૪. વિલક્ષણ બાલ્યકાળ ને કિશોરાવસ્થા

0:000:00

શ્રીહરિજીના લાડીલા એવા બાળસ્વરૂપ મુક્તશ્રીની બાળલીલા પણ અદભુત હતી. એક વખત દેવબાએ તેમને તેડ્યા ત્યારે બહુ જ ભાર જણાયો તેથી આશ્ચર્ય પામી હેઠા ઉતારી દીધા, ત્યારે વળી મુક્તશ્રીએ લાંબા હાથ કર્યા એટલે ફરીથી તેડ્યા ત્યારે અતિશય હળવા લાગ્યા.

એક દિવસ ઘરમાં બાળસ્વરૂપ બાપાશ્રીને સુવાડ્યા હતા અને દેવબાઈ બહાર કંઈક કામ લઈ બેઠેલાં. ઘડી ઘડી વારે નજર તો એમના તરફ જ રહેતી. થોડી વાર થઈ ત્યાં તો ઘરમાંથી ખસતા ખસતા પોતાની મેળે બહાર આવ્યા. દેવબાઈએ જોયું તો કપાળમાં ચંદનની આડ ને કુંકુમનો મોટો ચાંદલો, કંઠમાં ફૂલનો હાર પહેરેલ! એથી આશ્ચર્ય પામ્યાં કે આ શું!! ઘરમાં જઇને જોયું તો ત્યાં પણ કુંકુમ તથા ફૂલ પડેલાં દીઠાં, પછી વિચાર કરવા લાગ્યાં જે, હું આંગણામાં બેઠી છું અને અહીંથી તો કોઈ ગયું-આવ્યું નથી! આ તે કેમ થયું હશે! નક્કી મહારાજના મુક્તો એમનો મહિમા જાણી પૂજા કરી ગયા હશે! બાળ મુક્તશ્રીનું આ દિવ્ય ચરિત્ર જોઈ દેવબા આશ્ચર્ય પામી આનંદમગ્ન થઈ ગયાં ને હેતે સહિત તેમને રમાડવા લાગ્યાં.

એક વખત મુક્તશ્રીએ ઘણા દિવસ સ્તનપાન ન કર્યું, તેથી માતુશ્રી ઉદાસ થઈ ચિંતા કરવા માંડ્યાં; ત્યારે શ્રીજીમહારાજે તેજોમય દર્શન દઈ કહ્યું : "બાઈ, કેમ ભૂલી જાઓ છો? આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે. તેઓ તો એક અમને જ જુએ છે, એમને અમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ છે જ નહિ. એમના દર્શન-સેવા તે તો અમારાં દર્શન-સેવા તુલ્ય જાણજો. એમના જન્મથી તમે તો કૃતાર્થ થઈ ગયા છો. તમારે હવે કાંઈ કરવું રહ્યું નથી, પણ તેમના વિષે ક્યારેય મનુષ્યભાવ આવવા દેશો નહિ." શ્રીજીમહારાજના આવાં રમણીય દર્શનથી દેવબા અત્યંત આનંદમાં આવી ગયાં; શોક સર્વે વિસરી ગયો.

બાપાશ્રીનું શરીર શરૂથી જ ભરાવદાર અને હૃષ્ટપુષ્ટ હતું. વિશાળ ભાલ, લાલાશ પડતી આંખો, પાંખી ભ્રમરો, અણિયાળી નાસિકા, મોટા કાન, રાતા હોઠ, હસતા હોય ત્યારે દાડમકળી જેવા શોભતા દાંત ને મુખ તો અજબ આકર્ષણ કરી લે તેવું મનોહર લાગતું; ઊંચા ખભા, લાંબા હાથ, મજબૂત કાંડા, જાડી આંગળીઓ, વિશાળ ઊપડતી છાતી, કેડ, સાથળ, પિંડી, પાની, ઘૂંટી, ચરણ, તળાં- એમ દરેક અંગ બહુ શોભાયમાન હતાં. એમની અલૌકિક છોગલાધારી પાઘડી, આંગડી, લાકડી, હાલચાલ- એ બધું જોનારનાં ચિત્તને આકર્ષણ કરી લે એવું વિલક્ષણ હતું; જાણે કોઈ ચમત્કારિક દિવ્ય પુરુષ હોય એમ સહેજે સૌને જણાઈ આવતું.

