૧૨. અવતારીપણું - હરિલીલાકલ્પતરુ અનુસાર
આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, શ્રીહરિની સ્તુતિ કરે છે:-
तस्माद्यदा त्वं नु मयि प्रसन्नो मद्याचितं देहि तदा वरं मे९ ।
यथा परत्वं पुरुषोत्तमत्वं तवाऽवतारित्वमनन्यतुल्यम् ॥ 66 ॥
तथैव तद्वर्णनयुक्तमग्थ्रं त्वदियलीलाग्रंथनोपपन्नम्१० ।
ग्रन्थं चिकीर्षामि मनोरथं मे त्विमं दयाब्धे सफलीकुरु त्वम् ॥ 67 ॥
હે હરિ! જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હો, તો તમારું સર્વોપરી પુરુષોત્તમસ્વરૂપ કે જેની તુલનામાં બીજા અવતારો ન આવે, તેવું આપનું અવતારીસ્વરૂપ તેનું નિરૂપણ અને તે સ્વરૂપની દિવ્યલીલાની ગૂંથણી જેમાં હોય તેવો સર્વોત્તમ ગ્રંથ રચવાની મારી ઇચ્છા છે; તો હે કરુણાસાગર! મારી એ ઇચ્છા પરિપૂર્ણ થાય, એવો વર મને આપો. (ત્યારે શ્રીજી પ્રસન્ન થઈને એ વર આપે છે.) 66-67
ધર્મદેવ તથા ભક્તિમાતા પ્રત્યે વાયુપુત્ર હનુમાનજી કહે છે:-
युष्मत्पुत्राद् बिभेत्यस्मात्सर्वलोकभयंकरः५१ ।
कालस्तथेश्वराः सर्वे सन्त्यस्यादेशवर्तिनः ॥ 68 ॥
हेतुरेवावताराणामवतारी स्वराट् प्रभुः५२ ।
ऽषोऽक्षराक्षरपरः कारणानान्च कारणम् ॥ 69 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 1)
સર્વ લોકને ભય આપનારો કાળ પણ, આ તમારા પુત્રથી ભય પામે છે. તેમ જ તે કાળ તથા સર્વે ઈશ્વરો પણ આ તમારા પુત્ર શ્રીહરિની આજ્ઞામાં વર્તે છે 68. વળી આ તમારા પુત્ર સર્વ અવતારોના કારણ અવતારી સ્વરાટ્ પ્રભુ છે. અને ક્ષર-અક્ષરથકી પર અને સર્વ કારણના પણ કારણ છે 69.
વળી હરિલીલાકલ્પતરુ સ્કં. 2, અ. 19માં, વાતનો આવો પ્રસંગ છે: એક વખત શ્રીજીના પિતા શ્રી ધર્મદેવે, અનંતધામના મુક્તોને તથા ધામીઓને શ્રીજીની પૂજા કરતા જોયા. પછી વળી:-
सोऽवतारांस्तथा सर्वान् रामकृष्णपुरःसरान्२६ ।
प्रौक्षतालंकृतियुजस्तस्याग्रे भास्वराम्बरान् ॥ 70 ॥
તે ધર્મદેવ, શ્રીહરિની સમીપમાં અત્યંત તેજસ્વી વસ્ત્રો તથા અલંકારો ધારણ કરેલા, રામકૃષ્ણાદિક સર્વ અવતારોને જોતા હતા (અર્થાત્ તે પણ શ્રીજીનું પૂજન કરવા માટે આવેલા હતા) 70.
સિદ્ધો, શ્રીહરિની સ્તુતિ કરે છે:-
सर्वातिरिक्तकरुणादिगुणार्णवस्य सत्यव्रतस्य भगवन्नवतारिणस्ते७ ।
एश्वर्यतो विविधपुण्यगुणैश्च रामकृष्णादयो भूवि भवंति किलावताराः ॥ 71 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 49)
હે સ્વામિનારાયણ ભગવન્! સર્વથી પર, કરુણાદિ ગુણના સમુદ્રરૂપ સત્યવ્રતવાળા અવતારી એવા તમે, તે તમારાં આપેલાં ઐશ્વર્યથી તથા તમારી મૂર્તિમાં રહેલા નાના પ્રકારના દિવ્ય કલ્યાણકારી ગુણોના આવિર્ભાવથી, રામકૃષ્ણાદિ અવતારો પૃથ્વીપર અવતાર નિશ્ચે, ધારણ કરે છે 71.
