મુકામ દશમો: મનની મર્યાદાઓ

0:000:00

આપણું સમગ્ર જીવન એક સળંગ યોગ છે. પરંતુ તે સાર્થક ત્યારે જ નીવડે છે, જ્યારે તેમાં એકસૂત્રતા અને સંવાદિતતા જળવાય. આપણે જીવનને પૂર્ણરૂપે જીવવાને બદલે તેને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ છીએ. વ્યાવસાયિક જીવનમાં આપણે નૈતિકતાને નેવે મૂકીને ધન ઉપાર્જન કરીએ છીએ, જ્યારે સામાજિક જીવનમાં સજ્જનતાનું મહોરું પહેરીને ઉજળા દેખાવાનો દંભ આચરીએ છીએ. વળી આધ્યાત્મિક જીવનમાં આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે હવાતિયાં મારીએ છીએ. જીવનનો એક હિસ્સો મનને નૈતિક સ્તરે નીચે લઈ જઈ અધોગતિ તરફ ધકેલે છે તો બીજો ભાગ મનનું ઊર્ધ્વીકરણ કરી તેને આત્મકલ્યાણના પરમ પંથ તરફ દોરે છે. આ વિરોધાભાસને કારણે આખું જીવન પૂરું થવા આવે ત્યાં સુધી પણ મનનું રૂપાંતર સહેજે થતું નથી. મન એવું ને એવું જ રહે છે.

જીવનને હંમેશાં સમગ્રતાથી જીવવું જોઈએ. જેવું મન વ્યવસાયમાં, એવું જ વ્યવહારમાં અને ધર્મકાર્યમાં રહેવું જોઈએ. મતલબ કે શુદ્ધ સત્ત્વમાં રહીને જ વ્યવસાય, વ્યવહાર અને પ્રભુભક્તિ કરવા જોઈએ. વિપરીત સંજોગોમાં પણ મનની એકસૂત્રતા જાળવવી હોય તો હંમેશાં પોતાના અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ. મનની મોટામાં મોટી મર્યાદા એ છે કે એ એક આજ્ઞાંકિત સેવક (Obedient servant) પણ અનાડી માલિક છે. પરિણામે જે વ્યક્તિ મનની ગુલામ બની જાય છે તેનો મન શતમુખ વિનાશ કરી નાખે છે. મનને વશ થઈને વિનાશ તરફ ધકેલાતી વ્યક્તિને એનો અંતરાત્મા વારંવાર ટોકે છે, પરંતુ અંતરાત્માના અવાજની સતત અવગણના કરવામાં આવે તો અંતે તે સુષુપ્ત થઈને શાંત બની જાય છે. જે વ્યક્તિ પોતાના અંતરાત્માનો અવાજ ન સાંભળી શકતી હોય તે વ્યક્તિએ સત્ત્વરે ચેતી જઈને કોઈ જાગૃત મુક્તાત્માનો આશ્રય કરી તેમની અનુજ્ઞામાં રહી પોતાના સૂતેલા અંતરાત્માને જગાડવો જોઈએ.

મન જેવા અનાડી માલિકની ગુલામીમાંથી છૂટી તેને પોતાનો આજ્ઞાંકિત સેવક બનાવવો હોય તો મનની જે મર્યાદાઓ છે તેને સમ્યક્પણે સમજી લેવી જરૂરી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના પ્રમુખ ધર્મગ્રંથ વચનામૃતમાં આ અંગે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી છે. શ્રીહરિ કહે છે : મન સ્ત્રી આદિકની કામનાની ઉત્પત્તિનું ક્ષેત્ર છે. વળી તે સંકલ્પ-વિકલ્પરૂપ છે. (ગ. પ્ર. 12) મનમાં વિષય સંબંધી ઇચ્છાઓની પૂર્તિ કરવાના સંકલ્પ રહ્યા કરે છે તે મનના દોષ છે, તેને આત્મવિચાર કરીને ટાળવા. (કા.3) ચિત્તનો સ્વભાવ એવો ચિટકુ છે કે સારા-નરસા જે જે પદાર્થ તેને સ્મરે છે તેમાં તે ચોંટી જાય છે. વળી તેમાં ઉત્તમ કનિષ્ઠનો ભેદ પારખવાની વિવેક-બુદ્ધિનો અભાવ હોવાથી ક્યારેક તો સાવ નઠારી વસ્તુ કે વિષયમાં ચોંટી જઈ તેનું રાત-દિવસ ચિંતવન કર્યા કરે છે. (ગ. મ. 6)

