૫. શ્રી વાસુદેવ ! વિમલામૃત ધામવાસમ્
સદગુરુ શ્રી શતાનંદ સ્વામીનો જન્મ જનક રાજાની રાજધાની તરીકે ખ્યાતનામ થયેલી બિહારની મિથિલા નગરીમાં થયો હતો. તેમના પિતા વિષ્ણુદત્ત શર્મા વેદ વેદાંતના પ્રખર જ્ઞાતા એવા પવિત્ર બ્રાહ્મણ હતા.
બાલ્યકાળથી જ શતાનંદ પરમ વૈરાગ્યવાન, આત્મનિષ્ઠ અને સકલ સત્શાસ્ત્રોના અઠંગ અભ્યાસી હતા. પ્રતિદિન શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો પાઠ તથા તેના અર્થનું અનુચિંતન કરવાથી પરમાત્મા પ્રતિ તેમને પરમ અનુરાગ ઉત્પન્ન થયો. કેવળ સાધન-ભક્તિથી જ નહિ, પરંતુ પરમાત્માના પ્રત્યક્ષ મિલનથી જ મોક્ષ - પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય થતાં તેમના અંતરમાં પ્રભુના પ્રત્યક્ષ દર્શનની ઉત્કટ પ્યાસ જાગી. શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે, સર્વ કારણના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વજનોના હિત માટે નરનારાયણ સ્વરૂપે બદરિકાશ્રમમાં નિરંતર બિરાજે છે. એ પરમાત્માના પ્રત્યક્ષ મિલનનો શુભ સંકલ્પ કરી તેઓ બદરીકાશ્રમ ગયા. અક્ષય તૃતીયાને દિવસે બદરિકાશ્રમ પહોંચી ત્યાં પ્રતિમારૂપે બિરાજમાન બદરીપતિ નારાયણની પ્રસન્નતાર્થે તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી. પ્રતિદિન પતિતપાવની ગંગાનદીમાં સ્નાન કર્યા બાદ ભાગવતના દશમ સ્કંધનો પાઠ કરી કેવળ કંદમૂળ આરોગીને તેઓ બદરીપતિ નારાયણની પરિચર્યા કર્યા કરતા. આ રીતે પરમાત્માની આરાધનામાં છ માસ વીતી ગયા.
પ્રબોધિની એકાદશીની રાત્રિએ જાગરણ કરી શ્રી નરનારાયણનું પૂજન કરતાં તેમને સાક્ષાત્ પરમાત્માના દર્શન થયાં. પ્રભુએ પ્રસન્નવદને પૂછયુંઃ 'બ્રહ્મન્! તમારા ભક્તિભાવ તથા ઉગ્ર તપથી હું પ્રસન્ન થયો છું. શું અભિલાષા છે?' રોમાંચિત ગાત્રે ને ગદગદ્ કંઠે શતાનંદજીએ પ્રાર્થના કરીઃ 'પ્રભુ, દુન્યવી કોઈ જ ઇચ્છા નથી. અંતરમાં ફક્ત એક જ મનોરથ છે - આપનું નિત્ય સાંનિધ્ય!' આ સાંભળી ભગવાન શ્રી નારાયણે ઇચ્છિત વરનું અમોઘ વરદાન આપતાં કહ્યુંઃ 'પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ પૂર્વ કોશલ દેશમાં ધર્મ-ભક્તિને ત્યાં અવતરી હાલમાં પશ્ચિમ પાંચાલ દેશમાં આવેલા દુર્ગપુરમાં નિવાસ કરે છે. તમે ત્યાં જઈ એ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનું નિત્ય સાંનિધ્ય પ્રાપ્ત કરો.'
