૨. નવમેઘમેચક વિગ્રહમ્...
સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા પાસેના માલપુર ગામમાં સં. 1855ના અરસામાં ત્રવાડી મેવાડા બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ જીવતરામ શર્મા હતું. બાલ્યકાળથી જ તેઓમાં નિર્માનીપણું, સરળતા અને વિદ્યા પ્રત્યેની અદમ્ય અભિરૂચિ ઇત્યાદિ ઉમદા ગુણો દૃષ્ટિગોચર થતા હતા.
કિશોર અવસ્થા પ્રાપ્ત થતાં જીવતરામ દહેગામ પાસેના નાંદોલના વિદ્વાન શાસ્ત્રી લક્ષ્મીરામ પાસે વિદ્યા પ્રાપ્તિ અર્થે રહ્યા. પોતાની અદભુત ગ્રહણ શક્તિ અને તીવ્ર જિજ્ઞાષા વૃત્તિથી તેમણે શાસ્ત્રીજીનું દિલ જીતી લીધું. લક્ષ્મીરામને થયુંઃ આ તો કોઈ પૂર્વનો યોગભ્રષ્ટ આત્મા લાગે છે!
સં. 1867ની સાલમાં એક દિવસ લક્ષ્મીરામે બહારગામ જવાની તૈયારી કરતા જીવતરામને કહ્યું : 'વત્સ, હું થોડા દિવસ માટે બહારગામ જાઉં છું, એ દરમ્યાન તારે માલપુર જવું હોય તો જઈ આવ.'
'ગુરુદેવ, આપ શીદ પ્રયાણ કરી રહ્યા છો?' બ્રહ્મકુમારે જિજ્ઞાષાવશ પૂછયું.
'વત્સ, હું જેતલપુર જાઉં છું. ત્યાં મારા ગુરુ સહજાનંદ સ્વામી આવ્યા છે. તેં એમનું નામ સાંભળ્યું છે? તેઓ અવતારી પુરુષ છે, એમના પતિતપાવન દર્શન કરી અંતરને અજવાળવા....' આટલું બોલતાં તો શાસ્ત્રીજી ભાવુક થઈ ગયા, નેત્ર સજળ થયાં અને ગળે ડૂમો ભરાયો. ગુરુના આ ભાવભીના શબ્દોએ જીવતરામના ઋજુ અંતરને ભીંજવી નાંખ્યું.
'ગુરુદેવ, આપ મને પણ સાથે લઈ જાઓ ને! મારે પણ એમના દર્શન કરવા છે...' બ્રહ્મકુમારે ગુરુને પ્રાર્થના કરી.
ગુરુ-શિષ્ય બંને સાથે જેતલપુર આવ્યા.
જેતલપુરમાં હજારોની મેદની વચ્ચે ભરાયેલી સભામાં એક ખૂણામાં પાછળ ઊભા રહીને બેઠીદડી ને નમણાં મુખાકૃતિવાળા જીવતરામે શ્રીજીમહારાજને અનિમેષ નયને મનભરીને માણ્યાં. પ્રથમ દર્શને જ બાર વર્ષના એ બાળકના અંતરમાં સહજાનંદ પ્રભુ માટે પૂર્વનો પ્રીતિયોગ જાગી ઉઠ્યો. શ્રીજીમહારાજે આંગળીને ઇશારે પોતાની પાસે બોલાવી એને પૂછ્યું : 'બ્રહ્મકુમાર, શું વિચારો છો?'
'મહારાજ, આપની સેવામાં રહેવું છે...' જીવતે પોતાની મનિષા વ્યક્ત કરી.
'હજી તો અભ્યાસ કરવાની ઉંમર છે...' મહારાજે વાત્સલ્યભાવે કુમારના ખભે હાથ પ્રસારતા કહ્યું.
'એ પણ કરીશ... મહારાજ! પણ આપની સેવામાં રહીને...' કુમારે આજીજી કરી.
એ સાંભળી મહારાજ ખડખડાટ હસી પડ્યા. મહારાજની અનુમતિ મળી જતાં તેઓ નાંદોલ કે માલપુર પરત ન જતાં જેતલપુરથી સીધા જ સંતો સાથે ગઢપુર આવ્યા.
