૮. યાચે ત્વામિતિ સતતં કૃતનસ્તિસ્તદ્રેહિ મે શ્રીહરે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખમાં પોતાની અપ્રતિમ વિદ્વત્તાને લીધે જેમની તુલના મહર્ષિ વેદવ્યાસ સાથે કરવામાં આવતી એવા મહામુનિ નિત્યાનંદ સ્વામીનો જન્મ ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં લખનૌ જિલ્લાના દંતિયા ગામે સં. 1849ના ચૈત્ર સુદ નવમીએ ગર્ભશ્રીમંત યજુર્વેદી ગૌડ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી વિષ્ણુ શર્મા અને માતાનું નામ વિરજાદેવી હતું. તેમનું પૂર્વાશ્રમનું નામ દિનમણિ શર્મા હતું. તેમના મોટાભાઈ ગોવિંદ શર્મા કર્મકાંડી વેદપાઠી વિપ્ર હતા.
વિષ્ણુ શર્માએ આઠમા વર્ષે ઉપનયનનો વિધિ પૂર્ણ થતાં દિનમણિને વિદ્યાભ્યાસ માટે વારાણસી મોકલ્યા. પોતાની તીવ્ર મેઘા અને વિચક્ષણ બુદ્ધિચાતુર્યથી તેમણે થોડા જ વર્ષોમાં સકળ શાસ્ત્રોનો સારરૂપ અભ્યાસ સંપન્ન કર્યો. શાસ્ત્રોના ગહન દોહનની ફળશ્રુતિરૂપે તેમને એમ સમજાવ્યુંઃ 'ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સાચા સંત દ્વારા જ પ્રભુની પ્રાપ્તિ અને મુક્તિ શક્ય છે.' અંતરાત્માના અવાજને અનુસરીને સાચા સંતની શોધમાં તેઓ ચારધામની યાત્રાએ નીકળી પડ્યા.
બનારસથી સીધા તેઓ બદરીનારાયણ ગયા, ત્યાંથી જગન્નાથપુરી અને રામેશ્વર થઈને દ્વારિકા જવા માટે તેઓ ગુજરાતમાં આવ્યા. લાંબી યાત્રા અને પગપાળા પ્રવાસ હોવાથી માર્ગમાં થાકોડો ઉતારવા તેઓ ઉત્તર ગુજરાતના વિસનગર ગામમાં થોડો સમય રોકાયા. ત્યાં તેમણે સાંભળ્યું કે સોરઠ દેશમાં પ્રભુ પોતે શ્રી સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે. સ્વામિનારાયણ નામ સૌ પ્રથમવાર સાંભળતા જ તેમના અંતરમાં અનોખી શાંતિની લહેર વ્યાપી ગઈ. દ્વારિકા પહોંચતા જ તેમને વાવડ મળ્યા કે ભગવાન શ્રી સ્વામિનારાયણ હાલમાં સૌરાષ્ટ્રના ફણેણી ગામે વિરાજે છે. તેઓ સહસા ફણેણી આવ્યા, ત્યાં પ્રભુ તો ના મળ્યા, પરંતુ સ્વામિનારાયણના સાધુ પ્રભુતાનંદજીનો મેળાપ થયો. ત્યાં થોડા દિવસ રોકાવાથી તેમના તનમનના તાપ શમી ગયા. તેમને થયુંઃ 'જેમના સાધુ આવા પ્રતાપી છે તે પોતે કેવા હશે!' પ્રભુતાનંદે તેમને સમાચાર આપ્યા કે મહારાજ હાલમાં સિધ્ધપુર છે, ત્યાંથી થોડા દિવસોમાં ઊંઝા પહોંચશે. પ્રભુ-મિલનની ઉત્કટ પ્યાસ હૈયાના રોમેરોમમાં વ્યાપતા વ્યાકુળ બનેલા દિનમણિ શર્મા તત્કાળ સિધ્ધપુર જવા ચાલી નીકળ્યા.