નરનારાયણના પ્રત્યક્ષ દર્શન થતાં તપની સમાપ્તિ કરી શતાનંદજી પ્રભુના આદેશ અનુસાર પશ્રિમ પાંચાલ તરફ ચાલી નીકળ્યા. બે મહિને અમદાવાદ આવી તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ હાલમાં યજ્ઞ નિમિત્તે ડભાણ ગામમાં બિરાજે છે. તત્કાળ તેઓ ડભાણ ગયા. પ્રગટ પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરતાં જ સ્વલ્પ સમયમાં જ અષ્ટાંગયોગના અભ્યાસ વિના જ તેમને સમાધિની અલભ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. પછી તો સમાધિમાં જવું આવવું એમની સહજ સ્થિતિના એક ભાગરૂપ થઈ ગયું. તેથી જ સ.ગુ. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં નોંધે છેઃ 'શતાનંદ સમાધિવાળા રે' શ્રીહરિએ તેમને ભાગવતી દીક્ષા આપી શતાનંદ મુનિ તથા સંતદાસજી એમ બે નામ પાડ્યા. શ્રીજીમહારાજની કૃપાદૃષ્ટિથી શતાનંદ મુનિ નિરાવરણ સ્થિતિવાળા સિદ્ધમુક્ત બની ગયા. પ્રભુએ તેમના પંચભૂતના પાર્થિવ શરીરમાં એવી દિવ્યતા આરોપી જેથી તેઓ દૂર દૂરના પ્રાન્તોમાં મનોવેગે વિચરી શકતા. સ. ગુ. કૃષ્ણાનંદ સ્વામી પણ શ્રીહરિચરિત્રામૃતમ્ લખે છેઃ 'નિરાવરણ છે સંતદાસ, પ્રભુ અખંડ રહે જેની પાસ.' એકવાર શ્રીજીમહારાજે સંતદાસજીને કહ્યુંઃ 'કામરૂ દેશમાં (આસામમાં) દલુજી નામે એક મુક્ત રહે છે, અમારા પ્રતિનિધિ તરીકે તમે તેમને મળી આવો.' સંતદાસજી વીજળીના ઝબકારાની જેમ કામરૂ દેશ પહોંચી ગયા. દલુજીને મળી તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી મહિમા સમજાવી તેઓ પાછા ફર્યા. સંતદાસજી સદાય ઉપશમ અવસ્થામાં રહેતા એક વિદેહી મુક્ત હતા. તેમની સ્થિતિનું બહુ સુંદર વર્ણન શ્રીહરિલીલામૃતમ્ (કળશ 7, વિશ્રામ 23)માં કરવામાં આવ્યું છેઃ
'ધરે શ્રીહરિનું સદા ધ્યાન, ભુલી જાય તે દેહનું ભાન.
ફરે ક્યારે દિગંબર થૈને, બેસે ક્યારે એકાંતમાં જૈને. (24)
જળથળમાં ગમે ત્યાં સિધાવે, આવરણ કશું આડું ન આવે.
દૃષ્ટિ આગળ મૂર્તિ દેખાય, પળ એક ન દૂર પળાય. (25)'
આસામમાં દલુજી પાસે છ મહિના રહીને સંતદાસજી ફરતા ફરતા ભુજમાં શ્રીજીમહારાજને મળ્યા. મહારાજે ફરી આજ્ઞા કરીઃ બદરિકાશ્રમ જાઓ. સંતદાસજી ભુજના હમીર સરોવરમાં ડુબકી મારી અદૃશ્ય થઈ ગયા ને સીધા હિમાલયની તળેટીમાં પહોંચી ગયા. હિમાલયની તળેટીના એક ગામમાં એક હઠયોગી રાજા રહેતો હતો. તે હઠયોગના અભ્યાસના પરિણામે મહિનાઓ સુધી સમાધિમાં રહેતો, પરંતુ સમાધિમાં પણ તેને કુટુંબ પરિવાર યાદ આવતો હોવાથી સમાધિનો આનંદ માણી શકતો નહિ.
સંતદાસજીને જોતાં જ રાજાને થયું - આ મહાત્મા જરૂર મારું દુઃખ ટાળશે. રાજાએ પ્રાર્થના કરી, દયાળુ સંતે તેના માથે હાથ મૂકી સ્વામિનારાયણ મહામંત્ર બોલી કહ્યુંઃ 'હવે સમાધિ કર.' સંતના કૃપાપ્રસાદથી રાજાની સંસારવાસના કપાઈ જતાં તે સમાધિમાં અલૌકિક બ્રહ્મસુખમાં લીન બન્યો. ત્યાંથી સ્વામી બદરિકાશ્રમમાં પધાર્યા. બદરિકાશ્રમ હિમાલયના કોતરોમાં આવેલું એવું દિવ્ય સ્થળ છે જ્યાં સિદ્ધમુક્તો સિવાય કોઈ સ્થૂળ દેહે જઈ શકતું નથી. યોગભષ્ટ અશરીરી આત્માઓ માટેની એ તપોભૂમિ છે. સંતદાસજીએ ત્યાં સાત મહિના રહીને શ્રીજીમહારાજના માનુષી તેમ જ દિવ્ય ચરિત્રોનું કથાગાન કર્યું. ત્યાંથી નીકળીને અલક્ષપણે ફરતા ઘૂમતા સંતદાજી હૈદરાબાદ પહોંચ્યા. ત્યાં રામાનુજ સંપ્રદાયના સાધુઓનો એક આશ્રમ હતો તેમાં પંદર દિવસ રહી સ્વામી ઉજ્જૈન ગયા. ઉજ્જૈનથી ગુજરાત તરફ આવતા રસ્તામાં ચોરોએ તેમના શરીર પરનાં વસ્ત્રો ખેંચી લીધા. દિગંબર વેશે બારૈયાનું રણ ઓળંગીને પાસેના કોઈ ગામમાં રામસ્નેહી બાવાના મઠમાં ઉતર્યા. ત્યાં વાળંદે તેમને પરમહંસ સમજી વધેલી જટા ચોટલી સહિત કાઢી નાંખી. ત્યાંથી વડનગર ને નડિયાદ થઈને જેતલપુર પહોંચ્યા. તદ્દન નગ્ન શરીર, માથે ચોટલી પણ નહિ એવા અલમસ્ત અલગારી સંતદાસજીને કોઈ ઓળખી શક્યું નહિ. સભામાં વ્રજાનંદ સ્વામી આવ્યા ત્યારે સંતદાસજીએ પૂછયુંઃ 'મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, સુખાનંદ સ્વામી.... બધા ક્યાં છે?' ત્યારે સૌએ સંતદાસજીને ઓળખ્યા. પછી તેમને સ્નાન કરાવી, વસ્ત્રો પહેરાવી જમાડ્યા.