વળી શ્રીહરિ વનવિચરણ કરતા-કરતા જગન્નાથપુરી પધાર્યા; તે સમયના વર્ણનનો, હરિલીલાકલ્પતરુ સ્કં. 2, અ. 50 માં શ્રી શુકાનંદ સ્વામી આ પ્રમાણે ઉલ્લેખ કરે છે:-
ततस्तत्र जगन्नाथस्त्तं ज्ञात्वैवाऽवतारिणम्२ ।
सदाऽद्दश्यः सिषेवेऽ÷न्यैः श्रीधार्मिं पुरुषोत्तमम् ॥ 72 ॥
ધર્મદેવના પુત્ર શ્રીહરિને, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ જાણીને, ભગવાન જગન્નાથજી સ્વયં 'અગોચર'- અન્ય કોઈ દેખે નહિ તેમ અદૃશ્ય સ્વરૂપે શ્રીહરિને સદા સેવતા હતા 72.
વળી હરિએ જગન્નાથપુરીમાં રહેલા અસુરોનો, પોતાના સંકલ્પ માત્રથી નાશ કર્યો તે પ્રસંગની વાત, એ જ સ્કંધ ને અધ્યાયમાં આ પ્રમાણે કહેલી છે:-
अथोपेत्य जगन्नाथस्तमदश्योऽन्य मानवैः५६ ।
अभाषत रहस्येवं प्रसन्नस्तत्पराक्रमात् ॥ 73 ॥
मया चिकीर्षितं कार्यं स्वामिन्नेतत् कृतं त्वया५७ ।
मयाऽपि दुष्करं नूनं किश्वित्रं तत्र चेतरैः ॥ 74 ॥
અસુરના નાશરૂપ શ્રીહરિના પરાક્રમથકી પ્રસન્ન થયેલા જગન્નાથ ભગવાન તે, બીજા મનુષ્યો ન દેખે તેમ એકાંતમાં શ્રીહરિની પાસે આવી, તેમને આ પ્રકારનું રહસ્ય કહેવા લાગ્યા 73. હે સ્વામિન્! હે હરે! મેં ઇચ્છેલું આ કાર્ય નિશ્ચે તમે કર્યું છે; જે કાર્ય મારાથી થવું દુષ્કર હતું તો બીજાઓથી ન બની શકે, તેમાં શું આશ્ચર્ય હોય? 74.
स ईत्युक्त्वोपचारैस्तं स्वर्च्य नीराजनं व्यधात्६२ ॥ 75 ॥
अथ प्रणम्य तं धार्मिं जगन्नाथो मुदान्वितः ।
वचोभिर्विशदैः स्तुत्वा तं पृष्ट्वा स्वालयं ययौ ॥ 76 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 50)
આ પ્રમાણે કહીને ચંદન-પુષ્પાદિક ઉપચારો વડે શ્રીહરિનું પૂજન કરી, તે જગન્નાથજી પોતે તેમની (શ્રીહરિની) આરતી ઉતારવા લાગ્યા 75. પછી તે જગન્નાથજી ધર્મના પુત્ર શ્રીહરિને પ્રણામ કરીને હર્ષપૂર્વક, 'विशद्' અર્થાત્ શ્રીહરિ પ્રસન્ન થાય, એવાં રૂડાં ચાતુરીભર્યાં વચનોથી શ્રીહરિની સ્તુતિ કરીને અને તેમની સંમતિ લઈને, પોતાના સ્થાન પ્રત્યે ગયા 76.
વળી શ્રીજીમહારાજ લોજપુરથી રામાનંદ સ્વામીને પત્ર લખે છે. તે પત્ર મયારામભટ્ટ, રામાનંદ સ્વામીની પાસે લાવે છે. રામાનંદ સ્વામી તથા અન્ય સભાજનોને, તે પત્રનાં દર્શન કરતાં જ સમાધિ થાય છે. સમાધિમાં તેઓ જે દેખે છે તે પ્રસંગનું વર્ણન, શ્રી રઘુવીરજી મહારાજ આ પ્રમાણે કરે છે:-
दद्दशुस्ते पुरस्तस्य लावण्यामृतनीरघेः ३७ ।
तदीयान् रामकृष्णादीनवतारान् कृताज्जलीन् ॥ 77 ॥
तस्योग्रेऽवस्थितं स्वीयं रामानंदाभिधं गुरुम्३८ ।
ते प्रैक्षन्तेक्षमाणं तं प्राज्जलिं शान्तविग्रहम् ॥ 78 ॥
ततोऽवतारान् सर्वांस्तानात्मीयं चापि तं गुरुम्३९ ।
तद्रूपे लीनतां प्राप्तान् विस्मितास्ते व्यलोकयन् ॥ 79 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 57)
લાવણ્યરૂપી અમૃતના સાગર એવા શ્રીહરિની સન્મુખ, રામકૃષ્ણાદિક અવતારોને હાથ જોડીને ઊભેલા દીઠા 77. તેમ જ તે શ્રીહરિની પાસે બે હાથ જોડીને ઊભેલા, પોતાના ગુરુ રામાનંદ સ્વામીને જોતા હતા 78. પછી વિસ્મય પામેલા તે જનોએ રામકૃષ્ણાદિક સર્વ અવતારોને તથા પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પણ, શ્રીહરિના સ્વરૂપમાં લીન થયેલા જોયા. 79.