જીવતરામનો તીવ્ર વૈરાગ્ય અને ઊંડી આધ્યાત્મિક અભિરુચિ જોઈ મહારાજે થોડા સમયમાં જ તેમને બ્રહ્મચારી સાધુની ભાગવતી દીક્ષા આપી ગોપાળાનંદ બ્રહ્મચારી નામ આપ્યું. દીક્ષા આપ્યા બાદ મહારાજે મૂળજી બ્રહ્મચારીને આ નવા વર્ણીને સોંપતા ભલામણ કરી : 'આ બાળવર્ણીનો અભ્યાસ આગળ વધારજો.' મૂળજી બ્રહ્મચારીએ પોતાના આ બાળશિષ્યને સંસ્કૃત વાઙમયના પ્રારંભિક અભ્યાસ માટે મુક્ત મુનિ પાસે મૂક્યા. ગોપાળાનંદ વર્ણી વિદ્યાવ્યાસંગી હતા. મુક્ત મુનિએ વર્ણીની તીવ્ર બુદ્ધિમત્તા જોઈ મહારાજને કહ્યું : 'મહારાજ! આ તો અણમોલ રતન છે!' સંસ્કૃતનો પ્રારંભિક અભ્યાસ પૂરો થતાં મહારાજે તેમને વધુ ગહન શિક્ષણ અર્થે વિદ્યાવારિધિ પ્રકાંડ પંડિત સદગુરુ નિત્યાનંદ સ્વામીની નિશ્રામાં રાખ્યા. નિત્ય મુનિ પાસે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કરીને વર્ણી સકલ શાસ્ત્રોના મર્મજ્ઞ જ્ઞાતા ને વંદનીય વિદ્વાન બન્યા.
સં. 1877ના કારતક મહિનામાં શ્રીજીમહારાજ લોયા પધાર્યા હતા. મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, ગોપાળાનંદ વર્ણી તથા અસંખ્ય સંતહરિભક્તો પણ આવ્યા હતા. એક દિવસ શ્રીજીમહારાજ સુરાખાચરના દરબારમાં ભવ્ય સભા ભરીને બેઠા હતા ત્યારે મુક્તાનંદ સ્વામીએ ગોપાળાનંદ વર્ણીના વખાણ કરતાં મહારાજને કહ્યું : 'મહારાજ! આ બ્રહ્મચારીની પ્રખર વિદ્વત્તા એમના અત્યંત વિનયશીલ સ્વભાવને કારણે અતિ શોભે છે... અને પ્રભુ! એમને આપના પ્રત્યે અનન્ય ભક્તિભાવ છે.' આ સાંભળી મહારાજે રાજી થઈ બ્રહ્મચારીને પાસે બોલાવી કહ્યું : 'બ્રહ્મચારી મહારાજ, આજે સભામાં અમે તમારા મુખે કથા સાંભળીશું.' બ્રહ્મચારી કદમાં વામન હોવાથી મહારાજે તેમને ઊભા ઊભા કથા કરવાની આજ્ઞા કરી. વર્ણીએ શ્રીજીમહારાજને વંદન કરી કથાનું મંગલાચરણ કર્યું. પછી તો કલાકો સુધી અસ્ખલિતપણે વહેતા સંસ્કૃતમય મધુર વૈખરીના અમૃતપ્રવાહમાં શ્રીજી સહિત સર્વે શ્રોતાઓ રસલીન બન્યા. કથાની સમાપ્તિ થતાં શ્રીજીમહારાજ ગાદી ઉપરથી ઊભા થઈ અત્યંત પ્રસન્નતા જણાવી બ્રહ્મચારીને પોતાની ગાદી ઉપર બેસાડવા માંડ્યા. આખી સભા સ્તબ્ધ થઈ આ જોઈ રહી. અત્યંત શરમાળ સ્વભાવના બ્રહ્મચારી બે હાથ જોડી શ્રીજીમહારાજને પ્રાર્થતા બોલ્યા : 'પ્રભો! આ બેઠા એ મોટા મોટા સંતો આગળ હું શા લેખામાં? હું વય અને જ્ઞાનમાં અતિ નાનો છું. આ મોટા પરમહંસો સામે આપની ગાદી ઉપર બેસવું મને અજુગતું લાગે છે.'
