્રીના પિતા પ્રત્યે બોલ્યા જે, 'હે પાંચાભાઈ! આ તમારા પુત્ર બહુ મોટા ને બહુ સમર્થ છે; આ લોકનાં બીજાં બાળકો જેવા નથી. દેખાય છે નાના પણ બહુ મોટા છે. તમારા ને આ દેશનાં ભાગ્ય મોટાં બહુ. આમની તો આગળ જતાં ખબર પડશે, સત્સંગ બધોય દીપાવશે. કંઈકનાં કલ્યાણ કરશે. મોટા મોટા સંતો આ મુક્તરાજનો જોગ-સમાગમ કરવા દરિયા ઊતરી ઊતરીને અહીં આવશે, એવા છે.' એમ કહી માથે હાથ મૂકી બહુ પ્રસન્નતા જણાવી.