૧૯. ઉપસંહાર
यं साम्येन वदन्ति येऽक्षरपरं सर्वावतारैर्जनाः ।
मंदास्ते त्ववतारिणोऽस्य न परं जानन्ति तत्त्वं प्रभोः ।
यस्याज्ञां निवहन्ति मंगलकरां सर्वेऽक्षराद्या: सदा
वन्दे तं पुरुषोत्तमं च सहजानंदं सदाऽऽनन्ददम् ॥ 152 ॥
જે જનો અક્ષરથકી પર અક્ષરાતીત - એવા શ્રી સહજાનંદ સ્વામીને, અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કરીને કહે છે, તે જનો મંદબુદ્ધિવાળા છે; કેમકે તેઓ, સર્વ અવતારના કારણ અવતારી પ્રભુ જે શ્રી સહજાનંદ સ્વામી, તેમનું ‘परं तत्त्व’ અર્થાત્ પરમ રહસ્યને જાણતા નથી; જેની મંગલકારી આજ્ઞાને, 'સર્વે અક્ષરાદિ' કહેતાં અક્ષર-કોટી, બ્રહ્મકોટી, ઈશ્વરકોટી - એ આદિક નિરંતર પોતાને માથે ચડાવે છે; એવા સર્વ અવતારના કારણ ને ભક્તજનોને નિરંતર આનંદ આપનારા, તે પુરુષોત્તમ અવતારી શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુને હું સદા વંદન કરું છું. (આ શ્લોક, સિદ્ધમુક્ત શ્રી શતાનંદમુનિ-રચિત 'હરિવાક્યસુધાસિંધુ' ગ્રંથ, તેની ટીકા રચનાર શ્રીજીસમકાલીન શ્રી શુકાનંદ સ્વામીએ, તે ટીકાની સમાપ્તિમાં જે શ્લોક મૂકેલા છે, તેમાં 24 મો શ્લોક છે) 152.
વળી હરિલીલાકલ્પતરુ સ્કં. 2, અ. 49 મા સિદ્ધો, શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે :-
ये त्वां वदन्ति परमं निखिलावतारहेतुं सुरैः सद्दशमत्र तवावतारैः८ ।
जानंति मंदमतयो नहि ते त्वदीयं तत्त्वं हरे!
विधिमुखैरापि चावितर्र्क्यम् ॥ 153 ॥
હે ભગવન્! સર્વ અવતારના કારણ, માટે સર્વોપરી એવા તમને, જે આ લોકમાં બીજા અવતારો તથા દેવતાઓની તુલ્ય કહે છે, તે મંદબુદ્ધિવાળા મનુષ્યો. બ્રહ્માદિક દેવતાઓએ પણ તર્ક ન કરી શકાય - એવું તમારું તત્ત્વ તેને જાણતા નથી 153.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ ઉપાસના સમજવા માટે સ્વયં ભગવાને તથા તદાશ્રિત શ્રીજીસમકાલીન વર્ણી-સંતોએ, શાસ્ત્રમાં ઘણા સ્થળે આવા ઉલ્લેખ કરેલા છે; તેમાંથી આ અવતાર-અવતારી ભેદનું નિરૂપણ કર્યું છે. તેમાં પણ આટલો વિશેષ છે: મૂળપૂરુષ જે શ્રી કૃષ્ણ તથા વાસુદેવ બ્રહ્મ અને મૂળઅક્ષરો તે સર્વે અસંખ્ય છે. તે કારિયાણીના 10 મા વચનામૃતમાં કહ્યું છે :-
'ભગવાનને પ્રતાપે કરીને.... પ્રકૃતિપુરુષ (એટલે શ્રીકૃષ્ણ) જેવા પણ થાય અને બ્રહ્મ (કહેતાં વાસુદેવબ્રહ્મ) તથા અક્ષર (એટલે સૃષ્ટિકર્તા સાકાર મૂળઅક્ષરો) જેવા પણ થાય.' આવી રીતે જે જે ભક્ત, શ્રીહરિને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ કે અક્ષર જેવા જાણીને ઐશ્વર્યની ઇચ્છાથી શ્રીજીનું ભજન કરે છે તે ભક્ત તદ્ભાવને પામે છે એટલે તે તે રૂપ થાય છે. અને જે ભક્ત શ્રીહરિને અક્ષરાદિકના નિયંતા જાણી ઐશ્વર્યની ઇચ્છા તજી દઈ, એમની પ્રસન્નતાર્થે એમનું ભજન કરે છે, તે શ્રીહરિના 'સાર્ધમ્યને પામે છે' એમ મધ્ય પ્ર. વચ. 66 તથા 67 માં કહ્યું છે. કારિયાણીના 10 મા વચનામૃતમાં જે અક્ષર કહ્યા તેમને ગઢડા પ્રથમ પ્ર. વચ. 63 મા- 'સાકાર અક્ષરબ્રહ્મ' નામે કહ્યા છે.