સિધ્ધપુર પહોંચી સરસ્વતી નદીમાં સ્નાન કરી તેઓ સીધા ઊંઝા ગયા. ત્યાં તળાવની પાળે ભવ્ય સભા મધ્યે શમિયાણા ઉપર વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરતાં જ દિનમણિ શર્મા દેહની સૂધબૂધ ભૂલી મહારાજની મનોરમ્ય મૂર્તિના મહાસુખમાં ગરકાવ થઈ ગયા. થોડીવારે દેહભાન આવતાં તેમણે દંડવત્ પ્રણામ કરી મહારાજને મનોમન ખૂબ પ્રાર્થના કરી. મહારાજે તેમને પોતાની પાસે બોલાવી પ્રગાઢ આલિંગન આપી સહેજ સ્મિત કરીને કહ્યુંઃ 'તમે આવી ગયા?'
'હા દયાળુ, આખરે આપનો અહીં મેળાપ થયો. હવે સદાય આપના સાંનિધ્યમાં રાખો એટલી અરજ છે!' દિનમણિ શર્માએ દીનભાવે યાચના કરી. મહારાજે તેમને સુપાત્ર જાણી સદાય માટે પોતાની નિશ્રામાં લીધા. થોડા સમય બાદ મેઘપુરમાં મહારાજે તેમને ત્યાગાશ્રમની ભાગવતી દીક્ષા આપી તેમનું નામ નિત્યાનંદ સ્વામી પાડ્યું.
દીક્ષા બાદ શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે વિદ્વાન છો, છતાં હજુ વધુ ગહન શાસ્ત્રાભ્યાસ કરો. સ્વામીએ અમદાવાદ આવી નરભેરામ નામના એક વિદ્વાન બ્રાહ્મણ પાસે અભ્યાસ આગળ વધાર્યો, પરંતુ તેની પાસે સંપૂર્ણ સંતોષ ન થતાં નાંદોલના પુરુષોત્તમ ભટ્ટ પાસે વેદાંત, ન્યાય તથા સાંખ્યાદિ શાસ્ત્રોનો સઘન અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થતાં નિત્યાનંદ સ્વામી નાંદોલથી લોયા ગામે મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમની પરીક્ષા લેતા તેમને પૂછયુંઃ 'શ્રીમદ્ ભાગવતનો તત્ત્વ સિદ્ધાંત તમે શું સમજ્યા?' સ્વામીએ કહ્યુંઃ 'મહારાજ, આપની કૃપાથી હું એટલું સમજ્યો છું કે મનુષ્ય ગમે તેવો મહાન હોય, મુક્ત હોય કે યોગી હોય છતાં માયા તેને બંધન કરે છે. એક પરમાત્મા જ નિર્વિકારી ને નિર્લેપ રહી શકે છે. જો મુમુક્ષુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત વર્તે તો તેને માયા બંધન કરતી નથી. પ્રગટ પરમાત્માની ધર્મેયુક્ત ભક્તિ જ આત્યંતિક કલ્યાણનું સાધન છે.' આ સાંભળી શ્રીજીમહારાજે અત્યંત પ્રસન્ન થઈ તેમને અભય આશીર્વાદ આપતા કહ્યુંઃ 'સ્વામી, તમે જ્યાં જશો ત્યાં શાસ્ત્રાર્થમાં તમારી જીત થશે. મોટા મોટા પંડિતોની સભાઓમાં દિગ્વિજય કરવા છતાં તમારા અંતરમાં અભિમાનનો લેશમાત્ર અંતરાય નહિ થાય.'
કવિ મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં નિત્યમુનિ માટે નોંધ્યું છેઃ
'નિત્યાનંદ સ્વામી મોટા જ્ઞાનવાન,
જેને હરિભક્તિ કર્યાનું તાન.
હરિની આજ્ઞા વિશે દૃઢ રહ્યા,
જેને હરિએ વ્યાસમુનિ સમ કહ્યા.
ભણ્યા ષટ્શાસ્ત્ર અઢાર પુરાણ,
સર્વેના અર્થને જાણે સુજાણ.
જેણે હરિ આગળ વાંચી કથાય,
સૂણી હરિ આપ મગન બહુ થાય.'
