૩. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનાં દિવ્ય સંસ્મરણો (વિભાગ ૧)
વિભાગ ૧
સંવત ૧૯૪૮ના અષાઢ માસમાં અમદાવાદના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અનાદિ મુક્તરાજ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને કચ્છના હરિભક્તોનો સંઘ બેઠો હતો. સદગુરુશ્રીને શરીરે મંદવાડ હોવા છતાં પોતાના આસને બેસી ભગવદ્ વાર્તા કરતા હતા. સદગુરુની સન્મુખ બેઠેલા હરિભક્તોમાં સમાધિવાળા અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી કથા સાંભળતા હતા. તે વખતે અમદાવાદના અગ્રગણ્ય હરિભક્ત ઈશ્વરલાલભાઈ સદગુરુશ્રીનાં દર્શને આવ્યા. સભામાં હરિભક્તોની ભીડ ઘણી હતી તો પણ તે હરિભક્તોની વચ્ચે થઈને ચાલ્યા ને સદગુરુશ્રીના ચરણસ્પર્શ કરવા ગયા. આ જોઈને સદગુરુશ્રી કહે : ‘‘આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેમની મર્યાદા કેમ રાખતા નથી ?’’ ત્યારે ઈશ્વરલાલભાઈ કહે : ‘‘સ્વામી! આમાં મોટા કોણ છે ? આ તો સર્વે કચ્છના કણબી છે ! એમને તો હું ભૂજમાં દિવાન હતો ત્યારથી ઓળખું છું !’’ સદગુરુશ્રી અબજીબાપા સામું જોઈ હસીને કહે : ‘‘ અબજીભાઈ ! આ ઈશ્વરલાલભાઈ ભૂજમાં દિવાન હતા ત્યારથી તમને સૌને ઓળખે છે કે તમે કચ્છના કણબી છો.’’ અબજીબાપા કહે : ‘‘સ્વામી ! એમની વાત સાચી છે ! અમે ક્યાં મોટા છીએ ? અમે તો ગામડાના કણબી છીએ ! અમે શાસ્ત્ર ભણ્યા નથી, શાસ્ત્રની વાતો અમને આવડતી નથી ! શાસ્ત્ર ભણેલા ને સભા ગજવે તે મોટા કહેવાય ! અમને તો સ્વામિનારાયણના પ્રતાપે ગમે તેવા જીવને એક ચપટી વગાડીએ તેટલામાં સર્વે આવરણ ટાળીને સ્વામિનારાયણની મૂર્તિના સુખમાં મૂકી દેતાં આવડે છે !’’ સદગુરુશ્રીએ ઈશ્વરલાલભાઈએ કહ્યું કે, ‘‘આ અબજીભાઈ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ રહ્યા છે. તેમને તમારો પગ વાગ્યો તેથી શ્રીજીમહારાજનો અપરાધ થયો.’’ ઈશ્વરલાલભાઈએ તરત ઊઠીને અબજીબાપાશ્રીને દંડવત્ પ્રણામ કરી પોતાની ભૂલ સુધારી તેમને રાજી કર્યા.
‘હરિલીલામૃત’માં (કળશ ૫, વિશ્રામ ૬, કડી ૧૧-૧૩) શ્રીહરિજી કહે છે :
થાય અંશ કળા અવતાર,
ત્યારે ભક્ત પામે ભવપાર.
પુરુષોત્તમ પોતે પધારે,
તેની રીત જુદી હોય ત્યારે;
નહિ ભક્ત-અભક્ત પ્રમાણ,
કરે સંકલ્પથી જ કલ્યાણ.
તેના સેવક સંકલ્પ કરે,
એથી પણ બહુ જીવ ઉદ્ધરે.
એવી રીતે અનંત જીવોને શ્રીજીમહારાજની મૂર્તિના દિવ્ય સુખમાં મૂકી દેવા રૂપ આત્યંતિક કલ્યાણ કરવા અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું હતું.
ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં ભૂજ શહેરથી વીસ કિલોમીટર દૂર, ભૂજ-મુંદ્રા રોડ ઉપર બળદિયા (વૃષપુર) નામનું રમણીય ગામ છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું ગામ છે. ત્યાં શ્રીજીમહારાજના પ્રત્યક્ષ મેળાપવાળા કણબી વેકરિયા નાથાભાઈ પટેલ અને તેમના ત્રણ પુત્રો- ગંગદાસભાઈ, રૂડાભાઈ ને તેજાભાઈ હતા. રૂડાભાઈને પાંચાભાઈ નામે ધર્મનિષ્ઠ, સંતસેવાપરાયણ ને એકાંતિક ભક્ત એવા પુત્ર હતા. પાંચાભાઈનાં પત્ની દેવબા પતિવ્રતા ને શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિવાળાં હતાં. વૃષપુર ગામની બહાર આવેલી કાળી તળાવડીમાં શ્રીજીમહારાજે ઘણી વખત સંત-હરિભક્તો સહિત સ્નાન કરેલું. તે તળાવડીને પ્રસાદીની જાણી દેવબા અન્ય સ્ત્રીઓ સાથે રોજ સવારે, તે તળાવડીમાં સ્નાન કરવા જતાં. એક સવારે કાળી તળાવડીમં સ્નાન કરીને કાંઠે આવેલા પથ્થર ઉપર બેસી દેવબા શ્રીજીમહારાજનું ધ્યાન-માનસી પૂજા કરતાં હતાં ત્યારે શ્રીજીમહારાજે તેમને તેજોમય સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યાં ને પ્રસન્ન થઈને વર માગવા કહ્યું. દેવબાને કાંઈ સંતાન ન હોવાથી અતિ રૂપવાન એવા શ્રીહરિને જોઈને આનંદમગ્ન થઈ બોલ્યાં કે, ‘‘તમ જેવા પુત્ર મારે ખપે !’’ ત્યારે શ્રીહરિ બોલ્યા : ‘‘બાઈ ! અમારા જેવા તો અમે એક જ છીએષ પણ અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય તે તમારે ત્યાં પુત્રરૂપે જન્મ લેશે.’’ એમ કહી શ્રીહરિ અંતર્ધાન થયા.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના વરદાન મુજબ સં. ૧૯૦૧ના કાર્તિક સુદિ અગિયારશ-પ્રબોધિની એકાદશીને સોમવારે અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી આ લોકમાં પ્રગટ થયા.
ભગવાનને ‘કરુણાનિધાન’-‘કરુણાનિકેતન’-‘કરુણા-સાગર’ કહે છે. જીવોની વિવિધ રીતે રક્ષા કરવામાં આવે તો ભગવાનની કરુણા વહી જ રહી છે, પરંતુ એથીયે વિશેષ તો જીવોને પોતાના પરમ અદભુત આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય તે માટે સ્વયં પોતે કરુણા કરીને આ પૃથ્વી ઉપર પધારે છે, અગર પોતાના પરમ આનંદ સ્વરૂપમાં રસબસ રહેલા મુક્તોને આ પૃથ્વી ઉપર મોકલે છે, જે અનંત જીવોને ભગવાનના સ્વરૂપમાં જોડી ખરેખરો પરોપકાર છે. શ્રીહરિના આવા કરુણાસભર સંકલ્પથી જ અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનું આ પૃથ્વી પર વિચરણ હતું.
બાળપણથી જ અબજીબાપાશ્રી સર્વ ક્રિયામાં અલૌકિકતાનાં દર્શન થતાં. કેટલાય દિવસ સ્તનપાન ન કરે તો યે સદાય પ્રફુલ્લિત જણાતા. સહેજ મોટા થયા ત્યારે અન્ય બાળકો સાથેની રમતમાં પણ ભગવાનની સ્મૃતિ જણાયા કરે, બાળસખાઓને ભગવાનના પરમ અદભુત સ્વરૂપની વાતો કરે, ધ્યાન કરાવે, નિદ્રામાંથી જાગે ત્યારે ભગવાનનાં દર્શનની વાતો કરે. તળાવ કે કૂવામાં નહાતાં વધુ સમય લાગે ને કોઈ પૂછે તો કહે : ‘‘હું તો શ્રીજીમહારાજનાં દર્શન કરતો હતો,’’ એમ કહી શ્રીહરિજીની મૂર્તિનું એવું તો વર્ણન કરે કે શ્રીહરિના એ સ્વરૂપમાં ખેંચાઈ જવાય. બાળસખાઓ સાથે મંદિર જાય, સંત-હરિભક્તોની સેવા કરે, કીર્તનોની રમઝટ બોલાવે ને સૌને આનંદમાં તરબોળ કરી દે. તો ક્યારેક બાળમિત્રોને આશ્ચર્યજનક દર્શન પણ કરાવે. ઊંચેથી ધુબકો મારી કૂવા-તળાવમાં નહાવા પડે તો ય પોતાનું શરીર અડધું પણ પાણીમાં ડૂબવા ન દે ! તો કોઈ વાર રમતમાં બાળમિત્રો પકડવા આવતા હોય ત્યારે બહુરૂપે દેખાય !
માતાપિતાના એક માત્ર પુત્ર હોવાથી, તેમના આગ્રહથી અબજીબાપાશ્રીએ ગૃહસ્થાશ્રમ અપનાવ્યો હતો. ઘરની આર્થિક સ્થિતિ દુર્બળ હતી, તે છતાં પોતાને કોઈ અપેક્ષા જણાય નહિ. માતાપિતા કોઈ વાર આર્થિક સ્થિતિની વાત કરે તો કહે : આપણે તો અક્ષરધામમાં શ્રીજીમહારાજની સભામાં છીએ, આપણે અહીં ક્યાં છીએ ! પોતે ખેતીનું કામ કરતા. કોઈ વાર બીજાને ત્યાં કામે ગયા હોય ત્યાં પોતાના સાથીદાર કરતાં એટલા જ સમયમાં આશ્ચર્યજનક રીતે ઘણું કામ કરી બતાવતા, તેથી દરેકને તેમના વિષે દિવ્યભાવ જણાતો. શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા કેવી રીતે વ્યાવહારિક કાર્યો કરવાં તે પોતાની ક્રિયાઓ દ્વારા સૌને જણાવતા હોય તેમ લાગે.
જાણે અનેકને પોતાની સ્થિતિની સમજ પાડવાની હોય તેમ કરુણાથી પ્રેરાઈને, અબજીબાપાશ્રી સમાધિમાં રહેવા લાગ્યા. કોઈ વાર ત્રણ દિવસ, પાંચ-સાત દિવસ કે વધુ દિવસ સુધી સમાધિ રહે. ધીરે ધીરે સમગ્ર સત્સંગ ‘સમાધિવાળા અબજીભાઈ’ તરીકે તેમને ઓળખવા લાગ્યો. ધ. ધુ. આદિ -આચાર્ય મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને મંદવાડ જણાતાં કચ્છનો સંઘ આચાર્ય મહારાજશ્રીનાં દર્શને ગયેલો, ત્યારે અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ તે સંઘમાં અમદાવાદ ગયેલા. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીએ તે વખતે ત્યાં દર્શને આવેલા સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામીશ્રીને અબજીબાપાશ્રીની ઓળખાણ પડાવતાં કહેલું કે, ‘‘આ સમાધિવાળા અબજીભાઈ.’’ એ રીતે સમગ્ર સત્સંગમાં અબજીબાપાશ્રી જાણીતા થયા.
કોઈ હરિભક્ત માંદા હોય તેની પોતાને ખબર પડે ત્યારે મુક્તરાજ અબજીબાપાશ્રી તેની પાસે જાય, કીર્તનો બોલે, શ્રીજીમહારાજના મહિમા-પ્રતાપની વાતો કરે, ને તેને ધામમાં મૂકી દે. આમ સગાંવહાલાંઓ તથા ગામ-પરગામના હરિભક્તોને અબજીબાપાશ્રીની મહાન સ્થિતિ જણાતી.
તે સમયે ભૂજ મંદિરમાં સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી, માંડવીમાં લક્ષ્મીરામભાઈ, રામપુરમાં ધનબા વગેરે મહાન સ્થિતિવાળા મુક્તો હતાં. એ સૌને સ્વાભાવિકતઃ જ અબજીબાપાશ્રી સાથે અરસપરસ ખૂબ હેત હતું. અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહાન સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીશ્રી કે જેઓ સદગુરુ ગોપાળાનંદ સ્વામીશ્રીની કૃપાથી શ્રીહરિના સાક્ષાત્કારની સ્થિતિને પામેલા, તેઓશ્રી જ્યારે અમદાવાદથી ભૂજ પધારે ત્યારે તેઓશ્રી પણ અબજીબાપાશ્રી સાથે ખૂબ હેત જણાવતા ને શ્રીજીમહારાજના રહસ્યની વાતો પરસ્પર એકાંતે કરતા.
સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના મંદવાડના સમાચાર મળતાં મુક્તરાજ અબજીબાપાશ્રી અમદાવાદ પધારેલા. તે વખતે સદગુરુશ્રીના આસને સદગુરુશ્રી અને મુક્તરાજશ્રી એકાંતે બેઠા હતા, ત્યારે સદગુરુશ્રી કહે : ‘‘અબજીભાઈ ! મને તમનોને ભેટીને મળવાનો સંકલ્પ છે તો તમે આ આંગડી પહેરી છે તે કાઢી નાખો.’’ ત્યારે મુક્તરાજશ્રીએ પોતે પહેરેલી આંગડી કાઢવા માંડી, ત્યાં તો આંગડીમાંથી તેજની છટા છૂટી ! સદગુરુશ્રી કહે : ‘‘અહો ! તમો આવા તેજોમય છો ?’’ ત્યારે મુક્તરાજશ્રી કહે : ‘‘સ્વામી ! આપ પણ એવા જ તેજોમય છો ! શ્રીજીમહારાજ અને તેમના મુક્તો - એ સૌ તેજોમય છે.’’ એમ કહી તેજ સંકેલી લીધું. તે વખતે મૂળીવાળા સ. ગુ. શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ત્યાં હાજર હતા.
બહારગામથી હરિભક્તો પોતાની પાસે આવે ત્યારે કોઈ વાર અબજીબાપાશ્રી ધ્યાનમાં બેઠા હોય, તે ઘણી વાર જાગૃત થાય. એક વખત પોતાની વાડીમાં પોતે શ્રીજીમહારાજમાં જોડાઈને કોસ હાંકતા હતા, ને બહારગામના હરિભક્તો આવ્યા, કેટલીય વાર સુધી ઊભા રહ્યા પણ અબજીબાપાશ્રીને અંતર્વૃત્તિને કારણે જાણ થઈ નહિ. હરિભક્તોએ ઊંચે સાદે ‘જય સ્વામિનારાયણ’ કર્યા ત્યારે જાણ થઈ ! શ્રીજીમહારાજના મહિમા અને દિવ્યભાવની વાતો કરે ત્યારે સાંભળનારા સૌ કોઈ તલ્લીન થઈ જાય, ને સૌ કોઈને શ્રીહરિજીના માહાત્મ્યની સાથે સાથે આપોઆપ અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનું માહાત્મ્ય પણ હૃદયમાં ઊતરી જતું.
અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી સામાન્ય રીતે બોલતા ઓછું, ધ્યાનમાં વિશેષપણે રહેતા. આથી સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા અ. મુ. લક્ષ્મીરામભાઈ જેવા મુક્તો આગ્રહ કરી તેમની પાસે શ્રીજીમહારાજના અદભુત પ્રતાપની વાતો કરાવતા. તે જ રીતે સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી તથા મૂળી મંદિરના સદગુરુઓ અબજીબાપાશ્રીને વિનય કરી બોલાવવાનો બહુ આગ્રહ કરતા ત્યારે આગ્રહને વશ થઈને અબજીબાપાશ્રી પ્રસંગોપાત શ્રીહરિના રહસ્ય જ્ઞાનની અદભુત વાતો કરતા.
સુગંધથી મઘમઘતા સુમનને (પુષ્પને) મધમાખીઓને આમંત્રણ આપી બોલાવવી પડતી નથી, તે તો સુગંધથી આકર્ષાઈને આપમેળે ટોળે વળે છે ! શ્રીજીમહારાજની મૂર્તિરૂપી સુગંધથી મઘમઘતા અબજીબાપાશ્રીના સમાગમ માટે ગામેગામથી મુમુક્ષુઓ ઊભરાવા લાગ્યા. પોતાને તો રાજસી ઉદ્ઘોષ જરાયે ન હતો. પોતે કહેતા કે કૂવો ખોદવા-ગાળવાનું કામ ચાલતું હોય, ત્યાં કેટલાય મજૂરો ખોદતાં હોય, માટી કાઢતાં હોય, વગેરે પ્રવૃત્તિનો ઉદ્ઘોષ ઘણો લાગે પણ ત્યાં જઈએ તો પાણી પીને તૃષા છીપે તેવું ન થાય, પણ જ્યાં અલંગ કૂવો ભર્યો પડ્યો હોય ત્યાં બીજો કોઈ ઉદ્ઘોષ ન હોય, જે કોઈ આવે તે પાણી પીને સુખિયા થતા જાય ! અપાર-અપાર એવી શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિના સુખનું પાન કરાવવા માટે અબજીબાપાશ્રીએ સાત્વિક સદાવ્રત ખલ્લું મૂક્યું હતું. પોતે કહેતા : ‘‘કોઈ આવો ! કોઈ આવો ! આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે !’’ અનંત જીવોને આ આત્યંતિક કલ્યાણનાં સદાવ્રતનો લાભ મળે તે માટે ક્યારેક ક્યારેક અબજીબાપાશ્રી સંઘ લઈ કચ્છમાંથી અમદાવાદ-વડતાલ-છપૈયા પધારતા, તો ક્યારેક યજ્ઞ-પારાયણનું નિમિત્ત કરી હરિભક્તો-મુમુક્ષુઓને કચ્છમાં તેડાવતા ને પોતાના યોગમાં આવેલાને શ્રીહરિજીની મૂર્તિના સુખમાં જોડી દેતા.
