મુકામ નવમો: મનની અચિંત્ય શક્તિ
મન માનવીની અદભુત શક્તિનું કેન્દ્ર છે. આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે મન દ્વારા પ્રાપ્ત ન કરી શકાય. મનની શક્તિ અગાધ છે. એનો વ્યાપ આકાશની જેમ અનંત છે. આ સંસારમાં અસંભવિત લાગતી ઘટનાઓ પણ મન દ્વારા શક્ય બની છે અને બને છે. આંતરમન (Subconscious mind) અને અંતરાત્મા (Conscience) આ બંનેના સંયોજનથી એક પ્રચંડ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આ અદભુત અને ચમત્કારિક શક્તિસંયોજન ગમે તેવી માનસિક, શારીરિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા સમર્થ બને છે.
મહાભારતમાં એક કથાનક આવે છે. દીર્ઘતપા નામના એક ઋષિ હતા. તેમણે એક વાર અમુક નિશ્ચિત મુહૂર્તમાં યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. યજ્ઞ માટે જરૂરી સમિધ તથા ફળ-ફૂલ ભેગાં કરવા તેઓ જંગલમાં ગયા, ત્યાં અજાણતા જ એક અવાવરા ઊંડા કૂવામાં પડી ગયા. કૂવામાંથી તત્કાળ બહાર નીકળવું મુશ્કેલ હતું. કોઈની મદદ મળે અને પોતે બહાર નીકળે તે પહેલાં તો યજ્ઞ માટેનો નિર્ધારિત મુહૂર્તકાળ આવી ગયો, તેથી ઋષિએ કૂવામાં રહીને જ માનસિક યજ્ઞ કર્યો અને તેમણે કરેલા માનસિક યજ્ઞને દેવતાઓએ માન્ય રાખ્યો. પરિણામે તેની ફળશ્રુતિરૂપે ઋષિને દેવતાનું પદ મળ્યું. મન દ્વારા કરવામાં આવેલો કોઈ પણ પુરુષાર્થ સ્થૂળ શરીરથી કરવામાં આવતા પુરુષાર્થની સરખામણીમાં વધુ સત્ત્વરે અને સચોટપણે ફળ આપે છે. તેથી જ ભગવાન સ્વામિનારાયણે પણ માનસી પૂજાને બાહ્ય સ્થૂળ પૂજા કરતાં અનેક ગણું વધારે મહત્ત્વ પ્રદાન કર્યું છે.
દરરોજ દિવસમાં થોડો સમય એકાંતમાં બેસીને આત્મચિંતન કરવું જોઈએ. મનમાં આવતા વિચારોને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર તટસ્થભાવે જોયા કરવા. આમ નિયમિતપણે લાંબા સમય સુધી કરવાથી મન આપણું મિત્ર બની જાય છે, એટલું જ નહિ મનને વળગેલા અહંભાવ અને અજ્ઞાનતાનાં આવરણો દૂર થતાં અંતરમાં અકારણ આનંદ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. મનથી મનની પાર રહેલી ચેતનાનો જ્યારે સ્પર્શ થાય છે ત્યારે એ ચેતના સચરાચર વિશ્વમાં - સર્વમાં વ્યાપેલી અનુભવાય છે!
શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં બ્રહ્માજી મહર્ષિ વસિષ્ઠને કહે છે: 'દેહધારી મનુષ્ય પોતાના મનરૂપી દેહથી જે પ્રમાણે યત્ન કરે છે તે પ્રમાણે તેને ફળસિદ્ધિ થાય છે. સ્થૂળ દેહનો કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પરંતુ મનરૂપી દેહનું સર્વ ચેષ્ટિત સફળ થાય છે. મન સર્વદા પવિત્ર અનુસંધાનનું સ્મરણ કરે તો જેમ સખત ખડક તરફ ફેંકેલાં બાણ નિષ્ફળ જાય છે તેમ તેના તરફ કરવામાં આવેલા મૂઠ-મારણ ઇત્યાદિ અભિચાર પ્રયોગો તથા શાપ નિષ્ફળ જાય છે. મન જેનું સચોટ અનુસંધાન કરે તેને ક્ષણોમાં પ્રાપ્ત કરી શકે છે. હે મુને, સર્વ દેહાદિ ભાવ મસળાઈ જાય તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે, કારણ કે પુરુષાર્થ પણ મનનો જ ભેદ છે...'
