૨. ગઢડા પ્રથમ પ્રકરણ

વચનામૃત - 1

જમણા હાંસિયામાં પ્રશ્નનો નંબર છે ને ડાબા હાંસિયામાં બાબતનો નંબર છે. કોઈ એક પ્રશ્નમાં એક કરતાં વધુ બાબતોની ચર્ચા થઈ હોય તેથી બાબતોનો નંબર જુદો આપેલ છે. એ રીતે કોઈ જગ્યાએ ઉલ્લેખ હોય કે સારંગપુર 10ના 2/3 એનો અર્થ એમ કે સારંગપુર પ્રકરણના 10મા વચનામૃતના બીજા પ્રશ્નમાં ત્રીજી બાબત.

સંવત 1876 માગશર સુદિ-4 = ઈ.સ. 1819ના નવેમ્બરની એકવીસ તારીખ, 21-11-1819, સોમવાર.

ગઢડા = ગુજરાતના ભાવનગર જિલ્લાનું એક નાનું ગામ, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન આશરે પચીસ વર્ષ રહ્યા. તે ગામ અને તેની આજુબાજુની જમીન તે વખતના ભાવનગર રાજ્યમાં ગણાતી. તે રાજ્ય તરફથી તે ગામ અને આજુબાજુની જમીન ખાચર અટકના કાઠી કુટુંબના બે ભાઈઓ જીવા ખાચર અને એભલ ખાચરના સંયુક્ત ભાગમાં હતી. એભલ ખાચરના દીકરા તે દાદા ખાચર (ઉત્તમ રાજા). તે દાદા ખાચરના કુટુંબ પરિવારના અતિ નિર્મળ સ્નેહને વશ થઈ તેમના ઘરે (કાઠી રાજાના ઘરને દરબાર કહેતા) શ્રીજીમહારાજ વિશેષપણે પોતાનું ઘર માનીને રહ્યા હતા.

જાયગા = જગ્યા, સ્થાન

દેશ દેશના હરિભક્ત = જુદા જુદા પ્રદેશ-જિલ્લાઓમાંથી આવેલા હરિભક્તો.

ચિંતામણિ = ચિંતવેલું, આપે તેવો મણિ.

વૈકુંઠ = વિષ્ણુ લોક, વિષ્ણુ ભગવાનનું નિવાસ સ્થાન.

ગોલોક = શ્રીકૃષ્ણ ભગવાનનું નિવાસસ્થાન.

બ્રહ્મમોહોલ = શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધામ, અક્ષરધામ.

કોઈક હરિભક્ત = શેઠ ગોવર્ધનભાઈ.

આવરણ = અંતરાય, વિઘ્ન, હરકત, અડચણ.

કોઈક હરિભક્ત = હરજી ઠક્કર.

અનુગ્રહ = કૃપા, દયા, મહેરબાની, અનુકંપા.

अन्यक्षेत्रे... = અન્ય સ્થળને વિશે જે પાપ કર્યાં હોય તે તીર્થક્ષેત્રમાં નાશ પામે છે, પણ જે પાપ તીર્થક્ષેત્રમાં કર્યું હોય તે વજ્રલેપ (અતૂટ-સજ્જડ) જેવું બને છે. (સ્કંદ પુરાણ)

રહસ્યાર્થ પ્રદી. = રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. તેમાં શરૂઆતમાં જે તે વચનામૃતનો ભાવાર્થ દરેક પ્રશ્ન તથા બાબત સહિત જણાવેલ છે. ત્યાર બાદ તે વચનામૃત સમજવામાં ઊભા થતા પ્રશ્નો અને અન્ય વચનામૃતોના સંદર્ભમાં ઊભા થતા પ્રશ્નો પૂછાયેલા છે. દરેક પ્રશ્નની સાથે તેનો ઉત્તર છે. તે ટીકાને અંતે તે વચનામૃતનો સળંગ આંક જણાવેલ છે.

જીવસત્તા = જીવ જે દેહમાં રહે છે તે દેહને જીવ ભૂલથી પોતાનું સ્વરૂપ માને છે, પણ તે દેહભાવથી જુદો પડી પોતે પોતાની જીવપણાની સ્થિતિમાં રહે તે જીવસત્તા.

देहत्रयमलं... = તે શ્લોકનો અનુવાદ તે શ્લોક પછી તરત જ જોડે આપેલ છે. તે શ્લોક હરિવાક્યસુધાસિંધુના 208માં તરંગનો 16મો શ્લોક છે. 208મો તરંગ તે વડતાલ પ્રકરણના 8મા વચનામૃતનું સંસ્કૃત ભાષાંતર છે.

ષટચક્ર = છ ચક્ર, જુઓ પરથારાનું વિવરણ.

સકામ = ફળની ઇચ્છાવાળું, કામનાથી (ઇચ્છા-એષણાથી) કરેલું.

અધિકારી પર = લાયકાત ઉપર.

ઐશ્વર્ય = જુઓ પરથારાનું વિવરણ.

ઘાટ-સંકલ્પ = મનસૂબો, વિચાર, મનોરથ.

નિર્ગુણસ્વરૂપ = સત્ત્વ, રજ ને તમો ગુણથી પર એવું નિર્ગુણ સ્વરૂપ માયાના સંબંધ વગરના બધાં સ્વરૂપો નિર્ગુણ કહેવાય, પણ અહીં શ્રીજીમહારાજના દિવ્ય સાકાર સ્વરૂપમાંથી નીકળતા દિવ્ય તેજને કહેલ છે.

વચનામૃત - 2

સંવંત 1876 માગશર સુદિ-5 = તા.22-11-1819, મંગળવાર.

કનિષ્ઠ = છેક ઉતરતું, હલકામાં હલકું, સૌથી નાનું.

પ્રારબ્ધ = ભગવાન કર્મફળપ્રદાતા છે. કર્મ ત્રણ પ્રકારના છે: સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ. સંચિત એટલે અનેક પૂર્વજન્મોમાં થયેલાં કર્મોનો સમુદાય. તેનું ફળ મળવાનું હજુ શરૂ થયું નથી. સંચિત કર્મોમાંથી કેટલાક કર્મો એકઠાં કરીને તેઓનું ફળ ભોગવવાની ભગવાન પ્રેરણા કરે છે. આવા કર્મો પ્રારબ્ધ કહેવાય છે. ભાગ્ય નસીબ.

લોપી શકે નહિ = તાબે કરી શકે નહિ.

ધન-ધામાદિક = દ્રવ્ય તથા રહેઠાણ-નિવાસસ્થાન વગેરે.

વચનામૃત - 3

સંવત 1876ના માગશર સુદિ-6 = તા.23-11-1819, બુધવાર.

વિષ્ણુયાગ = એક પ્રકારનો અહિંસામય યજ્ઞ જેમાં અઢાર દિવસ સુધી અગ્નિને આહુતિ અપાય છે.

કૃપાવાક્ય = જે વચનામૃતમાં શ્રીજીમહારાજે કોઈના પ્રશ્નના ઉત્તર રૂપે નહિ પણ પોતાની મેળે જ કૃપા કરીને વાત કહી છે. તેને કૃપાવાક્ય કહે છે.

શિખા = પુરુષના માથા ઉપર ગાંઠ વળે એવા લાંબા વાળની ચોટલી.

સાધનદશાવાળા એકાંતિક = ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાન મેળવવાની સાધના કરતા હોય તેવા, પણ તેઓ હજુ સિદ્ધસ્થિતિને પામ્યા નથી, સાધનામાર્ગમાં છે.

વચનામૃત - 4

સંવત 1876 માગદર સુદિ-7 = તા.24-11-1819, ગુરુવાર

તુંબરુ = તે નામના એક ગંધર્વ. તે વિષ્ણુ ભગવાનના પ્રિય સેવક છે અને સંગીત વિદ્યામાં નિપુણ છે.

સાત મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય તે મન્વંતર બ્રહ્માના એક દિવસ (જેને કલ્પ કહે છે તે આપણાં ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષનો સમયગાળો)માં ચૌદ મનુ રાજ્ય કરી જાય છે, એટલે એક મન્વંતર એ આપણાં 30,85,71,428 વર્ષ. તેવા સાત મન્વંતર સુધીનો સમય. તે આપણાં 2 અબજ 16 કરોડ વર્ષ.

વચનામૃત - 5

સંવત 1876 માગશર સુદિ-8 = તા.25-11-1819, શુક્રવાર

પરોક્ષના ઉપાસકો = અન્ય અવતારોના ભક્તો.

પરમ એકાંતિક મુક્ત = શ્રીજીમહારાજના જેવા જ આકારવાળા પણ શ્રીજીમહારાજની સન્મુખ રહીને સુખ ભોગવતા હોય તેવા મુક્તો.

અનાદિમુક્ત = શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય આકારવાળા મુક્તો જે અતિ સ્નેહથી શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપમાં લીન થઈને ઓતપ્રોત પણે, રસબસપણે સુખ ભોગવે છે તેવા મુક્તો. શ્રીજીમહારાજ જ્યારે મનુષ્યરૂપે વિચર્યા ત્યારે મનુષ્યરૂપે વિચરેલા સંત-હરિભકતોને (દા.ત. સદ્ ગોપાળાનંદ સ્વામી, શ્રી દાદાખાચર, શ્રી પર્વતભાઈ, જીવુબા વગેરે) અનાદિમુક્ત કરે છે, શ્રીજીમહારાજના સમકાલીન, શ્રીજીમહારાજની સાથે અક્ષરધામથી આવેલા એ અર્થમાં પણ 'અનાદિમુક્ત' શબ્દ વપરાય છે. અહીં વચનામૃત - રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં એ અર્થથી એ શબ્દ વપરાયેલો નથી. 'અનાદિમુક્ત' એ મુક્તોનો એક વર્ગ કે જે દિવ્યભાવે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહી સતત સુખ ભોગવે છે તેવો વર્ગ. જુઓ પૂર્વ ભૂમિકામાં અનાદિમુક્ત વિશેની સમજણ.

