મુકામ છઠ્ઠો: મનનો સ્વભાવ
આપણા બધાનો એક સર્વ સામાન્ય અનુભવ છે કે આપણું મન હંમેશાં એક જ સ્થિતિમાં રહેતું નથી. ઘણી વાર ખૂબ સારા વિચારો આવે છે તો ક્યારેક ખરાબ! કેટલીક વાર મન ખૂબ સક્રિય બની જાય છે તો ઘણી વાર સાવ નિષ્ક્રિય! આનું કારણ છે મનનો ત્રિગુણાત્મક સ્વભાવ. આપણું મન મૂળભૂત ગુણોનું સંમિશ્રણ છે - સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ.
સત્ત્વગુણ પવિત્રતા, જ્ઞાન અને આનંદને ઉત્પન્ન કરનાર સમતુલાનું તત્ત્વ છે. રજોગુણ પ્રવૃત્તિ, ઇચ્છા અને ચંચળતા ઉત્પન્ન કરનાર ગતિશીલતાનું તત્ત્વ છે. તમોગુણ પ્રમાદ, અવસાદ અને ભ્રમ ઉત્પન્ન કરનાર જડતાનું તત્ત્વ છે. તમોગુણ મનને નીચેની સપાટીએ લઈ જાય છે, એ અવસ્થામાં મનમાં એકે વિચાર આવતો નથી. રજોગુણ મનને વેરવિખેર કરી અસ્થિર બનાવે છે અને સત્ત્વગુણ મનને ઉચ્ચતર દિશામાં લઈ જાય છે. સત્ત્વગુણની અવસ્થામાં મન શાંત અને સ્વસ્થ હોય છે. એ અવસ્થામાં ચિત્તરૂપી સરોવરના તરંગો શમી ગયા હોય છે અને તેનું જળ પણ સ્વચ્છ થઈ ગયું હોય છે. એ સ્થિતિ ચિત્તની નિષ્ક્રિયતાની સ્થિતિ નથી પણ ઊલટી અત્યંત સક્રિયતાની સ્થિતિ છે. શાંત રહેવું એ શક્તિનું મોટામાં મોટું પ્રદર્શન છે. ચંચળ થવું એ તો અત્યંત સરળ છે. ઘોડાની લગામ છોડી મૂકો તો ઘોડો તમને લઈને એને જ્યાં જવું હોય ત્યાં દોડી જશે. એ તો કોઈ પણ કરી શકે. પરંતુ જે માણસ દોડતા ઘોડાને એની લગામ પકડીને કાબૂમાં કરી રોકી શકે તે જ તાકાતવાળો છે. શાંત ચિત્તવાળો માણસ એને કહેવાય કે જેનો મનના તરંગો પર કાબૂ હોય. ક્રિયાશીલતામાં ઊતરતી કોટિના બળનું પ્રદર્શન છે, સ્વસ્થતામાં ઉચ્ચ કોટિના બળનું. વ્યક્તિગત મનનું બંધારણ આ ત્રણ ગુણોની માત્રાઓના વિવિધ સંયોગ અને વિનિયોગ દ્વારા નિયત થાય છે. માણસના સ્વભાવના વૈવિધ્ય અને તેના મનની ચંચળતાનું પણ આ જ કારણ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ (ગ. મ. 23મા) વચનામૃતમાં મનના સ્વભાવ વિશે પોતાની આગવી શૈલીમાં વાત કરતા કહે છે, '...જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત્ સંત જાણવા; અને એવું મન થાવું એ કાંઈ થોડી વાત નથી... મનનો કેવો સ્વભાવ છે તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખિયો થાય તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખિયું થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશે દુઃખિયું થાય. માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું ને વિષયને યોગે કરીને ટાઢું - ઊનું થતું નથી તેને જ સાધુ જાણવા.'
સ્વામી વિવેકાનંદ 'રાજયોગ'માં કહે છે: 'માણસ ધાર્મિક બને છે તેનું પહેલું ચિહ્ન એ કે તે આનંદી બનતો જાય છે... સત્ત્વગુણનો સ્વભાવ છે આનંદીપણું. સાત્ત્વિક મનુષ્યને બધું આનંદમય જણાય અને જ્યારે આનંદીપણું આવે ત્યારે જાણવું કે યોગસાધનામાં આગળ વધાય છે.'
મન ચેતનાની જુદી જુદી ભૂમિકાઓ ઉપર ક્રિયાશીલ બનતું હોય છે. ચેતન ભૂમિકા ઉપર મનની બધી જ ક્રિયા સામાન્ય રીતે અહંકારથી યુક્ત હોય છે. અચેતન ભૂમિકા ઉપર સામાન્યતઃ અહંકારની લાગણી હોતી નથી. આ બંને કરતાં હજી એક વધુ ઊંચી ભૂમિકા ઉપર મન કાર્ય કરી શકે છે. તે ભૂમિકામાં મન સાપેક્ષ ચેતનાથી પણ ઉપર જઈ શકે છે. જેવી રીતે અચેતન ભૂમિકા ચેતન ભૂમિકાની નીચે છે તેવી રીતે આ સાપેક્ષ ચેતનની ઉપર પણ એક ભૂમિકા છે, જેને 'અતિચેતન' ભૂમિકા કહે છે. અહીં પણ અહંકાર હોતો નથી. પરંતુ અચેતન અને અતિચેતન વચ્ચે ઘણું અંતર છે. સુષુપ્તિ અવસ્થામાં મન અચેતન ભૂમિકા પર હોય છે. જ્યારે સમાધિમાં મન અતિચેતન ભૂમિકા પર હોય છે. બંને ભૂમિકાઓ ઉપર મન શાંત છે, અહંકાર ભાવનાથી મુક્ત છે, પરંતુ સુષુપ્તિમાં અજ્ઞાન છે, અંધકાર છે, તમસ છે. જ્યારે સમાધિ જ્ઞાનમય છે, તેજોમય છે, સાત્ત્વિક છે! અતિચેતન અવસ્થામાં મન તેની શુદ્ધત્તમ અવસ્થામાં હોય છે.