વળી હરિલાલકલ્પતરુ સ્કં. 2, અ. 59 માં આ પ્રમાણે વાત છે:-
तस्याग्रे रामकृष्णादीनवतारानवस्थितान्५२ ।
सोऽपश्यदर्ध्य युक्स्वर्णपात्रहस्तान्महामुदा ॥ 80 ॥
પીપલાણા ગામમાં એક યોગી શ્રીજીમહારાજનાં દર્શને આવ્યા. તે યોગીએ, સુવર્ણ-પાત્રમાં પૂજાનાં દ્રવ્યો-જેવાં કે ચંદન, પુષ્પ, અક્ષત ઇત્યાદિ અર્ધ્ય સામગ્રી લઈને, અતિ હર્ષપૂર્વક શ્રીજીમહારાજની સન્મુખ, પૂજા કરવા માટે રામકૃષ્ણાદિ સર્વે અવતારોને ઊભા રહેલા જોયા. 80
વળી રામાનંદ સ્વામીએ શ્રીહરિજીનો જેતપુરમાં પટ્ટાભિષેક કર્યો; તે પ્રસંગે મૂળમાયાના પતિ વગેરે શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે :
अन्यावतारैर्विहितोऽत्र याद्दग्मोक्षो जनानां भूवि कारितो वा३७ ।
याद्दक् समाधिर्हि भवान्स्वभक्तद्वाराऽपि तं कारयिता तथैव ॥ 81 ॥
कस्यांचिदेवाप्यवतारमूर्तै, मूर्तिर्न वै यास्यति लीनतां ते४४ ।
जीवा बिलोक्येत्यवतारिणं त्वां ज्ञास्यन्ति सर्वोपरि वर्तमानम् ॥ 82 ॥
(હરિ. કલ્પ. સ્કં. 2, અ. 63)
હે હરે! આ પૃથ્વી પર તમારા બીજા અવતારોએ જેવો મનુષ્યોનો મોક્ષ કર્યો છે, તથા જેવી સમાધિ કરાવી છે, તેવો મોક્ષ તથા તેવી સમાધિ તો, તમે તમારા ભક્તો દ્વારા કરાવશો 81. વળી હે શ્રીહરે! તમારી મૂર્તિ તો કોઈ પણ અવતારની મૂર્તિમાં લીન નહિ જ થાય; પરંતુ તે અવતારો તમારી મૂર્તિમાં લીન થશે. એવું આશ્ચર્ય જોઈને લોકો તમને સર્વોપરી અવતારી જાણશે 82.
એક વખત રામાનંદ સ્વામીના જૂના શિષ્ય, વણિક મેધજીત ભક્તને, શ્રીજીમહારાજે દિવ્યરૂપે પોતાનાં દર્શન દીધાં. પછી પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવવા માટે આ પ્રમાણે દર્શન આપ્યાં :-
तदग्रेऽवस्थितं कृष्णं स व्यचष्ट कृतान्जलिम्३९ ।
रामानंदगुरुं स्वीयं प्रान्जलिं हि तथा स्थितम् ॥ 83 ॥
श्रीकृष्णं लीनतां प्राप्तं रामानंद गुरुं तथा४१ ।
स यावत् प्रैक्षताऽर्कस्य तारका इव तेजसि ॥ 84 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 4)
તે મેઘજીતે શ્રીહરિની આગળ હાથ જોડીને રહેલા શ્રીકૃષ્ણને તેમ જ પોતાના ગુરુ રામાનંદમુનિને હાથ જોડીને ઊભેલા દેખ્યા 83. વળી સૂર્યના પ્રકાશમાં તારાઓ લીનતા પામે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન, શ્રીજીમહારાજનાં તેજમાં લીન પામતા તે મેધજીત દેખતો હતો. ત્યાર પછી શ્રીકૃષ્ણ ભગવાનની માફક પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પણ, શ્રીજીમહારાજના તેજમાં લીન પામતા તે મેઘજીને જોયા. 84.