ત્યાર બાદ શ્રી નિત્યાનંદ સ્વામી મોટેભાગે ગઢપુરમાં મહારાજ પાસે રહીને નવીન નવીન ગ્રંથોની કથા કરતા. મહારાજે તેમને લક્ષ્મીવાડીમાં રહી સાધુઓને ભણાવવાની આજ્ઞા કરી. નિત્યમુનિ પાસે ભણીને ઘણા સંતો વિદ્વાન બન્યા. તેમાં આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, ભગવદાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, સિધ્ધાનંદ સ્વામી તથા તદ્રુપાનંદ સ્વામી મુખ્ય હતા.
નિત્યાનંદ સ્વામીની શ્રીજીમહારાજ પ્રત્યેની સર્વોપરી નિષ્ઠા સત્સંગમાં દૃષ્ટાંતરૃપ છે. 'સત્સંગિજીવન' ગ્રંથની રચના સમયે મહારાજને તેમાં કેવા દર્શાવવા એ અંગે સંતોમાં વિવાદ થયો. માત્ર નિત્યાનંદ સ્વામીએ જ મહારાજને સર્વ અવતારના અવતારી તરીકે લખવાનો સ્પષ્ટ આગ્રહ રાખ્યો. મહારાજે પોતે પણ સ્વામીની કસોટી કરવા માટે અન્ય સંતોના અભિપ્રાય સાથે ભળી જઈ સ્વામીને ગુસ્સે થઈ પંક્તિ બહાર મૂક્યા. છતાં સ્વામી અડગ રહ્યા. સતત સાત દિવસ આવી આકરી કસોટી કર્યા પછી શ્રીજીમહારાજ હર્ષઘેલા થઈ સ્વામીને ભેટી પડ્યા તથા સભામાં તેમની મુક્તકંઠે ભરપેટ પ્રશંસા કરી તેમની નિષ્ઠાને બિરદાવી.
એકવાર શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવીને કહ્યુંઃ 'સ્વામી, સત્સંગિજીવન આપણાં સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે, પરંતુ એમાં અમારા જ્ઞાનમત તથા અમે કાશી વગેરે નગરોમાં કરેલી શાસ્ત્રચર્ચાઓનું વિસ્તૃત વર્ણન નથી, માટે તમે એવો અદભુત ગ્રંથ રચો જેમાં આ બધી આવશ્યકતાની પૂર્તિ થાય.' પ્રગટ ઇષ્ટપ્રભુની પ્રત્યક્ષ પ્રેરણા તથા આજ્ઞાને શિરોમાન્ય ગણી નિત્યાનંદ સ્વામીએ સર્વોપરી સર્વમાન્ય ગ્રંથરાજ શ્રીહરિદિગ્વિજયનું નિર્માણ કર્યું.
જ્યારે ગ્રંથ સંપૂર્ણપણે સંપન્ન થયો, ત્યારે નિત્યમુનિએ શ્રીજીમહારાજના કરકમલોમાં એને સમર્પણ કર્યો અને પછી તે વાંચી સંભળાવ્યો. સર્વેશ્વર શ્રીહરિએ અત્યંત પ્રસન્નપણે પોતાના ગળામાં વિરાજમાન ગુલાબના હારને સ્વહસ્તે ઉતારી સ્વામીને પહેરાવી તેમને વર માગવાનું કહ્યું. પંડિતવર નિત્યાનંદ સ્વામીએ ત્યારે याचे त्वामिति सतत कृतनतिस्तद्रेहि मे श्रीहरे । આ સ્તોત્ર દ્વારા શ્રીહરિ પાસે ઇચ્છિત વરની યાચના કરી. મહારાજે સ્વામીના મસ્તકે પોતાનો વરદ્હસ્ત મૂકી મનોવાંછિત વરનાં દાન દઈ તેમની મહેચ્છા પૂરી કરી.
