૯. વ્હાલો અક્ષરધામના વાસી...

0:000:00

લોધિકાના દરબાર અભયસિંહના કારભારી ગણોદના ભીમજીભાઈ પંડ્યા શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત હતા. તેમને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે અત્યંત હેત હતું, તેથી તેઓ અવારનવાર જૂનાગઢ સ્વામીના સેવા-સમાગમ માટે જતા. મોરના ઈંડા ચિતરવા નથી પડતા. ભીમજીભાઈનો સૌથી નાનો પુત્ર હરિરામ છેક બાલ્યકાળથી જ ખૂબ ભગવદીય હતો. ગણોદમાં જ્યારે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અચિંત્યાનંદ બ્રહ્મચારી વગેરે સંતો પધારતા ત્યારે હરિરામ દિલથી એ સંતોની સેવામાં જોડાઈ જતો. હરિરામની સેવાથી પ્રસન્ન થઈ બ્ર. અચિંત્યાનંદજીએ તેમને સત્સંગના વર્તમાન ધરાવેલા. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ આ ચિંથરે વીંટ્યા રત્નને પારખી લીધું. તેમણે ભીમજી પંડ્યાને સમજાવીને હરિરામને જૂનાગઢ પોતાની પાસે રાખી એક વિદ્વાન શાસ્ત્રી પાસે તેનો શાસ્ત્રાભ્યાસ શરૂ કરાવ્યો. હરિરામ સહજ-સ્વભાવે અત્યંત સેવાભાવી તો હતા જ, તેમાં વળી સોનામાં સુગંધ ભળે તેમ તેમને તત્ત્વ-મર્મજ્ઞ વિદ્વત્તા મળી. પછી તો પૂછવું જ શું? વધુ ને વધુ ફળો લાગતા જેમ વૃક્ષ વધુ ને વધુ નીચે નમે છે તેમ અનેક કલ્યાણકારી ગુણોનો પાદુર્ભાવ થતાં હરિરામ વધુ ને વધુ નમ્ર અને વિનયશીલ બનતા ગયા.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારી નામે બે બ્રહ્મનિષ્ઠ સંતો થઈ ગયા. સત્સંગિભૂષણના કર્તા સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી મોટે ભાગે અમદાવાદ મંદિરમાં જ રહેતા હતા, જ્યારે બીજા એક વાસુદેવાનંદ બ્રહ્મચારી જૂનાગઢ મંદિરમાં રહીને દેવસેવા કરતા હતા. જૂનાગઢમાં હરિરામ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ તો કરતા જ, પરંતુ સાથે સાથે તેઓ શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારીની અનુવૃત્તિમાં રહીને દેવસેવા પણ કરતા. સતત સંતસમાગમમાં રહેવાથી એમના અંતરમાં તીવ્ર વૈરાગ્યભાવ જાગ્યો. શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારીએ તેમને શાસ્ત્રોના સઘન અભ્યાસ માટે વડતાલ મોકલ્યા. વડતાલમાં બે વરસ રહીને હરિરામે સત્સંગ સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. હવે ઉત્તમ ત્યાગીના તમામ લક્ષણો વીસ વરસના હરિરામમાં વિદ્યમાન જોઈને બ્રહ્મચારી શ્રી વાસુદેવાનંદજીએ સંવત 1913ના જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ધ.ધૂ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજના વરદ્ હસ્તે તેમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા અપાવીને શ્રી ઈશાનંદ બ્રહ્મચારી નામ ધારણ કરાવ્યું.

શ્રી ઈશાનંદ બ્રહ્મચારી મોટેભાગે જૂનાગઢ મંદિરમાં રહીને દેવસેવા કરતા હતા. તેમની અત્યંત સેવાપરાયણતાને કારણે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારી એ બંનેનો તેમની ઉપર ખૂબ રાજીપો હતો. આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા શિરોધાર્ય માનીને તેમણે જૂનાગઢ ઉપરાંત ગોંડલ અને માણાવદર મંદિરમાં પણ ખૂબ દેવસેવા કરી હતી. ઠાકોરજીની સેવા એ ઈશાનંદ બ્રહ્મચારીનું અભિન્ન અંગ હતું.