હવે મેઘજીત ભક્ત, શ્રીહરિની આ પ્રકારે પ્રાર્થના કરે છે :-
अबोधमादाववतारहेतुं सर्वेश्वरं कृष्णमुदारकीर्तिम्६१ ।
गुरोर्मदीयान्मदभीष्टदेवं नावेदिषं चैव परं ततोऽहम् ॥ 85 ॥
कृष्णः स वै मद्गुरुणा च सार्धं लीनो महात्संस्तव दिव्यमूर्तै६२ ।
क्षणान्तरे प्राग्वदवस्थितौ तौ त्वत्तः पृथक् चैव मयेति द्दष्टौ ॥ 86 ॥
ततो मया त्वं विदितोऽवतारी परो हि कृष्णादपि दिव्यशक्त्तिः६३ ॥ 87 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 4)
પહેલાં હું મારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી, શ્રીકૃષ્ણને જ સર્વ અવતારના કારણ, સર્વેશ્વર, ઉદાર કીર્તિવાળા, અભીષ્ટ દેવ જાણતો હતો; તેથી પર હું કોઈને જાણતો ન હતો 85. (પરંતુ) હે મહાત્મન્ શ્રીહરે! તે શ્રીકૃષ્ણ, મારા ગુરુ રામાનંદ સ્વામીની સાથે તમારી દિવ્ય મૂર્તિમાં લીન પામ્યા. વળી એક જ ક્ષણમાં બંને પાછા પહેલાંની માફક તમારાથી જુદા મેં જોયા 86. જેથી મેં, તમને કૃષ્ણથકી પણ પર, દિવ્ય શક્તિવાળા અવતારી જાણ્યા છે; અર્થાત્ તમે કૃષ્ણના પણ કારણ અવતારી છો એવો મને નિશ્ચય થયો છે 87.
વળી શ્રીજીમહારાજે માંગરોળમાં અનેક મતવાદીઓને સમાધિ કરાવી; તે સમાધિમાં કેટલાકને શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં તે પછીનો જે પ્રસંગ, તે આ પ્રમાણે છે:-
हरेस्तेजसि लीनं ते श्रीकृष्णं दद्दशुस्ततः१२ ।
सूर्यतेजसि तारावत्ततस्तं च पृथक् स्थितम् ॥ 88 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 7)
તે પછી સમાધિવાળા જનો, તે શ્રીકૃષ્ણ ભગવાનને શ્રીહરિના તેજમાં લીન થતા જોતા હતા. કોની પેઠે તો, સૂર્યના પ્રકાશમાં તારા જેમ લીન થાય તેમ લીન થયેલા દેખ્યા. તે પછી પાછા, પૃથક્ પણ દેખવા લાગ્યા. 88.
એક વખત પર્વતભાઈને એવો સંકલ્પ થયો કે, નૃસિંહરૂપ કેવું હશે? પછી શ્રીજીની ઇચ્છાથી તેમને તેજ દેખાયું ને તે તેજમાં (1) મત્સ્ય, (2) કચ્છ, (3) વરાહ, (4) નૃસિંહ, (5) પરશુરામ (6) વામન, (7) યજ્ઞ, (8) કપિલ, (9) દત્તાત્રેય, (10) હયગ્રીવ, (11) નારદ, (12) સનકાદિક, (13) કુમાર, (14) ઋષભદેવ, (15) પૃથુ, (16) વ્યાસ, (17) હંસ , (18) ધન્વંતરી, (19) કલ્કિ, (20) બુદ્ધ. (21) વાસુદેવ, (22) હરિ, (23) નરનારાયણ તથા (24) વૈરાજ- આ ચોવીસ અવતારોનાં દર્શન થયાં. પછી વળી:-
रामकृष्णादयश्चान्ये येऽवताराः पुराऽभवन्१८ ।
सोऽवतारांश्च तान्सर्वान् साक्षादैक्षत भास्वरान् ॥ 89 ॥
सोऽवतारांस्ततः सर्वान् हरेस्तस्यावतारिणः२० ।
तेजश्चये विलीनत्वं प्राप्तानैक्षत भूपते ॥ 90 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 19)
રામકૃષ્ણાદિ જે અવતારો પૂર્વે પ્રકટ થયા હતા, તે સર્વે અવતારોને પર્વતભાઈ, અતિ તેજોમય પ્રત્યક્ષ જોતા હતા. 89. હે ભૂપતે! પછી પર્વતભાઈએ તે સર્વે અવતારોને અવતારી શ્રીહરિ પ્રત્યક્ષ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના તેજઃપુંજમાં લીન થતા જોયા 90.
