મુકામ પહેલો: જાગરૂકતા (Awareness)
સમી સંધ્યા ટાણે એક વાર એક હરિભક્તે પરમ પૂજ્ય ગુરુદેવ અ. મુ. શ્રી નારાયણભાઈને પૂછેલું: 'ગુરુજી, ધર્મસાધનાની પહેલી શરત કઈ હોઈ શકે?' ગુરુવર્યે શાંતિથી કહ્યું: 'સ્વસ્થ શરીર...शरीरम् खलु धर्मसाधनम् ।'
'...અને એ શરીરને સ્વસ્થ રાખવા માટે...' હરિભક્તનો પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ એમણે કહ્યું: 'શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ મન હોવું જરૂરી છે. જેવું મન તેવું શરીર અને જેવું શરીર તેવું મન. શરીર અને મન બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે.' થોડી ક્ષણોના વિરામ બાદ ગુરુજી હસતા હસતા બોલ્યા: 'હવે પછી તમે પૂછશો કે મન સ્વસ્થ શી રીતે રહે? ખરું ને?'
હરિભક્તે સ્મિત કરીને હા કહી. પછી સહેજ ગંભીર થઈને તેઓ બોલ્યા: 'એમાં તો એવું છે ને, એ માટે તો મનને જાણવું પડે. આ જાણવાનું જાગવાથી જ શક્ય બને. જાગવું એટલે હોશમાં જીવવું. જેને અંગ્રેજીમાં To live with awareness કહે છે. ગીતામાં આને સાક્ષીભાવ કહે છે. શ્રીજીમહારાજ જાણપણારૂપી દરવાજે રહેવાની જે વાત કહે છે તે આના સંદર્ભમાં છે. આ રીતે જાગૃત રહીને મનને જોતા શીખો, તેને રુચિ કે અરુચિથી બાંધો નહિ. મનમાં ઊઠતા સંકલ્પ-વિકલ્પ સાથે એકરૂપ થયા વિના તટસ્થપણે તેને નિરખ્યા કરો. જે કાંઈ બન્યા કરે તેમાં મન જે કર્તૃત્વનો (હુંપણાનો અહંભાવ) મનોભાવ દર્શાવે તેને સજાગપણે જોયા કરો, તો મન તમારું મિત્ર બની સ્વસ્થપણે તમારા સાધનામય જીવનમાં મદદરૂપ થશે.'
ગણીને ગાંઠે બાંધવા જેવી આ વાત છે. અનુભવથી પણ એ સમ્યક્પણે સમજાય છે કે શરીર સર્વ પ્રકારે મનને વશ છે. બાહ્ય તકલીફો ઊભી ન થાય અથવા કોઈ અકસ્માત કે આકસ્મિક રીતે સંજોગવસાત્ ભયંકર ચેપ ન લાગે ત્યાં સુધી શરીર ગંભીરપણે બીમાર પડતું નથી. ઘણી વાર તો એવું જોવા મળ્યું છે કે દૃઢ મનોબળવાળાને તો બહારનો ચેપ પણ અસર કરતો નથી. નિર્બળ મન સર્વ પ્રકારની બીમારી લાવે છે. મનની નિર્બળતા તો મહદ્અંશે શરીરની પ્રતિકારકતા (Immunity)ને પણ ખતમ કરી નાખે છે.
મનની એક આગવી ટેવ છે, પ્રતિક્રિયા (Reaction) કરવાની. સવારે ઊઠીને તમે શું કરો છો? આળસ મરડો છો કે બગાસું ખાવ છો, આ મનની એક સ્વાભાવિક પ્રતિક્રિયા જ છે. તમે કોઈની સાથે વાત કરતા હોવ અને નાક ઉપર માખી બેસે ત્યારે આપોઆપ તમારો હાથ નાક પાસે આવીને માખીને ઉડાડશે, આ પણ મનની જ પ્રતિક્રિયા છે. ક્યારેક કોઈ અણગમતો માણસ રસ્તામાં મળી જાય અને મીઠી મીઠી વાતો કરવા માંડે ત્યારે તરત જ આપણું મન ભૂતકાળના કડવા અનુભવને આધારે પ્રતિક્રિયામાં જ વિચારવા માંડે છે કે- 'આ તો મહા પાકો માણસ છે. એ વખતે કેવો બનાવી ગયો હતો! નક્કી કાંઈ કામ કઢાવવું હશે એટલે આમ મીઠી મીઠી વાતો કરે છે.' આમ મન ભૂતકાળના અનુભવને આધારે વર્તમાનના પ્રત્યેક બનાવ પ્રત્યે પ્રતિક્રિયા આપ્યા કરે છે.
