૪. અવતારને ભગવાન કહેવાનું કારણ
(વચનામૃતાનુસાર)
હવે કારણ મૂર્તિ ભગવાન, પોતાના ઐશ્વર્યાર્થી ભક્તોને ઐશ્વર્ય આપે છે તે ભક્તો તેમના ધ્યાને કરીને ભગવાનરૂપ કહેવાય છે. તે શ્રીજીમહારાજે પંચાળાના બીજા વચનામૃતમાં કહ્યું છે:-
'એ ભગવાન જેવા તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો, એના ભક્ત છે ને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાનરૂપ છે; જેમ કોઈ મોટા સંત હોય, ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાનરૂપ જાણે છે; તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે. અને 'એ સર્વેથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ' તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે.'
પંચાળા વચનામૃત 7 માં - 'અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈક કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે, ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે, ને પુરુષોત્તમ જ રહે છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે તેને તેને, પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને, પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે. અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ, તેને ટાળીને પોતાના ગુણને પ્રકાશ કરે છે' આ બંને વચનામૃતમાં શ્રીજીમહારાજનાં ઐશ્વર્યાવેશને લઈને અવતારોને પણ ભગવાન કહેવાય છે, એમ શ્રીહરિજીએ સ્પષ્ટતા કરી છે.