શ્રીજીમહારાજે વર્ણીરાટ્ને સમજાવતા કહ્યું : 'અમે જે કહીએ તે સત્સંગના હિતનું છે. અમારી ઇચ્છા છે કે અમારા પછી અમારી ગાદી ઉપર સૌ જગત જાણે તેવો કોઈ ત્યાગી વર્ણી રહે. તમે એવા છો તેથી તમને અમે મોટા કરીએ છીએ.' મહારાજની આ પ્રમાણે આજ્ઞા થતા બ્રહ્મચારી શ્રીહરિ તથા સંતોને પગે લાગી શ્રીહરિનું વચન મસ્તકે ચડાવી ગાદી પર બેઠા. શ્રીહરિએ બ્રહ્મચારીના કપાળે ચંદન ચર્ચી, ગળામાં પુષ્પહાર પહેરાવી તેમની પૂજા કરી. ત્યાર બાદ આરતી ઉતારી મહારાજે બ્રહ્મચારીના ચરણ ધોઈને એ ચરણામૃત પોતે પીધું તથા અન્ય સંતોને પીવડાવ્યું. શ્રીહરિ જે કરતા હોય તેમાં કોઈ અગમ્ય હેતુ અવશ્ય હોય એમ સમજી મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી ઇત્યાદિ મોટા મોટા સંતોએ પણ ઊભા થઈ બ્રહ્મચારીની પૂજા કરી. પછી શ્રીજીમહારાજે સર્વ સભાને પ્રગલ્ભ સ્વરે કહ્યું : 'આ નાના બ્રહ્મચારી તો શ્વેતદ્વીપવાસી વાસુદેવબ્રહ્મ સ્વરૂપ છે, માટે આજથી એમનું નામ વાસુદેવાનંદ બ્રહ્મચારી રાખીએ છીએ. આજથી અમે તેમને તમારા સર્વેના ગુરુપદે સ્થાપીએ છીએ. એમની પાસેથી સૌ ગુરુમંત્ર લેજો તથા એ સભામાં આવે ત્યારે સૌએ ઊભા થઈને એમનું સન્માન કરવું, એમના ચરણનો સ્પર્શ કરવો તથા વંદન કરી એમને આગળ આસન આપવું.' સૌ સંત હરિભક્તોએ મહારાજની આજ્ઞા વધાવી લીધી. સભામાં વાસુદેવાનંદ બ્રહ્મચારીનો જયજયકાર થઈ રહ્યો! (શ્રીહરિચરિતામૃતસાગર-પૂર : 23, તરંગ : 83)
સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીએ શ્રીહરિચરિત્રામૃતમ્માં આ પ્રસંગનું અત્યંત રોચક શૈલીમાં ચિત્રાત્મક આલેખન કરતાં ગાયું છે :
હતો વિકટ ભૂમિમાં ઠામ, દ્વિજ જ્ઞાતી જીવતરામ નામ.
થઈ અંતરમાં અતિ તાણ, પ્રભુ મળવા પ્રગટ પ્રમાણ.
ઘર ત્યાગીને ભણવા કાજ, આવ્યા તીયાં મળ્યા મહારાજ.
હરિકૃપાનું પાત્ર કહેવાય, બીજા ગુણ કહ્યા નવ જાય.
શ્વેતધર્મી ને શાંત સુધીર, જેને મળે તેની હરે પીર.
નહિ માયાનો લેશ વિકાર, ગુણાતીત એ ગુણભંડાર.
એવા જોઈ મનોહર અંગ, કરે નહિ વચનનો ભંગ.
એવા જાણીને અંતરજામી, લોયાગામ માંહી સુખધામી.
નિજગાદીએ તેને બેસાડી, કર્યા સત્સંગના અધિકારી.
કરી પૂજા શ્રીહરિએ પોતે, આરતી ઉતારી સભા જો તે.
પાદ ધોઈ ચરણામૃત પીધું, પછી સર્વે સભામાંય દીધું.
નામ પાડ્યું વાસુદેવાનંદ, સભામાંહી શ્યામ સ્વચ્છંદ.
(શ્રી હરિચરિતામૃતમ્, અ-64)
શ્રીજીમહારાજની આ અકળ લીલાથી વાસુદેવાનંદ બ્રહ્મચારી તો સ્તબ્ધ થઈ ગયા. એમની અકળામણનો પાર ન રહ્યો. પોતાના આસને જઈ એકાંતમાં તેઓ ખૂબ રડ્યા. સાંજે બહાર પણ ન નીકળ્યા ને વાળુ પણ ન કર્યું. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને જાણ કરતા કહ્યું : 'ઓલ્યા વાસુદેવાનંદની તમે પૂજા કરી એટલે બાપડો બહુ દુઃખી થઈ ગયો છે. આખો દિ' રડ્યા કરે છે ને ખાતોપીતો પણ નથી.' મહારાજે રાજી થઈને કહ્યું : 'વાસુદેવાનંદ વયમાં હજી નાના છે પણ સમજણમાં બહુ મોટા છે. એમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ એટલે સ્વામી તેમને શાંતિ પમાડશે.' મૂળજી બ્રહ્મચારી વાસુદેવાનંદ વર્ણીને મુક્ત મુનિ પાસે લઈ ગયા. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની મા સમાન હતા, તેમણે નાના બ્રહ્મચારીને સમજાવતા કહ્યું : 'મહારાજ તો આપણા માબાપ સમાન છે. તેઓ આપણને ગમે તેવા લાડ લડાવે એમાં આપણે મૂંઝાવું નહિ. પિતા પુત્રને પ્રેમથી ખભે બેસાડે એનાથી કાંઈ પુત્ર દ્વારા પિતાનો અપરાધ નથી થતો! આપણે તો મહારાજના ગમતામાં જ રાજી રહેવું.' સ્વામીના અમૃતવચનો સાંભળી વર્ણીના અંતરમાં શાંતિ થઈ. એમણે તત્કાળ શ્રીજીમહારાજની વંદના કરતું એક પ્રશસ્તિ કાવ્ય રચીને ‘नवमेघमेचक्रविग्रहम्’ એ સ્તોત્ર સભામાં શ્રીહરિ સમક્ષ આર્તનાદે ગાઈ એમની અપરંપાર પ્રસન્નતા પ્રાપ્ત કરી.