ઉપરોક્ત કલ્યાણકારી હેતુથી સં. ૧૯૪૨માં કચ્છમાંથી છસો હરિભક્તોનો સંઘ લઈ પગે ચાલીને અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી ગામેગામ દર્શન દેતાં દેતાં, મૂળી-ગઢપુર-ધોલેરા-ધોળકા-જેતલપુર મંદિરોમાં દર્શન કરી, શ્રીહરિ જન્મોત્સવ (ચૈત્ર વદ ૯) ઉપર અમદાવાદ પધાર્યા હતા. અમદાવાદથી ડભાણ-વડતાલ-બુધેજ-કમિયાળા-કારિયાણી-સારંગપુર-ગઢપુર-ગોંડળ-જૂનાગઢ-રાજકોટ-જામનગર વગેરે સ્થળોએ વિચરણ કરી, ભૂજ પાછા પધાર્યા હતા. સં. ૧૯૫૬માં સંઘે સહિત શ્રીહરિજીની જન્મભૂમિ છપૈયાધામે પધાર્યા હતા. ફરી સં. ૧૯૭૨માં શ્રી છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિઠોત્સવ ઉપર અબજીબાપાશ્રી છપૈયા પધાર્યા હતા. તે વખતે ભૂજથી જામનગર-રાજકોટ-મોરબી-વાંકાનેર-મૂળી-લીલાપુર થઈ પાટડી પધાર્યા હતા, ને ત્યાં હરિમંદિરમાં પ. પૂ. આચાર્ય મહારાજશ્રીએ અ. મુ. બાપાશ્રીને સાથે રાખી મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. ત્યાંથી વીરમગામ-સરસપુર થઈ જેતલપુર પધાર્યા હતા. ત્યાં કથા-પારાયણમાં સૌને દર્શન સમાગમનો લાભ આપી અસલાલી થઈ અમદાવાદ પધાર્યા હતા. ત્યાંથી બે હજાર માણસોનો સંઘ લઈ પોતે જયપુર થઈ છપૈયા પધાર્યા હતા. ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીએ અ. મુ. બાપાશ્રીને સાથે રાખી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી હતી. અબજીબાપાશ્રી તે વખતે છપૈયામાં દસ દિવસ રહ્યા હતા. ત્યાંથી અયોધ્યા-આગ્રા-જયપુર-સિદ્ધપુર-ભંકોડા થઈ દેવપુરા-મણિપુરા-જોષીપુરા-વીરમગામ-મૂળી થઈ ભૂજ પાછા પધાર્યા હતા. તેવી જ રીતે સં. ૧૯૭૯માં મૂળી મંદિરના શતવાર્ષિક પાટોત્સવ નિમિત્તે વિષ્ણુયાગમાં અબજીબાપાશ્રી પધારેલા ને હજારો હરિભક્તોને દર્શન-સેવા સમાગમનો લાભ આપ્યો હતો. એ પ્રસંગે મૂળી મંદિરના છેલ્લાં સો વર્ષના ઇતિહાસમાં એટલા હરિભક્તોનો સમુદાય પહેલી વખત ભેગો થયો હતો. તે વખતે હરિભક્તોના આગ્રહથી અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લાઓનાં અસંખ્ય ગામડાંઓમાં પોતે વિચરણ કરી, હરિભક્તોને લાભ આપી રાજી કર્યા હતા. સં. ૧૯૬૭, સં. ૧૯૭૯ ને સં. ૧૯૮૩ એમ ત્રણ વખત પોતે કરાંચી પધારેલા ને અનેક સત્સંગી મુમુક્ષુઓ એ અવસરનો અલૌકિક લાભ લઈ સુખિયા થયા હતા.