વચનામૃત - 6

સંવત 1876 માગશર સુદિ-9 = તા.26-11-1819, શનિવાર

ભગવાન ને સંત = ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સાક્ષત્કારને પામેલા મુક્તો. (સંત = સત્પુરુષ, ઓલિયો)

વચનામૃત - 7

સંવત 1876 માગશર સુદિ-10 = તા.26-11-1819, શનિવાર

(છઠ્ઠા વચનામૃતની સભા બાદ તિથિ બદલાઈ છે, દિવસ બદલાયેલ નથી, તેથી તારીખ તે જ છે.)

અધ્યાત્મવાર્તા = અધિ (સંબંધી) + આત્મન્ + વાર્તા (હકીકત) આત્મા સંબંધી હકીકત. આત્મજ્ઞાનની ચર્ચા.

વાચ્યાર્થ = દેખીતી રીતે સમજાતો અર્થ.

પૃથક્પણે = અલગ, ભિન્ન, જુદું.

સત્તામાત્ર = અસ્તિત્ત્વ, સત્.

લક્ષ્યાર્થ = ખરેખર સમજવાનો અર્થ, તાત્પર્ય,

અન્વયપણે = કાર્યકારણને સંબંધે સાથે રહેલું.

વ્યતિરેક = ભિન્ન, જૂદું, પૃથક્.

સચ્ચિદાનંદ = સત્ + ચિત્ + આનંદ.

અંતર્યામીપણે = પ્રાણીમાત્રમાં રહેલા, સાક્ષીપણે રહેલા.

નિયંતાપણે = નિયમમાં રાખનાર, કાબૂમાં રાખનાર.

ગોલોકધામ = (અહીં સમજવાનો અર્થ) તેજના સમૂહરૂપ ધામ, અક્ષરધામ.

બ્રહ્મજ્યોતિ = ભગવાનના સાકાર સ્વરૂપમાંથી નીકળતા તેજરૂપ નિરાકાર અક્ષરબ્રહ્મ.

અર્ચિમાર્ગે = ભગવાનના સ્વરૂપનો પ્રકાશ. તે પ્રકાશને માર્ગે ભગવાનનું સ્વરૂપ દેખાય, તેથી તે તેજને અચિમાર્ગ કહે છે.

વચનામૃત - 8

સંવત 1876 માગશર સુદિ-11 = તા.27-11-1819, રવિવાર

ઇંદ્રિયો = શરીરના અવયવો, શ્રોત્ર (કાન), ત્વચા (ચામડી), ચક્ષુ (આંખ), રસના (જીભ), ઘ્રાણ (નાક) એ પાંચ જ્ઞાનેન્દ્રિયો. વાક્ (મોં), પાણિ (હાથ), પાદ (પગ), પાયુ (ગુદા, મળદ્વાર), ઉપસ્થ (જનનેંન્દ્રિય)એ પાંચ કર્મેન્દ્રિયો કુલ દસ ઇંદ્રિયો.

અંત:કરણ = અંતર+કરણ. અંદરની ઇંદ્રિયો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ ચાર અંત:કરણ છે.

અહંબુદ્ધિ = હું પણાની બુદ્ધિ.

નિવૃત્તિ પામે છે = વિરામ પામવો, પાછા ફરવું.

મમત્વબુદ્ધિ = મારું હોવાની બુદ્ધિ.

નિસ્પૃહિ = જેને સ્પૃહા (ઇચ્છા, આકાંક્ષા) નથી તે.

પંચ વર્તમાન = શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે પાળવાના પાંચ નિયમો. વર્તમાન ધરાવવા એટલે એ નિયમો પાળવા. સામાન્યપણે દરેક આશ્રિતે પાળવાના વર્તમાન પાંચ છે. દારૂ ન પીવો, માંસ (માટી) ન ખાવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલાવું-વટલાવવું નહિ (અશુદ્ધ માણસના સ્પર્શવાળા જળ-અન્ન ન લેવાં) જે ત્યાગાશ્રમની દિશા લે છે તેમને આ પાંચ વર્તમાન ઉપરાંત બીજાં વધારાનાં પાંચ વર્તમાન પાળવાના હોય છે: નિર્લોભ, નિષ્કામ, નિ:સ્પૃહ, નિ:સ્વાદ, નિર્માન.

હીણ્યપ = હલકાપણું, કલંક, નામોશી, માનહાનિ, નાનપ.

દેઈને સ્ત્રીઓ = દેવી જેવી સ્ત્રીઓ.

ઐશ્વર્ય = મોટપ, સાર્મથ્ય, સિદ્ધિ.

વચનામૃત - 9

સંવત 1876 માગશર સુદિ-12 = તા.28-11-1819, સોમવાર

પૂર્ણકામ = ભગવાન મેળવવાની પોતાની કામના પૂર્ણ થઈ છે તેવા.

ન્યૂનતા = ઊણપ, ઓછપ.

ઉરુકાળ = ઉરુ (= ઘણું) + કાળ (વખત), ઘણો સમય, લાંબો વખત.

ફેલફતૂર = પાંખડીપણું, ચેનચાળા.

પાંખડ = ઢોંગ, બનાવટ, બીજાને માત્ર દેખાડવા રૂપ ભક્તિ કે ઉપાસના.

સગુણ-નિર્ગુણરૂપ = સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે ગુણે સહિત તે સગુણરૂપ. એ ત્રણે ગુણથી પર તે નિર્ગુણરૂપ.

વચનામૃત - 10

સંવત 1876 માગશર સુદિ-13 = તા.29-11-1819, મંગળવાર.

લોહીખંડ-પેટ બેસણું = (પેટ બેસણું = વારંવાર ઝાડો થવો) ઝાડા સાથે લોહી પડે તેવો ઝાડો વારંવાર થવો તે.

વચનામૃત - 11

સંવત 1876 માગશર સુદિ-14 = તા.30-11-1819, બુધવાર.

વચનામૃત - 12

સંવત 1876 માગશર સુદિ-15 = તા.1-12-1819, ગુરુવાર.

અવિદ્યા = અજ્ઞાન. જેનાથી ભ્રમ થાય તેવી ખોટી બુદ્ધિ.

દિવ્યવિગ્રહ = દિવ્ય આકારવાળા, દિવ્યમૂર્તિ.

ક્ષેત્રજ્ઞ = શરીરના આત્મા, શરીરી.

ત્રિગુણાત્મક = સત્ત્વ, રજોગુણ ને તમોગુણ એ ત્રણ ગુણવાળી.

જડચિદાત્મક = જડ (નિર્જિવ વસ્તુ) + ચિત્ (ચૈતન્ય રહેલું છે તેવી વસ્તુ).

નિર્વિશેષ = નિર્ (વગરનું) + વિ (વધારે) + શેષ (બાકીનો ભાગ) તફાવત વગરનું, સર્વદા સમાન રૂપવાળું.

મહદાદિક = મહતત્ત્વ આદિક તત્ત્વો.

ગુણસામ્ય = ત્રણે ગુણ જેમાં સમપણે રહ્યા છે તે.

ક્ષોભ = ખળભળાટ, વ્યાકુળપણું, વિચળપણું.

ભૂત = પંચભૂત; પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ.

માત્રા = તન્માત્રા; પંચ વિષયો : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.

દેવતા = ઇંદ્રિયોના અધિપતિ દેવતાઓ. દસ ઇંદ્રિયોના દસ અલગ દેવતા છે : ચંદ્ર, દિક્પાળ, વાયુદેવ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇંદ્ર, ઉપેન્દ્ર (વિષ્ણુ) ને મિત્ર (યમ).

પ્રાણ = શરીરમાંનો વાયુ જે જિંદગીને આધારરૂપ છે. પ્રાણ પાંચ પ્રકારના છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન ને વ્યાન. નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત ને ધનંજય એ પાંચ ઉપપ્રાણ છે.

ઘોરપણું = ગંભીરપણું, ભય, ઉત્પન્ન કરવાપણું.

વિમૂઢપણું = મોહ પમાડવાપણું, બેસૂધ કરવાપણું, ભ્રમ પેદા કરવાપણું.

અર્થમાત્રનો આશ્રય = અર્થ-ઉદ્દેશ-મતલબ-માયનો સમજાવનાર.

પરિમાણપણું = પરિણામ તરીકે ઉત્પન્ન થતું.

કષાયલાપણું = સ્વાદમાં તૂરું હોવાપણું (હિમેજ કે હરડે જેવા સ્વાદવાળું)

પિંડીકરણ = પિંડો કરવો તે, ઢગલો કે એકીકરણ કરવું તે.

હૂતદ્રવ્યાદિક = યજ્ઞકુંડમાં આહુતિરૂપે અપાતી સામગ્રી તે હૂતદ્રવ્ય. હોમવા માટેની સામગ્રી.

ક્ષુધા = ભૂખ

તૃષા = તરસ.

વચનામૃત - 13

સંવત 1876 માગશર વદિ-1 = તા.2-12-1819, શુક્રવાર.

વાસુદેવ નારાયણના મંદિરની સમીપે = ગઢડામાં દાદા ખાચરના નિવાસસ્થાનમાં વચ્ચે ચોક અને ચારે તરફ ઓરડા-ઓસરી આવેલા છે. જે ઓરડાનાં બારણાં પૂર્વ (સૂર્ય ઉદય થવાની) દિશા તરફ છે તે ઓરડા-ઓસરીને 'ઉગમણા બારના ઓરડા' કહેતા. તે જ રીતે પશ્ચિમ (સૂર્ય આથમવાની) દિશા તરફ જે ઓરડીનાં બારણાં છે તે ઓરડાને 'આથમણા બારના ઓરડા' કહે છે. તેમ જ જે ઓરડાનાં બારણાં ઉત્તર દિશા તરફ છે તે 'ઓતરાદા બારના ઓરડા' આ જે ઓતરાદા બારના ઓરડામાંના એક ઓરડામાં શ્રીજીમહારાજે 'શ્રી વાસુદેવ નારાયણ' નામની શ્યામ આરસની શિલ્પ પ્રતિમા પધરાવી હતી, જે પ્રતિમા પાછળથી (સં.1885માં શ્રીજીમહારાજની સંનિધિમાં જ) હાલ જે શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર છે તેમાં પશ્ચિમ તરફના (ત્રીજા) શિખરમાં પધરાવેલ છે.

