૩. શ્રીહરિનો મુખ્ય સિદ્ધાંત
(વચનામૃત તથા હરિવાક્યસુધાસિંધુ અનુસાર)
ગઢડા મધ્ય પ્ર. વચનામૃત 31માં, શ્રીજીમહારાજે કહ્યું છે: 'જેમ આ જીવને વિષે ને વૈરાજપુરુષ ઈશ્વરને વિષે ભેદ છે, ને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ તેને વિષે એવો ઘણો ભેદ છે. પુરુષોત્તમ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાત્મક પુરુષ બહ્મરૂપ ઘણાક છે તે જે તે, પુરુષોત્તમના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. આવી રીતે અમે વાર્તા ઘણીકવાર કરી છે; પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ગેડ બેસાડતા નથી; એટલે, શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી; ને ઠાવકી ગેડ બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ, તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ.' આવી રીતે અવતાર-અવતારીનો ભેદ શ્રીજીમહારાજે કહ્યો છે.
ગઢડા મધ્ય પ્ર. વચનામૃત 9 માં પણ શ્રીહરિએ કહ્યું છેઃ- 'પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું; ને જો એમ ન જાણે, ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો અમારો દ્રોહ કર્યો કહેવાય.'
વળી ગઢડા મધ્ય પ્ર. વચનામૃત 13 માં શ્રીહરિ કહે છે: 'જે તેજમાં મૂર્તિ છે તે જ મહારાજ પોતે છે.' તથા લોયા વચ. 11માં - 'જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું; અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિષે પતિવ્રતાની ટેક રાખવી.'
ગઢડા મધ્ય પ્ર. વચનામૃત 58 માં પણ શ્રીહરિ કહે છે: 'પોતાના ઇષ્ટદેવનાં જે, જન્મથી કરીને દેહ મૂકવા પર્યંતના ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. માટે પોતાના ઇષ્ટદેવનાં ચરિત્રનાં શાસ્ત્ર વાંચવાં-સાંભળવાં.' આવાં વચન મુખ્ય સિદ્ધાંતનાં છે. તેમ જ હરિવાક્યસુધાસિંધુ તરંગ 146 માં શ્રીહરિએ કહ્યું છે :-
रामकृषादय: सर्वेऽवतारा सन्त्यतो हि मे६३ ।
पुरुषोत्तमस्य वित्तेत्येतत्सत्यं ब्रवीमि व:॥ 1 ॥
પુરુષોત્તમ એવો હું, તે મારા રામકૃષ્ણાદિ સર્વે અવતારો છે એ પ્રકારે જાણો; આ વાત હું તમોને સત્ય કહું છું. 1.
શ્રીજીમહારાજ હ. સુ. તરંગ 132 માં પણ કહે છે:-
अन्येषां स्वस्वरुपाणां भावा ये तेऽखिला अपि६ ।
अत्र संदर्शितास्तेन कृष्ण: स्वयमितीर्यते ॥ 2 ॥
શ્રીકૃષ્ણ ભગવાને પોતાથી પૃથક્ પોતાનાં સ્વરૂપો, તેના સકળ ’भावा:’ જે આવિર્ભાવ અવતાર તે પણ પોતાને વિષે દેખાડ્યા, તેણે કરીને શ્રીકૃષ્ણ સ્વયં ભગવાન કહેવાય છે; અર્થાત્ અવર અવતારના અવતારી છે 2. પછી એ જ તરંગમાં આ પ્રમાણે કહ્યું છે :-
एवं श्रीहरिणात्मनि प्रकटिता लक्ष्मीधवाद्याकृत्ति17 ।
रैश्वर्याणि च तत् स्थितानि हृदये संस्मृत्य चित्रं गता:॥
ज्ञात्वा चाखिलकारणं तमभजस्ते साधव: सर्वश:।