એ અરસામાં વડોદરામાં ગાયકવાડ સરકાર સયાજીરાવ (બીજા)નું રાજ હતું. તેઓ પરમ વિદ્યાવ્યાસંગી હતા, તેથી ભારતભરના વિદ્વાનો તેમ જ કલાકારોને પોતાના દરબારમાં આશ્રય આપી રાખતા ને ભારે વર્ષાસનો આપતા. એ પંડિતોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અંગે ઘણી લાંબી ચર્ચાઓ ચાલતી. દરબારી પંડિતોના અનેક પ્રશ્નોના સમાધાન માટે સયાજીરાવે શ્રીજીમહારાજને કોઈ વિદ્વાન સંતને શાસ્ત્રાર્થ માટે મોકલવાની વિનંતી કરી ત્યારે મહારાજે નિત્યાનંદ સ્વામીને મોકલેલા. નિત્યમુનિના પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ તથા પ્રકાંડ પાંડિત્યથી સયાજીરાવ તથા ઘણાં દરબારી વિદ્વાનો અભિભૂત થઈ ગયા.
શ્રીજીમહારાજના સ્વધાન પધાર્યા બાદ સં. 1896માં અમદાવાદમાં વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી તરફથી છપ્પનભોગ ઉત્સવના મિશે અન્ય સંપ્રદાયના વડાઓને ભેગા કરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરી તેનો ઉચ્છેદ કરવાનું કાવતરું રચાયું. નિત્યાનંદ સ્વામી એ વખતે વડોદરા હતા. વડોદરાના દરબારી પંડિતો અમદાવાદ જવા તૈયાર થયા ત્યારે શ્રીમંત ગાયકવાડ સરકારે તેમને કહ્યુંઃ 'અમદાવાદના આ શાસ્ત્રાર્થમાં અમને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સામે નર્યો દ્વેષ જ દેખાય છે, તમારે જવું હોય તો જાવ પરંતુ એટલું યાદ રાખજો, ત્યાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પંડિતપ્રવર નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરવાના છે અને એમની સામે જીતવું મુશ્કેલ જ નહિ બિલકુલ અશક્ય પણ છે. તમે બધા જો હારીને પાછા આવશો તો તમારા વર્ષાસન બંધ થઈ જશે.' નિત્યમુનિ પોતાના વિદ્વાન શિષ્ય ભગવદાનંદ સ્વામીને સાથે લઈ અમદાવાદ ગયા. સ્વામીની સાથે તેમના ચાલીસ શિષ્યોની મંડળી તથા બે ગાડા ભરીને ગ્રંથોનો સરંજામ હતો. આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સ્વામીનું ભવ્ય સામૈયું કર્યું. શાસ્ત્રાર્થ માટે કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરના વિશાળ ચોકમાં ભવ્ય સભા ભરાઈ. સ્વામીએ સભામાં વેદ તથા ઉપનિષદોના આધારો આપી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન વૈદિકતા પૂરવાર કરતું મનનીય પ્રવચન આપ્યું. વૈષ્ણવાચાર્ય તથા અન્ય ધર્મી વિદ્વાન શાસ્ત્રીઓ સ્વામીની વાણી સાંભળી મૌનના મહાસાગરમાં ગરકાવ થઈ ગયા. નિત્યમુનિએ વારંવાર જાહેરમાં નિવેદન કર્યું કે જેને જે પૂછવું હોય તે નિઃસંકોચ પૂછો, તમારા દરેક પ્રશ્નના સંતોષકારક જવાબ અવશ્ય મળશે. પરંતુ કોઈના મોંઢામાંથી શબ્દમાત્રનો ઉચ્ચાર ન નીકળ્યો. સર્વે પંડિતોએ એકીમુખે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને વેદશાસ્ત્ર પ્રમાણિત ગણી માન્ય રાખ્યો. સ્વામીએ એમની પાસે જ કબૂલ કરાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે જ અનાદિ પરમાત્મા છે અને એમનો સ્થાપેલો સંપ્રદાય સનાતન ધર્મના ભૂષણરૂપ છે. અંતે સૌએ સાથે મળીને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગગનભેદી જય બોલાવી.
આજ રીતે નિત્યાનંદ સ્વામીએ ઉમેરેઠ અને જૂનાગઢમાં પણ શાસ્ત્રાર્થ દ્વારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કરેલો. સં. 1908ના માગશર સુદ અગિયારસના પરમ પુનિત દિવસે વડતાલમાં પોતાના નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વામી અક્ષરધામમાં પધાર્યા.