જેતલપુરમાં જ્યારે સર્વેને ખબર પડી કે સંતદાસજી બદરિકાશ્રમ જઈને આવ્યા છે ત્યારે બધા એમને ચોફેર ફરીવળીને પૂછવા લાગ્યાઃ 'બદરિકાશ્રમમાં શું છે? ત્યાં ઋષિઓ કેવી રીતે રહે છે? ત્યાં તપ કેવી રીતે કરે છે?' આ સાંભળીને સંતદાસજી મંદમંદ હસવા લાગ્યા, પછી તેઓ બોલ્યાઃ 'મહાપુરુષ, ક્યા પૂછતે હો? જો ભી હૈ વો યહાઁ હૈ, યહીં હૈ વો કહીં ભી નહિ. વહીં ભી યહીંકા હી ભજન કરતે હૈ!' સંતદાસજીએ મર્મમાં બહુ મોટી વાત કરી નાંખી હતી, પરંતુ કોઈ તે સમજી શક્યું નહિ. શ્રીહરિલીલામૃતમ્માં સંતદાસજીની વાણીને આ રીતે આલેખી છેઃ
'સંતદાસ કહે આંહીં જે છે, તત્ત્વનું તત્ત્વ જાણજો તે છે.
આથી અધિક નથી કોઈ ઠામ, ભલે જૈ જુઓ અક્ષરધામ.'
પછી વળી સુરાખાચરે તેમને પૂછયુંઃ 'તો પછી સ્વામી, તમે વારંવાર બદરિકાશ્રમમાં કેમ જાઓ છો?'
સંતદાસજી બોલ્યાઃ 'હું તો મારી ઇચ્છાથી ક્યાંયે જાતો નથી, શ્રીજીમહારાજની મૂર્તિ મને જ્યાં દોરી જાય ત્યાં જાઉં છું.'
જેતલપુરથી સંતોની સાથે સંતદાસજી ગઢપુર આવ્યા. ત્યાંથી જેતપુર, ફરેણી, વણથલી થઈને જ્યારે તેઓ કારિયાણી પહોંચ્યા ત્યારે લાંબા સમયે શ્રીજીમહારાજનો મેળાપ થયો. શ્રીજીમહારાજ ઊભા થઈને સામે જઈને સ્વામીને ભેટ્યા. પછી શ્રીજીમહારાજે પોતાની સાથે તેમને ગઢપુર લઈ જઈ પોતાની નિશ્રામાં દીર્ઘકાળ પર્યંત રાખ્યા.
શતાનંદ સ્વામી સંસ્કૃતના પ્રખર પંડિત હતાઃ કલકત્તાના લોર્ડ બિશપ રાઈટ રેવ. જીનોલ્ડ હીબરે નોંધ્યું છેઃ ‘Swaminarayan had a namber of sansktrit poets of his train: for instance, satanand swami, Dinanath Bhatt shastri, nityanand, Gopalanand, Bhagawadanand and Vasudevanand.’ (Provinces of India Vol 2 Page 143)
વિ.સં. 1885માં ધનતેરસના દિવસે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સંત હરિભક્તોની સભા ભરીને બેઠા હતા, ત્યારે શતાનંદ મુનિએ 'શ્રી વાસુદેવ! વિમલામૃતધામવાસમ્' આ સ્તોત્ર દ્વારા ગદગદ્ કંઠે પ્રભુને પ્રાર્થના કરી. ભક્તના અંતરનો નિર્મળ ભાવ જોઈને પ્રભુ પ્રસન્ન થયા, અને જે જોઈએ તે માગવા કહ્યું. શતાનંદ મુનિએ ખૂબ જ નમ્રભાવે પ્રગટ પ્રભુની પ્રત્યક્ષ લીલાચરિત્રનો ગ્રંથ રચવા માટે દૃષ્ટિ, બુદ્ધિ અને શક્તિ માટે યાચના કરી. શ્રીજીમહારાજે અતિ કૃપા કરીને એમની એ યાચના મંજૂર રાખી (સ.જી.પ્ર.પ. અ.66, શ્લોક 28થી 31) અને એને પરિણામે જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ધર્મગ્રંથ સત્સંગિજીવનનું સર્જન થયું.
