૩. સબહી બરનમેં વોહી બડે જીન...
વર્ષો પહેલાંની વાત છે. રાજસ્થાનના જોધપુર ગામના એક મારવાડી કુટુંબમાં એક વાર અચાનક એક ગોઝારી ઘટના બની ગઈ. એક નાનકડા કુમળા કળી સમા બાળકની જનેતા એને નોંધારો મૂકીને સ્વધામે સિધાવી જતાં બાળકના પિતાને માથે તો જાણે આભ ફાટી પડ્યું. છતાં પણ હૈયે હિંમત ધરીને એ અકિંચન બાપે પેટે પાટા બાંધીને પણ પુત્રને જતન કરીને ઉછેર્યો. પરંતુ તૂટેલું ગાડું તાણી-તૂસીને ખેંચવા જતાં કેટલું ચાલે? પુત્ર 22 વર્ષનો થયો ત્યારે તેના પિતાનું એક દિવસ અચાનક અવસાન થયું. પુત્ર સદાચારી હતો - સંસ્કારી હતો - ગુણિયલ હતો. તેણે પિતાની અંતિમક્રિયા, શ્રાદ્ધ, સરવણું સંપૂર્ણ શ્રદ્ધા સાથે કર્યા. છતાંય પુત્રમાં અતિશય આસક્તિ ધરાવતા પિતાનો જીવ પુત્રમાં અટકી ગયો, એમની અસદગતિ થઈ. ભૂત થઈને ભટકતો પિતા તેના પુત્રને વારંવાર દેખાયા કરતો. પુત્ર ભારે વિમાસણમાં મૂકાયો. તેણે પિતાની સદગતિ માટે શાસ્ત્રોમાં સૂચવાયેલા સઘળા ઉપાયો તેમ જ વિધિ-વિધાનો કર્યા, પરંતુ તેના સર્વ પ્રયત્નો વ્યર્થ નિવડ્યા.
અંતે પિતાના કલ્યાણ માટે તેણે તીર્થાટન કરવાનું નક્કી કર્યું. ઘરબાર વેચી સાથે લીધેલા ધનની સુરક્ષા માટે ભગવી કંથા ધારણ કરી તે ચાલી નીકળ્યો. કાશી, મથુરા, ગોકુળ, અયોધ્યા વગેરે તીર્થોમાં ભટકતો ભટકતો તે ગિરનારની ગરવી કંદરાઓમાં આવી પહોંચ્યો. ત્યાં આવી તેણે દામોદર કુંડમાં સ્નાન કર્યું, દેવના દર્શન કર્યા, બાવા-જતિ-જોગીઓના આશીર્વાદ લીધા પરંતુ કેમેય કરીને તેના પિતાની સદગતિ ન થઈ. યુવાનને તેનો બાપ સતત પડછાયાની જેમ પાછળ ને પાછળ આવતો દેખાયા કરતો, તેથી રાત્રે પણ નિરાંતે નિદ્રા આવતી નહિ. અંતે એ કંટાળ્યો. એને થયું, પિતાનું પ્રેત મારો પીછો છોડે એમ લાગતું નથી, એના કરતાં આ દેહ જ છોડી દઈ જીવન ટૂંકાવી દઉં તો જ આમાંથી છૂટાય. બીજે દિવસે સવારે ઊઠીને આત્મહત્યા કરીશ એવા મનસૂબા સાથે તે સૂઈ ગયો. એ રાત્રે સ્વપ્નમાં એને દ્વારિકાધીશના દર્શન થયા. દ્વારિકાધીશે તેને કહ્યુંઃ 'સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં ગઢપુર ગામ છે, ત્યાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજે છે. તું શીઘ્ર ત્યાં જા અને એમનો આશ્રય કર. એ તારા પિતાનો અવશ્ય ઉદ્ધાર કરશે.'