કાવ્યકૃતિઃ
ત્વદ્રૂપસ્ય સુનિશ્ચયો મનસિ મે સર્વોત્તમઃ સ્યાત્સદા
ત્વત્સૌખ્યેન સુખી ભવેયમનિશં નૈવેતરેણ ક્વચિત્ ।
ત્વભ્દિન્નાકૃતયશ્ચ સન્ત્વતિતરાં તુચ્છાઃ કૃતા માયયો
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥1॥
ત્વય્યેકાન્તિકભક્તિરસ્ત્વવિચલા માહાત્મ્યયુગ્ધર્મજે
પ્રત્યૂહાન્મદનાદ્યધર્મકુલતસ્તત્રાવનં મે કુરુ ।
જ્ઞાનાદૌ ચ દૃઢસ્થિતિં વૃષકુલે તસ્યાં સહાયે પરે યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥2॥
પ્રેષ્ઠાનાં તવ સંગમોઽસ્ત્વનુદિનં હ્યેકાન્તિકાનાં સતાં
શુષ્ક જ્ઞાન્યુપધર્મિકૌલમતિનાં સંગો ન મે સ્યાત્કવચિત્ ।
ભક્તત્વે ક્વ ચ દોષલેશ ઈહ તે નૈવાવશિષ્યેત મે યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥3॥
દ્રોહસ્તે તવ સેવિનાં ચ મહતાં ન સ્વાદ્ધદાપિ ક્વચિત
તિષ્ઠેનૈવ ચ વાસનાન્યવિષયા ત્વત્સેવનાન્મે હૃદિ ।
કુર્યાં દાસ્યમહં તવાન્તિકગતો નિત્યં સતાં વાંછિતં યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥4॥
દેહે દૈહિક આત્મતા ચ મમતા ન સ્યાદિહ ક્વાપિ મે
સા તુ સ્યાત્વયિ ભક્તિધર્મતનયે ત્વદ્ ભક્તિનિષ્ઠેષુ ચ ।
સ્નેહઃ સ્યાદધિકોઠક્ષરે વિલસતિ બ્રહ્માત્મનો મે ત્વયિ યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥5॥
વિશ્વાસસ્તવ વાચિ મેઽસ્તુ કુહચિત્સ્યાન્નાસ્તિકત્વં ન મે
સલ્લક્ષ્માણ્યખિલાનિ સન્તુ મયિ તાન્યુક્તાનિ યાનિ ત્વયા ।
ન સ્યાન્મે ક્વચિદાસુરત્વમવ માં તદ્હેતુલોભાદિતો યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥6॥
યત્કાર્યેષુ રુચિર્યથા તવ તથૈવ સ્યાદ્રુચિસ્તેષુ મે
કારુણ્યં હૃદિ વર્ત્તતાં મમ વિભો ! સર્વેષુ દેહિષ્વપિ ।
ભક્તાભીષ્ટદ ! રક્ષણં કુરુ સદા મોહાત્પ્રમાદાચ્ય મે યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે ! ॥7॥
નિત્યં ત્વદ્ધપુરીક્ષણે મમ દશૌ સ્યાતાં ચ સંકીર્તને
વાણી તે યશસાં કથાશ્રુતિપરૌ કર્ણો મનશ્ચ સ્મૃતૌ ।
સેવાયાં તવ તે સતાં ચ નિરતૌ હસ્તૌ ત્વદીયન્ય મે યાચે
યાચે ત્વામિતિ સતતં કૃતનતિસ્તદ્દેહિ મે શ્રીહરે! ॥8॥
આસ્વાદઃ
શ્રી સ્વામિનારાયણ સંતસાહિત્યમાં અને એમાં પણ ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં પંડિતપ્રવર સદગુરુ નિત્યાનંદ સ્વામીનું સ્થાન અનોખું છે.
શ્રીહરિદિગ્વિજય જેવા ગ્રંથરત્નના ભવ્ય નિર્માણની ફળશ્રુતિરૂપે જ્યારે પ્રસન્નપણે પ્રભુએ વર માગવાનું કહ્યું ત્યારે નિત્યમુનિએ જે માગ્યું તે આ અષ્ટકરૂપે માણવા જેવું છે - સમજવા જેવું છે અને એના મર્મને જીવનમાં આત્મસાત્ કરી જીવનને ધન્ય બનાવવા જેવું છે!