કાવ્યકૃતિઃ
શ્રી ધાર્મિક સ્તોત્રમ્
શ્રી વાસુદેવ! વિમલામૃતધામવાસમ્
નારાયણં નરકતારણનામધેયમ્ ।
શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥1॥
શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં - નરાણામ્
એકાન્તધર્મમખિલં પરિશીલયન્તમ્ ।
અષ્ટાંગયોગકલનાશ્ર્વ મહાવ્રતાનિ
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥2॥
શ્વાસેન સાકમનુલોમવિલોમવૃત્ત્યા
સ્વાન્તર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય ।
પૂરે ગતાગતજલામ્બુધિનોપમેયં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥3॥
બ્રાહ્માન્તરિન્દ્રિયગણશ્વસનાધિદૈવ-
વૃત્યુદ્ભવસ્થિતિલયાનપિ જાયમાનાન્ ।
સ્થિત્વા તતઃસ્વમહસા પૃથગીક્ષમાણં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥4॥
માયામયાકૃતિતમોશુભવાસનાનાં
કર્તું નિષેધમુરુધા ભગવત્સ્વરૂપે ।
નિર્બીજસાંખ્યમતયોગસુયુક્તિભાજં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥5॥
દિવ્યાકૃતિત્વસુમહસ્ત્વસુ વાસનાનામ્
સમ્યગ્વિધિં પ્રથયિતું ચ પતૌ રમાયાઃ ।
સાલમ્બસાંખ્યપથયોગસુયુક્તિભાજં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥6॥
કામાર્ત્તતસ્કરનટવ્યસનિદ્વિષન્તઃ
સ્વસ્વાર્થસિદ્ધિમિવ ચેતસિ નિત્યમેવ ।
નારાયણં પરમયૈવ મુદા સ્મરન્તં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥7॥
સાધ્વીચકોરશલભાસ્તિમિકાલકંઠ-
કોકા નિજેષ્ટવિષયેષુ યથૈવ લગ્નાઃ ।
મૂર્તૌ તથા ભગવતોઽત્ર મુદાતિલગ્નં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥8॥
સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી
યદ્વત્ક્ષુધાતુરજનશ્ચ વિહાય માનં ।
દૈન્યં ભજેયુરિહ સત્સુ તથા ચરન્તં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥9॥
ધર્મસ્થિતૈરુપગતૈ ર્બૃહતા નિજૈક્યં
સેવ્યો હરિઃ સિતમહઃ સ્થિતદિવ્યમૂર્તિઃ ।
શબ્દાદ્યરાગિભિરિતિ સ્વમતં વદન્તં
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥10॥
સદગ્રંથનિત્યપઠનશ્રવણાદિસક્તં
બ્રાહ્મીં ચ સત્સદસિ શાસતમત્ર વિદ્યાં ।
સંસારજાલપતિતાખિલજીવબન્ધો
ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ॥11॥
આસ્વાદ :
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મહિમાપૂર્વક ગવાતા આ સ્તોત્રને 'શ્રીધાર્મિક સ્તોત્રમ્' જેવું ગૌરવપૂર્ણ નામ પ્રદાન કરવામાં આવ્યું છે. આ સ્તોત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના આ લોકમાં પ્રાગટ્ય માટેના હેતુભૂત એકાંતિક ધર્મનું મનનીય નિરૂપણ આવતું હોવાથી એનું ધાર્મિકસ્તોત્રમ્ નામ સર્વ પ્રકારે સાર્થક છે.
આ સ્તોત્રમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દાર્શનિક સિદ્ધાંતો તેમ જ ભગવાન શ્રી સ્વામિનારાયણના ઉજ્જ્વલ વ્યક્તિત્વને અત્યંત રોચક રીતે પ્રસ્તુત કરાયું છે. સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીએ પ્રસ્તુત સ્તોત્રની સંસ્કૃતમાં 'હેતુ' નામની અદભુત ટીકા લખી છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે પણ આ ધાર્મિકસ્તોત્ર ઉપર ભાવપ્રબોધિની નામે બુદ્ધિગમ્ય ટીકા આપી છે.
