મુકામ આઠમો: વૈશ્વિક ચેતના અને મન

0:000:00

સમુદ્રનાં ઘૂઘવતાં નાનાં-મોટાં મોજાંઓ સમુદ્રના સમગ્ર અસ્તિત્વના એક ભાગરૂપ હોય છે, તેમ આ સંસારની પ્રત્યેક વ્યક્તિના મન વિશ્વમનનાં નાનાં-મોટાં મોજાંરૂપ છે. આપણું મન એ વિરાટ મનનો જ એક ભાગ છે. સાગરની એક લહેર જેમ બીજી લહેર સાથે જોડાયેલી હોય છે તેમ સંસારની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના મન દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે. મનનું તત્ત્વ પ્રત્યેક મનુષ્યમાં સમાન છે. જેમ સૂર્ય એક છે પરંતુ તેના પ્રતિબિંબ અનેક છે તેમ વિશ્વ મનના પ્રતિબિંબને જ આપણે આપણું મન અનુભવીએ છીએ.

મન સર્વત્ર નિર્વિકારી છે. બહારથી આવતા વિચારોને એ હરપળે છોડી દે છે, પણ બુદ્ધિ વારંવાર પ્રેરણા આપી મનને હલાવી મૂકે છે. આપણા સંયોગો, સમસ્યાઓ, ઘટનાઓ, આસપાસનું વાતાવરણ આ સર્વ પેલા પ્રતિબિંબને ડહોળી નાખે છે. આ વાતને વધુ સચોટ રીતે સમજાવતા પૂ. વિમલા ઠકાર કહે છે: 'વિશ્વચેતનાના આપણે સૌ વિભાગ છીએ. વૈશ્વિક મન સૌનું એક જ છે ને મનથી આપણે સૌ અવિભાજ્ય રીતે જોડાયેલા છીએ. વૈશ્વિક ચેતના સર્વમાં એક જ હોવા છતાં, તે ચેતનાના આપણામાં રહેલા અંશના તેત્રીસમા ભાગ જેટલો અહંકાર, આપણામાં 'હું અને મારું' એવું દ્વૈત ઊભું કરી ક્લેશ પેદા કરે છે. આ અહંકાર નીચે સૌ એક છે.' જો અહંકાર ઓગળી જાય તો પ્રભુની પ્રાપ્તિ બહુ જલદી થઈ જાય! સર્વમાં એક ઈશ્વર વસે છે. પોતાની જેમ સર્વને જોવા, પોતાને ન ગમે તેવું વર્તન બીજા સાથે ન કરવું, આ પ્રકારની સમજણ અને તેના પરિણામે જીવનમાં આવતો સદાચાર આપણા મનને અહંકારથી પર લઈ જાય છે. આપણાં ધર્મશાસ્ત્રો દ્વારા સૂચિત પંચવર્તમાન ઇત્યાદિ સદાચાર એક રીતે તો આપણને વૈશ્વિક ચેતના તરફ જ લઈ જાય છે.

શરીર અને મનને શિથિલ કરી, જાગૃત મનને તર્કહીન કરીએ એટલે તરત આપણે તે વિશ્વચેતના સાથે જોડાઈ જઈએ છીએ. આપણા જાગૃત મનની જરાક નીચે આપણને વિશ્વ સાથે એકરૂપ બનાવતી વૈશ્વિક ચેતનાનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. રાત્રે નિદ્રા દરમ્યાન સ્વપ્નમાં આપણી ચેતના વિશ્વચેતનાની વધારે નજીક હોય તો સ્વપ્ન દ્વારા આપણને જરૂર ભવિષ્યદર્શન થાય છે. વિચાર સંક્રમણની ઘટના (Mental telepathy) પાછળ પણ આ જ રહસ્ય છુપાયેલું છે. અમેરિકામાં હેરોલ્ડ શર્મન નામના મનોવૈજ્ઞાનિકે Extra sensory perception (ESP) અંગે ગહન સંશોધન કરી અજોડ સિદ્ધિ મેળવી છે.