શ્રી ઈશાનંદ બ્રહ્મચારી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના અત્યંત કૃપાપાત્ર હતા. જ્યારે જ્યારે પણ બ્રહ્મચારીને કોઈ વ્યાવહારિક મુશ્કેલી કે આંતરિક વિક્ષેપ આવતા ત્યારે તેઓ મનોમન સ્વામીને સંભારતા અને સ્વામી તત્કાળ તેમને તંદ્રામાં પ્રત્યક્ષવત્ દર્શન દઈને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરી દેતા. દેવસેવામાં હંમેશાં નિમગ્ન રહેનાર બ્રહ્મચારી સંતો-હરિભક્તોની સેવામાં પણ એટલા જ સક્રિય રહેતા. તેઓ હંમેશાં બધા સંત-હરિભક્તો જમી લે પછી જ જમતા. સંપ્રદાયના સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ અપ્રતિમ હતો. સંસ્કૃત સ્તોત્રો અને કીર્તનોમાં તેમને વિશેષ રુચિ હતી. તેઓ કહેતા કે, 'આખાય સત્સંગિજીવન ગ્રંથના સારરૂપ श्री वासुदेव विमलामृतधामवासम् એ સ્તોત્ર છે અને તે સ્તોત્રના પણ સારરૂપ धर्मस्थितैरुपगतैर्बृहता એ શ્લોક છે.'

સં. 1965ના આસો વદ 6ના દિવસે શ્રી ઈશાનંદ બ્રહ્મચારી માણાવદરમાં સ્વધામ સિધાવ્યા.

કાવ્યકૃતિ : (ગરબી)

વ્હાલો અક્ષરધામના વાસી, સર્વોપરી સુખના રાશિ. સ્વામિનારાયણ.

જેના રોમ રંદ્રની માંહી, રહે છે બ્રહ્માંડો બહુ છાઈ. સ્વામિ.

દ્વિભુજ મૂર્તિ છે ઘનશ્યામ, સર્વે સદગુણનાં છે ધામ. સ્વામિ.

સુંદર ચિહ્ન ચરણમાં શોભે, જોતાં ભક્તોનાં મન લોભે. સ્વામિ.

માથે મુકુટ પિતાંબર ધારી, કાને કુંડળ મકરાકારી. સ્વામિ.

કંઠે કૌસ્તુભ મણિ બિરાજે, ઉરમાં ભૃગુલાંછન શુભરાજે. સ્વામિ.

મણિમય છે બે બાજુ ધાર્યા, ઉર પર શોભે મોતી માળા. સ્વામિ.

કટીએ કનક મેખલા શોભે, જોતાં વિશાળ ભાલ મન મોહે. સ્વામિ.

કરમાં કડાં કનકના ઝળકે, ચરણે નેપુર સુંદર ખળકે. સ્વામિ.

જેની સેવા સજે સહુ મુક્ત, એવા અપાર શક્તિ સંયુક્ત. સ્વામિ.

સર્વ કારણના પણ કારણ, સર્વ જગતના છે ધારણ. સ્વામિ.

એ છે અનાદિ સર્વાધાર, કોટી ભુવનના કર્તાર. સ્વામિ.

તે શ્રી પુરુષોત્તમ જગદીશ, અક્ષર પર અક્ષરના ઈશ. સ્વામિ.

સદા સાકાર સદા નિયંતા, અંતર્યામી અખિલ વક્તા. સ્વામિ.

જેને સહસ્ત્ર મુખ ગાવે, નારદ શારદ પાર ન પાવે. સ્વામિ.

સહુ અવતાર તણા અવતારી, જેનું ધ્યાન ધરે ત્રિપુરારી. સ્વામિ.

તે પ્રભુ ધર્મ સ્થાપવા કાજ, પ્રગટિયા અવનિ પર મહારાજ. સ્વામિ.

કળીમાં કરવા જન નિષ્પાપ, આવ્યા અધર્મ હરવા આપ. સ્વામિ.

ધર્યો ધરણી પર નર દેહ, વ્હાલો ઈશાનંદનો નેહ. સ્વામિ.