આવી રીતે પર્વતભાઈનો સંકલ્પ સત્ય કરીને, શ્રીહરિ હવે પોતે જ, એ જ અધ્યાયમાં કહે છે :-
द्दष्टास्त्वयावतारा ये युगपत्सर्वशोऽद्भुताः३९ ।
तेषां हेतुमहेतुं मां त्वं वेदैवावतारिणम् ॥ 91 ॥
હે ભક્તરાજ! તમે એકી સાથે સર્વે અલૌકિક અવતારો જોયા; તે સર્વ અવતારોનો કારણ (हेतुं) અવતારી, એવો તમે મને જ જાણો; હું સર્વનો કારણ છું પણ મારું કોઈ કારણ નથી (अहेतुं) 91.
વળી લુહાણા મૂળજી ભક્ત, હરિલીલાકલ્પતરુ સ્કં. 3, અ. 20 માં, શ્રીહરિને આ પ્રમાણે કહે છે:-
योऽवतारस्तथा स्वामिन्नवतारी तयोरहम्५ ।
जानामि नूनमेकत्वं वेशवेशमृतोरिव ॥ 92 ॥
હે સ્વામિન્! અવતાર તથા અવતારી તે બંનેનું હું એકત્વ જાણું છું; જેમ વેશ અને વેશનો ધારણ કરનારો એક હોય છે તેમ. (અર્થાત્ એક જ વ્યક્તિ, જેમ જાતજાતના વેશ ધારણ કરે છે; પણ વ્યકિત જુદી હોતી નથી તેમ, અવતાર-અવતારીનું હું પણ એકત્વ જાણું છું) 92. આમ જ્યારે તે ભક્તે કહ્યું, ત્યારે શ્રીહરિ તે મૂળજીતને કહેવા લાગ્યા :-
नैक्यं हि विद्यते धीमन्नवतारावतारिणोः८ ।
वर्तते वास्तवो भेदस्ताराचन्द्रमसोरिव ॥ 93 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 20)
અવતાર-અવતારીમાં એકતા નથી; પરંતુ જેમ તારા અને ચંદ્રમામાં ભેદ છે તેમ અવતાર અને અવતારીમાં ભેદ છે; અર્થાત્ તારા અને ચંદ્રની માફક ભિન્ન તત્ત્વ છે 93.
વળી શ્રીહરિ પોતાના સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય કરાવવા માટે, મૂળજીતને ફરીથી આ પ્રકારે કહવા લાગ્યા - 'તમે સંકલ્પ કરો કે, રામાનંદ સ્વામી તથા શ્રીકૃષ્ણાદિક અવતારો તે જો પુરુષોત્તમ હોય, તો મારાં અનેક રૂપ થાઓ તથા તેવાં રૂપ ધારણ કરી, હું એકકાળાવછિન્ન બીજાં ધામોની સર્વ મૂર્તિઓ તેને સમગ્રપણે જોઉં.'