મન જે વાતનો સ્વીકાર કરે છે તે જ થાય છે અને જે વાત મન સ્વીકારતું નથી તે ક્યારેય થતું નથી. 13ના આંકડાને અંગ્રેજો અપશુકનિયાળ માને છે તો 13ના આંકડા સાથે સંબંધિત સર્વ બાબતો એ લોકો માટે અશુભ જ નીવડે છે. જ્યારે આપણે ત્યાં તેરસ એ વણપૂછ્યું મુહૂર્ત ગણાય છે. ધનતેરસે આપણે ત્યાં લક્ષ્મીપૂજન જેવાં શુભકાર્યો થાય છે. જીવનમાં બનતી શુભ-અશુભ ઘટનાઓ આપણા મનની પેદાશ છે, માટે મનમાં ક્યારેય ખોટી ભ્રામક માન્યતાઓ કે વહેમો ભરવા નહિ. મનને હંમેશાં વિધેયાત્મક (+ve) વિચારો દ્વારા સબળ બનાવવું.
મનમાં આપણા સ્થૂળ શરીરના (Physical body) રોગ નિવારવાની અદભુત શક્તિ છે. મહર્ષિ અરવિંદે લખ્યું છે: 'તમારી શક્તિઓને સંકેત આપો. તમારી અંદર કાર્ય કરી એ તમને નીરોગી બનાવશે.' આપણા સહુનો એક અનુભવ સર્વ સામાન્ય છે કે જ્યારે ઘરમાં કોઈ બીમાર થાય છે, ત્યારે સગાં-સંબંધી-મિત્રો મળવા આવે છે. બધાની વાતમાં એક જ આશ્વાસન હોય છે - સારું થઈ જશે, ચિંતા ના કરશો. આમ વારંવાર સાંભળવાથી બીમારના આંતરમનને સાજા થવાનાં જોરદાર સૂચનો અનાયાસે મળતાં જ રહે છે, પરિણામે તે તરત સાજો થઈ જાય છે. ક્યારેક આનાથી ઊલટું પણ બને છે. જો કોઈ મિત્ર બીમારના મનમાં કોઈ મોટા રોગનો ભય પેદા કરી દે તો સામાન્ય માંદગીમાંથી ગંભીર બીમારી પણ ટપકી પડે છે. ખરેખર માણસને મન જ જીવાડે છે. અમેરિકાની એક મેડિકલ કૉલેજમાં પ્રોફેસર વિદ્યાર્થીઓને કોલેરાનાં કલ્ચર (જંતુઓ) એકઠાં કરી સમજાવતા હતા : 'વિદ્યાર્થીઓ, આ કલ્ચરમાં એટલાં જંતુઓ છે કે તેને આપણા ડેમના પાણીમાં નાખી દેવામાં આવે તો જે દસ લાખ માણસો એ પાણી પીએ તે કોલેરામાં સપડાઈને મૃત્યુ પામી જાય.' વિદ્યાર્થીઓમાંથી એક અટકચાળા છોકરાએ પ્રોફેસરને કહ્યું: 'સર, આપે જ અમને મેડિકલ સાયકૉલોજીમાં શીખવ્યું છે કે આપણું મન જ આપણને જીવાડે છે, તો આ કલ્ચર આપ પી જાવ. આપનું મન મક્કમ હશે તો આપને કાંઈ નહિ થાય.' એક ક્ષણ અટકી પ્રોફેસર તે કલ્ચર પી ગયા. પ્રોફેસરને કાંઈ ન થયું. બીજે દિવસે વર્તમાનપત્રના ખબરપત્રીના પ્રશ્નના જવાબમાં પ્રોફેસરે કહ્યું: 'મારા માટે આ એક પડકાર હતો. હું ચોક્કસપણે માનું છું કે મન જ મારે છે અને મન જ જીવાડે છે, તેથી મેં મન મક્કમ કરી નિર્ધાર કર્યો કે આ ઝેર પીવા છતાં પણ મને કાંઈ થશે નહિ... અને એનું પરિણામ તમારી સામે જ છે!' આજકાલ રૅકી તથા પ્રાણિક હિલિંગ જેવી જે સારવાર પદ્ધતિઓ પ્રચલિત થઈ છે તેના પાયામાં પણ મનની આ અચિંત્ય શક્તિ જ કામ કરી રહી છે.