કવિ આર્તસ્વરે યાચના કરતા કહે છેઃ 'હે હરે! મારા મનમાં સદાય આપના સ્વરૂપનો સર્વોત્તમ નિર્વિકલ્પ નિશ્રય થાઓ, અને હું નિરંતર આપના સ્વરૂપના સુખ સંબંધથી જ સુખી થાઉં. આપના વિના અન્ય માયિક પદાર્થોમાં મને ક્યારેય સુખ ન મનાય, કારણ કે આપ સિવાયની અન્ય આકૃતિઓ સર્વે માયાકૃત છે, માટે મારે મન તે અત્યંત તુચ્છ થઈ જાઓ. માટે હે પ્રભુ! આપની પાસે હું નિરંતર નમસ્કારપૂર્વક એ જ માગું છું, મને તે આપો.'
નિત્યાનંદ સ્વામીએ આ જે કાંઈ માંગ્યું છે તે મુમુક્ષુને પ્રભુ પાસે કેવી રીતે શું માગવું તે શીખવાડવાને અર્થે છે. કવિને મતે મોક્ષાર્થીએ માયિક આકારોને ખોટા કરી મનને પ્રભુના સુખરૂપ સ્વરૂપમાં જોડવું જોઈએ. પરમાત્માના સાકાર સ્વરૂપનો સર્વોત્તમ નિર્વિકલ્પ નિશ્રય જ કવિને અહીં અભિપ્રેત છે. કારણ કે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્રય થયા સિવાય મુક્ત શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિમાં રસબસ થઈને સળંગ મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિના રોમેરોમનાં નિત્ય નવીન સુખ ક્યારેય ભોગવી શકતા નથી.
દ્વિતીય શ્લોકમાં કવિ યાચે છેઃ 'હે ધર્મપુત્ર શ્રીહરે! આપના વિશે આપના સ્વરૂપના માહાત્મ્યજ્ઞાનેયુક્ત નિશ્ચળ એકાંતિક ભક્તિ રહો અને આપની ભક્તિમાં વિઘ્નરૂપ કામક્રોધાદિક અધર્મસર્ગથી મારી રક્ષા કરો તથા તે ભક્તિમાં પરમ સહાયરૂપ જ્ઞાનવૈરાગ્યાદિક સદગુણોમાં મારી દૃઢ સ્થિતિ થાઓ એમ હું આપની પાસે નિરંતર માગું છું તે કૃપા કરીને મને આપો.'
શ્રીજીમહારાજે (શિક્ષાપત્રી શ્લોક : 103માં) ભગવાન પ્રત્યેના માહાત્મ્યજ્ઞાને સહિતના સ્નેહને જ ભક્તિ કહી છે. માહાત્મ્યજ્ઞાન ઉપરાંત સંપ્રદાયને અભિમત 'એકાંતિક' શબ્દ કવિએ અહીં ભક્તિના વિશેષણ તરીકે પ્રયોજ્યો છે. પરમાત્મામાં જ આસક્તિ અને એ સિવાય અન્ય પદાર્થમાત્રમાં વિરક્તિ એ જ સાચા સ્નેહનું લક્ષણ છે. જે રીતે જ્ઞાનવૈરાગ્યાદિક ભક્તિમાં સહાયક છે તે જ રીતે કામક્રોધાદિક અંતઃશત્રુઓ ભક્તિમાર્ગનાં પરમ અવરોધક પરિબળો છે, તેથી જ કવિ પ્રભુ પાસે એ અંતઃશત્રુઓ થકી રક્ષણ માગે છે.
આગળ કવિ પ્રભુને પ્રાર્થે છેઃ 'હે હરિ! આપના અત્યંત વ્હાલા એકાંતિક મુક્તોનો મને નિત્ય સત્સંગ થાઓ. પરંતુ પ્રભુ! શુષ્કવેદાંતી, નાસ્તિક, કુંડાપંથી પાખંડીઓ તથા શક્તિ પંથી - એ ચાર કુસંગીઓનો સંગ મને ક્યારેય ન થાઓ, તથા આ લોકમાં આપના પ્રત્યેની મારી ભક્તિનિષ્ઠામાં ક્યારેય દોષનો લેશ પણ ન રહે એમ હું આપની પાસે માગું છું.'