બ્રહ્મચારીએ આજીવન ઘુંઘટા વર્તમાન પાળ્યાં હતાં. તેઓ સંપૂર્ણ ઊર્ધ્વરેતા બ્રહ્મચારી હતા, તેથી જ સત્સંગમાં તેઓ 'શ્વેતધર્મધારી' એવા ગૌરવપ્રદ ઉપનામથી ઓળખાતા હતા. વ્રતપાલનમાં તેમણે જીવનભર અત્યંત દૃઢતા દાખવી હતી. પોતાના સ્વાનુભવના આધારે તેઓ હંમેશાં કહેતા કે, 'સર્વ સાધનમાં શ્રેષ્ઠ એવા દૃઢ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત દ્વારા જ શ્રીહરિનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અને એમની અનન્ય પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.' વર્ણી શ્રીજીમહારાજના હજૂરી સેવક હતા, તેઓ મહારાજની નિત્ય સેવામાં રહેતા હતા. શ્રીજીમહારાજની પૂજાના વાસણો માંજી આપવાની સેવા તેમણે લીધી હતી.
શ્રીજીમહારાજના અંતર્ધાન પછી બ્રહ્મચારી મોટેભાગે અમદાવાદ, વેલાણ, પેથાપુર, શિયાણી, કપડવંજ, ઝાલાવાડ, કચ્છ, હાલાર, હળવદ, વાંટાવદર વગેરે પ્રદેશમાં ખાસ કરીને જ્યાં એકાંત મળે ત્યાં વધુ રહેતા હતા. અમદાવાદમાં નરનારાયણના મંદિરની સામે જે ધર્મકુળનો મેડો છે ત્યાં બ્રહ્મચારીનું આસન (રહેવાની જગ્યા) હતું. એકવાર શ્રીજીમહારાજે બ્રહ્મચારીને દર્શન દઈ કહ્યું : 'બ્રહ્મચારી, આપણાં સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર 'શ્રી સત્સંગિજીવન' તો શતાનંદ મુનિએ રચ્યું છે, વળી વચનામૃત એ આપણું અધ્યાત્મશાસ્ત્ર છે. માટે હવે તમે સંપ્રદાયના ભક્તિશાસ્ત્રની ભવ્ય રચના કરો.' શ્રીજીમહારાજની પ્રત્યક્ષ પ્રેરણા મળતાં જ વાસુદેવાનંદ બ્રહ્મચારીએ 'સત્સંગિભૂષણ' નામના મહાગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી. આ ગ્રંથ બ્રહ્મચારીની નિષ્ઠા અને કાવ્યશક્તિનો ઉત્તમ નમૂનો છે. તેમાં શ્રીહરિના લીલાચરિત્રોનું અત્યંત રસાળ ને પ્રાસાદિક શૈલીમાં સાંગોપાંગ નિરૂપણ છે. આ ગ્રંથના લેખન દરમ્યાન ક્યારેક બ્રહ્મચારીની કલમ અટકી જતી ત્યારે તેમના શિષ્યો પૂછતાઃ 'ગુરુ, આપ અચાનક લખતા કેમ અટકી ગયા?' ત્યારે બ્રહ્મચારી કહેતાઃ 'હું તો મહારાજના હાથની કલમ માત્ર છું, લખનારા તો સ્વયં શ્રીહરિ જ છે! એ લખાવે તેમ લખું છું.' કેટલી નમ્રતા! નિર્વિકલ્પ શરણાગતિનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત બ્રહ્મચારીનું આ કથન પૂરું પાડે છે.
વાસુદેવાનંદ વર્ણી વચનસિદ્ધ વિભૂતિ હતા. એમના મુખમાંથી નીકળેલા વચન અવશ્ય ફળતા. મુળીના દરબાર વખતસિંહજી અવારનવાર વર્ણી પાસે સત્સંગ સમાસ અર્થે આવતા. એકવાર બ્રહ્મચારીએ બાપુને કહ્યુંઃ 'દરબાર, તમે રઘુરાજાનો અવતાર છો. પરંતુ પ્રગટ પુરુષોત્તમનારાયણની ઉપાસના ન મળવાથી તમારે આટલા જન્મ લેવા પડ્યા. તો હવે પ્રગટ શ્રીહરિની ઉપાસના દૃઢ કરી સર્વ ઠેકાણેથી વાસના તોડી ભગવાનમાં વૃત્તિ જોડો, મહારાજ તમને ધામમાં તેડી જશે.' બ્રહ્મચારીનો ઉપદેશ સાંભળી દરબારને વૈરાગ્ય આવ્યો. તેઓ અંતર્વૃત્તિ કરી ભગવદ્ ભક્તિમાં જોડાઈ ગયા અને બ્રહ્મચારીના વચન પ્રમાણે મહારાજ તેમને ધામમાં તેડી ગયા.