બીજે દિવસે વહેલી સવારે ઊઠીને એ યુવાન ગઢપુર તરફ ચાલી નીકળ્યો. સતત ચાલતા ત્રણ દિવસે એ ગઢપુરની સીમમાં આવેલી ઘેલા નદીના કાંઠે પહોંચ્યો. ઘેલામાં ડૂબકી દેતાં જ યુવાને પરમ શાંતિ અનુભવી. વર્ષોથી દેખાતું તેના પિતાનું પ્રેત એકાએક દેખાતું બંધ થઈ ગયું. સ્નાન-સંધ્યા આટોપી તેણે મંદિરમાં આવી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. મંદિરની સામે આવેલી સાધુઓની જાયગામાં તે સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીને મળ્યો. મીઠો આવકાર આપીને સ્વામીએ એને પૂછ્યુંઃ 'મહાત્માજી, આપનું નામ શું છે? આપ ક્યાંથી પધારી રહ્યા છો?'
સ્વામીના મધુર વચનો સાંભળતાં જ યુવાન જાણે સ્વપ્નભંગ થતો હોય એમ ચમક્યો. એનું ધ્યાન હવે પોતે પહેરેલા ભગવા વસ્ત્રો પર જતાં એણે સહેજ ભોંઠપ અનુભવી. તરત જ તે નિખાલસભાવે બોલ્યોઃ 'સ્વામીજી, હું કોઈ સાધુ-સંત કે મહંત-મહાત્મા નથી. હું તો એક સામાન્ય ગૃહસ્થનો પુત્ર છું. મારા પિતાની સદગતિ માટે હું તીર્થાટને નીકળ્યો છું. મેં જે ભગવા વસ્ત્રો પહેર્યાં છે તે તો મુસાફરીમાં સલામતી અને અનુકૂળતા અર્થે જ છે. મારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા છે!'
મુક્તાનંદ સ્વામીએ કહ્યુંઃ 'તમને શ્રીજીમહારાજના દર્શન જરૂર થશે. થોડી ધીરજ રાખો, ભગવાનશ્રી આજે જ કારિયાણીથી અહીં પધારવાના છે...'
બપોર પછી શ્રીજીમહારાજ કારિયાણીથી ગઢપુર પધારી અક્ષર ઓરડીમાં બિરાજ્યા હતા. મુક્ત મુનિ એ મુમુક્ષુ યુવાનને લઈને મહારાજના દર્શને ગયા. શ્રીહરિના દર્શન કરતાં જ યુવાનના અંતરમાં આનંદના ઓઘ ઉતર્યા. મહારાજે તેની સામે એક નજર કરી મુક્ત મુનિને તેનો પરિચય પૂછ્યો. સ્વામીએ એનો પરિચય આપ્યો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાઃ 'સ્વામી, આ ભક્તના પિતા અતિ પુત્ર મોહને કારણે અસદગતિ પામ્યા હતા એ વાત સાચી, પરંતુ આ ભક્તે ઘેલા નદીમાં સ્નાન કર્યું ત્યારે જ તેના પિતાના આત્માની સદગતિ થઈ ગઈ છે. માટે હવે તે નિશ્ચિંતપણે ઊંઘી શકશે.' પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યુંઃ 'બ્રહ્મચારી, આ ભક્તે ત્રણ દિવસથી કાંઈ ખાધું નથી. સતત ચાલીને એ થાકી ગયા છે, માટે પહેલાં અમારા થાળની પ્રસાદી એમને જમાડો. પછી એમના આરામની વ્યવસ્થા કરો.' મૂળજી બ્રહ્મચારીએ તેને ભોજન કરાવ્યું. સંત-સમાગમ, ભગવદ્ દર્શન અને ભોજનપ્રસાદ આ બધું જ અહીં સરળતાથી સહજસ્વભાવે પ્રાપ્ત થતાં એ યુવાનનો દિવસોનો થાક પળોમાં ઊતરી ગયો. એનું અંતર પ્રફુલ્લિત થઈ ગયું. એ રાતે તે નિરાંતે ઊંઘ્યો. સવારે ઊઠી સ્નાનાદિ નિત્યવિધિમાંથી પરવારી તે દાદાખાચરના દરબારમાં શ્રીજીમહારાજના સાંનિધ્યમાં ભરાયેલી સંત-હરિભક્તોની સભામાં આવીને બેઠો. શ્રીજીમહારાજે તેને પૂછ્યુંઃ 'ભક્તરાજ! તમે હવે શો વિચાર કર્યો? તીર્થયાત્રા આગળ વધારવી છે કે અહીં અમારી પાસે અઠેદ્વારિકા કરીને રહેવું છે?' યુવાને વિનમ્રતાથી જવાબ આપ્યોઃ 'પ્રભુ, તીર્થાટન તો પિતાની સદગતિ અર્થે કરવા નીકળ્યો હતો. મારો એ હેતુ આપના ચરણોમાં સિદ્ધ થયો, માટે હવે તો અહીં જ આપની સેવામાં રહેવું છે!' શ્રીજીમહારાજે તેને પાર્ષદની દીક્ષા આપી લક્ષ્મીવાડીમાં રહી ફૂલવાડીની માવજત કરવાની સેવા સોંપી.
પાંચેક વરસ પાર્ષદ તરીકે ફૂલવાડીની સેવા કર્યા પછી એકવાર તેમણે શ્રીજીમહારાજને વિનંતી કરીઃ 'પ્રભુ, મારે સાધુ થવું છે.' મહારાજે કહ્યું : 'પાર્ષદરૂપે તમે સેવા કરો જ છો ને? તેમાં કાંઈ મુશ્કેલી હોય તો કહો.' ભક્તરાજે ફરી આજીજીપૂર્વક કહ્યુંઃ 'મહારાજ, પાર્ષદરૂપે મુશ્કેલી તો કાંઈ જ નથી, પરંતુ મારે તો તમારી કથાવાર્તા સાંભળવી છે અને સંતોની સેવા કરી બ્રહ્મરૂપ થવું છે. પાર્ષદ તરીકે એ લાભ નથી મળતો, તેથી મારે સાધુ થવું છે.' શ્રીજીમહારાજ તેમની મુમુક્ષુતા તેમ જ સંતસેવા માટેની ત્વરા જોઈ અત્યંત પ્રસન્ન થયા અને તેમને સાધુ માટેની ભાગવતી દીક્ષા આપી તેમનું નામ શ્વેતવૈકુંઠાનંદ પાડ્યું.
સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના સાંનિધ્યમાં રહી તેમ જ નંદસંતોના સેવાસમાગમ દ્વારા બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત કરી હતી. તેમની ખડી હિન્દી ભાષામાં રચાયેલ કાવ્યરચનાઓ સત્સંગ સાહિત્યમાં અનેરી છાપ ઉપસાવે છે. શ્રીહરિના સ્વધામગમન બાદ તેઓ વડતાલ મંદિરમાં રહી સત્સંગની સેવા કરતા હતા.
કાવ્યકૃતિ :
સબહી બરન મેં વોહી બડે જીન, સ્વામિનારાયણ રટા રટા રે.
સ્વામિનારાયણ જેહી મન રાચે, સંસાર તિનકો ખટા ખટા રે.
સહજાનંદ કો દર્શન જીન કીનો, ત્રિવિધતાપ સો કટા કટા રે.
સ્વામિનારાયણ કો મુખ ગાવે, પંડિત જોગી ભટા ભટા રે.
સહજાનંદ કો ધ્યાન ધરી મુનિ, શિર ધરી કે બડી જટા જટા રે.
સ્વામિનારાયણ આશ્રય જીન કીનો, તિનકી ઔર હૈ છટા છટા રે.
શ્વેતવૈકુંઠાનંદ શ્રીહરિકે, પડત ચરનમેં લટા લટા રે.
