૧૮. સિદ્ધ મુક્તનું દિવ્યપણું

(સત્સંગીજીવન તથા વચનામૃતાનુસાર)

શ્રીહરિ, સ.જી. પ્ર. 2, અ. 2માં કહે છે :-

अखंडं स्वस्वरुपस्था महान्तो ये तु पुरुषाः२४ ।

कल्याणार्थं हि जगतां ज्ञेयं तज्जन्म भूतले ॥ 148 ॥

आविर्भावतिरोभावौ तेषां स्वातंत्र्यतः किल ४३ ।

भवतो न त्वितरवन्निजकर्मवशात् क्वचित् ॥ 149 ॥

तद्देहत्यागमालोक्य मुह्यन्त्यसुभृतोऽसुराः४४ ।

दैवास्तु तत्स्वरुपज्ञास्तेषां लीलां विदन्ति ताम् ॥ 150 ॥

'શ્રીહરિના' અર્થાત્ મારા પરમ સાર્ધમ્યને પામેલા જે મોટા પુરુષો છે, એ તો અખંડ પોતાની સ્થિતિમાં રહે છે; ભૂતલમાં એવા મુક્તનો જન્મ સર્વે જીવોના મોક્ષને અર્થે છે; એવા મુક્તનું પ્રક્ટ થવું ને અંતર્ધાન થવું એ તો નિશ્ચે, સ્વતંત્રપણે જ છે; પરંતુ બીજા જીવની માફક પોતાના કર્મવશથકી ક્યારેય હોય જ નહિ. જે આસુરી જનો છે તે, એવા મુક્તની દેહત્યાગાદિક ક્રિયા જોઈને મોહ પામે છે અને તેવા મુક્તની સ્થિતિને જાણનારા જે દૈવી જીવો છે તે તો, તેને એમની લીલા જાણે છે; અર્થાત્ શ્રીહરિની ઇચ્છાથી જીવોના મોક્ષાર્થે પ્રકટ થયા હતા, ને એ કાર્ય કરીને શ્રીહરિની ઇચ્છાથી જ અંતર્ધાન થઈ, શ્રીજીમહારાજના સ્વરૂપના સુખે સુખી રહે છે એમ માને છે 148-150.

સ. જી. પ્ર. 4, અ. 21માં પણ શ્રીહરિએ કહ્યું છે :-

अप्राकृतशरीरा ये मुक्तास्ते तु निजेच्छया३२ ।

आविर्भवन्ति ह्यथवा तेनावतरता सह ॥ 151 ॥

જે મુક્ત દિવ્યાકૃતિરૂપ છે, તે તો પોતાની ઇચ્છાએ કરીને પ્રકટ થાય છે; અથવા જીવોના મોક્ષાર્થે પ્રકટ થતા, એવા શ્રીહરિ ભગવાનની સાથે પ્રકટ થાય છે 151.

અમદાવાદના બીજા વચનામૃતમાં પણ કહ્યું છે :- 'આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને જો કોઈક કાળે દેહ ધરે તો, જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે; પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો.'