મુકામ બારમો: મનનો નિગ્રહ
આપણું મન વાંદરા જેવું ચંચળ છે. વાંદરાને છૂટથી દારૂ પીવડાવવામાં આવે ત્યારે તેના નખરા અનેકગણા વધી જાય છે. તેમાં વળી તેને વીંછી કરડે ત્યારે તો તેની ચંચળતા માઝા મૂકી દે છે. આપણા મન મર્કટને આપણે ઇચ્છાઓ અને તૃષ્ણાઓરૂપી દારૂ પીવડાવીએ છીએ. એ વળી ઓછું હોય તેમ તેને ઈર્ષ્યારૂપી વીંછી ડંખ દે છે. ચંચળતાની પરાકાષ્ઠાએ પહોંચેલા આવા પાગલ મનને કાબૂમાં રાખવું- તેનો નિગ્રહ કરવો અત્યંત દુષ્કર છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને પૂછે છે: 'હે કૃષ્ણ, મન ચંચળ, પીડાકારક, બળવાન અને હઠીલું છે. આથી મનનો નિગ્રહ પવનને કાબૂમાં લેવા જેટલો મને દુષ્કર લાગે છે.' (6/34) અર્જુનનો પ્રશ્ન આપણા સૌનો પ્રશ્ન છે. મનુષ્ય દિન-પ્રતિદિન વધુ ને વધુ ભૌતિકવાદી બનતો જાય છે. નવી નવી ઇચ્છાઓની ભરમાર તેના મનને ચંચળતાની પરિસીમા ભણી ધકેલી રહી છે. આવા સમયમાં શ્રીકૃષ્ણનો જવાબ પણ એટલો જ લોકભોગ્ય છે. શ્રીકૃષ્ણ કહે છે: 'હે મહાબાહો, મન બેશક અતિ ચંચળ છે અને તેને વશ કરવું મુશ્કેલ છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો નિગ્રહ શક્ય છે.' (6/35)
શ્રીકૃષ્ણનો જવાબ આશાવાદી છે. મનોનિગ્રહ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. નૃસિંહ ભગવાને સ્તંભમાંથી પ્રગટ થઈ પ્રહ્લાદજીની રક્ષા કરી ત્યારે પ્રહ્લાદજીએ કહ્યું: 'પ્રભુ, આપે આ દેહની રક્ષા કરી તેને હું રક્ષા માનતો જ નથી, કારણ કે આ દેહ તો ગમે ત્યારે નાશ પામવાનો જ છે. પરંતુ આપને મારી આર્ત પ્રાર્થના છે કે આપ મારી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા ઇત્યાદિ અંતઃશત્રુઓથી રક્ષા કરો. એ જ મારી સાચી રક્ષા છે.' પ્રહ્લાદજીની આ પ્રાર્થના પ્રત્યેક મુમુક્ષુની સનાતન પ્રાર્થના બની રહેવી જોઈએ. આપણી પ્રાર્થના જો અંતરના ઊંડાણમાંથી ઉદભવેલી હશે તો પ્રભુ એ જરૂર સાંભળશે. અંતઃશત્રુ જીતાય એટલે વૈરાગ્યના વનમાં આપણો પ્રવેશ નિશ્ચિતરૂપે થઈ જાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે વૈરાગ્યની સૂત્રાત્મક વ્યાખ્યા આપતા શિક્ષાપત્રીમાં લખ્યું છે : 'ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તેને વૈરાગ્ય કહીએ.' જગતની અનિત્યતાનો સ્વાભાવિક સ્વીકાર જ્યારે અંતઃકરણથી થાય છે, ત્યારે સર્વ સુખના નિધિ પરમાત્મા સિવાય સર્વ વિષયોમાંથી અંતર લૂખું થઈ જાય છે. આપણા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક સંજોગોમાં થતી જબરદસ્ત ઉથલપાથલ મનને ક્યારેક વૈરાગ્ય તરફ લઈ જાય છે. વૈરાગ્ય એક એવો અગ્નિ છે જે મનને તપાવીને શુદ્ધ કરે છે. મન જેટલું શુદ્ધ તેટલું તેને વશ કરવાનું વધુ સરળ. મનનો સંયમ તેની વિશુદ્ધિ ઉપર નિર્ભર છે. આપણે આગળ જોઈ ગયા તે મુજબ મન અન્નમય છે. તેથી આપણા મનની શુદ્ધિનો આધાર આપણા આહાર ઉપર પણ છે. આહારનો અર્થ અહીં ફક્ત અન્ન ન કરતા પ્રત્યેક ઇંદ્રિયોના આહારના સંદર્ભમાં વિચારવામાં આવે તો એવો નિષ્કર્ષ નીકળે છે કે મનોનિગ્રહનો એક મૂળભૂત ઉપાય છે કે રાગ, દ્વેષ કે મોહ ઉત્પન્ન કરે તેવો આહાર ઇંદ્રિયોને આપવો નહિ. સાત્ત્વિક આહાર માણસના રાગ, દ્વેષ અને મોહ મંદ પાડવામાં સહાયક બને છે. મનુષ્યે સત્ત્વગુણ વડે રજસ અને તમસ એ બંને ગુણોને વશ કરવા જોઈએ. પછી સત્ત્વગુણને પણ શુદ્ધસત્ત્વગુણ દ્વારા વશ કરવો જોઈએ. સત્ત્વમાંથી શુદ્ધ સત્ત્વમાં અને તેમાંથી ગુણાતિત સ્થિતિમાં મનને લઈ જવાનું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતમાં (ગ. પ્ર. 38) કહે છે: 'અમે તો એમ માન્યું છે કે મન નિર્વાસનિક જોઈએ. દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ જો તેનું મન શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ... જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા ને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું, માટે મનથી નિર્વાસનિક રહેવું એ અમારો મત છે... ગૃહસ્થ હોય તેને દેહથી વ્યવહાર કરવો અને મનથી ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું... જનક જેવા રાજા હતા તે રાજ કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું, માટે મનથી કરેલો જે ત્યાગ તે જ ઠીક છે.'