એ ઓતરાદા બારના ઓરડામાં પધરાવેલ શ્રી વાસુદેવનારાયણની મૂર્તિને લીધે તે ઓરડાને વાસુદેવનારાયણનું મંદિર કહેલ છે, ને તે મંદિરની આગળ ઓસરી છે, ને તે ઓસરીની સમીપમાં ચોક છે, તે ચોકમાં આવેલું લીંમડાનું વૃક્ષ-નીમતરુ- નીચે સભા થતી.

સુરવાળ = પાયજામો, ચોરણો.

ડગલી = અસ્તરવાળી અંગરખી, બંડી.

શેલું = કસબી કોર-પાલવવાળો બારીક સુંદર વણાટનો ખેસ, ઉપરણો, ઉત્તરીય વસ્ત્ર.

કટી = કેડ, કમર.

અચ્યુત = સ્થિર, અવિચલિત, ન ખસેલું.

બ્રાહ્મકલ્પ = બ્રહ્માના અંગથી થયેલી સૃષ્ટિ. બ્રહ્માનો દિવસ ઊગે તે સાથે સૃષ્ટિની રચના ચાલુ થાય છે. બ્રહ્માના એક દિવસમાં (રાત્રિ નહિ) આપણાં ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષ થાય છે, તે સમયને કલ્પ કહે છે. આમ બ્રહ્મા જે સૃષ્ટિ રચે છે તે આ કલ્પના ભાગ દરમ્યાન રચે છે તેને બ્રાહ્મકલ્પ કહે છે.

વચનામૃત - 14

સંવત 1876 માગશર વદિ-2 = તા.3-12-1819, શનિવાર.

શ્રુતિ = વેદના ચાર વિભાગ: સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક ને ઉપનિષદ્ એ શ્રુતિ કહેવાય છે. એમાં પ્રતિપાદન કરેલાં સત્યો આદ્યઋષિઓએ પરમાત્મા પાસેથી સાક્ષાત્ શ્રવણ કરેલાં છે.

अंते या... = અંતકાળે જેવી મતિ હોય તેવી તે જીવની ગતિ થાય છે. (હિણ્યકેશીય શાખાની શ્રુતિ)

વચનામૃત - 15

સંવત 1876 માગશર વદિ-3 = તા.4-12-1819, રવિવાર.

अनेक जन्म... = ભાગવદ્ ગીતા અધ્યાય 6, શ્લોક 45ની બીજી લીટી. અર્થ: આ રીતે પ્રયત્નપૂર્વક નિરંતર મંડ્યો રહેનાર યોગી પાપથી સર્વથા શુદ્ધ થઈને અનેક જન્મે સંસિધ્ધ થઈને આખરે પરમગતિને જ પામે છે.

વચનામૃત - 16

સંવત 1876 માગશર વદિ-4 = તા.5-12-1819, સોમવાર.

નિષ્કામશુદ્ધિ = સત્સંગીજીવન ગ્રંથના પ્રકરણ 3માં અધ્યાય 27માં કરેલો ઉપદેશ.

ધર્મામૃત = સત્સંગીજીવન ગ્રંથના પ્રકરણ 4ના અધ્યાય 62 થી 67.

જનશિક્ષા = સત્સંગીજીવન ગ્રંથના પ્રકરણ 3ના અધ્યાય 59 થી 62.

બૃહદ્ધર્મ = સત્સંગીજીવન ગ્રંથના પ્રકરણ 5ના અધ્યાય 50 થી 54.

વચનામૃત - 17

સંવત 1876 માગશર વદિ-5 = તા.6-12-1819, મંગળવાર.

પરમહંસ = સંન્યાસી ચાર પ્રકારના છે: કુટિચક, બહૂદક, હંસ ને પરમહંસ, તેમાં પરમહંસ સૌથી શ્રેષ્ઠ છે. તે શિખા, જનોઈ તથા દંડનો ત્યાગ કરે છે, જ્ઞાતિભેદ રહિત થઈ હરકોઈ જ્ઞાતિનું રાંધેલું ખાય છે. દેવપૂજન પણ કરવાનું રહેતું નથી. સદા જ્ઞાનનિષ્ઠ રહીને વિચરે છે. શ્રીજીમહારાજે સાધુઓને પરમહંસ દીક્ષા આપી હતી. તે પરમહંસ આ રીતે વર્તતા-વિચરતા હતા.

સાંખ્યયોગી = સંસાર વ્યવહારનો ત્યાગ કરી પ્રભુને ભજનાર ત્યાગી (સામાન્ય રીતે બાઈ હરિભક્તો).

કર્મયોગી = સંસાર વ્યવહારમાં રહીને પ્રભુને ભજનારા ગૃહસ્થ હરિભક્તો (બાઈ-ભાઈ સર્વે).

વચનામૃત - 18

સંવત 1876 માગશર વદિ-6 = તા.7-12-1819, બુધવાર.

ષટ્શાસ્ત્ર = વૈદિક તત્ત્વજ્ઞાનના છ દર્શન છે, તેને ષડ્દર્શન પણ કહે છે. તેના નામ: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા ને વેદાંત. ન્યાયશાસ્ત્રમાં યથાર્થ જ્ઞાન માટે વિચારોનું યોગ્ય નિરૂપણ કેમ થાય તે સમજાવેલ છે, તેના કર્તા ગૌતમઋષિ છે. વૈશેષિકશાસ્ત્રમાં પદાર્થોના સામાન્ય ને વિશેષ અંશનો નિર્ણય કરવામાં આવે છે, આત્મા-અનાત્માના ધર્મો જુદા પાડી બતાવ્યા છે, તે શાસ્ત્રના રચયિતા કણાદ મુનિ હતા. સાંખ્યશાસ્ત્રમાં પ્રકૃતિ, પુરુષ અને તેના ભેદનું વર્ણન કરેલ છે, તેના કર્તા કપિલમુનિ હતા. યોગશાસ્ત્ર એટલે આસન, પ્રાણાયમ, ધ્યાન વગેરે દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ કરીને ભગવાન સાથે જોડાવાનું શીખવતું શાસ્ત્ર, તે પતંજલિ મુનિએ લખેલ છે. મીમાંસા શાસ્ત્રના બે વિભાગ છે : જૈમિની મુનિ રચિત પૂર્વ મીમાંસામાં કર્મ અનુષ્ઠાનની રીત કહેલ છે જે મનુષ્યનો પ્રથમ ધર્મ છે, તે કહે તેને ઉત્તર મીમાંસાનો અધિકાર મળે છે. જેમાં જ્ઞાનકાંડ છે, જે વ્યાસજીએ લખેલ છે. વેદાંતશાસ્ત્ર અંતિમ ધ્યેયનું નિરૂપણ કરે છે, તે વેદનું રહસ્ય કહે છે, તેથી તેને વેદનો અંત (= વેદાંત) કહે છે, તેને ઉપનિષદ પણ કહે છે. વેદ વ્યાસજીએ એનો સંગ્રહ કર્યો છે.

અઢાર પુરાણ = જૂની દેવકથાઓ જેમાં વર્ણવેલ છે તેવા ગ્રંથો. બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, વાયુ, ભાગવત, નારદીપ, માર્કંડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરુડ, બ્રહ્માંડ- એવા અઢાર પુરાણો છે.

ભારતાદિક ઇતિહાસ = ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સંબંધી ઉપદેશ સાથે પૂર્વે બનેલી હકીકતનું વર્ણન કરે તે ઇતિહાસ મહાભારત ગ્રંથ આવા ઇતિહાસનું વ્યાસજીનું લખેલું મહાકાવ્ય છે, તેને 'ભારત' પણ કહે છે (તે ભરત રાજાના કુળનો ઇતિહાસ હોવાથી 'ભારત' નામે ઓળખાયું.)

રંચ = અતિશય થોડું, જરીક જ, અલ્પ માત્ર.

ખરખરો = દિલગીરી, પસ્તાવો, સંતાપ, શોક.

વિક્ષેપ = આડ, અડચણ, હરકત, વિઘ્ન.

ગાફલતા = ગફલત, બેકાળજી, બેદરકારી, અસાવધતા.

નાના પ્રકારના = વિવિધ, તરેહ તરેહના.

લીલાગર ભાંગ્ય = એક જાતનું કેફી પીણું.

આહાર = ખોરાક, ભોજન, ખાનપાન.

વર્તમાનની આડ્ય = નિયમના બંધન. દા.ત. બાઈમાણસથી ત્યાગી સાધુના ચરણસ્પર્શ ન થઈ શકે તે વર્તમાનની આડ્ય છે.

મલિન = અપવિત્ર, ગંદું, મેલું, દૂષિત.

ગબરગંડ = મૂર્ખ.

પશુને પાડે = પશુની રીતે, પશુની જેમ, પશુસમ.

મોર = અગાઉ, પહેલાં, શરૂઆતમાં, પૂર્વે, મોખરે.

કીડિયારાનો રોગ = એક જાતનો ચામડીનો રોગ જે ચામડી કે હાડકાને સડવી નાખે છે. કીડિયાનગરું હાથે-પગે કે શરીરના બીજા કોઈ ભાગમાં ઝીણી ફોડકીઓ થઈ જેમાં જીવાત પડે તેવો રોગ.

પંડ = શરીર.

વચનામૃત - 19

સંવત 1876 પોષ સુદિ-1 = તા.18-12-1819, રવિવાર.