અમેરિકામાં સન 1965ના મેની 16મી તારીખે ચાર પેસેન્જરો સાથે સિડની ગર્બરનું પ્લેન ગુમ થયું. વૉશિંગ્ટનમાં તેણે છેલ્લો મેસેજ આપ્યો ત્યારે તે વેન્ટાશી સરોવરના વિસ્તારમાં આકાશમાં તોફાનનો સામનો કરી રહ્યો હતો. ત્યાર પછી તેના કોઈ સમાચાર ન મળતાં હેરોલ્ડ શર્મનની ભત્રીજી જેનિફરે પોતાના મિત્ર સિડનીની તપાસ કરવા શર્મનને વિનંતી કરી. શર્મને સિડનીના હસ્તાક્ષર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વૈશ્વિક ચેતના સાથે સંપર્ક સાધ્યો અને શોધી કાઢ્યું કે વેન્ટાસી સરોવરથી ચાલીસ માઇલ દૂર 4500 ફૂટની ઊંચાઈએ સિડનીનું પ્લેન પર્વતને અથડાઈને તૂટી પડ્યું હતું. ઘટનાસ્થળની તપાસ કરતા ચાર માસ લાગ્યા. પરંતુ શર્મને જણાવ્યું હતું તે જ સ્થળે ચાર જણનાં અસ્થિ તથા વિમાનનો ભંગાર મળી આવ્યાં. શર્મનની તપાસ સાચી પડતાં અમેરિકામાં હાહાકાર મચી ગયો. અમેરિકનો મનની અત્યેંદ્રિય શક્તિ વિશે વધુ જાણવા ઉત્સુક બન્યા. લોકોના મનમાં અનેક સવાલો ઊઠ્યા: શું વિશ્વના સમગ્ર વાતાવરણ સાથે આપણું મન તાદાત્મ્ય સ્થાપિત કરી શકતું હશે? શું દુનિયામાં ઘટતી સઘળી ઘટનાઓ વાતાવરણમાં પોતાની કાયમી છાપ અંકિત કરતી હશે? આ વિષયમાં જે આધુનિક સંશોધન થયું તે આપણાં પુરાણોની કપોળકલ્પિત લાગતી ઘણી કથાઓને સાવ સાચી સાબિત કરે છે.

આપણું આ શરીર એટલે કે પિંડ અને જગત એટલે કે બ્રહ્માંડ, એ બંનેની એકતા છે. या पिंडे सा ब्रह्मांडे। આપણા મનની વૈશ્વિક ચેતના સાથે એકતા થાય એટલે આખુંય જગત આપણે હસ્તામલવત્ જોઈ શકીએ, સાંભળી શકીએ અને જાણી શકીએ. પછી તો વિશ્વનો કોઈ ભાગ અજાણ્યો રહેતો નથી અને વિશ્વની કોઈ ઘટના અણપ્રિછી રહેતી નથી! આપણા સંતો અને સિદ્ધમુક્તો માટે આ પ્રાપ્તિ અત્યંત સહજ હતી. એક વાર સદગુરુ સ્વામી શ્રી વૃંદાવનદાસજીને એક નવયુવાન મુક્તે પૂછ્યું: 'સ્વામી, આપ દીવાલ સોંસરું જોઈ શકો છો?' સ્વામીએ નમ્રભાવે કહ્યું: 'ભગવાનની કૃપાથી અહીં બેઠા દીવાલ સોંસરું જ નહિ, બ્રહ્માંડ સોંસરું દેખાય છે. બ્રહ્માંડમાં ક્યાં શું થઈ રહ્યું છે, થઈ ગયું છે તેમજ થવાનું છે તે, હું જે જોવા માગું તે દેખાય.' સિદ્ધ મુક્તો માટે આ સહજ સ્વાભાવિક છે. પરંતુ મુમુક્ષુ જ્યારે પરમાત્માની પ્રસન્નતાના સાધનરૂપે ધ્યાન-ભજન-સ્મરણ કરે છે ત્યારે પરમાત્માની પ્રસન્નતા રૂપી ધ્યેયપ્રાપ્તિ થયા પહેલાં પ્રલોભનરૂપે આવી અનેક સિદ્ધિઓ તેના માર્ગમાં આવે છે. તેના તરફ સદંતર દુર્લક્ષ્ય સેવીને આગળ વધવામાં આવે તો જ પ્રભુપ્રાપ્તિ સંભવિત બને છે!!