આસ્વાદ :

શ્રીજીમહારાજે વચનામૃતમાં શ્રીમુખે પોતાનું ધામ, પોતાનું સ્વરૂપ, પોતાના મુક્તો અને પોતાના મહિમા અંગે જે તાત્ત્વિક દર્શન આપ્યું છે તેને અહીં કવિ શ્રી ઈશાનંદ બ્રહ્મચારીએ કાવ્યના કમનીય સ્વરૂપમાં કંડાર્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયને અભિમત પરાત્પર પરબ્રહ્મના અલૌકિક ધામને 'અક્ષરધામ' કહે છે. તે દિવ્ય છે અને અત્યંત શ્વેત તથા સચ્ચિદાનંદરૂપ છે. આવા અક્ષરધામમાં સર્વોપરી સુખના સ્વામી સમા ભગવાન શ્રી સ્વામિનારાયણ સદાય દિવ્ય સાકાર સ્વરૂપે બિરાજે છે. ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી જેમ એકી સાથે અસંખ્ય સૂર્ય-ચંદ્રનું તેજ રેલાતું હોય તેમ પ્રકાશની છોળો છૂટે છે. એ દિવ્ય તેજના એક એક કિરણમાં અસંખ્ય બ્રહ્માંડો ઊડતા ફરે છે. ભગવાનનું અક્ષરાતીત એ દિવ્યસ્વરૂપ એટલું વિરાટ છે કે તે મૂર્તિના એક કિરણમાં ઊડતા અગણિત બ્રહ્માંડો અણુ સમાન અતિ સૂક્ષ્મ ભાસે છે!

કવિ હવે ભગવાન શ્રી સ્વામિનારાયણના દ્વિભુજ સાકાર સ્વરૂપના અંગોઅંગમાં સુશોભિત શૃંગારનું વિગતવાર વર્ણન કરે છે. શ્રીહરિના બંને ચરણોમાં શોભતા સ્વસ્તિક, અંકુશ, પદ્મ, કળશ ઇત્યાદિક ચિહ્નો જોઈને અનેક મુમુક્ષુઓના અંતરમાં એમના માટે ભગવાનપણાનો નિશ્ચય થયો હતો. મહારાજે માથે મુગટ, કાને મકરાકૃત કુંડળ અને શરીરે પિતામ્બર ધારણ કર્યું છે. શ્રીજીને કંઠે કૌસ્તુભ મણિ અને વક્ષસ્થળમાં ભૃગુલાંછન શોભે છે. પ્રભુએ બંને બાહુઓમાં મણિયુક્ત બાજુબંધ અને કંઠમાં મોતીની માળા ધારણ કર્યાં છે. ભગવાનનું ભાલ અત્યંત ભવ્ય છે, કમરમાં એમણે સુવર્ણનો કંદોરો પહેર્યો છે. શ્રીહરિના હાથમાં કનકના કડાં અને ચરણોમાં નયનરમ્ય નૂપુર શોભી રહ્યાં છે.

કવિને પ્રભુના સૌંદર્યનું આકર્ષણ માહાત્મ્યેયુક્ત છે. ઈશાનંદ કહે છે : અક્ષરધામમાં સૌ મુક્તો શ્રીજીમહારાજની સેવામાં જ રત છે. એ સેવા પણ અનોખી છે. મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું, એના આહ્લાદમાં ઓતપ્રોત થવું, એની ગરિમામાં ગરકાવ થવું એ જ એમની સેવા છે. શ્રીજીમહારાજ સર્વશક્તિમાન છે. એ સર્વ કારણના પણ કારણ છે. અનંત કોટી બ્રહ્માંડ એમને આધારે ટકી રહ્યાં છે. સૃષ્ટિકર્તા મૂળ અક્ષરથી પર અક્ષરધામના પણ એ અધિપતિ છે. શ્રીહરિ સદા સાકાર સર્વાંતર્યામી છે. એમનો મહિમા અપરંપાર છે. વિદ્યાની દેવી સરસ્વતી હોય કે દેવર્ષિ નારદ હોય કે પછી હજાર મુખવાળા શેષજી હોય, મહાપ્રભુજીના મહિમાનો પાર કોઈ પામી શક્યું નથી. કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ એ કોઈ અવતાર નથી, પરંતુ સર્વે અવતારોના પ્રેરક, નિયામક અને પ્રેષક અવતારી છે. તેથીસ્તો સર્વે દેવો અને અવતારો પણ એમનું ધ્યાન ધરે છે. આવા પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ નામે આ લોકમાં અવતર્યા છે. શ્રીહરિએ મનુષ્યરૂપે અવતરીને અધર્મનો ઉચ્છેદ કરી આ હળાહળ કળિયુગમાં પણ હજારો મનુષ્યોને નિષ્પાપ કરી મોક્ષના માર્ગે વાર્યા છે.

પદ પ્રસાદિક છે, સુગેય છે અને ગરબીના ઢાળમાં એનું ગાન કાવ્યના ભાવને વધુ અસરકારક બનાવે છે.