સં. 1820ના કારતક વદ 13ના દિવસે સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારીએ અમદાવાદના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ધ. ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં સંતહરિભક્તોની મોટી સભા બોલાવી. એ પ્રસંગે સૌને સત્સંગ સાચવવાની લાખેણી ભલામણ કરી એ જ દિવસે બ્રહ્મચારીમહારાજ ધામમાં પધાર્યા. વર્ણીના પાર્થિવ શરીરના જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં ત્યાં સાબરમતી નદીના તટે નારાયણઘાટ ઉપર આજે પણ એ મહત્પુરુષની પુણ્યસ્મૃતિમાં છત્રી વિદ્યમાન છે.
કાવ્યકૃતિઃ
નવમેધમેચકવિગ્રહમ્, ધૃતપુષ્પહારમનોહરમ્
જયકારિણમ્ ભયહારિણમ્, તમસઃ પરં શિશિરોદરમ્ ।
નિજમોદિતમ્ નિગમોદિતમ્, જગદીશ્વરૈઃ કૃતવન્દનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દનમ્ ॥1॥
જનતાપપાપવિનાશિતમ્, ક્ષિતિભક્તિધર્મવિકાસિતમ્
જિતદેવદાનવદૈત્યમાનવાકામગર્વવિપાટિતમ્ ।
દ્વિજસાધુદૈવતમંડનમ્, કૃતકૌલનાસ્તિ ખંડનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમાન્યહમ્ વૃષનન્દનમ્ ॥2॥
પરિપૂર્ણચન્દ્રસમાનનમ્, તપસે મુદાશ્રિતકાનનમ્
હયવાહનમ્ રિપુગાહનમ્, કુલદેવમારુતિમાનનમ્ ।
કરુણાલયમ્ જગદાલયમ્, ધૃતપીતકેશરચંદનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દનમ્ ॥3॥
શરદબ્જપત્રવિલોચનમ્, નિજભક્તકષ્ટવિમોચનમ્
વનમાલિનમ્ સુરશાલિનમ્, જવલનાર્કસોમવિરોવચનમ્ ।
કલિભૂરિસારવિભંજનમ્, નિજદાસહાસવિરંજનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દનમ્ ॥4॥
મૃદુપલ્લવારુણપત્તલમ્, વ્રતતીર્થદાનતપઃફલમ્
પદપાવનમ્ લઘુધાવનમ્, ભુવનાવનમ્ ગગનામલમ્ ।
તિલપુષ્પસન્નિભનાસિકમ્, જનતાન્તરાહિતગંજનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દનમ્ ॥5॥
કરિપુષ્કરોપમદોર્યુગમ્, સુહૃદાંખલાન્તરભેદનમ્
પૃથુભાલકુંકુમચન્દ્રકમ્, ભુવિ બોધિતાત્મનિવેદનમ્ ।
ભગવન્તમચ્યુતમવ્યયમ્, પ્રકૃતીશ્વરાન્તકકંપનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દનમ્ ॥6॥
યમદૂતભૂતનિવારણમ્, સકલાગમોભ્દવકારણમ્
સિતવાસસમ્ રવિભાસસમ્, નરકાતિકષ્ટવિતારણમ્ ।
શ્રુતદુર્ગપત્તનવાસિનમ્, સુકૃતારિબંધુનિકન્દનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તમીશ, નમામ્યહમ્ વૃષનન્દમ્ ॥7॥
કવિવાસુદેવપરિષ્ઢુતમ્, યથસોજવલેન ભુવિશ્રુતમ્
ગુણસાગરમ્ સુહૃદાહરમ્, બહુમૂલ્યભૂષણસંયુતમ્ ।
વૃષવંશિવાડવમંગલમ્, સમિતૌ તુ વિપ્રસદરનનમ્
હરિકૃષ્ણ કૃષ્ણ ભવન્તીમીશ, નમાભ્યહમ્ વૃષનન્દનમ્ ॥8॥
આસ્વાદ :
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજીસમકાલિન સંસ્કૃત દેવભાષામાં પ્રકાંડ પાંડિત્ય ધરાવતા સંતકવિઓમાં બ્રહ્મચારી વાસુદેવાનંદજીનું નામ શિરમોર સમાન છે.
પ્રસ્તુત અષ્ટક સ્તોત્ર એના અપ્રતિમ શબ્દમાધુર્ય, પ્રાસાદિક પદલાલિત્ય, અનુપમ અર્થગાંભીર્ય તથા મધુરગેયતાને લીધે અત્યંત આસ્વાદ્ય બન્યું છે. એના શબ્દે શબ્દે કવિની પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યેની ઉત્તમ નિર્વિકલ્પ નિષ્ઠા અને અનન્ય એકાંતિક ભક્તિ પ્રગલ્લપણે પ્રગટે છે. આ અષ્ટક વીસમાત્રાના હરિગીત છંદમાં રચાયેલું છે.
