નિવેદન

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન એમના અંતેવાસી નંદ પંક્તિના મૂર્ધન્ય સંતકવિઓએ સંસ્કૃત વાઙમય અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જે ખેડાણ કર્યું છે તે મધ્યકાલિન સાહિત્યાકાશમાં ધ્રુવતારક સમાન લેખાય છે. એમની એ અમર રચનાઓ માત્ર સાહિત્યિક જ નથી, એમાં ભારોભાર ભક્તિ અને અતલ ઊંડાણને સ્પર્શે એવું અધ્યાત્મ ભરેલું છે. પરંતુ ખરેખર ખેદની વાત તો એ છે કે એમાંની ઘણી કૃતિઓ હજી અપ્રગટ છે. આ ક્ષેત્રે જેટલું સંશોધન થવું જોઈએ એટલું હજી થયું નથી.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનનો હંમેશાં એ નમ્ર પ્રયાસ રહ્યો છે કે આ વણખેડાયેલ ક્ષેત્રમાં શક્ય એટલું અનોખું પ્રદાન આપવું. આપણા સિદ્ધહસ્ત નંદ સંતકવિઓએ જેટલું લખ્યું છે તે બધું જ જો યથાયોગ્ય લોકભોગ્ય સ્વરૂપમાં સાંપ્રત માનવ સમાજ સમક્ષ મૂકવામાં આવે તો એ અનોખી આધ્યાત્મિક ક્રાંતિ આણીને આજની અને આવનારી પેઢીને આત્યંતિક કલ્યાણના ઉચ્ચતમ ધ્યેય પ્રતિ લઈ જઈ શકે તેમ છે.

'કીર્તનમાધુરી'નો પહેલો ભાગ ઈ.સ. 1988માં જ્યારે પ્રકાશિત થયો ત્યારે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને પરદેશમાં વસતા હજારો ગુજરાતીઓ તરફથી પણ એને જબરદસ્ત આવકાર મળ્યો હતો. અનોખું બિલ્વપત્રમાં ડૉ. લવકુમાર દેસાઈએ પ્રાસ્તાવિકના અંતમાં એવો સંકેત આપ્યો હતો કે આ પુસ્તકને સાનુકૂળ પ્રતિભાવ સાંપડશે તો અન્ય બિલ્વપત્રની લાક્ષણિક ભેટ અવશ્ય મળશે.

આજે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની રજત જયંતી મહોત્સવના ઉપલક્ષે કીર્તનમાધુરીના દ્વિતીયભાગનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએછીએ. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી, દયાળુ સદગુરુઓ તથા વાત્સલ્યમૂર્તિ ગુરુવર્ય અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની કૃપાવર્ષા આ પુણ્યકાર્યમાં સર્જક તેમ જ સહભાગી થનાર સૌ કોઈ ઉપર સદાય વરસતી રહે એ જ અભ્યર્થના.

સં. 2063, મહા વદ-14

ઇ. સ. 2007, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન