૧. પરથારો
પરથારો - પ્રસ્તાવના
पातुं धर्मम्... શ્લોક - ધર્મનું રક્ષણ કરવા અને અધર્મને ઉખેડી નાખવા, કેવળ દયા કરીને ઉત્તર કોશલદેશને વિશે શ્રી ધર્મદેવ અને ભક્તિમાતાથી પ્રાદૂર્ભાવ પામેલા સર્વ ઈશ્વરના ઈશ્વર એવા અને પોતાના વાક્યસુધાના રસથી વિદ્વાનોને વારંવાર તૃપ્તિ પમાડતા એવા શ્રી હરિ સહજાનંદ સદ્વર્ણીને હું નમસ્કાર કરું છું. (1)
જ્ઞાન, ધર્મ ને વૈરાગ્યયુક્ત પોતાના માહાત્મ્યબોધથી આ પૃથ્વી ઉપર પોતાની ભક્તિ પ્રર્વતાવનારા શ્રીહરિ અમને બુદ્ધિ આપનારા છે. (2)
પોતાનાં આશ્રિતોના અંત:કરણમાં રહેલા ગહન અંધકાર સમાન અજ્ઞાનને હરનારા, જ્ઞાનના સૂર્યસમા શ્રી ધર્મપુત્ર શ્રીહરિનો સદા જય હો! (3)
એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ પોતાના આશ્રિતો પ્રત્યે કહેલાં વચનામૃતોમાંથી કેટલાંક વચનામૃતો જેમ સાંભળ્યાં છે તેમ તેમની પ્રસન્નતા અર્થે અમારી બુદ્ધિ અનુસાર લખીએ છીએ. (4)
તેમાં સૌ પ્રથમ શ્રીહરિજીના જન્મ, વગેરે ચરિત્રની શુભ કથા, ભક્તોને આનંદ માટે ટૂંકમાં વર્ણવીએ છીએ. (5)
કોટી કોટી = (1) કરોડ - કરોડ (સંખ્યા), (2) જાત-પ્રકારના
સચ્ચિદાનંદ = સત્, ચિત્ અને આનંદ સ્વરૂપવાળા.
ચિદાકાશ = ચૈતન્યનું આકાશ.
ક્ષર-અક્ષર = ક્ષર એટલે જે નાશવંત છે, જેનો ક્ષય થાય છે તેવું, ને અક્ષર એટલે અવિનાશી, શાશ્વત, જેનો નાશ થતો નથી તેવું.
કંદર્પ = કામદેવ, મદન જે અતિ રૂપાળો-સુંદર છે.
નવીન મેઘ = નવાં બંધાયેલાં વાંદળાં.
નાના પ્રકાર = વિવિધ પ્રકારનાં.
મકરાકાર = માછલીના જેવા આકારવાળા.
કુંડળ = કાનમાં પહેરવાનું ઘરેણું.
વેણુ = વાંસળી.
સુદર્શનાદિક આયુધ = સુદર્શન ચક્ર વગેરે હથિયારો.
નંદ, સુનંદ, શ્રીદામાદિક = નંદ, સુનંદ, શ્રીદામા નામના ભગવાનના સેવકો.
પાર્ષદ = પરિજન, સેવક, પાળો.
ઐશ્વર્ય = ઈશ્વરપણું, વિભૂતિ, દૈવી ગુણધર્મ.
અણિમાદિક સિદ્ધિઓ = યોગની આઠ સિદ્ધિમાંની અણિમા નામની સિદ્ધિથી અણુ જેવું સૂક્ષ્મ અને ન દેખાય તેવું સ્વરૂપ ધારણ કરી શકાય છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ ને વશિત્વ એમ આઠ સિદ્ધિઓ છે.
વાસુદેવાદિક ચતુર્વ્યૂહ = વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ ચાર.
કેશવાદિક ચોવીસ મૂર્તિઓ = વિષ્ણુ ભગવાનના કેશવ વગેરે સ્વરૂપો.
વારાહાદિ અવતાર = પુરાણ પ્રમાણે વિષ્ણુ ભગવાનના 24 અવતાર મનાય છે. બ્રહ્મા, વરાહ, નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ, પૃથુ, મત્સ્ય, કૂર્મ, ધન્વંતરિ, મોહિની, નૃસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ, હંસ અને હયગ્રીવ. આમાંના મત્સ્ય, કચ્છ (કૂર્મ), વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ ને કલ્કિ એ દસ મુખ્ય ગણાય છે.
મૂર્તિ = દક્ષ પ્રજાપિતાના પુત્રી જેમના લગ્ન ધર્મદેવ ઋષિ સાથે થયા હતા, ને તેમના થકી તેમને નર અને નારાયણ એમ બે સ્વરૂપ પુત્રરૂપે પ્રગટ્યા હતા.
બદરિકાશ્રમ = શ્રી નરનારાયણનું 'ધામ. ત્યાં બદરી(બોરડી)ના વૃક્ષો હોવાથી બદરિકાશ્રમ નામ પડ્યું કહેવાય છે. આ સૂક્ષ્મ સૃષ્ટિની ભૂમિકા છે. ત્યાં મનુષ્ય સદેહે જઈ શકતો નથી.
સનાતન = અવિનાશી, નિત્ય, અચળ, શાશ્વત.
કૃશ = દૂબળું.
વ્યાપ્ત = વ્યાપેલું, પ્રસરેલું, ફેલાયેલું.
દ્વાપર ને કળિની સંધિ = સમયની ગણતરી 'યુગ'માં થાય છે. યુગ ચાર છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ. તેમાં દ્વાપરયુગ પૂરો થઈ કળિયુગ શરૂ થતો હતો તેવા સમયે.
યદુકુળ = યાદવકુળ, ચંદ્રવંશમાં થયેલ યદુરાજાનો વંશ.
કુરુકુળ = કુરુના વંશમાં ઉત્પન્ન થયેલા. પાંડુ ને ધૃતરાષ્ટ આ વંશમાં થયા.
મરીચ્યાદિક = મરિચ નામના ઋષિ વગેરે ઋષિઓ.
કોશળ દેશ = સરયૂ નદીના બંને કાંઠા ઉપરનો પ્રદેશ. પ્રાચીન કાળમાં તેની રાજધાની અયોધ્યા હતી.
સરવરિયા = ગૌડ બ્રાહ્મણની એ નામની એક જ્ઞાતિ.
સામવેદી = સામવેદને અનુસરનારા.
વેદ ચાર છે : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તેમાં ત્રીજા સામવેદને અનુસરનારા.
સંવત 1796, કાર્તિક સુદિ-11 - બુધવાર
જાત-કર્માદિ સંસ્કાર = પુત્ર જન્મ નિમિત્તે પિતાએ કરવાનો એક સંસ્કાર: એવા સોળ સંસ્કાર કરવાના હોય તેમાંનો એક.
સંવત 1798, કાર્તિક સુદિ 15 - બુધવાર
ઉચ્છેદ = જડમૂળથી નાશ, નિકંદન.
એકાંતિક ધર્મ = ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સાથેનો ધર્મ, ભાગવત ધર્મ.
અંતર્ધાન = અદૃશ્ય, અલોપ થવું, તિરોધાન.
સંવત 1837, ચૈત્ર સુદિ-9 = ઈ.સ.1781, એપ્રિલ માસની બીજી તારીખ (2-4-1781)
દુંદુભિ = નગારું, ઢોલ.
ગંધર્વ = સ્વર્ગના ગવૈયા.
કોટરા = એ નામની આસુરી દેવી.
બાળગ્રહ = બાળકોને પીડનારા ગ્રહ.
આપદા = આફત, આપત્તિ.
લક્ષાવધિ = અસંખ્ય.
યજ્ઞોપવીત = જનોઈ.
મિષે = નિમિત્તે, બહાને.
બહિર્વાસે સહિત કૌપીન = લંગોટીની ઉપર વીંટાયેલા ઉપવસ્ત્ર સહિત.
પળાશનો દંડ = ખાખરાના વૃક્ષની સોટી, લાકડી.
ઊર્ધ્વપુંડ્ર = ઊભું.
મુંજ = એક જાતનું દાભ જેવું પવિત્ર ઘાસ.