સ્તોત્રની રચના પ્રત્યેક પંકિતમાં ચૌદમાત્રા ધરાવતા વસંતતિલકા છંદમાં થયેલી છે. અન્ય છંદો કરતાં આ છંદમાં પ્રાર્થના કરનારનો હૃદયગત ભાવ પ્રગલ્ભપણે અનોખા અંદાઝમાં અભિવ્યક્ત થાય છે. શતાનંદ સ્વામી સ્તોત્રનો શુભારંભ 'શ્રી વાસુદેવ'ના સૂચક સંબોધનથી કરે છે. અહીં વાસુદેવ શબ્દ સર્વત્ર વ્યાપક પરમાત્માના સંદર્ભમાં વપરાયો છે. શતાનંદ સ્વામી શ્રીજીમહારાજની સ્તુતિ કરતા પ્રાર્થે છેઃ 'હે ભક્તિધર્મના પુત્ર એવા સર્વ વ્યાપક સર્વોપરી શ્રીહરિ! હું આપની નિર્વિકલ્પ શરણાગતિની યાચના કરું છું. આપ નિર્મળ તેજોમય અક્ષરધામમાં બિરાજમાન થકા સર્વ જીવો તથા ઈશ્વરોમાં અન્તર્યામીપણે રહ્યાં છો. સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ ઇત્યાદિક આપના પુણ્યશ્લોક નામોનું ઉચ્ચારણ કે શ્રવણ માત્રથી જ જીવો નરક જેવા દારુણ દુઃખોથી મુક્ત થાય છે.' હવે શ્રીજીમહારાજના દિવ્ય અલૌકિક રસરૂપ મૂર્તિસ્વરૂપનું વર્ણન કરતા કવિ ગાય છેઃ 'નવીન મેઘ સમાન શ્યામ સુંદર વર્ણેયુક્ત હોવા છતાં આપની મૂર્તિમાંથી શ્વેત તેજના ઓઘ ઉતરતા હોવાથી મૂર્તિ અત્યંત શ્વેત ભાસે છે. વળી આપ સદા દ્વિભુજ હોવા છતાં ક્યારેક પોતાના ભક્તોની ઇચ્છાથી ચતુર્ભુજ સ્વરૂપે પણ દેખાવ છો.' શ્રીહરિએ સમાધિમાં અનેક મુમુક્ષુઓને ચતુર્ભુજસ્વરૂપે દર્શન આપ્યાના પ્રસંગો સંપ્રદાયના ગ્રંથોમાં અનેક જગ્યાએ નોંધાયેલા છે. સદાય દ્વિભુજ પ્રગટ શ્રીહરિ ચતુર્ભુજસ્વરૂપ લક્ષ્મીનારાયણ કે નરનારાયણ દેવથી ભિન્ન અને પર હોવા છતાં તે પ્રકારના ભક્તોને મોક્ષમાર્ગની શ્રદ્ધા દૃઢ કરાવવા માટે ક્યારેક ચતુર્ભુજસ્વરૂપે દર્શન આપે છે. શ્રીજીમહારાજે અમદાવાદ તથા ભુજમાં ચતુર્ભુજ નરનારાયણ, વડતાલમાં ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ અને જુનાગઢમાં ચતુર્ભુજ રણછોડ - ત્રિકમરાયની મૂર્તિઓ પણ આ જ હેતુથી પધરાવી છે. આ રીતે દ્વિભુજ અને ચતુર્ભુજ બંને સ્વરૂપોને યથાર્થ સમજવાથી સર્વોપરી શ્રીહરિ પ્રત્યેની અનન્ય સ્વરૂપનિષ્ઠા સુદૃઢ બને છે.
દ્વિતીય શ્લોકમાં શતાનંદ સ્વામીએ પૃથ્વી પર પ્રગટ થઈ સર્વોપરી, સર્વવ્યાપક, સર્વાંતર્યામી તથા સદાસાકાર પૂર્ણ પુરુષોત્તમનારાયણે કેવાં કાર્યો કર્યાં તેમ જ આ બ્રહ્માંડમાં વસતા જીવો પર કેવી કરુણા કરી તેનું સુરેખ નિરૂપણ કર્યું છે. શતાનંદ મુનિ આર્તસ્વરે યાચે છેઃ 'હે હરે! પોતાના ભક્તજનોને શીખવાડવા માટે જ જે પોતે એકાંતિકધર્મનું તથા અષ્ટાંગયોગ અને એની બધી યોગકળાઓનું તેમ જ મહાવ્રતોનું આજીવન પાલન કરે છે એવા ભક્તિધર્મના પુત્ર તમારા શરણને હું પામ્યો છું.' શ્રીજીમહારાજ ગ.પ્ર.21મા વચનામૃતમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સાધનોની દૃઢતાને જ એકાંતિક ધર્મ કહે છે. બ્રહ્મચર્ય અને અહિંસા આદિક સદાચારો તો એકાંતિક ધર્મના આચરણથી સહજભાવે જીવનમાં અનાયાસે પ્રગટે છે.