આમ મન હંમેશાં અહંકાર અને ઇચ્છાઓ સાથે સંકળાયેલું રહે છે, અને તેથી તેની બધી જ પ્રવૃત્તિઓ અહંકાર અને ઇચ્છાઓ પ્રેરિત જ હોય છે. પરિણામે મનને અજ્ઞાનતાનું કારણ ભલે ન કહીએ, પણ ભૂલોના પ્રેરક તરીકે તો અવશ્ય ગણી શકાય. સત્યથી વેગળા રહેવાનો મનનો સ્વભાવ છે. તેથી કલ્પિત ભ્રામક સત્ય યાને અસત્યના સંસ્પર્શથી મન પ્રકૃતિ વિરુદ્ધની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ જીવનમાં વધુ ને વધુ ભૂલોની પરંપરા, અસંવાદિતા, કુરૂપતા અને વિકૃતિ આણે છે.

મનની આ મર્યાદા અને દોષને ગુણમાં પરિવર્તિત કરી પ્રભુપ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં તેનો સુભગ વિનિયોગ કરવો હોય તો આત્મવિચાર સાથે ઇંદ્રિયોને સંયમમાં રાખી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇત્યાદિ પંચવિષયની સર્વ પ્રવૃત્તિઓ પરમાત્મા સંબંધી જ કરવી જોઈએ. આંખોથી પરમાત્માનું સ્વરૂપદર્શન, નાક દ્વારા પરમાત્માએ અંગીકાર કરેલા પત્ર-પુષ્પ તથા પ્રસાદની સુગંધનું સેવન, કાન દ્વારા ભગવદ્ લીલાચરિત્ર તથા અધ્યાત્મ જ્ઞાન, શ્રવણ, જીભ દ્વારા પ્રભુના દિવ્ય પ્રસાદનું આસ્વાદન અને નવધા ભક્તિ દ્વારા પ્રભુનો પુનિત સંસ્પર્શ એ રીતે ચિત્તને સર્વપ્રકારે પરમાત્માના સ્વરૂપમાં રમમાણ રાખવાથી ભમરીના ધ્યાનથી જેમ ઇયળ ભમરી બની જાય છે, તેમ ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થઈને આત્માને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે.

લોયાના દરબાર સુરા ખાચર ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. દરબારને ભાત ભાતનાં સ્વાદિષ્ટ ભોજન જમવાની ભારે રસાસક્તિ હતી. પરિણામે તેમનું ભાવુક ભક્તહૃદય હંમેશાં ભોજનપરાયણ રહ્યા કરતું. ભગવદ્ ભક્તો માટે મનના આવા ચાળા લાંછનરૂપ છે. તેથી શ્રીજીમહારાજે તેમને એવો નિયમ આપ્યો કે ભોજન પ્રસંગે ભાણામાં જે કાંઈ પીરસાય તેને પ્રભુનો પ્રસાદ માની પ્રેમપૂર્વક જમી લેવું. સારા-નરસા, સ્વાદ-બેસ્વાદ અંગે કોઈ ફરિયાદ કરવાની નહિ. પછી તેમનાં પત્નીને પ્રભુએ તાકીદ કરી કે તમારે દરબારને ક્યારેક સ્વાદિષ્ટ તો ક્યારેક બેસ્વાદ ખાઈ ન શકાય તેવું પીરસવું. પ્રભુની આજ્ઞા હોવાથી મનને મારીને પણ દરબાર જમી જતા. છ માસમાં તો સુરા ખાચર નિર્સ્વાદી થઈ ગયા.

મનની સર્વ મર્યાદાઓને ઓળંગીને મનની પાર ગયા સિવાય આત્માનુભૂતિ દુર્લભ છે, અને તે માટે સહજભાવે-સાક્ષીભાવે આત્મસત્તારૂપે જીવવું એ જ એકમાત્ર ઉપાય છે!