મેખલા = કટિસૂત્ર, કેડે પહેરવાનો કંદોરો.
કમંડળું = સાધુ-જોગીનું જળપાત્ર.
જળગરણું = પાણી ગાળવા માટેનું કપડું.
શાળગ્રામ = વિષ્ણુનું પ્રતીક મનાતો કાળો, લીસો લખોટા જેવો પવિત્ર પથ્થર. ભગવાનનું સ્વરૂપ ગણી તેનું પૂજન થાય છે.
બાળમુકુંદ = ભગવાનની બાળસ્વરૂપની પ્રતિમા.
બટુવો = નાની કોથળી, થેલી.
હિમાળા = હિમાલય.
અભિચાર = મેલાં કામ માટે મંત્રપ્રયોગ કરવો તે.
તૈલંગ દેશ = કર્ણાટક-તૈલંગણ પ્રદેશ.
નૈવેદ્ય = ભગવાનને ધરાવવાનું ભોજન.
કાપડીને વેષે = કાપાલિક (સંન્યાસી)ને વેશે.
સાભ્રમતિ = સાબરમતી નદી.
સંવત 1856, શ્રાવણ વદિ - 6 = ઈ.સ. 1799ના ઓગસ્ટની એકવીસ તારીખ, 21-8-1799.
સંવત 1856, જેઠ વદિ - 12 = ઈ.સ. 1800ના જૂનની ઓગણીસ તારીખ, 19-6-1800.
સંવત 1856 = અષાઢ સુદ-1 એ જેનું વર્ષ બદલાય છે તેવી આષાઢી સંવત. (આમ, લોજપુરમાં શ્રાવણ વદિ - 6 છઠ્યે પધાર્યા, તે પછી દસ મહિના બાદ જેષ્ઠ વદિ - 12ને દિવસે પીપલાણા પધાર્યા, પણ આષાઢી સંવત તેની તે જ -1856ની- રહી).
ગોત્ર = કૌટુંબિક નામ, મોટા ઋષિમાંના ગમે તે કોઈનો વંશ જ, શ્રી સ્વામિનારાયણ ભગવાન મનુષ્યરૂપે પ્રગટ્યા ત્યારે સાવર્ણી ગોત્રમાં પ્રગટ્યા હતા.
પ્રવર = ગોત્રની આંતરિક શાખા-પ્રશાખા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગોત્રના ભાર્ગવ, વૈતહાય ને સાવતેસ નામના ત્રણ પ્રવર હતા.
સંવત 1857 કાર્તિક સુદિ 11 = ઈ.સ. 1800ના ઓક્ટોબરની અઠ્ઠાવીસ તારીખ, 28-10-1800.
સં. 1858ના માગસર સુદિ 13 = ઈ.સ.1801ના ડિસેમ્બરની સત્તરમી તારીખ, 17-12-1801.
સોરઠ = સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વતની આસપાસનો પ્રદેશ.
હાલાર = સૌરાષ્ટ્રમાં જામનગર આસપાસનો પ્રદેશ.
ઝાલાવાડ = સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર આસપાસનો પ્રદેશ.
દંઢાવ્ય = ગાંધીનગર ને મહેસાણા જિલ્લાનો પ્રદેશ.
કાઠિયાવાડ = સૌરાષ્ટ્ર. કાઠી લોકોના વસવાટનો પ્રદેશ.
ભાલ = ધોળકા, નળકાંઠા, ધંધુકા વચ્ચેનો પ્રદેશ.
શ્રીજીમહારાજ = શ્રી સહજાનંદ સ્વામીનું બીજું નામ જે વચનામૃતમાં મુખ્યત: વપરાયું છે.
પ્રણવ = ઓમકાર શબ્દ જે ચૈતન્યબ્રહ્મનો શબ્દ છે,નાદ છે. 'ૐ' આકૃતિવાળો છે.
પુરુષ સૂક્ત = ઋગ્વેદનું દશમા મંડળનું એ નામનું સૂક્ત, તેમાં ભગવાનનું વિરાટપુરુષ રૂપે પ્રતિપાદન કર્યું છે.