પ્રેમાનંદ સ્વામીએ 'નિર્વિકલ્પ ઉત્તમ અતિ...' એ પ્રાર્થનામાં આવી જ યાચના આજીજીપૂર્વક કરતાં ગાયું છેઃ
'એકાંતિક તવ દાસકો દીજે સમાગમ મોય'
બ્રહ્મમુનિએ પણ સંત સમાગમનો અપાર મહિમા ગાતા લખ્યું છેઃ
'બ્રહ્માનંદકહે સંત કી સોબત, જનમ સુફળ કરી લીજે...'
પરંતુ એક વાત એટલી જ મહત્ત્વની છે કે ભગવાનના મોટા મુક્તોનો સત્સંગ જેટલો કલ્યાણપ્રદ છે તેટલો જ હાનિકારક છે કુસંગી પુરુષોનો પ્રસંગ. તેથી જ ચાર પ્રકારના કુસંગથી હંમેશાં દૂર રહેવું.
વળી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે માગે છેઃ 'હે હરે! આપનો તેમ જ આપનું સેવન કરનારા મહાનુભાવ સત્પુરુષોનો દ્રોહ મનથી પણ ક્યારેય ન થાય અને આપની સેવા સિવાયની અન્ય વાસના પણ મારા અંતરમાં ન જ રહે, તથા નિરંતર સત્પુરુષોને વાંછિત એવું આપનું દાસત્વ તેને આપના સાંનિધ્યમાં રહીને હું હંમેશાં પ્રાપ્ત કરું એવું હું આપની પાસે માગું છું.'
ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. આ અંગે શ્રીજીમહારાજે (ગ.અં.12મા) વચનામૃતમાં કહ્યું છેઃ '....... ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે.... ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ.' શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ ભાવે રહીને મૂર્તિનું સુખ લેવું તેને જ હજુરની સેવા કહેવામાં આવે છે અને એ જ આત્યંતિક કલ્યાણની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. પરમાત્માના પરમ સાર્ધમ્યને પામવા છતાં અનાદિ મુક્તોને શ્રીજીમહારાજ પ્રત્યે સર્વોપરી સ્વામી-સેવકભાવ હંમેશાં રહે છે અને એ જ દાસભાવની ચરમસીમા છે.
પંચમ શ્લોકમાં કવિ ગદગદ્ કંઠે પ્રભુ પાસે માગે છેઃ 'હે હરે! આ લોકમાં મને ક્યારેય દેહને વિશે આત્મબુદ્ધિ તથા દેહના સંબંધી સ્ત્રીદ્રવ્યાદિક પદાર્થોમાં મમત્ત્વ ન થાઓ, પરંતુ ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ આપના વિશે જ આત્મબુદ્ધિ તથા આપના એકાંતિક મુક્તોમાં જ મમત્ત્વબુદ્ધિ થાઓ અને અક્ષરધામમાં અખંડ વિરાજમાન એવા આપના વિશે બ્રહ્મભાવે મને અધિક સ્નેહ થાઓ એવું માગું છું તે કૃપા કરીને મને આપો.'
'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ ન્યાયે માયા પ્રેરિત જગતના સર્વ વ્યાપારોમાંથી મનની વૃત્તિને તોડી પરમ કૃપાળુ પરમાત્મામાં જ આત્મબુદ્ધિ કરવી શ્રેયસ્કર છે. ભગવાન અને ભગવાનના એકાંતિક મુક્તોમાં અપ્રતિમ પ્રીતિ કરી બ્રહ્મભાવે પ્રભુની પ્રેમલક્ષણા ભક્તિ કરવી કવિને અહીં અભિપ્રેત છે.
