૬. વાસુદેવમાહાત્મ્યમાં કહેલ અવતાર-અવતારી ભેદ
(નરનારાયણ તથા વાસુદેવનું પૃથક્પણું)
સ્કંદપુરાણમાં વાસુદેવમાહાત્મ્યના બીજા અધ્યાયથી આરંભી, ચોથા અધ્યાય સુધીમાં આજ વાત છે; એક સમયે નારદજી બદરિકાશ્રમમાં નરનારાયણનાં દર્શન કરવા આવ્યા; તે સમયે નરનારાયણ ભગવાન પૂજા કરતા હતા. તેમને પૂજા કરતા જોઈને નારદજીને સંશય થયો, 'આ પોતે જ ભગવાન છે છતાં તે કોની પૂજા કરતા હશે?' તેથી નારદજીએ નારાયણને પૂછ્યું: હે ભગવન્! તમે જ સર્વ કર્તા છો; પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવન છો; તો વળી તમે કોની પૂજા કરો છો? ત્યારે નરનારાયણ ભગવાન નારદજી પ્રત્યે બોલ્યા:-
एकः स एव देवो नौ पितरौ चेति विद्धि भो ! ।
आवाभ्यां पूज्यतेऽसौ हि दैवे पित्र्ये च कल्पिते ॥ 14 ॥
(અ. 3, શ્લો. 7)
હે નારદ! બ્રહ્મપુરધામના જે વાસુદેવ ભગવાન છે તે એક જ અમારા (नौ=आवयो) ‘देव’ કહેતાં ઇષ્ટદેવ, ને ‘पितरौ’ એટલે સુખ, સાર્મથ્ય ને પ્રકાશના દાતા છે - એમ તમે જાણો. અને ‘कल्पिते’ એટલે પંચપાત્રમાં જે પૂજાવિધિ કહ્યો છે, તે પ્રમાણે આ વાસુદેવ ભગવાનની અમે પૂજા કરીએ છીએ 15.
વળી નરનારાયણ ભગવાન નારદજીને કહે છે:-
नास्ति तस्मात्परतरः पिता देवोऽथवा द्विज! ।
आत्मा हि नौ स विज्ञेयः कृष्णो ब्रह्मपुरेश्वरः ॥ 16 ॥
હે દ્વિજ! બ્રહ્મપુરધામના ઈશ્વર જે શ્રીકૃષ્ણવાસુદેવ ભગવાન છે, તે અમો (नौ) નરનારાયણના આત્મા છે; અમારા આત્મામાં રહીને અમને પ્રકાશમાન કરે છે; તે થકી બીજા કોઈ અમારા પિતા વા ઇષ્ટદેવ નથી, એમ તમે જાણો 16.
પૂર્વશ્લોકમાં તથા આ શ્લોકમાં નરનારાયણે નારદજીને કહ્યું કે, બ્રહ્મધામના નિવાસી જે શ્રી વાસુદેવ ભગવાન છે તેમનું પૂજન અમે કરીએ છીએ; એ અમારા કારણ, આત્મા ને પ્રકાશક છે. તે સાંભળી સંશયવાળા થયેલા નારદજી, અધ્યાય 4માં નારાયણને ફરીથી પૂછે છે:-
त्वद्दर्शननैव हि पूर्णकामो भवामि भूमन्स्वहृदिप्सितेन३ ।
तथाप्यहं तत्तव पूर्वरूपं प्रभो दिद्दक्षामि हि कौतुकं मे ॥ 17 ॥
હે ભૂમન્! મારા હૃદયમાં તમારાં દર્શનની ઇચ્છા હતી તે તમારાં દર્શન થયાં, તેથી જ હું પૂર્ણકામ થયો છું. તો પણ હે પ્રભો! તમારા મૂળસ્વરૂપનાં દર્શન કરવાની મારા હૃદયમાં ઇચ્છા રહે છે. અને તમે કહ્યું કે, બ્રહ્મધામના નિવાસી વાસુદેવનું અમે પૂજન કરીએ છીએ અને એ અમારા આત્મા છે. એથી મારા મનમાં ‘कौतुकम्’ અર્થાત્ સંભ્રમ સહિત આશ્ચર્ય થાય છે; માટે એ મૂળસ્વરૂપનાં દર્શન મને કરાવવા કૃપા કરો. 17
હવે નારાયણ ભગવાન નારદજીને કહે છે: હે નારદ! આ બદરિકાશ્રમમાંથી કોઈ ઋષિ બ્રહ્મપુરમાં જવા સમર્થ નથી. અને શ્વેતદ્વીપના નિરન્નમુક્ત છે એ વાસુદેવનાં દર્શન કરવા જાય છે; માટે તમારી સાથે અહીંથી બે ઋષિઓ આવશે; તેમની સાથે તમે શ્વેતદ્વીપમાં જાઓ. અને ત્યાંથી એક શ્વેતમુક્ત તમારી સાથે આવશે, તે તમને બ્રહ્મપુરમાં વાસુદેવનાં દર્શન કરાવશે, એમ કહ્યું. ત્યારે નારદજી બે ઋષિઓની સાથે શ્વેતદ્વીપમાં ગયા ને ત્યાંથી એક નિરન્નમુક્તની સાથે બ્રહ્મપુરધામમાં આવીને વાસુદેવનાં દર્શન કર્યાં. ત્યારે વાસુદેવ ભગવાને નારદજીને કહ્યું: હે નારદ! તમને નારાયણે અહીં મોકલ્યા છે. તેથી મેં તમને દર્શન આપ્યાં; પણ તમે મારી સેવામાં રહેવાને પાત્ર થયા નથી; માટે બદરિકાશ્રમમાં જાઓ. ત્યારે નારદજી પાછા નરનારાયણ પાસે આવ્યા અને નારાયણ ભગવાનનાં દર્શન કર્યાં. તે સમયની વાત અ. 19 માં વર્ણવેલી છે, તેમાં નારાયણ ભગવાનનું નારદજી પ્રત્યે આ પ્રકારનું વચન છે :-
अपि ब्रह्मन् स भगवान् परमात्मा सनातनः१० ।
ब्रह्मधाम्नि त्वया दष्टः आवयोः कारणं परम् ॥ 18 ॥
હે બ્રહ્મન્! તમે બ્રહ્મપુરધામને વિષે જે વાસુદેવ ભગવાનનાં દર્શન કર્યાં, તે જ ભગવાન સનાતન અનાદિ પરમાત્મા છે અને અમારા પરમ કારણ છે 18. એ હેતુથી અમે તેમની આજ્ઞામાં રહીને મુમુક્ષુની શિક્ષાને અર્થે તપવ્રત કરીએ છીએ. આનો ભાવાર્થ એ છે કે, બદરીવનવાસી નરનારાયણ ભગવાન તે, વાસુદેવ ભગવાનના અવતાર છે.