પાંચમા વર્ષે મુક્તરાજે ભણવાનું શરૂ કર્યું. બીજાં બાળકો સાથે નિશાળે ભણવા જતાં. નિશાળમાં તેઓ આંક ને અક્ષરજ્ઞાન શીખ્યા ને એમ ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યા. પછી તો પાંચા પિતાનો વ્યવહાર દુર્બળ હોવાથી વધુ ભણવાની સગવડ નહિ. વળી વાડીએ પણ જવું પડતું. તેથી નિશાળે જઈને આગળ ભણવાનું શક્ય ન બન્યું. તેમ છતાં પોતાની મેળે લખવું, ગમે તે પુસ્તક હોય તે વાંચી તેનો સારાંશ જાણી લેવો, તેમાં નિપુણ હતા. વચનામૃત, ભક્તચિંતામણિ આદિ ગ્રંથો પણ આપમેળે જ વાંચી ભાવાર્થ સમજી લેતા. વળી દેશભાષા, વ્યાકરણભાષા તથા ધર્મશાસ્ત્ર એ આદિ સર્વે વિદ્યા પોતાની મેળે જ બાલ્યાવસ્થામાં જ શીખી લીધી હતી.

રમત-ગમતમાં પણ બાપાશ્રી એક્કા હતા. તેઓશ્રી અજિત મનાતા, તેથી દરેક પક્ષ બાપાશ્રી પોતાના તરફ આવે તેમ ઇચ્છતો. તેમની સાથે રમવું બધાં બાળકોને ગમતું. તેમનો સ્વભાવ બાલ્યાવસ્થાથી જ સૌમ્ય, રમૂજી ને આનંદી હતો. તેમની રમતો પણ આશ્ચર્ય ઉપજાવનારી ને ન્યારી જણાતી. બાળસખાઓને એકત્ર કરીને 'મંદિર-મંદિર, મૂર્તિ-મૂર્તિ' રમે! 'દર્શન કરો, પ્રસાદી લો' કરી, સૌ બાળકોને ધ્યાન કરાવે. બીજા ધ્યાન કરવા થોડીવાર આંખો મીંચી રાખે ત્યાં તો આ મુક્તરાજ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ઊતરી જાય! બાળકો જગાડવાનું કરે, પણ કોણ જાગે? વાટ જોઈને સહુ થાકે ત્યારે બીજે સ્થળે રમવા માંડે. ઘણીવારે પોતે ઊઠીને સૌ રમતાં હોય ત્યાં જઈને રમવા લાગે એટલે બાળકો કહે: 'ભાઈ ઊંઘીને આવ્યા!' ત્યારે પોતે કહે: 'ઊંઘે છે કોણ! હું તો ધ્યાન કરતો હતો ને મહારાજ તેજોમય દેખાતા હતા. તમે પાણા ને ધૂળથી રમવા માંડ્યા ને હું તો મહારાજ ભેળા મોટા મોટા સાધુ હતા તે ભેળો રમતો હતો.' અબુધ બાળકો આવી અલૌકિક વાત ક્યાંથી સમજી શકે!

