૧૫. ધર્મકુંવર ક્યારે આવશો...

સદગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારીનો જન્મ સંવત 1922માં સૌરાષ્ટ્રના પિપલાણા ગામમાં પવિત્ર બ્રાહ્મણ મહેતા પરિવારમાં થયો હતો. તેઓ બાળપણથી જ અત્યંત ભગવદીય અને વૈરાગ્યવાન હતા. જૂનાગઢ મંદિરમાં વિદ્વત્વર્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીનો અનાયાસે યોગ થતાં તેઓ બ્રહ્મચારી મહારાજની વિદ્વતા, સત્સંગપરાયણતા અને શ્રીજીમહારાજ પ્રત્યેની સર્વોપરી ઉપાસના તથા દૃઢનિષ્ઠાથી અત્યંત પ્રભાવિત થયા. તત્કાળ તેમણે સ. ગુ. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીને પોતાના જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી જીવનપર્યંત તેમની પાસે રહેવાનો નિર્ધાર કર્યો. ધ.ધૂ. આચાર્ય મહારાજ પાસેથી બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે શાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કવિવર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કર્યો. વળી સં. 1953માં તેમણે રાજકોટના જીવણરામ શાસ્ત્રી પાસે સંસ્કૃત વાઙમયનો વિશદ વિદ્યાભ્યાસ કર્યો.

બ્રહ્મચારી જગદીશાનંદજી એક પ્રખર શાસ્ત્રજ્ઞ વિદ્વાન તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ એક સિદ્ધહસ્ત રસકવિ હતા. તેમની કાવ્યરચનાઓ 'રસિક પદ રચના' નામે પ્રકાશિત થયેલી છે. જગદીશાનંદજીને કવિવર દલપતરામ સાથે ઘણું હેત હતું. પિંગળશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન તેમને દલપતરામ પાસેથી મળેલું. તેથી ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે બ્રહ્મચારીએ દલપતરામના ગુણાનુવાદ કરતો લઘુગ્રંથ 'દલપતબત્રીસી' રચ્યો જે સં. 1962માં રાજકોટથી પ્રસિદ્ધ થયો હતો.

જગદીશાનંદ બ્રહ્મચારીએ સત્સંગસાહિત્યની અણમોલ સેવા કરી છે. શ્રીજીમહારાજે પંચાળામાં જે રાસોત્સવ કર્યો તેનું વિશદ વર્ણન કરતો લઘુગ્રંથ 'પંચાળા-રાસોત્સવ' તથા શ્રીહરિની અંર્તધ્યાન લીલાનું વર્ણન કરતો 'શ્રીહરિ દેહોત્સવ' ગ્રંથ તેમની અપ્રતિમ સત્સંગસેવાના જીવંત દૃષ્ટાંતો છે.

આ રીતે દેવસેવા, કથાવાર્તા અને સત્સંગ સાહિત્ય નિર્માણ દ્વારા સંપ્રદાયની અનેરી સેવા કરનાર બ્રહ્મનિષ્ઠ કવિ સદગુરુ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી સં. 1968ના કારતક સુદ એકાદશીના દિવસે માણાવદરમાં અક્ષરધામમાં પધાર્યા.

કાવ્યકૃતિ :

ધર્મકુંવર ક્યારે આવશો, વ્હાલા શ્યામ સુજાણ;

તમરે વિના મારા નાથજી, પડ્યા પરવશ પ્રાણ. ધર્મ.1

વિરહે વ્યાકુળ ચિત્ત મારું, અતિશે અકળાય;

જીવન તમને જોયા વિના, ઘડી જંપ ન થાય. ધર્મ.2

દિવસે તો દિલમાં ગોઠે નહિ, રાત રોઈ રોઈ જાય;

નેણે આંસુની ધારા વહે, ક્યાંય શાંતિ નવ થાય. ધર્મ.3

મંદિર મોહન તમ વિના, ખાલી ખાવાને ધાય;

નિત્યે નિશ્વાસ મૂકું હરિ, કેમે દિવસ ન જાય. ધર્મ.4

વાઘે છે વિરહ વેદના, વ્હાલા જાણો જરૂર;