કવિ એમના ભાવુક અંતરમાં પ્રગટતા ઉન્મત્તઉમંગથી શ્રીહરિની વિબોધ વંદના કરતા પ્રાર્થે છેઃ 'જેમનું શરીર જળથી સભર નવિન મેઘ સમાન શ્યામ છે, જેમણે પોતાના કંઠમાં સુંદર પુષ્પહાર ધારણ કરેલો છે, જે સદાય જયકારી પ્રર્વતે છે, જે સર્વ પ્રકારના ભયનું નિવારણ કરનારા છે, જેમનું ઉદર અતિ શીતળ અને શાંત છે તથા જે અજ્ઞાનરૂપી અંધકારથી પર છે, પોતાના ભક્તજનોને જે આનંદ આપનારા છે, સર્વ સત્શાસ્ત્રો જેમના સ્વરૂપનું અહોનિશ ગાન કરે છે, બ્રહ્માદિક ઈશ્વરો જેમની વંદના કરી રહ્યા છે એવા સર્વ ઈશ્વરોના અધિપતિ જે હરિ, કૃષ્ણ તથા હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું.'
શ્રીહરિની મનોરમ્ય મૂર્તિના વિશિષ્ટ વર્ણન સાથે થતો સ્તોત્રનો ઉપાડ આકર્ષક છે. ઈશ્વરકોટી, બ્રહ્મકોટી અને અક્ષરકોટીના પણ જે આત્મા યા ને ભગવાન છે એવા સ્વેષ્ટ સ્વામી શ્રી સહજાનંદજીના ચરણકમળોમાં જ કવિની સર્વ શ્રદ્ધાભક્તિ સમર્પિત છે. શ્રીહરિનું ગૌરવપૂર્ણ મહિમાગાન કરતા કવિ આગળ ગાય છેઃ 'ભક્તજનોના ત્રિવિધ તાપ તથા સર્વ પ્રકારના પાપનો નાશ કરનારા, જગતમાં ધર્મયુક્ત ભક્તિમાર્ગનું પ્રતિપાદન તેમ જ પ્રવર્તન કરનારા, દેવ-દાનવ, દૈત્ય-માનવ સર્વ કોઈને જીતનારા, કામદેવના ગર્વનો નાશ કરનારા, બ્રાહ્મણ અને સાધુ યા ને સત્પુરુષના મહિમાનું પ્રતિપાદન કરનારા તથા વામમાર્ગી, ચાર્વાક, શુષ્કવેદાંતી અને નાસ્તિકોના મતનું ખંડન કરનારા એવા હરિ, કૃષ્ણ તથા હરિકૃષ્ણ નામે ઓળખાતા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું.'
હિન્દુ ધર્મમાં પૂર્વે જે ધર્માચાર્યો થઈ ગયા તે બધાએ લગભગ એકબીજાના સિદ્ધાંતોની કડક આલોચના કરી છે. રામાનુજાચાર્યે શંકરાચાર્યના માયાવાદનું ખંડન કર્યું છે. પ્રાચીન આચાર્યોએ દ્વૈત મતનું ખંડન કરીને નિરાકાર અદ્વૈત મતનું પ્રવર્તન કર્યું હતું, તેથી વિષ્ણુસ્વામીએ સાકારદ્વૈત મત પ્રવર્તાવ્યો. વળી વલ્લભાચાર્યજીએ જુદા જુદા પૂજાના ઉપચારો વડે પ્રેમલક્ષણા ભક્તિ વૃદ્ધિ પામે તેવો શુદ્ધાદ્વૈત મતનો પ્રચાર કર્યો. જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે અમુક અપવાદ બાદ કરતા ક્યારેય હિન્દુધર્મના કોઈ પણ મતનું ખંડન કર્યું નથી. એમનો અભિગમ હંમેશાં સર્વ વૈદિક મતોનો સમન્વય કરી એક સનાતન સત્ય સિદ્ધ કરવા પ્રત્યેનો રહ્યો હતો. પરંતુ જે જ્ઞાનમતો અવૈદિક હતા તેવા વામમાર્ગી, ચાર્વાક, શુષ્કવેદાંતી અને નાસ્તિક - આ ચારેયનું શ્રીજીમહારાજે કડક શબ્દોમાં ખંડન કર્યું છે. તેથી જ ગ.પ્ર.48મા વચનામૃતમાં શ્રીજીમહારાજ પોતાના સમસ્ત આશ્રિત સત્સંગીઓને પ્રાતઃકાળે પૂજા કર્યા પછી ચાર પ્રકારના કુસંગથી પોતાની રક્ષા માટે ભગવાનને ગદગદ્ કંઠે પ્રાર્થના કરવાની ભલામણ કરતા કહે છેઃ 'જો કુંડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાં ચુકાડે અને શક્તિપંથીનો સંગ થાય તો દારુ-માટી ખવડાવીને ભ્રષ્ટ કરે અને જો વેદાંતીનો સંગ થાય તો આકારમાત્ર ખોટા કરે અને ભગવાનનાં ધામ તથા ભગવાનની મૂર્તિઓ ખોટી કરી દેખાડીને ભ્રષ્ટ કરે અને નાસ્તિક હોય તે કર્મને જ સાચા કરીને ઈશ્વરને ખોટા કરી દેખાડીને ભ્રષ્ટ કરે, માટે એવા કુસંગથી તથા ક્રોધ - લોભાદિકથી રહિત થવા વાસ્તે નરનારાયણનું સ્તવન કરવું.' ચાર્વાક મતમાં એમ માનવામાં આવે છે કે, આ શરીરની ઉત્પત્તિ સાથે જ જીવની ઉત્પત્તિ અને શરીરના નાશ સાથે જ જીવનો નાશ થાય છે. માટે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખેથી જીવવું. ઘરમાં ન હોય તો માથે દેવું કરીને પણ આનંદ કરવો. શ્રીહરિએ ચાર્વાક મતની પણ કડક આલોચના કરી છે.
તૃતીય ચરણમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી કહે છેઃ 'પૂર્ણેન્દુ સમાન મુખારવિંદવાળા, જે પોતાના આશ્રિતોના શ્રેયાર્થે તપ કરી રહ્યા છે, અશ્વના વાહનવાળા, જે પોતાના આશ્રિતોના શત્રુઓનો નાશ કરનારા છે, જેમણે હનુમાનજીને કુળદેવ તરીકે સ્વીકાર્યા છે, જે કરુણાના સાગર છે, જે જગદાધાર છે, અને જેમણે અંગે પિતામ્બર અને લલાટે કેશરની અર્ચના ધારણ કરેલા છે એવા સર્વ ઈશ્વરોના ઈશ જે હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
શ્રીજીમહારાજે વનવિચરણ દરમ્યાન નેપાળના પુલહાશ્રમમાં કઠોર તપશ્ચર્યા કરી હતી. અડવાણે પગે પગપાળા ભારત ભ્રમણ કર્યું હતું. આ બધું શા વાસ્તે શ્રીહરિએ કર્યું? પોતાના આશ્રિતોના શ્રેયાર્થે યા ને આત્યંતિક કલ્યાણ અર્થે જ પ્રભુએ આટઆટલા કષ્ટ સહન કર્યા હતાં. ભગવાનની પ્રત્યેક ક્રિયા ભક્તના હિતાર્થે જ હોય છે. વળી વર્ણી વાસુદેવાનંદજી પ્રભુને પ્રાર્થે છે : 'જેમના નેત્રો શરદઋતુનાં ખીલેલા કમળ સમાન છે, જે પોતાના ભક્તજનોને સર્વ પ્રકારના કષ્ટથી છોડાવનારા છે, જે જીવો, ઈશ્વરો, માયા, અક્ષરબ્રહ્મ અને મુક્તોરૂપી વનના માળી છે, જે દૈવી જીવોને સુખ આપનારા છે, જેમની દેહાકૃતિ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર સમાન તેજસ્વી છે, જે કળિયુગના સર્વ દોષરૂપી પાપોને નષ્ટ કરનારા છે અને જે પોતાના ભક્તજનોને રમૂજ કરી આનંદ આપનારા છે એવા સર્વ ઈશ્વરોના ઈશ જે હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રીધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
પુંડરિકાક્ષ પ્રભુની રૂપમાધુરીમાં મગ્ન થઈને કવિ શ્રીહરિની અપરંપાર લીલા-ચરિત્રોનું સ્મરણ કરે છે. શ્રીજીમહારાજનો સ્વભાવ અત્યંત રમૂજી હતો. અવનવી રમૂજ કરીને તેઓ આશ્રિતોને આનંદ આપતા. શ્રીહરિના ચરિત્રવિહારનું ચિંતવન માનસિક પરિતાપને પળમાં પલાયન કરી નાંખે એવું અદભુત છે. પ્રભુના અંગો-અંગનું ખૂબ જ સૂક્ષ્મ નિરૂપણ કરતા કવિ પ્રાર્થે છેઃ 'જેમના ચરણનાં તળ મૃદુ અને નલિની સમાન લાલ છે, જે સર્વ પ્રકારનાં વ્રત, તીર્થ, દાન અને તપના ફળસ્વરૂપ છે, જેમના ચરણારવિંદ પાવનકારી છે, જેઓ ઝડપથી ચાલે છે, જે જગદાધાર છે, જેઓ આકાશ સમાન નિર્દોષ, નિર્લેપ અને નિર્ગુણ છે, જેમની નાસિકા તલના પુષ્પ સમાન સુંદર છે અને જે પોતાના ભક્તજનોના અંતઃશત્રુઓના ગર્વને હણનારા છે, એવા સર્વ ઈશ્વરોના ઈશ જે હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
શ્રીજીમહારાજની રસરૂપ માધુરી મૂરતનું વધુ ગહન વિવરણ કરતા કવિ ગાય છેઃ 'હાથીની સૂંઢ સમાન દીર્ઘ અને સુદૃઢ જેમના સાથળ છે, જે ભક્તોને પીડતા કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ અંતઃશત્રુઓનો નાશ કરે છે, જેમના ઉન્નત ભાલમાં કુમકુમનો ચાંલ્લો શોભે છે, જેમણે કૃપા કરીને પોતાના આશ્રિતોને પોતાના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન આપેલું છે, જે સકળ ઐશ્વર્યો તથા કલાના સ્વામી છે, જે અચ્યુત અને અવ્યય છે તેમ જ જેમના ભયથી ઈશ્વરો પણ કંપે છે એવા સર્વ ઈશ્વરોના ઈશ - હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