अथ स्वीयमनस्येवं सङ्कल्पं स व्यधात्सुधीः१५ ।
श्रीकृष्णं त्वं भगवन्नवतारी यदा भवेः ॥ 94 ॥
तदा त्वदोजसाऽनेकरुपाण्येव भवन्तु मे१६ ।
तथाऽवतारमूर्तिनां युगपद्वीक्षणं शुभम् ॥ 95 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 20)
શ્રીહરિનું આ પ્રકારનું વચન સાંભળી, બુદ્ધિમાન મૂળજીત પોતાના મનમાં આવો સંકલ્પ કરતા હતા : હે કૃષ્ણ ભગવાન! જો તમે અવતારી હો, તો તમારા પ્રતાપથી મારાં અનેક રૂપ થાઓ. તેમ જ અવતારોની મૂર્તિઓનાં, એકી સાથે મને શુભ દર્શન થાઓ 94-95. આ પ્રમાણે તેમણે સંકલ્પ કર્યો: પરંતુ બહુરૂપે થવાયું નહિ, એમ ઉત્તર શ્લોક સાથે સંબંધ છે. છેવટે આવો સંકલ્પ કર્યો કે :-
यदाऽसौ सहजानंदः स्यादनन्यसमः स्वयम्२७ ।
हेतुश्चैवावताराणां सर्वकारणकारणम् ॥ 96 ॥
तदा से सन्तु युगपद् भूरिरूपाणि सर्वशः२८ ॥ 97 ॥
एवं संकल्पमात्रेण यदा त्वद्वाञ्छितं भवेत्३० ।
तदा सर्वावताराणां हेतुर्ज्ञेयस्त्वया ह्यहम् ॥ 98 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 20)
જો આ સહજાનંદ સ્વામી પોતે બીજા અવતારોની તુલ્ય ન હોય, પરંતુ અવતારોના ‘हेतुः’ કહેતાં, તેમના કારણ અવતારી હોય ને ‘सर्वकारणकारणं’ એટલે, સૃષ્ટિકાર્યના કારણ મૂળપૂરુષ, મહાકાળ, અક્ષરાદિક છે અને મોક્ષના કારણ એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિમુક્ત છે તેમના પણ કારણ હોય તો હું, એકી સાથે અનેક સ્વરૂપે થાઉં 96-97. આવી રીતે સંકલ્પમાત્રથી તેમને સર્વ ધામની મૂર્તિઓનાં યુગપત્ (એકી સાથે) દર્શન થયાં, તેથી શ્રીહરિને તેમણે રામકૃષ્ણાદિક સર્વ અવતારોના અવતારી જાણ્યા. 98.
શ્રીહરિએ આવી રીતે વાત કરીને તથા ઐશ્વર્ય - ચમત્કાર દેખાડીને મૂળજીતને પોતાનો નિશ્ચય કરાવ્યો. હવે વળી ફરીથી તેને ઉપદેશ આપીને સમજાવે છે:-
कृत्यं यदात्मतन्त्रेण कर्तव्यं ह्यवतारिणा४० ।
न तत् स्यादखिलैरन्यैरवतारैरशेषतः ॥ 99 ॥
अवतारास्तु ते सर्वे दिव्यैश्वर्यगुणान् प्रभौ४२ ॥
नियन्तुः कालमायादेस्तस्माद् यान्त्यवतारिणः ॥ 100 ॥
(હરિ. કલ્પ. સ્કં. 3, અ. 20)
અવતારી એવા પરમાત્માને જે કાર્ય સ્વતંત્રપણે કરવાનું હોય છે, તે કાર્ય સમગ્ર અવતારોથી સંપૂર્ણપણે કરી શકાતું નથી 99. (કારણ કે) સમગ્ર અવતારો તો, કાળ-માયાદિનો નિયંતા પ્રભુ એવો હું તે મારાથકી, દિવ્ય ઐશ્વર્યો તથા દિવ્ય કલ્યાણકારી ગુણો પામે છે 100.
વળી શ્રીહરિ, જામનગરથી ભુજ જતાં રસ્તામાં દ્વારિકા પધારે છે; તે સમયે, શ્રીદ્વારિકાધીશ, શ્રીહરિની સન્મુખ આવ્યા. તે પ્રસંગનું વર્ણન, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, હરિલીલાકલ્પતરુ સ્કં. 3, અ. 36માં આ પ્રમાણે કરે છે :-
तावदेवान्तिकं तस्य श्रीकृष्णो मामयाऽन्वितः२ ।
रुक्मिण्याऽऽयाद्गुडाकेशसात्यक्युद्धवसंयुतः ॥ 101 ॥
महाज्ञातिक्रमादेव नष्टसन्मतिभिर्जनैः८ ।
लोलुपैर्विषयासक्तैर्निर्दयैर्दुर्बलार्दनैः ॥ 102 ॥
स्थानेऽत्र संकुले वासो रोचते नैव मे विभौ९ ।
निष्कामव्रतिनां सेवा जनानां रोचते हि मे ॥ 103 ॥
તે સમયે શ્રીકૃષ્ણ ભગવાન તે સત્યભામા, રુકમણી, અર્જુન, સાત્યકિ અને ઉદ્ધવની સાથે શ્રીહરિની સમીપે આવ્યા 101. ને શ્રીહરિને કહેવા લાગ્યા કે, મારી આજ્ઞા ઉલ્લંઘન કરવાથી જેમની સન્મતિ નષ્ટ થઈ ગઈ છે અને જે ધનના લોભી છે, જે વિષયમાં આસક્ત છે, નિર્દય છે અને દુર્બળજનોને પીડનારા છે, તેવા લોકોથી વાસ કરાયેલું આ સ્થાન હે વિભો! મને રુચતું નથી; મને તો નિષ્કામી વ્રતવાળા જનોએ કરેલી સેવા રુચે છે 102-103.