શ્રીકૃષ્ણ ભગવાન શ્રીમદ્ ભાગવતમાં કહે છે: 'જગતમાં જેટલી આસક્તિઓ છે, સત્સંગ તેમનો નાશ કરી નાખે છે. વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ અને યમનિયમ પણ સત્સંગ જેટલા મને વશ કરવા સમર્થ નથી.' સત્સંગ મનોનિગ્રહ સરળ બનાવે છે. વળી ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ વચનામૃતમાં (કા.12) કહે છે: 'ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે તેવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો પછી ભાત પણ ચવાય નહિ, તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત પુરુષ પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહિ. તપ્તકૃચ્છ્-ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થાતું નથી. શ્રદ્ધા સહિત સત્શાસ્ત્રનું શ્રવણ-મનન મનોનિગ્રહ માટેનું અમોઘ સાધન છે.
યોગશાસ્ત્રો આગ્રહપૂર્વક કહે છે કે, મનોનિગ્રહ માટે મુમુક્ષુએ યમ અને નિયમનો અભ્યાસ કરવો જોઈએ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બધા યમ કહેવાય છે, જેને ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી સત્સંગીઓ પંચ વર્તમાનના નામે ઓળખે છે. હરજી ઠક્કર નામના એક સત્સંગીએ એક વાર ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો : 'ભગવન્, નિષ્કામ વર્તમાન (બ્રહ્મચર્ય) કેવી રીતે અતિશય દૃઢ થાય?' નિષ્કામ વ્રત દૃઢ કરવા માટે શ્રીજીમહારાજે ત્રણ પ્રકારના ઉપાય સૂચવ્યા. એમાં સૌથી પહેલો ઉપાય હતો મનને વશ કરવું. હવે મનને વશ કેવી રીતે કરવું તેનો ઉપાય બતાવતા શ્રીહરિએ કહ્યું: 'મનને વિષે અખંડ એવું મનન કરવું કે હું આત્મા છું, દેહ નથી. બીજું ભગવાનની કથા-શ્રવણાદિક જે નવધા ભક્તિ તેમાં મનને અખંડ જોડી મૂકવું. ક્ષણમાત્ર પણ મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો તે જ્યારે કામ ન બતાવે, ત્યારે તેને ખાવા તૈયાર થાય તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે, તે જ્યારે ભગવદ્ ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની જેમ જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા-કીર્તનાદિકમાં જોડી રાખવું. એટલે એ મન વશ થયું કહેવાય.' (ગ. પ્ર. 33)
આપણું મન જ્યારે વિક્ષિપ્ત હોય છે, ત્યારે આપણો શ્વાસ વધુ વેગથી અને અનિયમિત રીતે ચાલે છે. મનને શાંત કરવાનો એક ઉપાય શ્વાસોચ્છ્વાસને નિયમિત બનાવવાનો છે. પ્રાણાયામનો અભ્યાસ મનોનિગ્રહમાં અત્યંત મદદરૂપ થાય છે. પરંતુ જેઓ બ્રહ્મચર્યનું પાલન ન કરતા હોય તથા જેનું હૃદય, ફેફસાં અને સ્નાયુતંત્ર કમજોર હોય તેમણે પ્રાણાયામનો અભ્યાસ ન કરવો જોઈએ.
પરમાત્માનું ધ્યાન એ જ મનોનિગ્રહનું સૌથી વધુ અસરકારક સાધન છે. પરંતુ તેમાં પણ વિવેકબુદ્ધિનો વિનિયોગ અત્યંત જરૂરી છે. આ અંગે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે: 'જ્યારે મનમાં સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે પણ ભગવાનનું ધ્યાન કરવું નહિ. (ગ. પ્ર.32)
એક વાર પરમ પૂજ્ય ગુરુવર્ય અ.મુ. શ્રી નારાયણભાઈ પાસે એક વૃદ્ધ મુમુક્ષુ આવીને પૂછવા લાગ્યા: 'ભાઈ, મારે ધ્યાન કરવું છે, પણ મન ધ્યાનમાં ચોટતું જ નથી. આપ કાંઈક ઉપાય બતાવો.' ગુરુવર્યે મંદ સ્મિત કરીને કહ્યું: 'ભગવાનનું અખંડ અનુસંધાન રાખવાનો પ્રયત્ન કરો. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં શ્રીહરિનું નામસ્મરણ કર્યા કરો, એ પણ ધ્યાન જ છે!' મનને વશ કરવાનો આથી સરળ અને સચોટ ઉપાય ભાગ્યે જ કોઈ હશે. જપ યાને નામસ્મરણ લાંબા સમય સુધી કર્યા કરવામાં આવે તો મન તેના નિર્મળ સહજ સ્વરૂપમાં આવીને પૂર્વની સર્વ વૃત્તિઓ ને વાસનાને ફગાવી દે છે!