એક દિવસ બાપાશ્રી બાળસખાઓની સાથે નદીના કાંઠે ખજૂરીની ઘાટી ઝાડીમાં રમવા ગયા. ત્યારે બધાં બાળકોને એમ જે, આ અબજીભાઈ દોડે છે તે પકડાતા નથી. અને આપણે બહુ દોડીને પકડીએ છીએ તો બાથમાંથી નીકળી જાય છે, માટે આજે તો બધા ભેગા મળીને તેમને પકડીએ, પછી જોઈએ એ કેવી રીતે છટકી જાય છે! એટલે એ પ્રમાણે નક્કી કરી, તાળી વગાડી, સૌ તેમને પકડવા દોડ્યા; ત્યાં તો જે બાળક દોડતો હોય તેની આગળ પોતે દોડતા જણાય. દોડનાર બીજી તરફ જુએ તો ત્યાં પણ દેખાય. એમ સૌની પાસે અલગ અલગ જણાતા ને આગળ દોડતા દેખી કોઈ પકડી ન શક્યા, તેથી નવાઈ પામી બાળકો થાકીને બેઠા. ત્યારે બાપાશ્રી પણ પાછા એક સ્વરૂપે થઈ તેમની વચ્ચે આવીને બેઠા, ને બોલ્યા જે, "હું તો મહારાજને જોઈ તેમની સાથે દોડતો હતો અને તમે બધાં તો આમતેમ જોતાં દોડતાં હતાં, તે મને ક્યાંથી પકડી શકો?" આની પાછળનો મર્મ એ છે કે ભક્તજનોએ ભગવાનમાં મનની વૃત્તિ રાખી હરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. આ લોકના પદાર્થોમાં જ્યાં ત્યાં વૃત્તિ ભમે તો મહારાજ ક્યાંથી હાથ આવે?

બાપાશ્રી ખૂબ સારા તરવૈયા પણ હતા. એક વાર બધાં બાળમિત્રો સાથે કાળી તલાવડીએ નાહવા ગયા હતા. ત્યાં ડૂબકી મારી ઝાઝી વાર પાણીમાં કોણ રહે છે એવી રમત કરવા લાગ્યા. બીજાં બાળકો તો બે, ત્રણ કે ચાર મિનિટમાં બહાર આવતા રહેતા, પણ બાપાશ્રી તો ડૂબકી મારીને તળિયે જઈ આસન વાળી ધ્યાનમાં બેસી ગયા. તે એક કલાક સુધી બહાર ન આવ્યા. બીજાં બાળકો તો ગભરાઈ ગયા કે ડૂબી ગયા કે શું! બધાએ એક પછી એક પાણીમાં ડૂબકી મારી. બાપાશ્રીને ઘણા શોધ્યા પણ જડે એ બીજા. છેવટે બાળકોએ ભગવાનને પ્રાર્થના કરી, ત્યાં તો 'સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!' કરતા બાપાશ્રી પાણીમાંથી બહાર આવ્યા. જ્યારે સખાઓએ પૂછ્યું જે તમે પાણીમાં તો હતા નહિ, તો ક્યાં ગયા હતા? ત્યારે બોલ્યા જે, "હું તો છપૈયામાં શ્રીજીમહારાજના દર્શન કરી નારાયણ સરોવરમાં ને ખાંપા તલાવડીમાં નાહ્યો ને ત્યાંથી ગઢડા, વડતાલ, અમદાવાદ, જેતલપુર, જૂનાગઢ, મૂળી, ભૂજ આદિ ધામોનાં દર્શન કરવા ગયો હતો ને તે બધે ઠેકાણે મહારાજ તો મારી સાથે ને સાથે હતા." આવી હતી બાપાશ્રીની અલૌકિક રીતિ! બાપાશ્રી આમ બાળકો સાથે રમત રમતમાં અધ્યાત્મ પાઠ શીખવી દેતા ને પોતાની દિવ્ય સ્થિતિનું દર્શન કરાવતા. નિત્ય પ્રત્યે આવી દિવ્ય ચેષ્ટાઓ કરી બાળમિત્રોને સુખ ઉપજાવતા હતા. પોતે તો અખંડ મૂર્તિમાં જ રહ્યા હોય અને બાળકોને એમ દેખાય કે આપણા ભેળા રમે છે, પણ તેમનું રમણ તો મહારાજની મૂર્તિમાં જ હતું.