तस्मात्त्वदीयभक्तानां तव चैवावतारिणः१३ ।
निवासे रुचिरे भूमन् ! वस्तुमिच्छाऽस्ति मे भृशम् ॥ 104 ॥
(હરિ, કલ્પ. સ્કં. 3, અ. 36)
આ હેતુથી હે પ્રભો! અવતારી એવા તમારા તથા તમારા ભક્તોના સુંદર સ્થાનમાં, નિવાસ કરવા માટે મારી અત્યંત ઇચ્છા છે.
હવે તે પછી શ્લો. 15માં શ્રીહરિ તેમને કહે છે:-
मम सर्वावताराणां मुख्यस्याति प्रियस्य मे ।
तव वासानुकूलत्वं विद्यास्यम्यचिरादहम् ॥ 105 ॥
મારા સર્વ અવતારોમાં મુખ્ય અને મને અતિ પ્રિય, એવા તમારા નિવાસની અનુકૂળતા, હું થોડા સમયમાં જ કરીશ 105. આવી રીતે શ્રીહરિએ પોતાનું અતુલ ઐશ્વર્ય બતાવીને, પોતે શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારોના કારણ છે અને સર્વ અવતારોથી ભિન્ન છે, એમ પોતાના સ્વરૂપનું 'વિલક્ષણપણું' અર્થાત્ અવતારીપણું જણાવ્યું છે.
હવે શ્રીહરિ, હરિલીલાકલ્પતરુ સ્કં. 5, અ. 8માં, પોતે જ પોતાનું સ્વરૂપ સમજાવે છે.
ईश्वराणां च जीवानां मायापुरुषयोस्तथा२८ ।
अहं कालाऽक्षरादीनां स्वतन्त्रोऽस्मि नियामकः ॥ 106 ॥
चक्रवर्तिमहीपालाद् यथा भूपाऽऽदयोऽपरे २९ ।
चकिता निर्भरं तस्य वशे तिष्ठन्ति सर्वदा ॥ 107 ॥
तथैते निखिला मत्तो बिभ्यतो नितरां सदा ३० ।
मत्प्राप्तवैभवैश्वर्या वर्तन्ते मद्वशे भृशम् ॥ 108 ॥
સ્વતંત્ર એવો હું તે જીવ, ઈશ્વર, માયા, પુરુષ, કાળ ને અક્ષર એ આદિ સર્વનો નિયંતા છું 106. જેમ ચક્રવર્તી રાજા થકી બીજા ખંડિયા રાજાઓ ભયથી કંપાયમાન થઈ સર્વપ્રકારે વશ વર્તે છે, તેમ મારાથી વૈભવ તથા ઐશ્વર્ય પામેલા તે સર્વે ઈશ્વરાદિક, મારાથી નિરંતર ભય પામી અને અતિશય વશ વર્તે છે 107-108. વળી તે પછી શ્લો. 32 તથા 33માં શ્રીહરિ કહે છે:-
भूतास्तथा भवन्तो मे भविष्या येऽपि भूरिशः ।
अवतारास्त्वहं तेषामवतार्यस्मि कारणम् । 109 ।
सोऽहमेवाऽक्षराद् धाम्नो दिव्यैश्वर्यादिसंयुतः ।
अवतारी क्षितौ नूनं युष्मदर्थमिहाऽऽगतः ॥ 110 ॥
હે ભક્જતનો! મારા ઘણાક અવતાર થયા છે, વર્તમાનકાળે છે ને ભવિષ્યમાં થશે, તે સર્વેનો કારણ અવતારી તો હું જ છું 109. અક્ષરધામનો અધિપતિ અવતારી જે હું તે, અક્ષરધામથી દિવ્ય ઐશ્વર્ય યુક્ત, આ પૃથ્વીપર ભરતખંડમાં તમારે અર્થે આવ્યો છું 110. વળી શ્રીહરિ શ્લો. 36 તથા 37 માં કહે છે :-
स्वसिद्धैश्वर्य एवाहं भगवानस्मि चेतरे३६ ।
प्राप्यैश्वर्यं युता जाता भगवत्सज्ञयाऽखिलाः ॥ 111 ॥
मदधीनानि चैतेषां सन्त्यैश्वर्याणि सर्वशः३७ ।
वर्तन्ते न स्वतंत्रास्ते स्वतंत्रस्त्वहमस्मि वै । 112 ॥
હું જ સ્વસિદ્ધ ઐશ્વર્યવાન ભગવાન છું; મારા સિવાય બીજા જે છે, તે મારા થકી ઐશ્વર્ય પ્રાપ્ત કરીને ભગવાન સંજ્ઞાને પામ્યા છે 111. એ સર્વેનાં જે ઐશ્વર્ય છે તે મારે આધીન છે, તેથી તે સર્વે અવતારો સ્વતંત્ર નથી; ફક્ત હું જ સ્વતંત્ર છું 112.