વચનામૃત - 20

સંવત 1876 પોષ સુદિ-2 = તા.19-12-1819, સોમવાર.

ચોફાળ = ચાર ફાળ એટલે પડ કે પટ હોય તેવી મોટી પિછોડી, બેવડી જાડી મોટી ઓઢવાની ચાદર.

કસર = કચાશ, ખામી, અપૂર્ણતા, ન્યૂનતા, કસૂર, દોષ, વાંક.

વચનામૃત - 21

સંવત 1876 પોષ સુદિ-3 = તા.19-12-1819, સોમવાર.

(સાંજના ભાગમાં સભા ભરાઈ ત્યારે ત્રીજ બેસી ગયેલી હતી, પણ તારીખ-વાર બદલાયેલ ન હતા.)

વર્ણાશ્રમ ધર્મ = ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર) ને ચાર આશ્રમ (= બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યસ્ત) વર્ણ પ્રમાણે ને વય પ્રમાણે મનુષ્યે કેમ વર્તવું. તેને લગતાં સૂચન તે વર્ણાશ્રમ ધર્મ.

મીનડિયું = બિલાડીઓ.

ચોરાસી = ચોરાસી લાખ જાતની જુદી જુદી યોનિઓ છે, જેમાં જીવ દેહ ધારણ કરે છે. જીવનું ચોરાસી લાખ યોનિમાં દેહ ધરવારૂપ ભ્રમણ તે ચોરાસીના ફેરા, પુરાણોમાં ચોરાસી લાખનો હિસાબ છે: 9 લાખ જળચર, 10 લાખ પક્ષી, 11 લાખ કૃમિ, 20 લાખ પશુ, 30 લાખ સ્થાવર (વનસ્પતિ), 4 લાખ મનુષ્ય.

દેહગેહાદિક = દેહ, મકાન, આદિ સંસાર.

અર્ચિ માર્ગે = જુઓ વચનામૃત 7ની નોંધ.

સાર્ધમ્યપણું = સરખા ગુણધર્મવાળા હોવાપણું, મળતાપણું.

હજૂર = તહેનાત, સાંનિધ્ય, હાજરીમાં, નજર આગળ.

આધાર-આધેય = આધાર એટલે આશરો, મદદ, સહાય, આધેય એટલે આશ્રયમાં રહેલ, આશ્રયસ્થાન.

વચનામૃત - 22

સંવત 1876 પોષ સુદિ-4 = તા.20-12-1819, મંગળવાર.

વચનામૃત - 23

સંવત 1876 પોષ સુદિ-5 = તા.21-12-1819, બુધવાર.

ફેંટો = માથે બાંધવાનું કસબી ફાળિયું.

અંગરખું = ચાર કસનો લાંબો ડગલો (જૂના સમયમાં બંડી વગેરે કપડાંના બે પડને બાંધવા, સાથે રાખવા, બટનના બદલામાં ટંકાતી દોરી)

વાસુદેવ માહાત્મ્ય = સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં બત્રીસ અધ્યાયથી શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તે શાસ્ત્રને વાસુદેવ માહાત્મ્ય કહે છે.

દેહાત્મ બુદ્ધિ = દેહ છે તે જ આત્મા છે એવી સમજણ-માન્યતા- બુદ્ધિ.

મોહની સ્વરૂપ = શિવજીએ ભસ્માસુર રાક્ષસ ઉપર પ્રસન્ન થઈ એવું કડું આપ્યું કે જે પહેરી જેના ઉપર હાથ મૂકે તે બળીને ભસ્મ થઈ જાય. તે રાક્ષસે તે કડું લઈને તેનો પ્રયોગ શિવજી ઉપર જ કરવા ધાર્યું, તેથી શિવજી નાઠા. વિષ્ણુ ભગવાનને સ્ત્રીનું રૂપ- મોહની સ્વરૂપ- ધારણ કરી તે રાક્ષસને પોતાના તરફ આકર્ષી તેની પાસે નૃત્ય કરાવતાં કરાવતાં, તેનો જ હાથ તેના પોતાના માથા ઉપર મૂકાવ્યો, જેનાથી તે રાક્ષસ ભસ્મ થઈ ગયો, ને શિવજી રાહત પામ્યા, પણ શિવજીને તે સ્ત્રીનું સ્વરૂપ બહુ મોહક લાગ્યું, તેથી તેમાં મોહ પામી ગયા.

નરકતુલ્ય = દુર્ગંધવાળું, મેલું, મળ, વિષ્ટાતુલ્ય.

ચંડાળ = પતિત માણસ, અંત્યજ જાતિનો માણસ, દુષ્ટ માણસ.

શ્વપચ = કૂતરાં વગરે પ્રાણીઓનું માંસ પકાવીને ખાનાર, નીચ જાતિનો માણસ.

વચનામૃત - 24

સંવત 1876 પોષ સુદિ-6 = તા.22-12-1819, ગુરુવાર.

પોસની = ઠંડીના દિવસોમાં પહેરવાના વસ્ત્ર.

પ્રણવ = ૐ એવો શબ્દ.

નાદ = ધ્વનિ, અવાજ, સૂર, ઘોષ.

ચિંતામણિ = એવો પથ્થર(મણિ) કે જે હાથમાં રાખીને જેનું ચિંતવન કરે તે મળે.

વચનામૃત - 25

સંવત 1876 પોષ સુદિ-7 = તા.23-12-1819, શુક્રવાર.

અષ્ટાંગ યોગ = આઠ અંગ સહિતનો યોગ. તે અંગ: યમ (ઇંદ્રિયો ઉપર કાબૂ), નિયમ (તપ વગેરે ક્રિયા) (નિષેધવાક્ય તે યમ, વિધિવાક્ય તે નિયમ), આસન (યોગાસન, જેનાથી મનને શાંતિ મળે ને શરીર સ્થિર રહે તેવી શરીરની સ્થિતિ, (વ્યાયામ), પ્રાણાયામ (શ્વાસ-ઉચ્છ્વાસની ગતિને નિયમન કરવી તે), પ્રત્યાહાર (પોતપોતાના વિષયોમાંથી ઇંદ્રિયોને પાછી વાળવાની ક્રિયા), ધ્યાન (વૃત્તિઓને લક્ષ્ય એવા ભગવાનના સ્વરૂપમાં કેંદ્રિત કરવી), ધારણા (લક્ષ્ય એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિરતા), સમાધિ (લક્ષ્ય એવા ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ)

નિરોધ = ભગવાનના સ્વરૂપમાં ચિત્તની સર્વે વૃત્તિને રોકવી તે. નિગ્રહ, નિયંત્રણ, અટકાવ.

નિર્વિકલ્પ સમાધિ = જેમાં જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયના સર્વે વિકલ્પ મટી જઈને ભગવાનના સ્વરૂપમાંથી નીકળતા બ્રહ્મરૂપ તેજ સ્વરૂપે થઈ ભગવાનના સ્વરૂપમાં જ સ્થિતિ થઈ જવી.

વચનામૃત - 26

સંવત 1876 પોષ સુદિ-11 = તા.27-12-1819, મંગળવાર.

તાળપખાજ = ઝાંઝ, મંજીરાં, કરતાલ, કાંસીજોડ, છબલિકાં તે તાળ ને પખાજ ને ઢોલક, પખાજ, મૃદુંગથી કાંઈક નાનું પણ બેઉ બાજુએ ચામડું મઢેલું વાદ્ય છે.

રસિક કીર્તન = ભગવાન સાથે રસપૂર્વક મોજ-વિલાસ કર્યા હોય તેવું વર્ણન કરતાં ભજન, શૃંગારરસમય કીર્તન.

ઉપાસના = ઉપ (= નજીક) + આસન (બેસવું). ભગવાનની નજીક રહી તેમની સેવા-આરાધના કરવી. ભગવાનને સર્વથી પર તેજના સમૂહને મધ્યે સાકારમૂર્તિરૂપે જાણી તેમની પતિવ્રતાપણે પ્રેમથી સેવા-આરાધના કરવી તે. ભગવાનના સંબંધ વિનાના અન્ય વિષયોમાં આનંદ પામે તેની ઉપાસના ખોટી થઈ ગઈ ગણાય.

પિંડ-બ્રહ્માંડ = પોતાના શરીરથી માંડીને સમગ્ર બ્રહ્માંડ અસ્થિર અને હંમેશા વિકાર પામતું જગત.

મિષ = નિમિત્ત, બહાનું.

વચનામૃત - 27

સંવત 1876 પોષ સુદિ-12 = તા.28-12-1819, બુધવાર.

જરણા કરવી = ધીરજ રાખવી, સબૂરી રાખવી, શાંતિ-ખામોશી રાખવી.

સચેતન = (ભગવાન તરફ જવાની) ચેતના આપવી.

વચનામૃત - 28

સંવત 1876 પોષ સુદિ-14 = તા.30-12-1819, શુક્રવાર.

હારે જે ઓરડો = ની બાજુનો ઓરડો.

વચનામૃત - 29

સંવત 1876 પોષ સુદિ-15 = તા.31-12-1819, શનિવાર.

પાતર્યું = પાતર, વેશ્યા, અનીતિએ ચાલનારી ખરાબ સ્ત્રી, ગણિકા.

ભડવા = વેશ્યાની દલાલી કરનાર માણસ, વ્યભિચારની કમાઈ ખાનારો પુરુષ, નામર્દ, બાયલો, નમાલો માણસ.

અરણા-પાડા = જંગલી પાડો, અરણ્યનો પાડો.

સમાસ = પુષ્ટિ, સમર્થન, સમજણ, વૃદ્ધિ, પ્રચાર.

વચનામૃત - 30

સંવત 1876 પોષ વદિ-1 = તા.1-1-1820, રવિવાર.

બેરખા = હાથની કોણી ઉપર પહેરવાના ધરેણાં, બાજુબંધ, વાંક.