ડૉ. બ્રુનરે મનની શક્તિ અંગે ઊંડું સંશોધન કર્યું છે. તેમનું કહેવું છે: આપણું અંતઃકરણ એ વિચારશક્તિનું સ્થૂળ સ્વરૂપ છે. તે ન્યુટ્રોન નામના પરમાણુનું બનેલું છે. એની ઉપર ઋણ (-ve) કે ઘન (+ve) એવા કોઈ સંકેતો નથી કે કોઈ વિદ્યુત ધારણા પણ નથી. છતાં તેની શક્તિ વિદ્યુતથી પ્રબળ છે. આ ન્યુટ્રોન હરપળે વિશાળ શક્તિના વાતાવરણને અસર કરે છે. આપણો દરેક વિચાર કે શબ્દ આસપાસના વાતાવરણમાં તેની વણભૂંસી છાપ (Impressions) મૂકતા જાય છે. એની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ વધારે છે. એક પળમાત્રમાં તે પૃથ્વીની સાત પ્રદક્ષિણાઓ કરી લે છે. ડૉ. બ્રુનર કહે છે, તમે માનો કે ના માનો, પરંતુ મેં પ્રયોગો દ્વારા એ સાબિત કર્યું છે કે શુદ્ધ મન દ્વારા કરવામાં આવેલી નિઃસ્વાર્થ પ્રાર્થના પદાર્થના અણુ-પરમાણુના બંધારણમાં સચોટ અસર કરે છે. તેથી જ કોઈ સંત કે ઓલિયાએ આશીર્વાદરૂપે આપેલ પ્રસાદ કે પાણીમાં સાચોસાચ શક્તિનો આવિર્ભાવ હોય છે અને તે ધાર્યું પરિણામ આપે છે. આ કોઈ વહેમ નથી, પરંતુ વૈજ્ઞાનિક સત્ય છે. કોઈ પણ ખાદ્યપદાર્થ કે પાણી ઉપર પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે પ્રાર્થનારૂપે મનમાંથી ફેંકાયેલી શક્તિ તે પદાર્થના અણુ-પરમાણુમાં સંગ્રહિત થઈ જાય છે અને તે પ્રસાદ ખાનારના આંતરમનને ઉત્તેજિત કરી ધાર્યું પરિણામ મેળવે છે. ડૉ. બારાડકે તો પ્રાર્થના દ્વારા શક્તિ પામતા મનની ગતિને બહુ જ સંવેદનશીલ ફોટોગ્રાફિક પ્લૅટ ઉપર અદૃશ્ય પણ તેજસ્વી તરંગો દ્વારા ઝીલી તેના ફોટા પાડ્યા છે. આપણા સ્થૂળ શરીરની સાથોસાથ એક ભાવ-શરીર પણ આપણી આસપાસ આભારૂપે (Aura) જોડાયેલું હોય છે. તે શરીરને આપણા વિચારો બહુ જ મોટી અસર કરે છે.