આગળ સ્વામી શ્રીહરિને પ્રાર્થનાપૂર્વક કહે છેઃ 'હે હરે! મને આપની વાણીમાં નિરંતર દૃઢ વિશ્વાસ થાઓ. વળી એમાં નાસ્તિકભાવ મને ક્યારેય ન આવે. આપે (ધર્મામૃતમાં) જે સાધુનાં લક્ષણો કહ્યાં છે તે સર્વે મારે વિશે નિરંતર રહો. મને ક્યારેય આસુરિ વિચારો ન આવે અને આસુરભાવના હેતુરૂપ લોભાદિક દોષો થકી મારી આપ સદાય રક્ષા કરો એટલું હું આપની પાસે નિરંતર માગું છું.'
પરમાત્માની વાણીમાં દૃઢ વિશ્વાસ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે. અબજીબાપાશ્રી કહે છે કે જ્યાં સુધી લક્ષ્યાર્થ અનુભવ-જ્ઞાન ન થાય, ત્યાં સુધી અંતરમાં નાસ્તિકભાવનો અંશ રહે જ છે. માટે દૃઢ શ્રદ્ધા સાથે ધ્યાન-ભજન કરતા કરતા જ્યારે મહારાજની મૂર્તિનું સુખ આવે, ત્યારે નાસ્તિકભાવ સંપૂર્ણપણે ટળી જતા સર્વે સાધનની સમાપ્તિ થાય છે.
સપ્તમ્ શ્લોકમાં કવિ પ્રભુ પાસે પ્રાર્થનાપૂર્વક માગે છેઃ 'હે હરે! જે જે સત્કાર્યોમાં આપની રૂચિ હોય તે તે કાર્યોમાં મને પણ રૂચિ થાઓ. હે વિભો! મારા હૃદયમાં પ્રાણીમાત્ર માટે કરુણા ને દયાભાવ વર્તે. ભક્તોને અભિષ્ટ ફલ આપનારા હે પ્રભુ! મોહ અને પ્રમાદ થકી મારી સદાય રક્ષા કરો, એમ હું આપની પાસે નિરંતર માગું છું.'
દાસભાવનું આ ઉત્કૃષ્ટ લક્ષણ છે. પોતાના સ્વામીની જે રૂચિ તે જ પોતાની રૂચિ. જગતમાં પ્રાણીમાત્રના અંતરમાં પણ એ જ પ્રભુ અંતર્યામીપણે વિરાજે છે, માટે એ સર્વ પ્રત્યે કરુણા (Compassion) સહજભાવે રહેવી એ ભક્તનું લક્ષણ છે. ભગવાન પોતાના ભક્તોની મોહ અને પ્રમાદ થકી હંમેશાં રક્ષા કરે છે.
અંતે કવિ અષ્ટકનું સમાપન કરતાં પ્રભુને પ્રાર્થે છેઃ 'હે હરે! મારાં નેત્ર નિરંતર આપની મૂર્તિનાં દર્શન કરવામાં પ્રવૃત્ત રહો, મારી વાણી હંમેશાં આપનું યશોગાન કરતી રહો, મારા કર્ણ સદા આપની કથાશ્રવણપરાયણ રહો, મારું મન આપના સ્વરૂપની અખંડ સ્મૃતિમાં રત રહો અને આપનો ભક્ત એવો હું તે મારા બંને હાથ આપની તથા આપના સંતોની સેવામાં નિરંતર પ્રીતિવાળા થાઓ એવી યાચના હું નિરંતર નમસ્કારપૂર્વક આપની પાસે કરું છું તે મને કૃપા કરીને આપ આપો.'
ભક્તિભાવની આ પરાકાષ્ઠા છે. ભક્ત પોતાની સર્વે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રભુભક્તિ કરવા ચાહે છે. નેત્ર દ્વારા પ્રભુદર્શન, વાણી દ્વારા પ્રભુકીર્તન, કાન દ્વારા પ્રભુકથાશ્રવણ અને મન દ્વારા પ્રભુ ચિંતન. બે હાથ દ્વારા ભક્ત ભગવાન તથા ભગવાનના ભક્તોની સેવા કરવા ઇચ્છે છે. ભગવાન દ્વારા આપવામાં આવેલા આ મનુષ્ય શરીરનો શ્રેષ્ઠતમ વિનિયોગ કરીને ભક્ત ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માગે છે, અને એ જ આત્યંતિક કલ્યાણની ચાવી છે!