ડંસ બેસવો = મન ઉપર અસર થઈ જવી.

નિરુત્થાન = ઉત્સાહ વગરનું, બહાર આવવાની શક્તિ વગરનું.

નિવૃત્તિ = નાશ, અસ્ત, પૂરું થવું તે.

વચનામૃત - 31

સંવત 1876 પોષ વદિ-2 = તા.2-1-1820, સોમવાર.

ટેલ ચાકરી = પોતાનાથી બનતી તદ્દન મફત કરાતી સેવાચાકરી,

વર્ણસંકર = પોતાનો વર્ણ છોડી બીજા વર્ણમાં લગ્ન કરવાથી ઉત્પન્ન થયેલું સંતાન.

આસુરી = જંગલી, તામસી.

વચનામૃત - 32

સંવત 1876 પોષ વદિ-3 = તા.3-1-1820, મંગળવાર.

લલાટ = કપાળ

વિમુખ = ભગવાનથી મોં ફેરવીને બેઠેલા, જે હરિભક્ત નથી એવા વિષયી જીવ, નાસ્તિક.

ખીલે આવવું = ગાય-ભેંસ-બકરી સાંજ પડ્યે પોતાના માલિકના ઘરે તેને બાંધવા માટે ખીલો હોય ત્યાં આવે છે તે.

હરાયું ઢોર = નધણિયાતું, નિરંકુશ, રખડતું ઢોર.

વચનામૃત - 33

સંવત 1876 પોષ વદિ-5 = તા.5-1-1820, ગુરુવાર.

પહોર દિવસ = એક પહોર એટલે ત્રણ કલાક, સાડા સાત ઘડી, દિવસનો એટલે સમય બાકી હતો.

સગુણ-નિર્ગુણપણું = તે જ વચનામૃતના રહસ્યાર્થમાં પ્રશ્નોતર ત્રીજો.

અન્વય-વ્યતિરેકપણું = તે જ વચનામૃતના રહસ્યાર્થમાં પ્રશ્નોતર ચોથો.

સર્ગ = ઉત્પત્તિ, સર્જન.

અષ્ટાવરણે વેષ્ટિત = આઠ આવરણથી વીંટાયેલાં.

ઉપાધિ = પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરનાર કારણરૂપ સંબંધ, બંધન, મર્યાદા.

વચનામૃત - 34

સંવત 1876 પોષ વદિ-11 = તા.11-1-1820, બુધવાર.

ક્લેશ = કંકાસ, કજિયો, દુ:ખ, અવિદ્યા.

ઋતુ સમે = ગર્ભધારણ માટે યોગ્ય સમય.

વચનામૃત - 35

સંવત 1876 પોષ વદિ-12 = તા.12-1-1820, ગુરુવાર.

વચનામૃત - 36

સંવત 1876 પોષ વદિ-13 = તા.13-1-1820, શુક્રવાર.

ભેખધારી = ભિખારીનો વેશ ધારણ કરેલો.

ચાંદ્રાયણ = એક જાતનું વ્રત. આ વ્રત ચંદ્રની વધઘટ પ્રમાણે વધતા અને ઘટતા કોળિયા ખાઈને કરવામાં આવે છે, સુદિ પડવે એક કોળિયો જમે, બીજના દિવસે બે કોળિયા અને પૂનમના દિવસે પંદર કોળિયા જમે. વદિ પડવેથી પાછા એ જ રીતે ઉતરવા માંડે અને અમાસે ઉપવાસ કરે.

વચનામૃત - 37

સંવત 1876 પોષ વદિ-14 = તા.14-1-1820, શનિવાર.

ભેખ લીધો હોય = દુનિયાદારી છોડી સાધુ થયા હોય.

ખાંપો = ભાંગેલી ડાળખીનું થડને વળગી રહેલું ઠૂંઠું.

વચનામૃત - 38

સંવત 1876 મહા સુદિ-1 = તા.16-1-1820, સોમવાર.

નામું કર્યું હોય = કોઈ વસ્તુ ઉધાર લાવ્યા હોઈએ.

વાસનાએ વસાણું છે = વાસના ભરેલી છે.

त्यज धर्म्म् अधर्मं च = હું આમ ધર્મ પાળું કે તેમ અધર્મથી પાછો વળું- તે વિચાર છોડીને કેવળ આત્માપણે વર્તી ભગવાનની ઉપાસના કર.

मिथिलायां प्रदीप्तायां... = મિથિલા નગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી. (મહાભારતના મોક્ષધર્મમાંથી)

પ્રાકૃત ભક્ત = સાધારણ ભક્ત.

એકાંતિક = અનન્ય, શ્રેષ્ઠ, એક જ ધ્યેયવાળા, છેવટના.

વચનામૃત - 39

સંવત 1876 મહા સુદિ-3 = તા.18-1-1820, બુધવાર.

મિથ્યા = અવાસ્તવિક, અયથાર્થ, વૃથા.

સ્મૃતિ = પ્રાચીન શાસ્ત્રકારોએ રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરેના ચાલતા આવેલા નિયમો યાદદાસ્ત ઉપરથી જેમાં લખ્યા છે તે ગ્રંથો. સ્મૃતિ 18થી 20 છે.

ઓરા = નજીક.

સવિકલ્પ સમાધિવાળા = જુઓ વચનામૃત - 40

જીવનમુક્ત = સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખતા હોય તેવા મુક્ત પણ તેવા મુક્તોને બીજા મોટા મુક્તો જેવા થવાનો વિકલ્પ રહ્યા કરતો હોય છે.

વિદેહીમુક્ત = સર્વે વિકલ્પથી રહિત, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં અતિ સ્નેહે કરીને જોડાઈ ગયેલા મુક્તો.

બ્રહ્મનિરૂપણ = બ્રહ્મનું વર્ણન કરવું તે.

પૂર્વાપર = આગળ-પાછળનો સંદર્ભ.

નારકી = નરકમાં રહેનાર.

કૈવલ્યાર્થી = ભગવાનના સ્વરૂપની ઉપાસના વગરનો કેવળ આત્મનિષ્ઠાવાળો.

નકારું = ખરાબ, નઠારું, નરસું.

નિષેધ = મના, બાધ, નકાર, ન કરવું એવું ફરમાન.

વચનામૃત - 40

સંવત 1876 મહા સુદિ-4 = તા.19-1-1820, ગુરુવાર.

નિમગ્ન = એકતાર, તન્મય, લીન, ગરકાવ, આસક્ત, મશગૂલ.

श्रवणं कीर्तनं... = ભક્તિના નવ ભેદ: ભગવાનની કથા સાંભળવા રૂપી શ્રવણભક્તિ, ભગવાનના ગુણચરિત્રના કીર્તન ગાવારૂપી કીર્તનભક્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાનની સેવા રૂપી પાદસેવન, ભગવાનની અર્ચા-પૂજા રૂપી અર્ચનભક્તિ, ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રમાણરૂપી વંદનભક્તિ, ભગવાનની દાસપણે સેવા કરવા રૂપી દાસ્યભક્તિ, ભગવાનને સખાભાવે સ્નેહ કરવારૂપી સખ્યભક્તિ અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દેવારૂપી આત્મનિવેદન ભક્તિ. (શ્રીમદ્ ભાગવત સ.અ.પ્ર.શ્લો.23)

પ્રતિપાદન = રજૂઆત, સમર્થન, સિદ્ધ કરવું, સાબિત કરવું, પ્રમાણ આપી પુરવાર કરવું.

ખંડન = રદિયો, મત કે વાદને તોડી પાડવો તે.

વચનામૃત - 41

સંવત 1876 મહા સુદિ-5 = તા.20-1-1820, શુક્રવાર.

एकोडहं बहुस्यां = હું એકલો છું તે બહુપણાને પામું.

(છાંદોગ્ય ઉપનિષદ અ.6.ખં.2)

ઘેડ્ય બેસતી નથી = વાત ગળે ઊતરતી નથી.

ચ્યવીને = પતન થવું તે, પડવું તે, ભ્રષ્ટ થવું તે, ખસીને, ડગીને, સ્થાનભ્રષ્ટ થઈને.

વેદ સ્તુતિના ગદ્ય = શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં અધ્યાય 87, શ્લોક 19. એમાંથી લીધેલા શ્લોકનો અર્થ એ વચનામૃતમાં એ શ્લોક પછી તરત આપેલો જ છે.

તારતમ્યતા = ન્યૂનાધિકતા, ચડિયાતા- ઉતરતા અંશોની તારવણી, ચડ-ઉતર, પ્રમાણની સમજશક્તિ, સાપેક્ષ અગત્યતા, તફાવત, ફેર.

આદ્યે = વગેરે, આદિ.

વચનામૃત - 42

સંવત 1876 મહા સુદિ-6 = તા.21-1-1820, શુક્રવાર.

વિધિનિષેધ = આમ કરવું ને આમ ન કરવું એવી શાસ્ત્રની આજ્ઞા, અમુક કરવા ન કરવા સંબંધી શાસ્ત્રનું વિધાન.

શુશ્રૂષા = સેવા ચાકરી, સારવાર.

આદ્યે દૈને = આદિ દેવના.

કૈવલ્ય = શુદ્ધ સ્વરૂપ.

સભર ભર્યો છે = પરિપૂર્ણ રીતે ભરેલ છે.

ઘોરનરક = ભયંકર, અંધકારમય નરક, બિહામણું, ભય ઉત્પન્ન કરે તેવું નરક. 'ઘોર' નામનું નરક.

વચનામૃત - 43

સંવત 1876 મહા સુદિ-7 = તા.22-1-1820, શનિવાર.

ચર્તુધા = ચાર પ્રકારની.