શ્રીજીમહારાજે આ લોકમાં પ્રગટ થઈને જો સૌથી મોટો ઉપકાર પોતાના આશ્રિત ભક્તજનો ઉપર કોઈ કર્યો હોય તો તે છે પોતાના સ્વરૂપના યથાર્થ જ્ઞાનનું અમોઘ અનુદાન. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણને એ જેવા છે તેવા ઓળખવા એ આકાશકુસુમવત્ છે. પ્રભુએ અપાર કરુણા કરીને પોતાના દિવ્ય વ્યતિરેક તથા સર્વાન્તર્યામી અન્વય સ્વરૂપનું જ્ઞાન સૌ કોઈને સમજાય એવા સરળ શબ્દોમાં આપ્યું છે, તેથી જ અનંત મુક્તો એમના અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને પામ્યા છે.
કવિ શ્રીજીમહારાજની પ્રગલ્લભસૂરમાં સ્તુતિ કરતાં કહે છેઃ 'યમદૂત તથા ભૂતપ્રેતથી જે પોતાના ભક્તજનોનું રક્ષણ કરે છે, સર્વશાસ્ત્રોની ઉત્પત્તિનું જે કારણ છે, જે સદાય શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, જેમની શોભા કોટી સૂર્ય સમાન તેજસ્વી છે, જે પોતાના આશ્રિતોને નર્કની યાતનાઓમાંથી છોડાવનારા છે, જે પ્રસિદ્ધ રીતે દુર્ગપત્તન (ગઢપુર)માં નિવાસ કરીને રહેલા છે અને જે સત્કર્મોના શત્રુ એવા અસત્ તત્ત્વોનો નાશ કરનારા છે એવા સર્વ ઈશ્વરોના ઈશ જે હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
પરમાત્મા સર્વ શાસ્ત્રોની ઉત્પત્તિનું કારણ છે. સત્શાસ્ત્રો જેનું પ્રતિપાદન કરે એ પરમાત્મા છે એમ નથી. પરંતુ પરમાત્મા જે કાંઈ બોલે, લખે, કહે અને આચરે એ જ સત્શાસ્ત્ર છે. અંતે અષ્ટકનું સમાપન કરતા કવિરાજ વાસુદેવાનંદ વર્ણી પ્રાર્થે છેઃ 'હું કવિ વાસુદેવાનંદ બ્રહ્મચારી જેના ગુણગાન ગાઈ રહ્યો છું, પોતાના પ્રોજ્જવળ યશને લીધે જે સુપ્રસિદ્ધ છે, જે ગુણોના નિધિ છે, જે પોતાના ભક્તજનોને આનંદ આપનારા છે, જેમણે બહુમૂલ્ય આભૂષણો ધારણ કરેલાં છે, જે ધર્મદેવના વંશના બ્રાહ્મણોનું સદામંગળ કરનારા છે અને જે પંક્તિમાં બ્રાહ્મણોને સારી રીતે જમાડનારા છે, એવા સર્વ ઈશ્વરોના ઈશ જે હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ નામે ઓળખાય છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું.'
ઉપરોક્ત અષ્ટકમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રત્યેક શ્લોકમાં અંતે શ્રીહરિની વંદના કરતા કવિ એ હકીકતનું વારંવાર પુનરાવર્તન કરીને કહે છે કે જેમના નામ શ્રીહરિ, શ્રીકૃષ્ણ તથા શ્રીહરિકૃષ્ણ છે એવા શ્રી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણને હું વંદન કરું છું. શ્રીકૃષ્ણ એ ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ અનાદિ નામ છે, માટે એ નામને કારણે શિક્ષાપત્રી તથા નંદસંતોના કીર્તનો બાબતમાં જે ગેરસમજ પ્રવર્તે છે તે સત્ત્વરે દૂર કરવાની જરૂર છે.