આસ્વાદ :
શ્રીજીમહારાજના ચરણસ્પર્શથી પાવન થયેલી તીર્થ-સલિલા ઉન્મત્તગંગામાં સ્નાનમાત્રથી જ જેમના અસદગતિને પામેલા પિતાશ્રીનો ઉદ્ધાર થઈ ગયો એવા સ. ગુ. શ્રી શ્વેતવૈકુંઠાનંદ સ્વામીએ પોતાના સ્વાનુભવે જ શ્રીહરિનો અપરંપાર મહિમા આત્મસાત કરીને એમનો અનન્ય આશ્રય કર્યો હતો. તેથી જ એમના પ્રસ્તુત પદમાં એના શબ્દે શબ્દે પ્રભુ શ્રી સ્વામિનારાયણનો પારાવાર મહિમા એની પરાકાષ્ઠાએ પ્રગટે છે.
કવિના મતે સમસ્ત જગતમાં એ જ સૌથી મહાન છે- એ જ સૌથી શ્રેષ્ઠ છે જેને ભગવાન શ્રી સ્વામિનારાયણનું અખંડ અનુસંધાન રહે છે, જેના અંતરમાં સતત શ્રીહરિનું સ્મરણ સહજ સ્વભાવે થયા કરે છે. શ્રીજીમહારાજે સ્વયં શ્રીમુખે આ જ વાતને (ગઢડા પ્રથમના પહેલા) વચનામૃતમાં અનુમોદન આપ્યું છે. શ્રીજીમહારાજ કહે છેઃ 'જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કારણ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ આદિક જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે...' જેને આ પ્રમાણે અહોનિશ અંતર પ્રભુપરાયણ રહ્યા કરે છે તેનું મન અનાયાસે જ સંસારના વ્યાપારોમાંથી અનાસક્ત થઈ જાય છે.
શ્રીજીમહારાજના પ્રથમ દર્શનથી જ કવિના અંતરમાં અપાર શાંતિ અને અકારણ આનંદના ઓઘ ઉતરી આવ્યા હતા. તેથી કવિ ગાય છેઃ જેણે જેણે પણ શ્રી સહજાનંદના દર્શન કર્યા છે એના ત્રિવિધ તાપ - આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી ગયા છે. મોટા મોટા વિદ્વાન પંડિતો તથા અલમસ્ત યોગીઓ પણ ઠેર ઠેર ફરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા પ્રગલ્ભપણે ગાય છે. સંતદાસજી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 'સત્સંગિજીવન' ગ્રંથના રચિયિતા મહામુનિ શ્રી શતાનંદજી પ્રખર વિદ્વાન તેમ જ ઉચ્ચ કોટીના સિદ્ધ પુરુષ હતા. તેમણે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીનો પ્રગલ્ભ મહિમા ઠેઠ બદરિકાશ્રમમાં જઈને ગાયો હતો, એટલું જ નહિ આસામના મહામુક્ત દલુજીને પણ શ્રીહરિનો અપરંપાર મહિમા સમજાવ્યો હતો અને તેથી મોટા મોટા જટાજૂટ જોગી મુનિઓ શ્રી સહજાનંદ શ્રીહરિનું અખંડ ધ્યાન ધરી રહ્યાં છે.
કવિ કહે છે, જેને જેને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય આશ્રય કર્યો છે તેમની વાત જ નિરાળી છે. શ્રીજીમહારાજનો આવો અતુલિત મહિમા અંતઃકરણપૂર્વક સમજીને કવિ કૃતકૃત્યભાવે શ્રીહરિના ચરણોમાં આળોટીને પોતાના અંતરના આરતભર્યા ભાવોની ભવ્ય ભાવાંજલિનો અનોખો અર્ઘ્ય અર્પણ કરે છે.
ખડી હિન્દી બોલીમાં રચાયેલું પ્રસ્તુત પદ સુગેય છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્યના શબ્દલાલિત્ય તથા ભાવમાધુર્યને સુસંગત છે.