આવી બાળલીલાઓ કરતા કરતા બાપાશ્રી વયે મોટા થવા લાગ્યા. કિશોરાવસ્થાથી જ બાપાશ્રી મોટા હરિભક્તની જેમ વર્તવા લાગ્યા હતા. બ્રાહ્મમુહૂર્તમાં જાગી મૂર્તિનું ધ્યાન કરતા તથા નામ-સ્મરણ કરતા. પછી નાહી-ધોઈ પૂજા કરતા. તિલક ચાંદલો કરી માનસી પૂજા કરતા, પ્રદક્ષિણા કરતા, શિક્ષાપત્રી ને વચનામૃતનો પાઠ કરતા ને એક ચોસર (ચાર પદવાળાં) કીર્તન બોલતા. નિત્યે મંદિર જઈ ઠાકોરજીને દંડવત્ કરી દર્શન કરતા; કીર્તન શીખતા-ગાતા; વચનામૃત, ભક્તચિંતામણિ આદિ ગ્રંથોની મધુર સ્વરે કથા કરતા. મુક્તશ્રીના મુખકમળની કથા સાંભળનારા સંત-હરિભક્તના ચિત્તનો નિરોધ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર થઈ જતી. કેટલાકને હૃદયમાં સાક્ષાત્ મૂર્તિ દેખાતી, તો કેટલાકને સિંહાસનમાં પધરાવેલી મૂર્તિમાંથી ઝળઝળાટ છૂટતું અપરંપાર અને અતિ શ્વેત, શીતળ ને શાંત એવું તેજ દેખાતું ને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ પણ તેજોમય દેખાતી ને બાપાશ્રી પણ તે મૂર્તિ ભેળા દેખાતા. ક્યારેક તેજે સહિત મૂર્તિ બાપાશ્રી પાસે આવીને અદૃશ્ય થઈ જતી એવું દેખાતું. તેણે કરીને સર્વેને શ્રીહરિની મૂર્તિના સુખનો આનંદ અક્ષરધામમાં છે તેવો જ છતે દેહે આવતો. વળી બાપાશ્રીના દર્શન-પ્રતાપે કરીને ત્રિવિધના તાપથી કોઈને પરાભવ પણ થતો નહિ. આવો હતો બાપાશ્રીનો સહજ દિવ્ય પ્રભાવ.

બાપાશ્રી ઠાકોરજીની તથા સંત-હરિભક્તની સેવા પણ શ્રદ્ધા અને માહાત્મ્યે સહિત કરતા. શ્રીજીમહારાજના નંદ સંતોએ રચેલા કીર્તનોમાંથી બાપાશ્રીને અગિયારસો ચોસર મુખપાઠ હતાં. તેમના મધુર કંઠે ને ઘેરે સાદે કીર્તન સાંભળવા એ પણ એક અમૂલ્ય લહાવો હતો. વળી પોતાના મિત્રગણને ભગવાન ભજવાનો ઉપદેશ કરતા કે, "ભગવાન સિવાય બધું જ દુઃખરૂપ છે ને મિથ્યા છે; એક શ્રીજીમહારાજની મૂર્તિ ને તેમના મુક્ત જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. માટે શ્રીજીમહારાજની આજ્ઞામાં રહી, કામકાજ કરતાં એક તેમની મૂર્તિ પામવાનો જ યત્ન કરવો. આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે રામકૃષ્ણાદિક સર્વે અવતારોના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, માટે એક તેમનો જ દૃઢ આશરો રાખવો. શ્રીજીમહારાજ અથવા તેમના અનાદિ મુક્ત મળે તેમને ઓળખીને તેમને શરણે થાવું તો સર્વે સાધન પૂરાં થઈ જાય ને આત્યંતિક મોક્ષ થાય."

બાપાશ્રી આમ કિશોરાવસ્થાથી જ પોતાના મિત્રો-સ્નેહી-સંબંધીઓને જ્ઞાનોપદેશ આપી શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરાવતા અને નિયમ ધર્મમાં રાખતા.