ભૂગોળ ને ખગોળ = આપણે રહીએ છીએ તે મૃત્યુલોકના જુદા જુદા વિભાગોનું વર્ણન તે ભૂગોળ ને મૃત્યુલોકથી ઊર્ધ્વ ને નીચે રહેલા લોક-ચૌદ લોકનું વર્ણન તે ખગોળ.
આધારાદિક જે છો, ચક્ર = યોગશાસ્ત્ર પ્રમાણે શરીરની અંદરનું સૂક્ષ્મ શરીરમાં રહેલા નાડી સમૂહનું ગૂંછળું તે ચક્ર. ચક્ર તે શક્તિ કેન્દ્રો મુખ્યત્વે છે : આધાર (મૂલાધાર) સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ને આજ્ઞા. દરેક ચક્રના અલગ અલગ દેવતા છે, તેમાં આધાર નામના ચક્રના દેવતા ગણેશ છે.
મતવાદી = પોતાના મતને વળગી રહેનારા.
વલ્લભકુળ = વૈષ્ણવના આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનું કુળ.
નીમાનંદી = આચાર્ય શ્રી નીમાનંદજીના આશ્રિત.
માધવી સંપ્રદાય = વૈષ્ણવોનો એ નામનો સંપ્રદાય. માધ્યાચાર્ય દ્વારા ઉદભવેલો સંપ્રદાય.
રામાનુજ સંપ્રદાય = શ્રી રામાનુજાચાર્યજીનો સ્થાપેલો સંપ્રદાય.
યવન = અનાર્ય. અહીં મુસલમાનના અર્થમાં વપરાયેલ છે.
પ્રબોધિની એકાદશી = કાર્તિક સુદિ અગિયારશ.
ફણા = પગના પંજાનો આગલો ભાગ.
થડમાં = પાસેની જગ્યામાં નજીકમાં અડીને લગોલગ.
વ્યોમ = આકાશ.
નાભિ = દૂંટી.
કૂખ = પેટનું પડખું.
નળ = પેટમાંનું મોટું આંતરડું.
શ્રીવચ્છનું ચિહ્ન = ભગવાનના વક્ષસ્થળ (છાતી) ઉપર વાળના ગુચ્છાનું બનેલું ચિહ્ન, અગર લાખા જેવું ચિહ્ન, ભૃગુલાંછન. શ્રીવત્સ ચિહ્ન.
છાપના ચિહ્ન = તપાવેલી મુદ્રા (તપ્તમુદ્રા)ની છાપ. છાતીમાં બે, બાવડે બે ને કોણીથી હથેળી તરફ બે એમ છ જગ્યાએ લીધેલી તે છાપના ચિહ્ન.
કરોડ = કરોડરજ્જુ.
ખરપડી = પીઠ.
મૂળ અક્ષર = સૃષ્ટિના મૂળકર્તા, મૂર્તિમાન અક્ષર. જુઓ. ગ.પ્ર. 41 વચનામૃતના રહસ્યાર્થનો પ્રશ્ન 2.
હરિવાક્ય સુધાસિંધુ = 'વચનામૃત' ગ્રંથનું સંસ્કૃત ભાષામાં ભાષાંતર થયું તે, તે નામે ઓળખાય છે. તેમાં તરંગનો ક્રમ એ વચનામૃતના ક્રમને અનુસરે છે. દા.ત. 127માં તરંગ તે 127મું વચનામૃત, તે પંચાળા પ્રકરણનું પહેલું વચનામૃત છે.
પૃથક્ = જુદા
પ્રાકૃત = પ્રકૃતિપુરુષમાંથી બનેલું. ચૌદ લોક અષ્ટાવરણથી વીંટાયા છે, તે આવરણો : પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્ત્વ ને પ્રકૃતિ, અષ્ટાવરણે સહિત બ્રહ્માંડની જે રચના કરે છે તે પ્રકૃતિપુરુષ. એવા પ્રકૃતિપુરુષના સંબંધવાળું સ્વરૂપ તે પ્રાકૃત સ્વરૂપ.
નિરાધાર = આધાર વિના.
અન્વયપણે = કાર્યકારણના સંબંધે સાથે રહેલું.