ભક્તજને દેહથી વિલક્ષણ અને સ્વતંત્ર એવા પોતાના આત્મારૂપે કેવી રીતે રહેવું અને એ રીતે રહીને ભગવત્સ્વરૂપમાં મનની વૃત્તિ કેવી રીતે જોડવી એ વાત હવે પછીના શ્લોકમાં સ્વામી સમજાવે છેઃ 'હે હરે! જ્યારે શ્વાસ દેહની અંદર અંતરમાં સ્થિર થાય છે ત્યારે જે (વિલોમ) પ્રતિલોમ વૃત્તિથી ભગવત્સ્વરૂપને - ભગવાનની મૂર્તિને અંતરમાં ધારે છે અને જ્યારે ઉચ્છવાસ બહાર કાઢે છે, ત્યારે જે અનુલોમવૃત્તિથી ભગવત્સ્વરૂપને નેત્ર આગળ બહાર ધારે છે. આમ, સાગરમાં આવતી ભરતી અને ઓટની જેમ જે મનની વૃત્તિને બંને પ્રકારે ભગવાનની મૂર્તિમાં નિમગ્ન રાખે છે એવા ભક્તિધર્મના પુત્ર તમારા શરણને હું પામ્યો છું.' ભક્તોએ દેહ અને વ્યવહારની ક્રિયા કરતી વખતે પણ પોતાના મનની વૃત્તિ આ રીતે પરમાત્માના સ્વરૂપમાં અખંડ નિમગ્ન રાખવી જોઈએ. આ સહજ ભક્તિયોગ છે. આની ફળશ્રુતિ સ્વરૂપે જ સહજ સમાધિ લાધે છે, તેથી જ બ્રહ્મમુનિએ ગાયું છેઃ
'શ્વાસોચ્છવાસ ભજન જડ લાગી તૂટત દેત ન દોરા,
નાથ છબી નૈનનમેં રાખી; જૈસે ચંદ્ર ચકોરા,
પ્રગટ ભક્તિ બાંધી દૃઢ પેટી; મેટી સર્વ ઉપાધિ,
શ્યામ ચરણ અહોનિશ અનુરાગી લાગી સહજ સમાધિ.'
જેના પરિણામે સહજ સમાધિ ઉપલબ્ધ થાય છે એ ભક્તિયોગને આપણાં ઉપનિષદો રાજયોગનું બિરુદ આપે છે.
ચતુર્થ શ્લોકમાં આત્મજ્ઞાનનું ગહન ચિંતન રજુ કરતા સ્વામી શતાનંદજી શ્રીહરિને પ્રાર્થે છેઃ 'હે હરે! સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના ચોવીસ તત્ત્વોથી આત્મસત્તારૂપે જુદા અને સ્વતંત્ર સ્થિર રહીને, ઇંદ્રિયાદિગણની વૃત્તિઓનું ઉત્પન્ન થવું, સ્થિર થવું અને શમી જવું એ સતત થતા મનોવ્યાપારને આત્મસત્તારૂપે સ્વતંત્રપણે જોઈ રહેલા એવા ભક્તિધર્મના પુત્ર તમારા શરણને હું પામ્યો છું.' પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચભૂત તથા પંચપ્રાણ એ ચોવીસ તત્ત્વોથી આત્મા ભિન્ન અને વિલક્ષણ છે. દેહને કાયાનગર કહેવામાં આવે છે. ઇંદ્રિયાદિ એ નગરના સેવકો છે અને આત્મા એ નગરનો રાજા છે. સમર્થ રાજા જેમ પોતાના નીતિનિયમોનું યથેષ્ટ પાલન પોતાના સેવકો પાસે કરાવે છે તેમ આત્મારૂપી રાજાએ મન તેમ જ ઇંદ્રિયાદિ પોતાના આદેશોનું પાલન કેવી રીતે કરે છે તેનું સ્વતંત્રપણે નિરીક્ષણ કરવું જોઈએ.
હવે પછીના બે શ્લોકમાં નિર્બીજ અને સબીજ સાંખ્ય અને યોગમતની વિગતો આપવામાં આવી છે. શતાનંદ મુનિ પ્રાર્થે છેઃ 'હે હરે! ભગવાનના સ્વરૂપમાં માયિક આકૃતિ, અજ્ઞાન અને અશુભ વાસના આદિક દુર્ગુણોનો સારી રીતે નિષેધ કરવા માટે જ નિર્બીજ સાંખ્ય અને યોગના મતનું યુક્તિએ કરીને પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપના શરણને હું પામ્યો છું. લક્ષ્મીપતિ ભગવાનનું દિવ્ય આકૃતિપણું, પ્રૌઢ પ્રતાપ અને સત્ય સંકલ્પત્વાદિ ગુણોની સારી રીતે પુષ્ટિ કરવા માટે જેમ છે તેમ સબીજ સાંખ્ય અને યોગનું યુક્તિપૂર્વક પ્રતિપાદન કરનારા એવા ભક્તિ તથા ધર્મના પુત્ર આપના શરણે હું આવું છું.'