દુર્બળ દેહે ખમાય નહિ, ન થાય દુઃખડા દૂર. ધર્મ.5

જેમ ચકોરને ચંદ્ર છે, તેમ તમે છો નાથ;

વણદીઠે અકળાઉં છું, ચિત્ત મારું તમ સાથ. ધર્મ.6

દીનદયાળુ કહી સદા, નિગમાગમ ગાય;

દુઃખ દેખી શકો દાસનું, એ આશ્રર્ય ગણાય. ધર્મ.7

વિનંતી વ્હાલા સુણી મારી, શ્રીહરિ તતખેવ;

જીવન જગદીશાનંદના, દેજો દર્શન દેવ. ધર્મ.8

આસ્વાદ :

પ્રેમીભક્ત કવિ શ્રી જગદીશાનંદ બ્રહ્મચારી પ્રસ્તુત પદમાં પોતાના પ્રાણપ્યારા પ્રિયતમ સ્વેષ્ટ શ્રી સહજાનંદ સ્વામીના વિરહમાં વ્યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ અભિવ્યક્ત કરે છે.

વિરહાનુભૂતિ પણ ઈશ્વરભક્તિનું એક અભિન્ન અંગ જ છે. જ્યાં સુધી પ્રેમીભક્ત પરમ વિરહાસક્તિ નથી અનુભવતો ત્યાં સુધી તેનો પ્રેમ નવધા ભક્તિની પરાકાષ્ઠારૂપ પ્રેમલક્ષણા ભક્તિના અંતિમ ચરણે નથી પહોંચતો. ખરેખર તો પરમ વિરહાસક્તિ એ જ પ્રભુપ્રેમની સર્વોચ્ચ અને મહત્ત્વપૂર્ણ અવસ્થા છે.

કવિનું હૈયું આજે પોતાના વ્હાલીડાના વિયોગે વ્યાકુળ બન્યું છે. પ્રીતમ વિના પ્રેમવિયોગી ભક્તના પ્રાણ પરવશ થયાં છે. પ્રાણાધાર પ્રભુના દર્શન વિના દિલને ચેન પડતું નથી. બેકરારીના અજંપામાં દિવસો વીતે છે, જ્યારે રાત્રિના એકાંતમાં વિરહની અકથ્ય વેદના આંસુઓની ધારાઓમાં ધોવાય છે. છતાંય અંતરમાં શાંતિની શીળી છાયા વર્તાતી નથી. જ્યાં સુધી અંતરમાં પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મનનું મંદિર માણિગરની મૂર્તિ વિના સાવ ખાલી ભાસે છે. સૂનું અંતર કવિને કઠે છે. એમની વિરહવેદના હવે માઝા મૂકે છે. કવિ રસિક પિયા મનોહર મૂર્તિ ઘનશ્યામ પ્રભુને આરતભર્યા અંતરે પોકારે છે : હે નાથ! આ દુર્બળ દેહ હવે વધુ વિરહની વેદના ખમી શકે તેમ નથી. જેમ ચાતક આતુર નયને ચંદ્રને નિરખ્યા કરે છે એમ હે પ્રીતમ! મારું અંતર અહોનિશ આપના દર્શન ઝંખ્યા કરે છે. વ્હાલા! મારું મનડું તો આપની રસિક રૂપમાધુરીએ હરી લીધું છે. વળી શાસ્ત્રોમાં આપને દીનદયાળુનું બિરુદ આપવામાં આવ્યું છે. છતાં પણ આપના આ દાસનું અસહ્ય દુઃખ આપ દેખી રહ્યા છો પણ દૂર નથી કરતા એ અત્યંત આશ્ચર્યની વાત છે. કૃપાનાથ! મારી અંતરની આટલી આરઝુ સ્વીકારી મને તત્કાળ દર્શન દેવા કૃપા કરશો.

કવિ જગદીશાનંદ બ્રહ્મચારીની પ્રસ્તુત વિરહવિભાવના કરુણાત્મક વિયોગશૃંગારનું જ્વલંત દૃષ્ટાંત છે. પદ સુગેય તથા પ્રાસાદિક છે.