૮. બાપાશ્રીનો મહિમા મોટા મોટા સદગુરુઓને!
સૂરજ ઢાંક્યો ન રહે તેમ બાપાશ્રીની સ્થિતિ પણ છાની ન રહી. ખરો ઝવેરી હોય તે જ સાચા હીરાનું પારખું કરે. મહારાજનો ખરો મહિમા તો અનાદિ મુક્ત જ જાણે. કેટલાક સ્થિતિવાળા સદગુરુઓએ અનાદિ મુક્તરાજ બાપાશ્રીની અગાધ સ્થિતિ પારખી લીધી હતી. તેમના દ્વારા સમગ્ર સત્સંગમાં બાપાશ્રીની દિવ્ય સ્થિતિ વિષે જાણ થઈ ગઈ. તેથી અનેક સંત-હરિભક્તો બાપાશ્રીના દર્શન-સમાગમ કરવા આવવા લાગ્યા.
સદગુરુ સ્વામીશ્રી અચ્યુતદાસજી તો બાપાશ્રી નાના હતા ત્યારથી જ ઓળખી ગયા હતા. એટલે જ તો બાપાશ્રીને વર્તમાન ધરાવતા તેઓ બોલ્યા હતા કે "આ તો અનેક જીવનાં કલ્યાણ કરે એવા છે. દેખાય છે નાના પણ બહુ મોટા છે."
આદિ આચાર્ય મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પણ બાપાશ્રીને 'સમાધિવાળા અબજીભાઈ' તરીકે ઓળખતા. એક વખત જ્યારે આચાર્ય મહારાજશ્રી બીમાર હતા ને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેમને જોવા અમદાવાદ પધાર્યા હતા ત્યારે જોગાનુજોગ બાપાશ્રી પણ અન્ય હરિભક્તો સાથે અમદાવાદ પધારેલા. ત્યારે આચાર્ય મહારાજશ્રીએ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને 'આ કચ્છના સમાધિવાળા અબજીભાઈ' એમ કહી બાપાશ્રીની ઓળખ આપી હતી. એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને બાપાશ્રીને બાથમાં લઈ મળ્યા હતા.
સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીના સમર્થ શિષ્ય સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીને તો બાપાશ્રીનો બહુ મહિમા હતો. મોટા ભાગના સત્સંગને બાપાશ્રીની ઓળખાણ તેમણે કરાવી હતી. તેઓ તો સભામાં ચોખ્ખું જ કહેતા કે, "આજ શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે જ બધું કાર્ય કરે છે. માટે જેને મૂર્તિના સુખને પામવું હોય તેમણે બાપાશ્રીનો જોગ-સમાગમ અવશ્ય કરવો. ચપટી વગાડો તેટલી જ વારમાં આવરણ હટાવી મૂર્તિના સુખની અનુભૂતિ કરાવી દે એવા એ મુક્તરાજ છે." પોતાના શિષ્યોને પણ પોતાના દેહવિલય બાદ બાપાશ્રીનો જોગ-સમાગમ કરવાની આજ્ઞા કરી ગયા હતા. તેમાંય પોતાના પટ્ટશિષ્ય સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજીનો તો હાથ બાપાશ્રીના હાથમાં આપી બાપાશ્રીને આ સદગુરુ માટે ભલામણ કરી હતી કે, "ભાઈ, આ સાધુ તમારા છે, તમે એને સુખિયા કરજો." સ્વામીશ્રીના આવા વચનથી બાપાશ્રીએ તો સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને સુખ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને પણ બાપાશ્રી વિશે અનન્ય દિવ્યભાવ ને આત્મબુદ્ધિ હતી. બાપાશ્રીના વચને અમદાવાદ મંદિરની મહંતાઈનો ત્યાગ કરી બાપાશ્રીના સંકલ્પ અનુસાર શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવા-અપાવવાના સર્વોત્કૃષ્ટ કાર્યમાં જોડાઈ ગયા. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી સાથે એકરુચિવાળા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ પણ બાપાશ્રીના વચને ધોળકા મંદિરની મહંતાઈ છોડી દીધી હતી. તેમને પણ બાપાશ્રીએ મૂર્તિના સુખનો અનુભવ કરાવ્યો હતો. આ બંને સદગુરુઓની સાથે જોડાયેલા અમદાવાદ મંદિરના જ સદગુરુ શ્રી ઘનશ્યામજીવનદાસજીને પણ બાપાશ્રી વિષે દિવ્યભાવ ને ઘણો મહિમા હતો.
