મુકામ સાતમો: મનની વિવિધ અવસ્થાઓ
મન પોતાને પાંચ વિવિધ અવસ્થાઓમાં પ્રકાશિત કરે છે. તમને અનુભવ હશે જ કે ઘણી વાર મન ખૂબ ચંચળ બની જાય છે ત્યારે ઘડીક આનંદ તો ઘડીક વિષાદની લાગણી થાય છે. આને મનની ક્ષિપ્ત અવસ્થા કહે છે. ક્ષિપ્ત અવસ્થામાં મન ચારે દિશામાં વિખરાઈ જાય છે. આ અવસ્થામાં મનની પ્રવૃત્તિ કેવળ સુખ અને દુઃખ એ બે ભાવોનો અનુભવ કરાવે છે. આ અવસ્થા તો હજી પણ કંઈક ઠીક છે, બાકી અત્યારે જગતમાં જે ત્રાસવાદ વ્યાપ્યો છે તેના મૂળમાં મનની મૂઢ અવસ્થા કારણભૂત છે. મૂઢ અવસ્થા એટલે જડતા, એમાં મન બીજાને નુકસાન પહોંચાડવાના વલણવાળું હોય છે. આધ્યાત્મિક સાધક જ્યારે ધ્યાન કરવાની શરૂઆત કરે છે ત્યારે મન તેની વિક્ષિપ્ત (ક્ષિપ્તથી વિશિષ્ટ) અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં મન કેન્દ્રીભૂત થવાનો પ્રયત્ન કરી રહ્યું હોય છે. વિક્ષિપ્ત અવસ્થા ઉચ્ચ આત્માઓ માટે સ્વાભાવિક છે, જ્યારે ક્ષિપ્ત અને મૂઢ અવસ્થા સામાન્ય કોટિના જીવાત્માઓની મનઃસ્થિતિ દર્શાવે છે. મનની એકાગ્ર અવસ્થામાં મન કેન્દ્રિત સ્થિતિમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે એકાગ્રતાની પરાકાષ્ઠા આવે છે ત્યારે મન તેની અવચેતન દશામાં સમાધિમાં લીન થાય છે, આ મનની નિરુદ્ધ અવસ્થા છે.
સામાન્યતઃ આપણું મન મૂઢ અને ક્ષિપ્ત અવસ્થામાં જ રહેતું હોય છે. મૂઢ અવસ્થામાં આપણે નિષ્ક્રિયતા અને ક્ષિપ્ત અવસ્થામાં ચંચળતાનો અનુભવ કરીએ છીએ. યોગસાધના કે ભક્તિયોગ દ્વારા આ જ મનને વિક્ષિપ્ત અને એકાગ્ર બનાવી શકાય છે. ધાર્મિક યમ-નિયમનો ઉદ્દેશ આપણા મનને એકાગ્ર બનાવવાનો છે. આવું એકાગ્ર મન પ્રવૃત્તિના કોઈ પણ ક્ષેત્રમાં ક્રિયાશીલ બને ત્યારે તેમાં પ્રકાશી ઊઠે છે. એકાગ્ર મનથી જ વિદ્યાર્થી વિદ્યાક્ષેત્રે ઝળકી ઊઠે છે, વેપારી વ્યાપારમાં સમૃદ્ધ બને છે, સંગીત કે કલાનો સાધક તેના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે છે. મનની એકાગ્રતા વિના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી આકાશકુસુમવત્ મુશ્કેલ જ નહિ, અશક્ય પણ છે! એકાગ્રતાના અભ્યાસ અને તેમાં ઉત્તરોત્તર વિકાસ દ્વારા મન તેની સર્વોચ્ચ નિરુદ્ધ અવસ્થામાં અતિચેતન ભૂમિકા ઉપર સમાધિનો અલૌકિક અનુભવ કરે છે.
મનોનિગ્રહ દ્વારા મનની એકાગ્રતાનો ક્રમશઃ વિકાસ થાય છે. ક્ષિપ્ત કે મૂઢ અવસ્થામાં રહેલા મનને ક્યારેક કોઈ યોગી કે સિદ્ધ મુક્ત પોતાના સંકલ્પબળથી નિરુદ્ધ અવસ્થામાં લઈ જાય ત્યારે એ સામાન્ય કક્ષાના જીવાત્માને પણ સમાધિનો દિવ્ય અનુભવ થાય છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે સિદ્ધ મુક્તોથી માંડીને પશુ, પક્ષી તથા સામાન્ય જીવો સૌને સમાધિનો અલૌકિક અનુભવ એક સરખો થતો હતો. જોકે લાડકીબાઈ નામની એક ભાટ સ્ત્રીને સમાધિ દરમ્યાન સંભળાતા પ્રણવ નાદને લીધે શરૂઆતમાં ખૂબ ભય લાગ્યો, પરંતુ શ્રીહરિએ તેમને સમ્યક્ જ્ઞાન આપતાં અંતે તેઓ સમાધિનિષ્ઠ મુક્ત બન્યા હતા.
બંગાળના ખ્યાતનામ સંત રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રસંગ છે. તેઓ સમાધિનિષ્ઠ હતા, એટલું જ નહિ તેઓ ઘણા પાત્ર જીવોને પણ સમાધિનો અનુભવ કરાવતા. એક વાર તેમના ભાણેજ હૃદય મુખોપાધ્યાયે કહ્યું: 'મામા, તમે ઘણા લોકોને સમાધિ કરાવો છો... મારે પણ એ અનુભવ લેવો છે!' રામકૃષ્ણ પરમહંસે તેને ના પાડતાં કહ્યું: 'હૃદુ, તારું મન હજી એ અનુભવ માટે તૈયાર નથી. માટે તું સમાધિનો આગ્રહ ન રાખ.' પરંતુ હૃદયનાથ ના માન્યો. તેના દુરાગ્રહને કારણે અંતે રામકૃષ્ણે તેને સમાધિ કરાવી. પરંતુ સમાધિનો અલૌકિક અનુભવ હૃદયનાથનું મન જીરવી ન શક્યું અને તે પાગલ થઈ ગયો. મનની યોગ્ય અવસ્થા એટલે કે પાત્રતા સિવાય ધ્યાન કે સમાધિનો અનુભવ ક્યારેક હાનિકારક સાબિત થાય છે.
સમાધિ અવસ્થાનું વર્ણન કરતાં મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં કહે છે: 'तदा द्रष्टुः स्वरूपेङवस्थानम् ।' સરોવરના જળતરંગો શમી શાંત થાય કે તરત જ આપણે સરોવરનું તળિયું જોઈ શકીએ છીએ. મનનું પણ તેવું જ છે. મન શાંત થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણું સાચું સ્વરૂપ શું છે, ત્યારે આપણે વિષયો સાથે ભેળસેેળ થયા વિના આપણા સ્વસ્વરૂપમાં જ સ્થિત રહીએ છીએ.