ચર્તુધા મુક્તિ = ચાર પ્રકારની મુક્તિ : સાલોક્ય (ભગવાન જે લોકમાં રહે છે તે લોકની પ્રાપ્તિ), સામીપ્ય (ભગવાનની સમીપતાની પ્રાપ્તિ), સારૂપ્ય (ભગવાનના જેવા રૂપની પ્રાપ્તિ) અને સાયુજ્ય (ભગવાનના સ્વરૂપમાં જોડાઈ-લીન થઈ બહારથી જોનારાને જાણે એક ભગવાન જ દર્શન દઈ રહ્યા છે તેમ જણાય, પણ સાયુજ્ય મુક્તિ ભોગવનારા એ સ્વરૂપને વિશે રહી સુખ ભોગવતા હોય તેવી મુક્તિ.)

सालोक्य सार्ष्टि... = મારી સેવા વિના ભગવાને આપેલી ચર્તુધા મુક્તિને પણ મારા ભક્ત ઇચ્છતા નથી, એક સેવાને જ ઇચ્છે છે. (શ્રીમદ્ ભાગવત, તૃતીય સ્કંધ, અધ્યાય 29, શ્લોક 13.)

अथो विभूतिं... = મારા ધામનો અધિકારી થયા પછી, યોગમાયાનો નિયંતા એવો હું તે મારી બ્રહ્મલોક સુધીની સંપત્તિ તથા ભક્તિયોગથી પ્રાપ્ત થઈ જે અણિમાદિ અષ્ટસિદ્ધિ તથા મારા ધામની સંપત્તિ તેને મારા નિષ્કામ ભક્ત ઇચ્છતા નથી પણ હું તેને મારા ધામનું સુખ પમાડું છું. શ્રીમદ્ ભાગવત સ્કંદ 3, અધ્યાય 25, શ્લોક 37.

વચનામૃત - 44

સંવત 1876 મહા સુદિ-8 = તા.23-1-1820, સોમવાર.

બોકાની = બેય કાન અને દાઢી ઢંકાય તેમ કપડાંથી માથું બાંધવું તે, બુકાની.

પંચામૃત = પાંચ અમૃતવાળું, દૂધ, દહીં, ઘી, મધ ને સાકરનું મિશ્રણ.

અહંમમત્વપણાના ઘાટ = દેહ તે હું ને દેહના સંબંધી તે મારા એવો સંકલ્પ.

વિપરીત = અવળું, ઊલટું, વિરુદ્ધ, પ્રતિકૂળ, ખોટું.

વચનામૃત - 45

સંવત 1876 મહા સુદિ-10 = તા.24-1-1820, મંગળવાર.

(નવમીનો ક્ષય)

વચનામૃત - 46

સંવત 1876 મહા સુદિ-11 = તા.25-1-1820, બુધવાર.

પૃથ્વ્યાદિક = પૃથ્વી આદિક, પૃથ્વી વગેરે (પૃથ્વી, જળ, તેજ, વાયુ)

દહરવિદ્યા = જ્યાં જ્યાં ચિદાકાશ છે ત્યાં દેખાય તેવી વિદ્યા. તેજના સમૂહને વિશે ભગવાનની મૂર્તિ ધારવાની વિદ્યા.

અક્ષિવિદ્યા = એક નેત્રે અંતરમાં મૂર્તિ દેખે ને બીજા નેત્રને ઉઘાડું રાખીને બહાર મૂર્તિ જુએ, બેય નેત્રને ઊલટસૂલટ કરે વગેરે કરવાની વિદ્યા.

બ્રહ્મવિદ્યા = ભગવાન મેળવવાની વિદ્યા, બ્રહ્મજ્ઞાન, બ્રહ્મસંબંધી વિદ્યા.

વચનામૃત - 47

સંવત 1876 મહા સુદિ-12 = તા.26-1-1820, ગુરુવાર.

સ્થૂળ = જાડી, સામાન્ય બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવી.

સુધિ સુરત = સુધિ (= સંભાળ), સુરત (= કાળજી, ધ્યાન), સંભાળપૂર્વક રાખેલી મનોવૃત્તિ.

પ્રધાન = મુખ્ય.

ગૌણપણે = સાધારણપણે.

ગાર કરવી = છાણ-માટીને સાથે મસળીને લીંપણ કરવું તે.

વ્યભિચરી જાય = પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું.

सर्वधर्मान्... = તું સર્વ ધર્મને છોડી દઈને એક જ મારા શરણને જ પામ. શ્રીમદ્ ભગવદ્ ગીતા, અ.18, શ્લોક 66.

અષ્ટસિદ્ધિ = જુઓ પરથારાનું વિવરણ.

નવનિધિ = નવ પ્રકારના ભંડાર. મહાપદ્મ, પદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ એ કુબેર (= દેવના ભંડારી)ના નવનિધિ મનાય છે, સર્વ પ્રકારની અખૂટ સંપત્તિ.

વચનામૃત - 48

સંવત 1876 મહા સુદિ-13 = તા.27-1-1820, શુક્રવાર.

કાગદ = કાગળ.

લખાવી દેશું = આલેખી દઈશું, ચિતરાવી દઈશું.

પ્રકંમા = પ્રદક્ષિણા, પરિક્રમા.

કુડાપંથી = કું(કૂં)ડાપંથી, માર્ગી સંપ્રદાયનો અનુયાયી.

વચનામૃત - 49

સંવત 1876 મહા સુદિ-14 = તા.28-1-1820, શનિવાર.

ષટ્ચક્ર = જુઓ પરથારાનું વિવરણ.

વચનામૃત - 50

સંવત 1876 મહા વદિ-1 = તા.31-1-1820, મંગળવાર.

કુશાગ્ર બુદ્ધિ = દર્ભ (નામનું ઘાસ)ની અણી જેવી તીક્ષ્ણ બુદ્ધિ, અતિ સૂક્ષ્મ બુદ્ધિ, તેજ, ઉગ્ર.

या निशा... = સર્વ ભૂતપ્રાણી માત્રની જે રાત્રિ-અજ્ઞાનરૂપ અંધકારમય છે, તેમાં સંયમી-જ્ઞાની પુરુષ જાગે છે, જાણપણે યુક્ત વર્તે છે, અને જેમાં ભૂતપ્રાણી માત્ર જાગે છે, સાવધાન વર્તે છે, તે આત્મદર્શી મનનશીલ સંયમી પુરુષની રાત્રિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય 2, શ્લોક 69.

વચનામૃત - 51

સંવત 1876 મહા વદિ-2 = તા.1-2-1820, બુધવાર.

ઘટપટાદિક = માટીનો ઘડો, નક્કર, પ્રવાહી કે વાયુરૂપ કોઈ પણ ઘાટ-આકાર, પટ એટલે કપડાં, વસ્ત્ર વગેરે.

કોટીમા ભાગની પાસંગમાં = કરોડમાં ભાગની પણ નજીક કે પાસે કે ગણતરીમાં.

આપોપું = પોતાપણું, આત્મભાવ, હુંપદ, આત્મત્વ.

વચનામૃત - 52

સંવત 1876 મહા વદિ-3 = તા.2-2-1820, ગુરુવાર.

પંચરાત્ર = એ નામનું નારદજીનું બનાવેલું શાસ્ત્ર.

પરિચ્છિન્ન = મર્યાદિત, પરિમિત, સીમાયુક્ત.

એકદેશસ્થપણું = સદા એક જગ્યાએ જ રહેલા.

વચનામૃત - 53

સંવત 1876 મહા વદિ-9 = તા.8-2-1820, બુધવાર.

સ્વાભાવિક પ્રકૃતિ = સ્વભાવ, તાસીર, પૂર્વના સંસ્કારને આધીન સ્વભાવ.

વચનામૃત - 54

સંવત 1876 મહા વદિ-11 = તા.9-2-1820, ગુરુવાર.

प्रसंगमजरं... = સ્વધર્મ, વૈરાગ્ય, માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવતધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગથકી ઉઘાડું થાય છે.

શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કંધ, અધ્યાય 25, શ્લોક-20

વચનામૃત - 55

સંવત 1876 મહા વદિ-11 = તા.10-2-1820, શુક્રવાર. (બીજી અગિયારસ)

મદિરાપાન કરનારી જે પાતર્યો = દારૂ-શરાબ પીનારી, પીવરાવનારી વેશ્યાઓ.

વચનામૃત - 56

સંવત 1876 મહા વદિ-12 = તા.11-2-1820, શનિવાર.

ચાર પ્રકારના ભક્ત = આર્ત (દુ:ખી, પીડિત, માંદુ, રોગી, અસ્વસ્થ), જિજ્ઞાસુ, (જાણવાની ઇચ્છાવાળો, આતુરતાવાળો), અર્થાર્થી (પૈસાની ઇચ્છાવાળો, ધનલોભ, સ્વાર્થી), જ્ઞાની (ભગવાનનું જ્ઞાન પામીને કૃતાર્થ થયેલો).

દેહાત્મ બુદ્ધિ = જુઓ વચનામૃત - 23નું વિવરણ.

કામના = ઇચ્છા, વાસના, આકાંક્ષા.

અટંટ = કોઈને ન ગમે એવું.

પનરવલું = સોળ વાલ એટલે એક ગદિયાણો. બે ગદિયાણા = 1 તોલો, જો 1 ગદિયાણા વજનમાં શુદ્ધ સોનું 15 વાલ 1 વાલ ભેગું હોય તો તેવું સોનું પનર (કે પંદર) વલું કહેવાય.

આઠવલું = 1 ગદિયાણા વજનમાં 8 વાલ શુદ્ધ સોનું ને 8 વાલ ભેગ હોય તેવું સોનું.

સોળવલું = 1 ગદિયાણામાં સોળે સોળ વાલ શુદ્ધ સોનું.

યક્ષ = ઉપદેવ, કુબેરના નોકર.

ઉનમાને = અનુમાને.

ઊર્ધ્વરેતા = અખંડ બ્રહ્મચર્ય પાળનાર, ઇંદ્રિયજિત.

વચનામૃત - 57

સંવત 1876 ફાગણ સુદિ-2 = તા.15-2-1820, બુધવાર.