મૂળી મંદિરના સદગુરુવર્ય શ્રી હરિનારાયણદાસજી સ્વામી પણ બાપાશ્રીને જેવા છે તેવા ઓળખીને બાપાશ્રી સાથે અત્યંત હેત રાખતા. સં.1972માં છપૈયામાં જન્મસ્થાને શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે બાપાશ્રી નવસો માણસનો સંઘ લઈ છપૈયા ગયા હતા. ત્યાંથી વળતી વખતે સંઘના પચાસ માણસોને કોલેરા થઈ ગયો હતો. તેમને મૂળીમાં શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ બાર મણ દહીંમાં આઠ મણ ખાંડ ભેળવીને પીવડાવ્યું તેમજ બે ગાડાં તડબૂચ ને આઠ મણ દાડમ જમાડી, સાજા કરીને બાપાશ્રીને ખૂબ રાજી કર્યા હતા. આ સ્વામીશ્રીએ બાપાશ્રીના માર્ગદર્શન પ્રમાણે શ્રી ઘનશ્યામ મહારાજની પૂરા કદની અલૌકિક ધ્યાન મૂર્તિ આરસમાંથી બનાવડાવી હતી. શ્રીજીમહારાજ એ જ મૂર્તિ સ્વરૂપે હાલ આ પુસ્તકને પ્રકાશિત કરનાર સંસ્થા 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન'ના પ્રાર્થના ખંડમાં બિરાજી સૌને દર્શન આપી સુખિયા કરે છે.
મહાન સદગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામીએ શ્રીજીમહારાજના કચ્છ વિચરણ પર લખેલ પુસ્તક 'શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર'ને પદ્ય સ્વરૂપ આપનાર ભૂજ મંદિરના વિરલ બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજીને તો બાપાશ્રી પ્રાણ સમાન હતા. બાપાશ્રીને વિષે તેમને એવું અદમ્ય હેત હતું કે બાપાશ્રીને જોતાં જ તેઓ હર્ષઘેલા થઈ જતા. બાપાશ્રીએ પણ તેમને શ્રીજીમહારાજની મૂર્તિનો સીધો સંબંધ કરાવી સુખિયા કર્યા હતા. વળી સદગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામીના શિષ્ય ને ભૂજના મહંત સદગુરુ શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી પણ બાપાશ્રીનો મહિમા જાણી ખૂબ હેત રાખતા.
સ. ગુ. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી બાપાશ્રીના જોગ-સમાગમનો લાભ મળે તે માટે અમદાવાદ છોડી ભૂજ મંદિરમાં આવીને રહ્યા હતા. બાપાશ્રીએ પણ તેમના પર મૂર્તિના સુખની અનહદ વર્ષા કરી હતી. બાપાશ્રીના દિવ્ય જીવનના અલૌકિક પ્રસંગો ચિરસ્મરણીય બની રહે ને ભાવિ પેઢીઓ બાપાશ્રીના સમાગમનો પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે પણ લાભ લઈ શકે એ હેતુથી મુનિસ્વામીએ બાપાશ્રીના જીવન પર 'શ્રી અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત' નામે પુસ્તક લખ્યું છે.
આ સદગુરુઓ ઉપરાંત અન્ય મહાન સદગુરુઓ જેવા કે : શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી, શ્રી દેવજીવનદાસજી સ્વામી, શ્રી ગુણાતીતદાસજી સ્વામી, શ્રી ઉત્તમપ્રિયદાસજી સ્વામી વગેરે સમર્થ સંતો પણ બાપાશ્રીનો જોગ-સમાગમ કરી, શ્રીજીમહારાજની મૂર્તિના અલૌકિક સુખનો કૃપાપ્રસાદ પામ્યા હતા. શ્રીજીમહારાજે સંકલ્પ કરીને મોકલેલ પોતાના અનાદિ મુક્તનો ખરો મહિમા તો મોટા હોય તે જ જાણી શકે ને? મોટાનો મહિમા મોટા જાણે.