આપણી આસપાસ ચેતનાનો સમુદ્ર છે. સમગ્ર જગત આ ચેતનાથી વ્યાપ્ત છે. વૈજ્ઞાનિકો તેને ઈથર કહે છે. આપણા વિચારોના તરંગો આ ઈથરને આવરી લઈ તેનું મૂર્ત સ્વરૂપ ઊભું કરે છે. તેને ઘાટની મૂર્તિઓ યાને Thought forms કહે છે. દરેક વિચાર આપણા શરીરમાંથી તેને આનુસંગિક રંગના વિવિધ તરંગો ઉત્પન્ન કરે છે. વિચારોની તીવ્રતા ઉપર તે સ્વરૂપની ગતિ અને આવરદા અવલંબિત હોય છે. ઉમદા વિચારોના આકારો સારા રંગના ને બહુ જ ચોક્કસ સ્વરૂપના હોય છે. પ્રબળ ભક્તિભાવ આકાશમાં ઊંચે જતા અવકાશયાન જેવા સ્વરૂપનો હોય છે, તો ભયંકર ક્રોધનું સ્વરૂપ મેલા સિંદુરિયા રંગનું અને વીજળી જેવા આકારનું હોય છે. કોઈ પ્રત્યેનો પ્રેમ આછા ગુલાબી રંગના પંખી જેવો આકાર ધારણ કરે છે તો સર્વ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ આછા ગુલાબી રંગના સૂર્ય જેવો આકાર ધરે છે. વિચારના તરંગો વિચારના વિષયને નહિ તેનાં સ્વરૂપોને જ બહાર મોકલે છે. એક હિન્દુ પ્રભુભક્તિ કરતો હોય તો તેના વિચારોના તરંગોના અસરક્ષેત્રમાં અગર કોઈ મુસલમાન આવે તો તેનામાં એ તરંગો અલ્લાહ પ્રત્યેની ઇબાદત વધારશે અને કોઈ ખ્રિસ્તી આવે તો તેનામાં ઈશુ તરફ અદમ્ય પ્રેમભાવના જગાડશે. આમ ઉચ્ચ વિચારો કરનાર દ્વારા અજાણતાં પણ તેની આસપાસના અસંખ્ય લોકોનું ભલું થતું હોય છે.
મનના આ ગહન વિજ્ઞાનને પરામનોવિજ્ઞાન (Para-psycology) કહે છે. છેલ્લાં સાઠ વર્ષોથી ડૉ. જે. બી. હા્ઈને આ વિષયમાં ઘણું ઊંડું સંશોધન કર્યું છે. થિયોસોફી સોસાયટીના આદ્યસ્થાપકો મૅડમ બ્લેવેટ્સ્કી, ચાર્લ્સ લેડબીટર તથા શ્રીમતી એની બેસંટે આ ક્ષેત્રે ઘણું ખેડાણ કર્યું છે. રશિયામાં પણ પરામનોવિજ્ઞાન વિષયમાં ઘણું સંશોધન થયું છે. મોસ્કોમાં મિબાઈલોવા નામની એક સ્ત્રીએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં મનની શક્તિ અંગે કેટલાક હેરત પમાડે તેવા પ્રયોગો કરી બતાવ્યા ત્યારે તેની એકાગ્ર થયેલી વૃત્તિને પરિણામે ટેબલ ઉપર પડેલી વસ્તુઓ ઊડીને તેના હાથમાં આવી જતી, સ્ટીલની ચમચી અડક્યા વિના વળી જતી, મીણબત્તી આપોઆપ સળગી ઊઠતી. યુરી ગેલરે પણ આવા પ્રયોગો જાહેરમાં ટી.વી. ઉપર કરી બતાવ્યા હતા. આમા વિસ્મયની કોઈ વાત નથી. આ બધું જ મનની અપરંપાર શક્તિનું જ પરિણામ છે.
મનુષ્યનું સંકલ્પબળ શું કરી શકે છે તેનું એક ઐતિહાસિક દૃષ્ટાંત જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક વાર કુમારગિરિ નામના યોગી આવ્યા. તેમણે આવીને એલાન કર્યું: 'હું બધાને ભગવાનનાં દર્શન કરાવી શકું છું.'
રાજાએ અનુમતિ આપતા યોગીએ પોતાના સંકલ્પબળથી સૃષ્ટિ બનાવી તેમાં વિરાટરૂપ ભગવાનનાં દર્શન કરાવ્યાં. રાજદરબારમાં બે વ્યક્તિઓ સિવાય સર્વેને દર્શન થયાં. રાજનર્તકી ચિત્રલેખા અને મહામંત્રી કૌટિલ્ય ચાણક્ય આ બે મહાનુભાવોને દર્શનનો અનુભવ ન થયો. રાજાએ યોગી પાસે ખુલાસો માગતા યોગીએ કબૂલ કર્યું કે આ તો મારા સંકલ્પબળથી સર્જેલી માયા હતી. જે દૃઢ મનોબળવાળા હોય તેમના મન ઉપર અન્યના સંકલ્પનો પ્રભાવ નથી પડતો, તેથી જ પ્રતિભાસંપન્ન ચિત્રલેખા અને ચાણક્યના મન ઉપર યોગીના સંકલ્પનો પ્રભાવ ન પડતાં તેમને દર્શન ન થયાં.