तद्वाक्याऽमृतपानहृष्टमनसश्चान्ये गृहस्था अपि ॥ 3 ॥
અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને પોતા થકી પૃથક્ પોતાના અવતારો રૂપે દર્શન દીધાં, તેથી શ્રીકૃષ્ણ તે તે અવતારોના અવતારી ને પુરુષોત્તમ કહેવાયા; તેમ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ’आत्मानि’ અર્થાત્, પોતાના સ્વરૂપમાંથી પોતાના સંકલ્પે કરીને પ્રકટ કરેલા જે શ્રીકૃષ્ણ, નરનારાયણ ને વાસુદેવ આદિ અવતાર તેમને તથા તે અવતારના ઐશ્વર્ય, તેને સમાધિઓમાં અનંત ભક્તોને દેખાડ્યાં, અને તેથી તે સમાધિમાં દેખેલા ધામ-ઐશ્વર્ય સહિત સંકલ્પાવતારો, તેની હૃદયમાં સ્મૃતિ કરીને આશ્ચર્યને પ્રાપ્ત કરતા અને તે શ્રીજીમહારાજના વચનામૃતના જ્ઞાને કરીને પોતાને પૂર્ણકામપણાને માનતા, એવા સર્વ સંતો તથા ગૃહસ્થ ભક્તજનો, તે પણ, શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુને, શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારના સુખ-સાર્મથ્યના દાતા ને પ્રકાશના પ્રકાશક જાણીને તે શ્રીહરિને ભજતા હતા. 3.
વળી હ. સુ. તરંગ 121માં શ્રીહરિ કહે છે: -
ईश्वरत्वं महत्त्वं च यत्रान्येषामुदीरीतम्36 ।
तत्रास्यैवाऽन्वयेनैव प्रोक्तमिति च दृश्यताम् ॥ 4 ॥
શાસ્ત્રમાં જે સ્થળે બીજા અવતારનું ઈશ્વરપણું ને 'મહત્ત્વ' જે ભગવાનપણું કહ્યું છે તે, અવતારમાં અવતારી મહાપ્રભુ જે હું, તે મારું અન્વયપણે પ્રવેશ થવાથી જ કહ્યું છે એમ જાણવું. 4.
વળી એ જ તરંગમાં કહ્યું છે :-
कार्यार्थं यत्र यत्राऽस्याऽनुप्रवेशोऽस्ति च प्रभो:37 ।
स स प्रोक्तोऽस्ति भगवानिति नैव स्वत: क्कवचित् ॥ 5 ॥
જે કાર્ય કરવાને અર્થે જે જે અવતારમાં, અવતારી પ્રભુનો અંતર્યામીપણે અનુપ્રવેશ થાય છે, તે તે અવતાર-સ્વરૂપને ભગવાન કહ્યા હોય છે; પરંતુ તે ’स्वत:’ એટલે કે, પોતાની સ્વતંત્ર સત્તાથી ભગવાન નથી. 5. શ્રીહરિનાં આવાં વચન મુખ્ય સિદ્ધાંતનાં જાણવાં. તે શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે, સચ્છાસ્ત્રોને વિષે, જે વચન અમારું સ્વરૂપ, ધર્મ, ભક્તિ ને વૈરાગ્ય-એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય તે વચન, બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં.
હરિવાક્યસુધાસિંધુ તરંગ 142 માં પણ શ્રીહરિએ કહ્યું છે:-
वाक्यातिक्रमदोषस्तु नश्येत्प्रार्थनया हरे:१०।
न तन्मूर्तिद्रोहदोष: प्रायश्चित्तशतैरपि ॥ 6 ॥
ભગવાનના વચનનું ઉલ્લંઘન થવારૂપી જે દોષ તે તો, શ્રીહરિની પ્રાર્થના કરવાથી પણ નાશ પામી જાય છે; પરંતુ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરવારૂપ જે દોષ તે તો સેંકડો પ્રાયશ્ચિત્તે કરીને પણ નાશ નથી પામતો; અર્થાત્ શ્રીજીમહારાજને નિરાકાર કે બીજા અવતાર જેવા જાણે તે રૂપી જે દોષ, તે સેંકડો પ્રાયશ્ચિત્તે કરીને પણ નાશ પામતો નથી 6.