હરિલીલાકલ્પતરુ સ્કં. 6, અ. 18માં વળી, અનાદિમુક્ત સદ્. ગોપાળાનંદ સ્વામી, શ્રીહરિની સ્તુતિ કરે છે :-
गुणैश्वर्याऽऽवशादुत सदवतारास्तव हरे!८ ।
स्वतोऽस्यां जायन्ते शुभगुणगणालंकृतितनोः ।
परात्मंत्स्वं साक्षादसि तदवतारी सुखनिधे!
मम स्वामिनारायण! वसतु चेतस्त्वयि सदा! ॥ 113 ॥
હે પરાત્મન્! હે હરે! શુભ ગુણગણોના અલંકારરૂપ શરીરવાળા એવા તમે, તે તમારા ગુણ તથા ઐશ્વર્યનો પ્રવેશ થવાથી, આ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ અવતારો પ્રાદુર્ભાવ પામે છે; અથવા કોઈ કાર્ય અર્થે, તમારા સ્વરૂપમાંથી સ્વતઃ (મુક્તાવતાર) પ્રકટ થાય છે. હે સુખનિધે! જેથી આપ સાક્ષાત્ અવતારી છો. માટે હે સ્વામિન્! હે નારાયણ! મારો આત્મા હંમેશાં તમારી મૂર્તિમાં રહો 113.
આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, અવતારો અને અવતારી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તે બંને એક તત્ત્વ નથી; પરંતુ ભિન્ન તત્ત્વ છે. અર્થાત્ પ્રથમ પ્ર. વચ. 41માં કહ્યા પ્રમાણે અવતારી એવા શ્રીહરિ, પોતે જ ચ્યવીને જીવ, ઈશ્વર ને ઉપલક્ષણથી બ્રહ્મ કે સૃષ્ટિકર્તા સાકાર મૂળઅક્ષર આદિ અવતારો રૂપે થતા નથી પણ શ્રીહરિના ગુણ-ઐશ્વર્યનો તે તે અવતારમાં આવિર્ભાવ થાય છે, તેથી તે ઐશ્વર્યાવેશ અવતાર કહેવાય છે અર્થાત્ મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ, તેથી શ્રેષ્ઠ મહાકાળ, તેથી શ્રેષ્ઠ નરનારાયણ, અને એ ત્રણેયના ઉપરી વાસુદેવબ્રહ્મ ને તેના ઉપર મૂળઅક્ષર, એ આદિ ઐશ્વર્યાવેશ અવતાર છે. ને તે શ્રીજીમહારાજને ભજી ભજીને કારિયાણી વચ. 10માં કહ્યા પ્રમાણે અનંત થાય છે, તે સર્વેમાં શ્રીહરિજી વ્યતિરેકસ્વરૂપે નહિ; પરંતુ એક બીજાના ઉપરી દ્વારે અંતર્યામી શક્તિ વડે ન્યૂનાધિક ભાવથી રહે છે. અને શ્રીહરિના સ્વરૂપમાંથી જે મુક્તાવતાર થાય તેમાં તો શ્રીહરિ પોતે જ રહે છે. તે બ્રહ્મસૂત્રભાષ્યરત્નના ત્રીજા અધ્યાયના બીજા પાદમાં સૂત્ર 19માં કહ્યું છે : ‘स्वेकांतिकभक्तेषु तु स्वयमेव स्थितश्च’ પોતાના એકાંતિક ભક્તોને વિષે અર્થાત્ મુક્તોને વિષે તો, શ્રીહરિ સ્વયં રહેલા છે. આમ શ્રીહરિમાં અને આ 'બંને પ્રકારના' અર્થાત્ ઐશ્વર્યાવેશ અને મુક્તાવતારમાં તત્ત્વનું ભિન્નપણું સમજવું, પણ આગળ કહેવાશે એવા 'સંકલ્પાવતારમાં' ને શ્રીહરિમાં તત્ત્વનું ભિન્નપણું સમજવું નહિ.