આત્માના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણવું તેને સાંખ્યજ્ઞાન કહે છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ ન્યાયે પ્રકૃતિના કાર્યમાત્રને નાશવંત સમજી આત્માની શાશ્વતતામાં દૃઢ નિષ્ઠા રાખવી એનું નામ સાંખ્ય! પ્રકૃતિ તથા તેના વિકારરૂપ ચોવીસ તત્ત્વો અને પચ્ચીસમા પુરુષને અર્થાત્ જીવાત્માને જ સ્વીકારનાર આ દર્શનમાં મોક્ષના ઉપાયરૂપે યા ને બીજરૂપે પરમાત્માને દર્શાવ્યા ન હોવાથી આ દર્શનને નિર્બીજ સાંખ્ય કહે છે. સાંખ્યદર્શન પરમાત્માની આવશ્યકતાને સ્વીકારતું નથી, જ્યારે યોગદર્શન ક્લેશ-કર્મ-વિપાક-આશયના સંસર્ગદોષથી રહિત, સર્વજ્ઞ, જીવપ્રાણીમાત્રથી પર પુરુષવિશેષરૂપ પરમેશ્વરનો સ્વીકાર કરે છે. પરંતુ પરમાત્માને મોક્ષના ઉપાય તરીકે સ્વીકાર્યા હોવા છતાં મોક્ષ પ્રાપ્ત થયા પછી પરમાત્માની કોઈ આવશ્યકતા જેણે ગણી નથી તેને નિર્બીજ યોગ કહે છે.
સાંખ્યદર્શન પ્રકૃતિ અને તેના નાશવંત કાર્યમાત્રથી આત્માને ભિન્ન અને વિલક્ષણ સમજવા પર ભાર મૂકે છે, જ્યારે યોગદર્શન અષ્ટાંગયોગની સાધના દ્વારા ઇંદ્રિયો અંતઃકરણની વૃત્તિઓને આત્મારૂપે કરવાની વાત પર ભાર મૂકે છે. શ્રીજીમહારાજે તેમના ઉપદેશોમાં નિરીશ્વર ગણાતાં દર્શનોમાંથી પણ પરમેશ્વરના સ્વરૂપનિરૂપણની યુક્તિઓ શોધી છે. સાંખ્યદર્શન સાધક મુમુક્ષુ માટે જીવન્મુક્ત ઉપદેશક ગુરુની આવશ્યકતા સ્વીકારે છે. શ્રીજીમહારાજ આ સંતસમાગમના વિચારને માધ્યમ બનાવી યુક્તિ આપે છે. પંચાળાના બીજા વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છેઃ 'સાંખ્ય અને યોગ એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું.' શ્રીહરિના સિદ્ધાંત મુજબ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને ભિન્ન છે. બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા જ્યારે બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણનાં દિવ્ય દર્શન થાય છે. તેથી જીવ જ્યારે બ્રાહ્મી સ્થિતિયુક્ત સત્પુરુષનો સંગ કરે ત્યારે તેને સહેજે જ પરમાત્મામાં દિવ્યભાવ પ્રગટે છે. ગ. મ. 8મા વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છેઃ 'દશ ઇંદ્રિયો ને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછાં ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવાં એનું નામ યોગયજ્ઞ કહેવાય છે. અને એવી રીતે હોમતાં હોમતાં જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને વિષે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે એ યોગયજ્ઞનું ફળ છે.' આ રીતે શ્રીજીમહારાજે નિર્બીજ સાંખ્ય અને યોગમાં યુક્તિઓ પ્રયોજી તેમાં સબીજ સાંખ્ય અને યોગનું પ્રતિપાદન કર્યું હતું.
હવે પછીના બે શ્લોકમાં ચંચળ મનને કેવી રીતે વશ કરવું અને ભગવત્સ્વરૂપમાં કેવી રીતે એને મગ્ન રાખવું એ સદૃષ્ટાંત સમજાવ્યું છે. શતાનંદ સ્વામી શ્રીહરિને પ્રાર્થનાપૂર્વક યાચે છેઃ 'હે હરે! જે રીતે કામી, ચોર, નટ, વ્યસની અને દ્વેષી લોકો પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે પોતાનું ચિત્ત હંમેશાં પોતાના વિષયમાં આનંદપૂર્વક પરોવે છે તેમ જે પ્રેમપૂર્વક અખંડ પોતાના નારાયણસ્વરૂપ પરમાત્મારૂપમાં રત રહે છે તેવા ભક્તિ - ધર્મના પુત્ર આપના શરણે હું આવું છું. સાધ્વી સ્ત્રી, ચકોર પક્ષી, પતંગિયું, માછલી, મોર અને ચક્રવાક પક્ષી પોતપોતાના ઇષ્ટ વિષયમાં જેમ સંલગ્ન રહે છે તેમ ભગવત્સ્વરૂપમાં જે પ્રસન્નતાપૂર્વક લીન રહે છે તે ભક્તિ તથા ધર્મના પુત્ર આપના શરણે હું આવું છું.'