વળી શ્રીહરિ આ સાકાર અક્ષરાદિકમાં પોતાની કાંતિએ કરીને રહ્યા છે એમ એ જ (63 મા) વચનામૃતમાં જણાવે છે: - '(ભગવાન) પોતાની કાંતિએ કરીને અક્ષરધામ (અર્થાત્ સૃષ્ટિકર્તા સાકાર અક્ષરો) અને અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે.' આમાં 'કાંતિ' શબ્દ કિરણવાચક-તેજરૂપ અક્ષર-ધામવાચક છે, ને તે શ્રીહરિનું તેજ, સાકાર અક્ષરોથી પર- શ્રેષ્ઠ ને સાકાર અક્ષરોનું દૃષ્ટા છે એમ પ્રથમ પ્ર. વચ. 64 માં કહ્યું છે. જેથી શ્રીહરિ મૂળઅક્ષરાદિકમાં અન્વયપણે અંતર્યામીપણે, તેજદ્વારે વ્યાપક છે ને વ્યતિરેક સ્વરૂપે પોતાના તેજરૂપ અક્ષરધામમાં પોતાની સન્મુખ રહેલા 'સ્વમુક્તોને' કહેતાં મધ્ય પ્ર. વચ. 13 માં કહ્યા પ્રમાણે પોતાની ચારેકોર મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે તેમને સુખ આપે છે એમ જાણવું.
વળી શ્રીહરિ 'ક્ષર' કહેતાં મૂળમાયા અને 'અક્ષર' એટલે સૃષ્ટિકર્તા મૂળઅક્ષરો તે થકી 'ન્યારા' એટલે વ્યતિરેક સ્વરૂપે જુદા છે. તે વાત ગઢડા પ્રથમ પ્ર. વચ. 72માં વધારે સ્પષ્ટ કરે છે : - 'અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ (અર્થાત્ સૃષ્ટિકર્તા સાકાર અક્ષરો) તેના પણ આત્મા છે અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને (અર્થાત્ તેજદ્વારે) ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે.'
હવે શ્રીહરિનું જે તેજ છે તેને જ અક્ષરધામ કહેવાય છે. તે ગઢડા મધ્ય પ્ર. વચ. 13 માં કહ્યું છે : 'એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ.' આ અક્ષરધામને જ ગઢડા પ્રથમ પ્ર. વચ. 71 માં - 'નિરાકાર એવું અક્ષરબ્રહ્મ' એ નામથી કહેલું છે. વળી પંચાળાના પહેલામાં - 'અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે, અથવા એમને રહ્યાનું ધામ છે.' એમ કહ્યું છે.
તે આ તેજરૂપ અક્ષરધામમાં શ્રીહરિના અસંખ્ય મુક્તો રહેલા છે ને તેઓ સૃષ્ટિકર્તા મૂળઅક્ષરાદિક સર્વેથી પર છે ને તેમને પરમ એકાંતિક કહેવાય છે. તે વડતાલના ત્રીજા વચનામૃતમાં કહ્યું છે: વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમએકાંતિક સાધુ છે.
આ પરમ એકાંતિક મુક્તથી ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિમુક્તનું ઉત્કૃષ્ટપણું ને પરપણું છે. તે છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં કહ્યું છે: 'અમે તો જેવા સર્વથી પર દિવ્યધામ (અર્થાત્ તેજરૂપ અક્ષરધામ) તેને વિષે ભગવાનના પાર્ષદ (અર્થાત્ પરમ એકાંતિક મુક્તો રહ્યા) છે તે થકી અધિક જો આ સત્સંગીને (અર્થાત્ અનાદિમુક્તને) ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.' આ વચનામૃતમાં અનાદિમુક્તને સૌથી શ્રેષ્ઠ કહ્યા છે. આ 'અનાદિમુક્ત' એવી સંજ્ઞા ગઢડા પ્રથમ પ્ર. વચ. 18 તથા 32માં કહેલ છે. આવા અતિશય પ્રીતિવાળા મુક્તોને શ્રીહરિ કેવળ કૃપા કરીને પોતાની મૂર્તિમાં રાખે છે. તે વાત સારંગપુરના 11મા વચનામૃતમાં તથા શિ. શ્લો. 111મા કહેલ છે.