અસાધારણ કારણ = ખાસ સાધન.

ગૂઢપણું = કાંઈ સમજે નહિ એવું, જડરૂપ. જાડી અક્કલનું.

અંતરાય = અડચણ, આડખીલી, નડતર, હરકત, વિઘ્ન.

વચનામૃત - 58

સંવત 1876 ફાગણ સુદિ-5 = તા.18-2-1820, શનિવાર.

આત્મા-અનાત્માનો વિચાર = આત્મા અને અનાત્મા.

(= આત્મા નહિ તેવા શરીર ને તેના ભોગ, સંબંધી, વગેરે) વિષેનો વિચાર.

કામ = ઇચ્છા, વાસના, મનોરથ, સ્પૃહા, ઇંદ્રિયસુખની ઇચ્છા, વિષયવાસના, મૈથુનની ઇચ્છા.

મદ = ગર્વ, અભિમાન, તોર, છક, ઉધ્ધતાઈ.

મત્સર = અદેખાઈ, બીજાની સંપત્તિ વગેરે જોઈ પોતાના મનમાં સહન ન થવું, દ્વેષ.

તૃષ્ણા = કામના, લાલસા, લોભ, લાલચ.

ટળે ભાવે = હોય તો ખરું પણ ઉપરથી દેખાવા ન દે તે રીતે રહેવું.

વચનામૃત - 59

સંવત 1876 ફાગણ સુદિ-14 = તા.27-2-1820, સોમવાર.

પ્રલંબાસુર = એ નામનો દાનવ. એ કંસનો પ્રેર્યો ગોકુળમાં શ્રીકૃષ્ણ-બલરામનો નાશ કરવા આવ્યો હતો, ને અન્ય ગોવાળિયા જેવો વેષ લઈ રમતમાં ભળ્યો હતો. રમતમાં તે બલરામને ખભે બેસાડીને નાઠો. બલરામના ભારથી તે થાક્યો ને તેમની વચ્ચે યુદ્ધ થયું ને તેમાં બલરામે પ્રલંબાસુરનો નાશ કર્યો.

ફળી = નાનું ફળિયું, ઘરની પાસેનો ખુલ્લો ભાગ.

વચનામૃત - 60

સંવત 1876 ફાગણ વદિ-1 = તા.29-2-1820, બુધવાર.

કંચન = શુદ્ધ સોનું, હેમ, શુદ્ધ, પવિત્ર, ભેળ વગરનું.

વચનામૃત - 61

સંવત 1876 ફાગણ વદિ-3 = તા.3-3-1820, શનિવાર.

સિદ્ધિઓ = જુઓ પરથારાનું વિવરણ, તપ, મંત્ર વગેરેથી પ્રાપ્ત થતી અલૌકિક શક્તિ.

પરિપક્વ = બરોબર પચેલું, ખૂબ પુખ્ત, પ્રૌઢ, પૂર્ણ વિકાસ પામેલું, પરિવિકસિત.

કસણી = કસોટી, ચકાસણી, પરીક્ષા, આપત્તિ, દુ:ખ, પીડા.

વચનામૃત - 62

સંવત 1876 ફાગણ વદિ-4 = તા.4-3-1820, રવિવાર.

सत्यं, शौचं, दया... = શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધ, અધ્યાય 16, શ્લોક 26-27-28, આનો અર્થ રસ્યાર્થમાં પ્રશ્નોત્તર 1માં છે.

મતવાદી = પોતાના મતના આગ્રહી, પોતાના વિચારને દૃઢ રીતે વળગી રહેનાર.

શિંગડિયો વછનાગ = એક જાતની ઝેરી વનસ્પતિનો છોડ, શૃંગી વિષતરુ, ગાયને શિંગડે બાંધવાથી તેનું દૂધ લાલ થાય તે સાચું શૃંગી વિષ ગણાય.

ઉપાધિ = આપદા, સંકટ, બંધન, મર્યાદા, પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફેરફાર કરનાર કારણરૂપ સંબંધ.

વચનામૃત - 63

સંવત 1876 ફાગણ વદિ-7 = તા.7-3-1820, બુધવાર.

કસર = જુઓ વચનામૃત - 20નું વિવરણ.

પરઠવું = જોવું, ગ્રહણ કરવું, ગણવું.

ગોલા અને ગોલીઓ = ગોલા નામની જ્ઞાતિના પુરુષને સ્ત્રી, ચાકર, ગુલામ, ખવાસ (ખાસદાર, જનાનખાનાના નોકર, હજૂરનો નોકર)

સાત ભૂમિની હવેલી = સાત માળનો મહેલ.

વેલ્યું = નાનો રથ, વહેલ, માફો.

નાભિકમળ = દૂંટીમાંથી ઉગેલું કમળ.

હસ્તિ = હાથી.

નાળ = કમળની ડાંડલી, અંદરની પોલી લાંબી નળી.

સેવા-અર્ચનાદિક = સેવા-પૂજા, આરાધના.

બરછી = નાનો ભાલો, તીર જેવું પણ ફળે મોટું અને લાકડીને છેડે જડેલું એક હથિયાર.

નરેણી = નખ કાપવાનું હજામનું એક ઓજાર.

પાધરા = બારોબાર, સીધા.

કાંતિ = તેજ, શોભા, નૂર, પ્રભા.

વચનામૃત - 64

સંવત 1876 ફાગણ વદિ-9 = તા.9-3-1820, શુક્રવાર.

હેય = ત્યાગ કરવા લાયક, તજવા લાયક, છોડી દેવા યોગ્ય.

વિલક્ષણ = વિરુદ્ધ લક્ષણ, વિભિન્ન, જુદું.

અશરીરી = દેહ વગરનું, શરીર રહિત.

દૃષ્ટા = જોનારો, જેણે જોયું છે તે, જાણનાર.

દૃશ્ય = જોવાની વસ્તુ, દેખાતું, જણાતું, દીસતું, જ્ઞેય, વ્યક્ત.

અરૂપપણે = નિરાકારપણે.

બ્રહ્મસુષુપ્તિ = મૂળ પુરુષના નિરાકાર તેજમાં જળમાં પથ્થરની જેમ લીન થઈ રહેવું તે.

વાલખિલ્ય ઋષિ = એ નામના ઋષિઓનો સમૂહ, અંગૂઠાની અણી જેવડાં વાલખિલ્ય નામના સાઠ હજાર ઋષિઓ સૂર્યના મોઢા આગળ અત્યંત સુંદર વેદના સૂક્તરૂપી વાક્યોની સ્તુતિ કરતાં જાય છે.

વચનામૃત - 65

સંવત 1876 ફાગણ વદિ-14 = તા.13-3-1820, મંગળવાર.

ઉદર = પેટ, ગર્ભાશય.

છિદ્ર = કાણું, વીંધ, અવકાશ.

અવાંતર = માં સમાયેલું, અંદર આવી જતું, પેટા.

સુષુમ્ણા નાડી = હઠયોગ અનુસાર જ્ઞાન-શક્તિ-શ્વાસપ્રશ્વાસ વાહિની નળી તે નાડી. મેરુદંડ (= કરોડરજ્જુ, સ્પાઈનલ કોલમ)ની ડાબી તરફ ઇલા કે ઇડા નાડી છે, જમણી તરફ પિંગલા નાડી છે, એ બેની વચમાં સુષુમ્ણા નાડી છે. ડાબા નસકોરામાંથી જે શ્વાસ આવે-જાય છે તે ઇડા નાડીમાંથી ને જમણા નસકોરામાંથી જે શ્વાસ આવે-જાય છે તે પિંગલા નાડીમાંથી ને બંને નસકોરામાંથી એક સાથે શ્વાસ આવે-જાય તે સુષુમ્ણા નાડીમાંથી આવે છે. સુષુમ્ણા નાડીના સૌથી નીચેના ભાગને કુંડલિની કહે છે. કુંડલીની જાગૃત થઈને ચંચળ બની સુષુષ્ણા નાડીની અંદર પ્રવેશી ઊંચે ચડવા લાગે છે ને છ ચક્રો પસાર કરી બ્રહ્મરંધ્ર સુધી ચાલી જાય છે. જેમ જેમ તે ઉપર ચડે છે તેમ તેમ યોગીના સાંસારિક બંધન ઢીલાં પડતાં જાય છે ને અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ થાય છે.

કુક્ષિ = કાંખ.

ઇડા-પિંગળા નાડી = જુઓ ઉપર સુષુમ્ણા નાડીનું વિવરણ.

જિહ્વા = જીભ.

વાક્ = વાણી, મોઢું.

બ્રહ્મરંધ્ર = માથાના તાળવામાંનું છેદ, ખોપરીમાંનું એક છિદ્ર, જેમાંથી જ્યારે જીવ પ્રાણ તજે છે, ત્યારે તે બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. રંધ્ર એટલે છિદ્ર, કાણું જે છિદ્રમાંથી પ્રાણ નીકળે તો બ્રહ્મ મળે તે બ્રહ્મરંધ્ર.

શિશુમાર ચક્ર = તારાઓનું ચક્ર, નાના સપ્તર્ષિ.

વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા = સ્થૂળ દેહનું જેને અભિમાન રહ્યું છે તેવા અગ્નિરૂપ વૈશ્વાનર દેવ.

વચનામૃત - 66

સંવત 1876 ફાગણ વદિ-30 = તા.14-3-1820, બુધવાર

અરૂપ = આકાર રહિત, નિરાકાર, નિરઅવયવ.

ભૂમાપુરુષ = આ વચનામૃતની રહસ્યાર્થ પ્રદી. પ્ર.1 અને પ્ર.2ના ઉત્તરમાં ભૂમાપુરુષની વિગત જાણવી.

માયા સબળિત બ્રહ્મ = અહીં ભૂમાપુરુષને તથા તેના તેજને માયાસબળિત બ્રહ્મ કહ્યા છે. તે મૂળમાયાની અંદર છે. રહસ્યાર્થ પ્રદી. પ્ર.3ના ઉત્તરમાં વિસ્તારથી જોઈ જવું.