આપણું જીવન આમ મનની પ્રતિક્રિયાઓથી બનેલું છે. મન જો પ્રતિક્રિયા ન કરે ત્યારે જે દર્શન થાય તે જ સત્ય છે. મનની પ્રતિક્રિયા જ વસ્તુને તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને જોવા દેતી નથી. મન પ્રતિક્રિયાને કારણે કોઈ પણ ઘટના કે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે વિચારોનો પારદર્શક પડદો પાડી દે છે, પરિણામે આપણને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે ઘટના આપણા પૂર્વગ્રહો કે ભૂતકાળના અનુભવો પ્રમાણે જ સમજાય છે, એ પ્રમાણે જ દેખાય છે. પરિણામે આપણે સત્યથી હંમેશાં વંચિત રહી જઈએ છીએ.
ઈક્ષ્વાકુ વંશમાં જાનશ્રુતિ નામે એક મુમુક્ષુ રાજા થઈ ગયા. એક વાર તેણે તેના ગુરુ રૈકવને પ્રશ્ન પૂછ્યો: 'પ્રભુ, સર્વ કાંઈ ઈશ્વરને અર્પણ કર્યા પછી પણ કર્મના ફળરૂપ પાપ પુણ્ય કેમ લાગે છે?' જવાબમાં ગુરુએ પાસે પડેલો પથ્થર રાજાના માથામાં માર્યો. રાજાએ ગુસ્સે થઈ ગુરુને પકડીને મારવાનો હુકમ કર્યો ત્યારે ગુરુ બોલ્યા: 'રાજન્, જો તેં તારું બધું જ ઈશ્વરને સમર્પિત કર્યું હોય તો આ પથ્થરનું વાગવું પણ ઈશ્વરેચ્છાથી થયું છે એમ માની એમ સમજવું જોઈએ કે ઈશ્વર સમર્પિત આ દેહને પથ્થર વાગે કે ભાલા, મારે શું? પણ ના, તું આ વાત ભૂલી ગયો અને તારા મને પ્રતિક્રિયા કરી ગુસ્સો કર્યો. રાજન્! તું પ્રતિક્રિયામાં જીવે છે તેથી જ તને સઘળાં પાપ અને પુણ્ય લાગે છે. દરેક ઘટનાની જવાબદારી સંયોગની, ભાગ્યની કે ઈશ્વરની હોય તો પણ તે જવાબદારીમાં તું પ્રતિક્રિયા કરી હિસ્સેદાર બની જાય છે.'
ગુરુ રૈકેવ રાજા મનુશ્રુતિને અંતે ઉપદેશ આપતા કહે છે: 'રાજન! પાપ-પુણ્ય, સુખ-દુઃખ, સર્જન-પ્રલય સર્વ કાંઈ જેની સત્તાથી થાય છે તે તારી અંદર અને સર્વ જગતમાં અન્વયપણે રહેલ છે. તેને પામવા માટે પાપ-પુણ્ય અને સુખ-દુઃખના સરવાળા કરવાના નથી હોતા. તે તો પ્રાપ્ય જ છે. તેની આસપાસ તેની જ સત્તાથી ઘેરાયેલું મન, જેને તેં અહંકારથી તારું ગણ્યું છે તે, તારી અને એ પરમતત્ત્વની વચ્ચે અવનવી પ્રતિક્રિયા દ્વારા તને રોકી રાખે છે. તું મનની પ્રતિક્રિયાથી મુક્ત થઈ. જીવનને જોયા કર, તેમ કરતા હે રાજા! તું સંસારની અંદર રહેવા છતાં પ્રભુને પામી શકીશ.'
જો દરેક ઇંદ્રિયોની પ્રત્યેક ક્રિયાઓ તરફ જાગરૂક બનીને તેને નિહાળવામાં આવે તો મનની આ પ્રતિક્રિયા કરવાની ટેવ છૂટી જાય છે. મનને શાંતિથી વિરામ કરવા માટે કોઈક આસન જોઈએ છે; મન જ્યારે પણ કોઈક પદાર્થમાં કે વ્યક્તિમાં લીન બને છે ત્યારે થોડો સમય પૂરતી પણ તેને શાંતિ મળે છે, પરંતુ દુન્યવી પદાર્થો કે સાંસારિક વ્યક્તિમાં મળતી આ શાંતિ બહુ ક્ષણિક હોય છે. એટલે જો મનને સાચી શાશ્વત શાંતિ આપવી હોય તો તેને શ્રીહરિના ચરણમાં જ આસન આપવું. પ્રભુની દિવ્યમૂર્તિમાં લીન થતાં જે શાંતિ- જે આનંદ મળશે તે ચિરકાલિન અને અલૌકિક હશે!