વળી તે અનાદિમુક્ત મૂર્તિમાં લીન રહે છે તોપણ શ્રીહરિને વિષે દાસભાવ તથા સ્વામીસેવકપણું રહે છે; કારણ કે તે મુક્તોને શ્રીહરિની મૂર્તિનું નવીન નવીન સુખ આવે છે. તે અનાદિમુક્ત સદ્. મુક્તાનંદ સ્વામી રચિત 'બ્રહ્મ-સૂત્રભાષ્યરત્ન' અ. 4, પાદ 4, સૂત્ર 4માં કહ્યું છે:-
॥ अविभागेन द्दष्टत्वात् ॥
'तत्समानगुणरुपो मुक्तात्मा पार्षदतया निरतिशयानंदं परब्रह्मस्वरूपं सेवमानस्तत्सुख-मनुभवति, क्वचिदतिप्रेम्णा तस्मिन् विलीयते चेत्तर्हि तु परब्रह्मस्वरुप-विभागेनानुभवतीति निर्णयः ।
અનાદિમુક્ત અતિશય પ્રેમે કરીને મૂર્તિમાં લીન થઈને રહે છે તો પણ, ‘अविभागेन’ કહેતાં પરબ્રહ્મ સાથે ઐક્ય પામી પરબ્રહ્મના સ્વરૂપને અનુભવે છે, માટે સ્વામી-સેવકભાવ રહે છે.
આ 'અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્તોને શ્રીહરિના મુક્તાવતાર' કહેવામાં આવે છે. તે અખંડાનંદવર્ણી રચિત 'હરિચરિત્રામૃત' નામક ગ્રંથ છે તેમાં મહાપૂજાના અધ્યાયમાં અવતારસ્થાપના સમયે, અનાદિમુક્ત રામાનંદ સ્વામીને શ્રીહરિના અવતાર તરીકે નિયુક્ત કર્યા છે. વળી તે ગ્રંથમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, શ્રી વાસુદેવાનંદ વર્ણી તથા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સર્વે જે અનાદિમુક્ત છે તેમને પણ મુક્તાવતાર કહ્યા છે. મધ્ય પ્ર. વચ. 13 માં પણ કહ્યું છે: 'સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રકટ થાય છે ને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે.' તે આ મુક્તાવતાર જાણવા. આ મુક્તાવતારનું કાર્ય શ્રીજીની ઇચ્છાનુસારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું તથા એકાંતિક ધર્મ અને શ્રીહરિની સર્વોપરી ઉપાસના ને આજ્ઞા, તેની પ્રવૃત્તિ કરવી, એ જ પ્રકટના સંબંધવાળા મુક્તાવતારનું જીવનકાર્ય છે. એવા મુક્તાવતારોને વિષે કારણ મૂર્તિ એવા શ્રીહરિ અન્વય સ્વરૂપે નહિ; પરંતુ સાક્ષાત્ પોતે જ અખંડ રહે છે. તે હરિવાક્યસુધાસિંધુ તરંગ 68માં કહ્યું છે :-
सतां च हृदये साक्षाद्वरिराविश्य वर्तते१२ ।
तेषामपि ततः पाल्या मर्यादा ताद्दशी सदा ॥ 154 ॥
મુક્તાવતારમાં શ્રીજીમહારાજ મૂર્તિમાન ભેગા જ રહે છે; માટે તેમની મર્યાદા, જેવી શ્રીજીમહારાજની મર્યાદા રાખે તેવી જ, હંમેશાં રાખવી જોઈએ 154.
વળી શ્રીહરિ સહજાનંદ સ્વામી લોજ, માંગરોળ, કાલવાણી વગેરે ગામોમાં મતવાદીઓને સમાધિ કરાવીને નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ આદિ અનેકરૂપે દેખાયા હતા. તે સ્વરૂપોને 'સંકલ્પસ્વરૂપ અર્થાત્ સંકલ્પાવતાર' કહેવાય છે. તે સ. જી. પ્ર. 2, અ. 24 માં કહ્યું છે:-
केभ्यश्चित् कृष्णरुपेण राधिकापार्षदादिभिः५० ।
ददाति दर्शनं स्वामी गोलोकेन सहैव च ॥ 155 ॥
સ્વામી જે હરિકૃષ્ણ મહાપ્રભુ, તે કેટલાક મુમુક્ષુને સમાધિ કરાવીને તેમને ગોલોક ધામમાં રાધિકાજી તથા નંદસુનંદાદિ પાર્ષદે સહિત કૃષ્ણરૂપે પોતાનું દર્શન દેતા હતા 155. ઇત્યાદિક ઘણા શ્લોકે કરીને કહેલું છે. અને તે સંકલ્પસ્વરૂપોને જ આપણાં મંદિરોમાં પધરાવવામાં આવેલ છે; તે સંકલ્પસ્વરૂપો અને શ્રીજીમહારાજમાં કાંઈ પણ ભેદ નથી, તો પણ તે સ્વરૂપોનું ધ્યાન થાય નહિ; ધ્યાન તો સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની કારણ મૂર્તિનું જ કરવું.
હવે ઐશ્વર્યાવેશ અવતારનું ફરીથી વિવેચન કરીએ છીએ - આ લોકમાં જે ઐશ્વર્યાર્થી ભક્ત હોય છે તે, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યે સહિત ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરે છે. પછી એ ભક્ત ભૌતિકદેહનો ત્યાગ કરે છે ત્યારે, ભગવાન તે ભક્તને પોતાનાં ઐશ્વર્ય આપે છે અને તે મુક્તમાં ભગવાન અન્વયરૂપે પ્રવેશ કરીને રહે છે; ત્યારે તે મુક્ત, મુક્તાત્મા એવા ભગવાનના પ્રકાશમાં લીન થઈને રહે છે અને તે દ્વારા ભગવાન, સર્વે ક્રિયા કરે છે - એ ઐશ્વર્યાવેશ અવતાર કહેવાય છે. તે પંચાળાના 7 મા વચનામૃતમાં કહ્યું છે:-
'અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈક કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે, એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે... એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે, જેને જેને વિષે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે.'
આ વચનામૃત પ્રમાણે ભગવાનનાં ઐશ્વર્ય જે મુક્તમાં આવે છે તે મુક્તને ભગવાનના ઐશ્વર્યાવેશ અવતાર કહેવાય છે; અને તે અવતારને અવતારીની પણ ઉપમા દેવાય છે એમ સમજવું. જેમ ભગવન્નિષ્ઠાર્થી ભક્ત, ભગવાનને ભજીને મુક્ત થાય છે તેમ, ઐશ્વર્યની ઇચ્છાવાળા ભક્ત છે, તે ભગવાનને ભજીને અવતારની તથા મૂળઅક્ષરની પદવીને પ્રાપ્ત કરે છે. શ્રીહરિના અવતારોમાં આવી રીતે (1) સંકલ્પાવતાર, (2) મુક્તાવતાર ને (3) ઐશ્વર્યાવેશ અવતાર એમ ત્રણ પ્રકારના ભેદ જાણવા. ને એ સર્વેના કારણ, એક શ્રી સ્વામિનારાયણ ભગવાન જ છે. આવી રીતે શ્રીહરિ સહજાનંદ સ્વામીને જાણી, તેમની આજ્ઞામાં રહી સ્વામીસેવકભાવે શ્રીહરિની ઉપાસના - ભક્તિ કરવી. એ શ્રીહરિનો મુખ્ય સિદ્ધાંત છે ને આત્યંતિક કલ્યાણનો પણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
આવી રીતે અવતાર - અવતારી ભેદ મેં સાધુ કેશવપ્રિયદાસે, મારા જ્ઞાનગુરુ અનાદિમુકત અબજીબાપાશ્રી થકી તથા મોટા સદગુરુઓ થકી શ્રવણ કરીને, તથા પ્રકટનાં શાસ્ત્રનુસારે તેમ જ ભારત, ભાગવત આદિ પરોક્ષના મુખ્ય ગ્રંથાનુસારે 'સંક્ષેપ'થી અર્થાત્ 155 શ્લોકે કરીને લખેલ છે. અને સવિસ્તર ઉપાસના સમજવા માટે મેં 'શિક્ષાપત્રી રહસ્યાર્થ' નામક દળદાર ગ્રંથ રચ્યો છે જે છપાઈને બહાર પડ્યો છે તો, તે થકી શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના વગેરે જાણવું.
* * *
ईयं यः प्रपठेत् भेदमवतारावतारिणोः ।
बोधयेत् वा परं दुग्धशर्करावत् स्थितं जनः ॥ 1 ॥
स स्वरूपे स्थितः श्रीजीकृपयाऽनुंभवेत्सुखम् ।
स्वामिसेवकभावेन मूर्तेरेषा स्तुतिर्मम ॥ 2 ॥
આ અવતાર-અવતારી ભેગ જે કોઈ વાંચશે, વિચારશે કે બીજાને સમજાવશે તે, દૂધમાં સાકર રસબસ રહે છે તેમ શ્રીજીકૃપાથી, શ્રીજી સ્વરૂપમાં રસબસ રહી, સ્વામીસેવકભાવે મૂર્તિનું સુખ ભોગવશે, એવી મારી પ્રાર્થના છે. તો તેવી સદ્ભિલાષાપૂર્વકની પ્રાર્થના સાથે હું આ ગ્રંથ સમાપ્ત કરી વિરમું છું 1-2.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી-શિષ્ય
શ્રીપુર સ્વામિનારાયણ મંદિરસ્થ
સદગુરુ પુરાણી મુનિસંત કેશવપ્રિયદાસેન
સંગ્રહિતં 'અવતાર-અવતારી ભેદનિરૂપણ' સંપૂર્ણમ્.