વાસુદેવ = અહીં વાસુદેવ તે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે અને ભાગવત ગ્રંથમાં તેમને નિર્ગુણરૂપે વર્ણવ્યા છે. એમ તે જ વચનામૃતમાં કહ્યું છે. વાસુદેવનો બીજો અર્થ છે સર્વમાં વાસ કરી રહેલા એવા પરબ્રહ્મ-પરમાત્મા.

શબ્દછળ = કેટલાક શાસ્ત્રોના અર્થ અને રહસ્યો આસુરી જીવોથી ગુપ્ત રાખવા માટે પ્રયોજવામાં આવે છે જેથી આસુરી જીવો દ્વારા અનર્થ ન સજાર્ય. આ રહસ્યોને શબ્દછળ કહેવાય છે. મુમુક્ષુને સત્પુરુષ દ્વારા તેના રહસ્યાર્થ સમજવામાં આવે છે.

સગુણ-નિર્ગુણ = એ જ વચનામૃતમાં સગુણ-નિર્ગુણનો ભેદ વર્ણવ્યો છે. સગુણ એટલે માયાના સત્ત્વ, રજ અને તમ ગુણે સહિત અને નિર્ગુણ એટલે માયાના એ ત્રણ ગુણ રહિત.

વચનામૃત - 67

સંવત 1876 ચૈત્ર સુદિ-7 = તા.21-3-1820, બુધવાર.

વચનામૃત - 68

સંવત 1876 ચૈત્ર સુદિ-9 = તા.23-3-1820, શુક્રવાર.

અગણોતેરા કાળમાં = સંવત 1869માં પડેલો મોટો ભયંકર દુકાળ

પાખંડ = જુઓ ગ.પ્ર.પ્ર.9નું વિવરણ

ફેલફતૂર = જુઓ ગ.પ્ર.પ્ર.9નું વિવરણ

વચનામૃત - 69

સંવત 1876, ચૈત્ર સુદિ-12 = તા.26-3-1820, સોમવાર.

ડારા દેનારા = બીક બતાવનારા, ભય પમાડનારા.

વાંછવું = ઇચ્છવું, ઇચ્છા કરવી.

વચનામૃત - 70

સંવત 1876 ચૈત્ર સુદિ-15 = તા.29-3-1820, ગુરુવાર.

આરબની બેરખ = આરબ દેશના બહાદુર-શૂરવીર યોદ્ધાની ટૂકડી.

જંજાળો = લાંબી નાળવાળી નાની તોપ કે બંદૂક

यत्र योगेश्वरः = ભગવદ્ગીતા અધ્યાય-18, શ્લો.-78 અર્થ એ જ વચનામૃતમાં આપેલો છે.

વાંઝિયો = જેને સંતાન ન થતાં હોય તેવો. સંતતિહિન

શૂળી = દેહાંત દંડની સજા પામેલાને ગળે શૂળ ભોંકાય તેવા પ્રકારનો યાંત્રિક માંચડો.

વચનામૃત - 71

સંવત 1876 ચૈત્ર વદિ-4 = તા.2-4-1820, સોમવાર.

घटवत्सर्गादि विनश्यति = જે ઉત્પન્ન થયું છે તે (માટીના) ઘડાની જેમ નાશવંત છે. ભગવાનની મૂર્તિ વિના માયિક નામરૂપ છે તે નાશવંત છે. એમ એ શ્રુતિનો અર્થ છે.

વચનામૃત - 72

સંવત 1876 ચૈત્ર વદિ-11 = તા.9-4-1820, સોમવાર

વડવાનળ અગ્નિ = જુઓ વર.6નું વિવરણ, વિજ્ઞાન પ્રમાણે Latent Heat in ocean સમુદ્રનો અપ્રગટ અગ્નિ. (ગરમી)

વચનામૃત - 73

સંવત 1876 ચૈત્ર વદિ-30 = તા.12-4-1820, ગુરુવાર

આવળના પાટા = એક વગડાવ છોડ જેને પીળાં ફૂલ થાય છે. તેની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે. તેના પાટા બાંધવાથી શરીરમાં ગરમી થઈ પરસેવો વળે છે.

કુંજર ક્રિયા = હઠયોગની એક ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. કુંજર એટલે હાથી જેમ સૂંઢ દ્વારા પાણી ખેંચે છે, તેમ યોગી લિંગ દ્વારા પ્રાણાયામથી પાણી અથવા વાયુ ખેંચે છે જેથી વીર્ય ઊર્ધ્વ રહે છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરવામાં તે ઉપયોગી ગણાય છે.

ગોરખ આસન = હઠયોગના ચોરાશી આસનોમાંનું એક યોગાસન જે બ્રહ્મચર્યમાં ઉપયોગી ગણાય છે.

જળબસ્તિ = બસ્તિનો એક પ્રકાર જેમાં ગુદા દ્વારા પાણી ચડાવી આંતરડાની સફાઈ કરવામાં આવે છે. ('એનિમા' આપવા જેવી ક્રિયા) બીજા પ્રકારમાં ખાલી પેટે ખૂબ જ પાણી પી ને અમુક આસનો કરવાથી પેટ અને આંતરડાની શુદ્ધિ કરી પાણી બહાર નીકળી જાય છે.

મનોમય ચક્ર = અહીં મન એવો અર્થ છે.

મનોવહા નાડી = શરીરમાંની એક નાડી જે ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાનું વહન કરે છે. તેને ચેતનવહા, પ્રાણવહા કે મનોવહા નાડી કહેવાય છે. મનને ચલાવનાર એક શક્તિપ્રવાહ.

વિશ્વાત્મા = સારાય વિશ્વમાં વ્યાપેલા પરમાત્મા.

સાત ધાતુ = અન્નમાંથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર (વીર્ય) એ સાત ધાતુ બને છે.

વચનામૃત - 74

સંવત 1876 વૈશાખ સુદિ-11 = તા.24-4-1820, મંગળવાર

ઉત્કૃષ્ટપણું = અહીં મુખ્યપણું, પ્રધાનપણું, શ્રેષ્ઠપણું.

થુંકના સાંધા = જેમ થુંકના સાંધા ગૌણ છે, તેમ સંસાર-વ્યવહાર ગૌણ સમજવો.

હલ્લાં = હુમલો, શત્રુ તરફથી થતો હુમલો-હલ્લો.

વચનામૃત - 75

સંવત 1876 વૈશાખ વદિ-11 = તા.8-5-1820, મંગળવાર

પરિયાં = પેઢી, વંશજો, ભાવિ સંતતિ-સંતાનો

વચનામૃત - 76

સંવત 1876, પ્રથમ જેષ્ઠ સુદિ-11 = તા.23-5-1820, બુધવાર

ભીડો = દાબ, અંકુશ.

વચનનાં ભીડામાં = વચન-આજ્ઞાના અંકુશમાં-દાબમાં વર્તાવવું.

વચનામૃત - 77

સંવત 1876 દ્વિતીય જેષ્ઠ વદિ-30 = તા.10-7-1820, મંગળવાર

ઓથ = આડ, ટેકો, આધાર, સહાય.

કળિયુગ = પૌરાણિક માન્યતા પ્રમાણે કાલ-ગણનાની ચાર યુગની પ્રત્યેક ચોકડીમાંનો ચોથો યુગ, અધર્મનો યુગ, આ યુગ 4,32,000 વર્ષનો મનાય છે.

ઝંખ્યા જેવું = અસ્પષ્ટ, સમજી ન શકાય તેવું, લવારા જેવું.

ત્રેતાયુગ = પૌરાણિક કાલ-ગણનાની રીતે સત્યયુગ કે કૃતયુગ પછીનો બીજો યુગ (12,96,000 વર્ષનો ગણાતો યુગ).

દ્વાપર યુગ = પૌરાણિક કાલ-ગણના પ્રમાણે સત્યયુગ પછીના ત્રેતાયુગની પછીનો યુગ. (8,64,000 વર્ષનો મનાયેલો યુગ).

સતયુગ = પૌરાણિક ચાર મહાયુગોમાંનો પ્રથમ યુગ, કૃત-યુગ. તે યુગમાં લોકો ધાર્મિક અને કપટરહિત હતા. તે 17,28,000 વર્ષનો યુગ મનાય છે.

વચનામૃત - 78

સંવત 1877 અષાઢ સુદિ-3 = તા.13-7-1820, શુક્રવાર.

અગિયાર પ્રકારનું મદ્ય = ફનસનું, દ્રાક્ષનું, મહુડાનું, ખજૂરનું, તાડનું, શેરડીનું, મધપુડાનું, સિંધણીનું (એક જાતનું વૃક્ષ) અરીઠાંનું, મૈરૈય એટલે આંબળા-ધાવડીના ફૂલ અને ગોળનું પાણી સાથે લઈ બનાવેલો આસવ અને નાળિયેરનું એમ 11 પ્રકારનું મદ્ય ગણાય છે જે નશાકારક છે.

આલોચ = વિચાર, ચિંતન-મનન.

સુધું દૃઢ વૈર = અતિ દૃઢ વૈર.

ત્રણ પ્રકારની સૂરા = ગોળમાંથી બનેલી, મહુડામાંથી બનેલી અને લોટમાંથી બનેલી સૂરા અર્થાત્ દારૂ.

બારણે = બહાર-બાહ્ય, અંદરની બાજુએ નહિ તેવું.

મનસુબા = ઇચ્છા, ઇરાદો, મરજી, હેતુ. અહીં ઇચ્છા કે સંકલ્પ.

માજમ = ભાંગના સત્ત્વમાં બીજાં વસાણા નાખી બનાવેલી એક કેફી, નશાકારક લૂગદી.

અગોચર = ઇંદ્રિયો તથા અંતઃકરણ દ્વારા જાણી ન શકાય તેવા.