ભગવાનમાં પોતાનો સર્વોપરી સ્વાર્થ રહેલો છે એમ મનાય ત્યારે મનમાં સ્વયંભૂ અજપાજપ પ્રગટે છે. શ્રીહરિનો યથાર્થ મહિમા સમજાતા જ્યારે ભગવત્સ્વરૂપને જ પોતાનું પ્રિયતમાદપિ પ્રિયતર પાત્ર મનાય ત્યારે આપોઆપ જ મન એ રસરૂપ સ્વરૂપમાં રસલીન બને છે. નવમા શ્લોકમાં કવિ સ્નેહ નીતરતા નયને પ્રાર્થે છેઃ 'હે હરે! સ્નેહાતુર, ભયાતુર, રોગી અને ક્ષુધાતુર (ભૂખ્યા) લોકો સ્વમાનનો ત્યાગ કરીને આ લોકમાં દીનતા દાખવે છે, બરાબર તે રીતે એકાંતિક સત્પુરુષો આગળ સ્વમાનનો પરિત્યાગ કરી વર્તનારા એવા ભક્તિ અને ધર્મના પુત્ર આપના શરણે હું આવું છું.' ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના યોગથી મુમુક્ષુ દ્રવ્ય, સ્ત્રી, સંબંધ, જન્મસ્થાન એ બધાનો પળવારમાં પરિત્યાગ કરી શકે છે, પરંતુ માનનો ત્યાગ કરી શકતો નથી. જે સાચા અર્થમાં નિર્માની બને છે તે જ પરાત્પર પરબ્રહ્મ સાથે સંલગ્ન થઈ શકે છે. તેથી જ સ. ગુ. પ્રેમાનંદ સ્વામીએ ગાયું છેઃ
'દાસ તમારા દાસનો મને રાખો નાથ હજુર એ વર માગું છું.'
સિદ્ધમુક્ત સંતકવિ શતાનંદ દશમ શ્લોકમાં ગાગરમાં સાગરના ન્યાયે સમસ્ત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તત્ત્વજ્ઞાનનો નિચોડ આપી દે છે.
'હે હરે! સ્વધર્મમાં સદા દૃઢ નિષ્ઠાવાળા, અક્ષરબ્રહ્મના સાર્ધમ્યપણાને પામેલા તથા શબ્દાદિ પંચવિષયમાં અનાસક્ત એવા ભક્તજનોએ પણ પરાત્પર અતિશ્વેત પ્રકાશપુંજના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન દ્વિભુજ દિવ્ય સદાસાકારમૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણને નિરંતર સેવવા જોઈએ એવો પોતાનો જ્ઞાનમત સમજાવતા ભક્તિધર્મના પુત્ર આપના શરણે હું આવું છું.' આમ સકળ ધર્મશાસ્ત્રોનો સાર આવી જાય છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનમત (Philosopy of Swaminarayan Sect.) મુજબ પરાત્પર પરબ્રહ્મ દ્વિભુજ દિવ્ય સદાસાકારમૂર્તિ છે. પરમાત્મા સદા સેવ્ય છે અર્થાત્ પરમાત્મા સ્વામી છે અને અક્ષરપર્યંત સૌ કોઈ એમના સેવકો છે. મુમુક્ષુએ હંમેશાં સ્વધર્મમાં પ્રવર્તી શબ્દાદિ પંચવિષયથી અનાસક્તભાવ કેળવી ભગવત્પરાયણ રહેવું જોઈએ. વળી આત્માનો અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ કેળવી નિરંતર ભગવાનની ભક્તિ કરવી જોઈએ.
અંતિમ શ્લોકમાં શતાનંદ મુનિ કહે છેઃ 'હે પ્રભો! સદગ્રંથોના નિત્ય વાંચન-શ્રવણમાં સદા આસક્ત, સત્પુરુષોની સભામાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપનાર તથા હે સંસારની જાળમાં ફસાયેલા જીવોના બંધુ - તારણહાર! ભક્તિધર્મના પુત્ર આપના શરણે હું આવું છું.' પ્રકૃતિ પુરુષ પર્યંત માયાના બંધનમાં ફસાયેલા સમસ્ત જીવપ્રાણિમાત્રના તારણહાર, ઉદ્ધારક તથા સખા-બંધુ-મિત્ર ફક્ત અને ફક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણ જ છે! સારનો સાર અને તત્ત્વનું તત્ત્વ ફક્ત આ જ છે!!