તૃતીય આવૃત્તિનું નિવેદન
આ લઘુ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ સં. ૨૦૨૮માં ઉત્તરાયણના દિવસે તા. ૧૪/૧૫-૦૧-૧૯૭૨ ના રોજ મુનિસ્વામી પુરાણી કેશવપ્રિયદાસજી દ્વારા પ્રસિદ્ધ થઈ હતી.
આ જ્ઞાન સંપુટમાં શ્રીમદ્ ભાગવત્ આદિ પૂર્વના શાસ્ત્રો તેમ જ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખની વાણી શિક્ષાપત્રી વચનામૃત તથા સત્સંગના મૂળભૂત ગ્રંથો સત્સંગિજીવન સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ, હરિદિગ્વિજય હરિકૃષ્ણલીલામૃત, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વચનો ઇત્યાદિનો આધાર લઈ અવતાર અવતારીનો ભેદ સમજાવવા સર્વોત્કૃષ્ટ સમન્વય સધાયો છે, અને તેના ફલસ્વરૂપ આ પુસ્તિકાના સમર્થ લેખક, ઉત્તમ સાધુતાથી સભર એવા મુનિસ્વામીએ, તેઓશ્રી લિખિત ‘પ્રસ્તાવનાના’ સારરૂપે નીચે પ્રમાણે લખ્યું છે :
‘‘આ ‘અવતાર-અવતારી ભેદ નિરૂપણ’ લખવાનું કારણ એ છે કે, જો શ્રીહરિની સ્વરૂપનિષ્ઠામાં ખામી રહી જશે તો અક્ષરધામમાં જવાશે નહિ; તે શ્રીજી સમકાલીન અમોઘાનંદ સ્વામીની વાત આપણા સત્સંગમાં સુપ્રસિદ્ધ છે.’’
આવી સત્સંગમાં સત્સંગ પ્રવર્તાવનારી પુસ્તિકા અલભ્ય થયેલ. આથી શ્રીહરિના સર્વોપરી અવતારી સ્વરૂપનું યથાર્થ રીતે નિરૂપણ કરતું સર્વજીવહિતાવહ પ્રમાણરૂપ આ પ્રકાશન સર્વસુલભ બને એ શુભ હેતુથી શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન દ્વારા થયું હતું, જે અપ્રાપ્ય થવાથી તૃતીય આવૃત્તિરૂપે તેનું પુનઃપ્રકાશન કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
આ પ્રકાશન દ્વારા સત્સંગ સમસ્તની પ્રસન્નતા મળે એવી શ્રીહરિને પ્રાર્થના સાથે વિરમીએ છીએ.
સં. ૨૦૫૮, મહા સુદ ચોથ
ઈ.સ. ૨૦૦૨, ૧૬ ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન