• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૨)

0:000:00

શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં કરતાં જીવ જ્યારે તદાકારપણાને પામી જાય ત્યારે શ્રીજીમહારાજ તેને પોતાની મૂર્તિમાં ખેંચી લે છે, જેમ સમુદ્રના જળને વેળ સમુદ્રમાં ખેંચી લે છે તેમ. જે મુક્ત થયો તેને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. ત્યારે એ મુક્તને અતિ અપાર સુખ આવે છે. એ સુખની હદ નથી જે આટલું જ સુખ. અનંત મુક્ત અનંત કોટિ કલ્પ થયા એ સુખમાં રમણ કરે છે. તો પણ એ સુખ ‘આવું’ એમ કોઈ કહી શકતું નથી. તેમ એ સુખમાં તૃપ્ત પણ થવાતું નથી, જેથી મૂર્તિના સુખમાં મુક્ત કેમ રહેતા હશે તેનું વર્ણન શું કરાય ? શ્રીજીમહારાજ સુખના સાગર છે ને અનાદિમુક્ત એ સાગરમાં ડૂબ્યા જ રહે છે. એવા અનાદિમુક્તના જોગ-સમાગમ અને રાજીપાથી એ મૂર્તિમાં પહોંચાય છે. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજના સમૂહ ઝળળ ઝળળ છૂટે છે, ને અનંત મુક્ત એ મૂર્તિમાં રહ્યા થકા સુખ લે છે. મોટાની દયા થાય, તો ત્રણે ય અવસ્થામાં મૂર્તિ એમ ને એમ દેખાય છે. અને મૂર્તિનો સંબંધ ત્યારે જ થયો કહેવાય. એ મૂર્તિમાં અપાર સુખ છે. એ સુખભોક્તા થવાને અર્થે શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત રાજી થાય તેમ વર્તીને નિરંતર આવી દિવ્ય સભાનો જોગ-સમાગમ કરવો જોઈએ. મહાપ્રભુના લાડીલા અનાદિમુક્ત મળ્યા વિના જીવ ગમે તેટલાં સાધન કરે પણ મૂર્તિના સુખની પ્રાપ્તિ ન થાય. અને એકલા સાધનવાળા સત્સંગને દિવ્ય ન જાણી શકતાં લૂખા ને લૂખા રહે છે. એ તો જ્યારે મોટા અનાદિનો જોગ કરીને કારણ ને કાર્ય એ બેયને ઓળખે ત્યારે સત્સંગ બધો દિવ્ય જણાય ને મોક્ષ પણ ત્યારે જ થાય. તે વિના શુષ્કપણું મટે નહિ.

શ્રીજીમહારાજ તથા મોટા મુક્તના સમાગમે અને તેમની પ્રસન્નતાએ કરીને શ્રવણ, મનન આદિ કરતાં કરતાં જ્યારે દિવ્યભાવ આવે ત્યારે માયિક દૃષ્ટિ મટી જાય એટલે તેજના સમૂહમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય, તે ભેળા અનંત મુક્ત પણ દેખાય. તે તેજના અપાર સમૂહનો ફરર ફરર ફરેરાટ થાય છે. જેમ વાયુએ કરીને ઝાડ ખડખડે છે ને શબ્દ થાય છે તેમ સંભળાય છે ! તે પ્રણવનો નાદ સંભળાયો, તેજ પણ દેખાયું અને ભૂંડા ઘાટ પણ યથાર્થ ત્યારે જ ટળે. તે જેટલી સ્થિતિ થાય અને જેટલું મૂર્તિમાં રહેવાય તેટલો નાદ, પ્રકાશ ને ભૂંડા ઘાટનું બંધ થવાપણું થાય છે.

જીવને જ્યારે મોટા મુક્તનો જોગ-સમાગમ થાય છે અને તેમની સેવાએ તેમને પ્રસન્ન કરે છે, ત્યારે તેમના ઉપર એ મોટા મુક્તની કૃપા થાય છે. તેથી તેની માયિક દૃષ્ટિ પલટાઈને દિવ્ય દૃષ્ટિ થાય છે ત્યારે માયા કે માયાનું કાર્ય કોઈ તેની નજરમાં આવતું નથી. જેમ આકાશમાં રાત્રે જોઈએ તો કેવી તારાની રચના દેખાય છે, પણ જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે તેના પ્રકાશમાં એ સર્વે લીન થઈ જાય છે, પછી જોઈએ તો એકે ય તારો નજરે આવે નહિ. તેમ અનંત કોટિ બ્રહ્માંડોની અનંત બીજી રચનાઓ શ્રી પુરુષોત્તમ ભગવાન જે શ્રીજીમહારાજ તથા તેમના મોટા મુક્ત, તેના પ્રતાપે નજરમાં જ આવે નહિ. એવી અલૌકિક દૃષ્ટિ આવા મોટાના જોગથી અહીં જ થાય છે.

શ્રીજીમહારાજ પોતાના ભક્તને વિષે વ્યતિરેકપણે રહ્યા છે ને બીજા સર્વમાં અન્વયપણે રહ્યા છે, તે કેવી રીતે તો જેમ રાજાની સત્તા પોતાના મુલકમાં અન્વયપણે દિવાનથી લઈને કારભારી, ફોજદાર તથા તેનાથી નીચેના અમલદારોમાં આવતી ગઈ ને ત્યાંથી વસ્તી ઉપર હુકમ ચાલ્યો, તે કોઈ ગુનામાં આવે તેને પોતાની સત્તા જેમાં આવેલી છે એવા જે સિપાઈ તે પકડે. તેમાં કોઈ રાંકને, મોટા ગૃહસ્થે કે અમલદારે માર્યો હોય તો ય તેને એ દરવેશવાળા પોલીસ કાયદેસર કામ ચલાવે ને શિક્ષા પણ થાય. અને વ્યતિરેકપણું તો એમ જે, જેમ રાજાનો વહાલો કુંવર હોય અને તેણે કોઈક નબળા, સારા કે બીજા કોઈ વાંકમાં આવ્યા હોય, તેને માર્યા હોય, તો તેના ઉપર બીજાની સત્તા નહિ, રાજા પોતે તેને ખાનગીમાં જેમ કરવું હોય તેમ કરે અથવા દંડ દેવો હોય તો ય રાજા પોતે દે. એવી રીતે અન્વય-વ્યતિરેકપણું અમને સમજાય છે.

શ્રીજીમહારાજે અતિ અપાર કરુણા કરી અક્ષરધામમાંથી અહીં દર્શન આપ્યાં, તો ય જીવને અજ્ઞાન બહુ, ને ઓળખી ન શકે. આપણે તો કારણ મૂર્તિ શ્રીજીમહારાજને સાથે ને સાથે રાખવા. એ મૂર્તિ અલૌકિક, દિવ્ય છે, અકળિત છે, સનાતન છે, અખંડ ને અવિનાશી છે, ચિંતામણિરૂપ છે, તેમાંથી જે ચિંતવે તે મળે, પણ જીવને એ સુખમાં દૃષ્ટિ પહોંચતી નથી, તેથી માયિક સુખમાં વલખાં મારીને ખોટી થાય છે, પણ જો આવી દિવ્ય સભાને ઓળખી જોગ કરે, તો ખોટ માત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય. મોટાના જોગની વાત જબરી છે.

જેને એક શ્રીજીમહારાજનો જ આધાર હોય એ ભક્તને કોઈની બીક ન લાગે અને જે અનાદિમુક્ત હોય તેની તો વાત જ જુદી ને સામર્થી યે જુદી. તેને તો જે જાણતા હોય તે જાણે. શ્રીજીમહારાજે એક વાર અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું જે, ‘‘તમે ઝાડી દેશમાં સત્સંગ કરાવવા જશો ?’’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘‘ભલે મહારાજ ! જેમ આજ્ઞા કરો તેમ.’’ આ વાતની ખબર પડી એટલે મંડળના સાધુ પરસ્પર કહેવા લાગ્યા જે, ‘સ્વામીશ્રીએ હા પાડી, પણ એ દેશમાં વાઘ બહુ છે, તેથી ત્યાં કેમ રહેવાશે ?’ એમ માંહોમાંહી વાતો કરે પણ કોઈ સ્વામીશ્રીને કહી શકે નહિ. પછી જવું હતું તે દિવસ સહુ મહારાજને દંડવત્‌ કરી, મળીને ચાલ્યા. ત્યારે માર્ગમાં સાધુઓએ કહ્યું જે, ‘સ્વામી ! એ દેશમાં વાઘ ખાઈ જાય એવા છે.’ ત્યારે સ્વામી કહે, ‘‘એનું કાંઈ નહિ. જેણે ગર્ભમાં રક્ષા કરી છે, એના એ રક્ષા કરશે.’’ એમ કહી એ દેશમાં ગયા ને ગામેગામ ફરી શ્રીજીમહારાજના અદભુત પ્રતાપની વાતો કરવા લાગ્યા. સંતો દિવસે ગામમાં ફરે, વાતો કરે અને ભિક્ષામાં જે મળે તે જમી લે. રાત પડે એટલે સ્વામી વગડામાં આસન કરાવે, એ ટાણે ઘણી યે મૂંઝવણ થાય, પણ શું કરે ? કેમ કે સૌ મોક્ષના ખપવાળા. એ વખતે સ્વામી આસન ફરતો એક લીટો તાણે ને કહે જે, ‘‘હવે સૌ બીક મૂકીને ધ્યાન ભજન કરો.’’ પછી કોઈ ધ્યાન કરે ને કોઈ માળા ફેરવે; રાત અંધારી હોય, તેથી છેટે કાંઈ દેખાય નહિ અને વાઘ આવીને ગર્જના કરે, ત્રાડો નાખે, એટલે સંતો બીવા માંડે, પણ વાઘ આદિ કોઈ હિંસક જનાવર એ લીટાની માંહી આવી શકે નહિ. એવું જોઈ ધીરે ધીરે સૌને શાંતિ આવી. એક દિવસ રાત્રે આસન કર્યા પછી જાણે ઇન્દ્ર કોપાયમાન થયો હોય તેમ ખૂબ વરસાદ વરસવા લાગ્યો. સાથે વા, ઝડી, વીજળીના ઝબકારા ને કડાકા થયા. સંતોએ જાણ્યું જે, ‘હવે શું થશે ?’ જ્યાં દૃષ્ટિ જાય ત્યાં પાણી પાણી દેખાય ને એમ લાગે જે ‘હમણાં બધે ય ફરી વળશે.’ ચારે કોરે પાણી ઉછાળા મારે, પણ સ્વામીશ્રીની કૃપાથી લીટાની માંહી ન આવે. જાણે પાળ હોય તેમ થઈ ગયું, તેથી સંતો આશ્ચર્ય પામી ગયા.

એક વખત અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજે ફરી વાર એ જ દેશમાં મોકલ્યા, ત્યારે એક ગુફામાં સંતોને ધ્યાન કરવા બેસાર્યા; અને તે સંતોને બદલે પોતે સંકલ્પ કર્યો તેથી જે જે ગામ જવું હતું, ત્યાં એવા ને એવા જ સંતો તથા પોતે દેખાયા. એ રીતે છ મહિના થયા ત્યાં સુધી ગામેગામ દર્શન દેતા ને શ્રીજીમહારાજના પ્રતાપની વાતો કરતા ઘણો સત્સંગ કરાવ્યો. પણ જ્યારે વડતાલ આવવું હતું, ત્યારે જે સંતોને ગુફામાં ધ્યાન કરવા બેસાર્યા હતા, તેને જગાડીને નવા થયેલા સત્સંગી હરિભક્તોનું મંડળ સાથે લઈને વડતાલ પહોંચ્યા. તે વખતે શ્રીજીમહારાજે સભામાં સંતોની ચંદનપુષ્પે પૂજા કરીને સ્વામીશ્રીના આ અદભુત પ્રતાપની સૌને વાત કરી; તેથી સાથે ગયેલા સંતો તથા હરિભક્તો સહુ આશ્ચર્ય પામ્યા. એવી રીતે અનાદિમુક્ત એક સંકલ્પ કરે; એટલામાં તો અનંત કોટિ બ્રહ્માંડમાં જે ધારે તે થાય, કેમ કે એ તો શ્રીજીમહારાજ રૂપ છે. તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. તો પણ જીવને એ વાતની ખબર ન પડે. એટલે મનુષ્ય જેવાજાણે તેથી રાજી કરી શકે નહિ.

આપણને શ્રીજીમહારાજ ને તેમના લાડીલા મુક્ત પ્રગટ મળ્યા. એ બહુ જબરો લાભ મળ્યો છે. જેને દેહને મૂકીને પામવા હતા તે દેહ છતાં મળ્યા. એ કેવડી દયા ! આમ આંખો મીંચીએ કે મૂર્તિ દેખાય એટલી જ વાર ! પણ સંભારવા ખપે ! એ મૂર્તિ અલૌકિક દિવ્ય છે, સુખમાત્ર એમાં છે.

એક દિવસ રાત્રે અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આસનમાંથી ઊઠીને ધ્યાન કરવા બેઠા, એટલામાં તો શ્વેત, શીતળ ને ઘાટો તેજનો સમૂહ દેખાયો. પછી આંખો ઉઘાડીને જોયું તો બહાર પણ એમ જ. ઘડીક એ તેજના સમૂહ સામું જોયું તો તેમાંથી તેજોમય શ્રીજીમહારાજ ઝડપથી આવીને ઊભા રહ્યા. સ્વામી કહે, ‘‘મહારાજ ! બહુ દયા કરી !’’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘‘તમે ધ્યાન કરવા મંડ્યા, એટલે અમે આવ્યા.’’ આવા અનાદિ મહામુક્ત તો અખંડ ભેળા ને ભેળા રહે તેને ધ્યાન કરવાનું શું હોય ? પણ આપણને એમ કરવાનું શીખવ્યું.

આપણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં ભેળા છીએ. અક્ષરધામમાં કોઈ નાના મોટા નથી. શ્રીજીમહારાજ સૌને સરખું સુખ આપે છે. સુખના દરિયામાં વધુ ઓછું સુખ કોને હોય ?

શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજના સમૂહ નીકળે છે, એ તેજ સહુનું આધાર છે, એવા શીતળ, શાંત અને સુખરૂપ તેજમાં અપાર ઐશ્વર્ય, ગુણ, શક્તિ, સુખ, સામર્થ્યએ સહિત પોતે અખંડ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત સુખ ભોગવે છે. તે મુક્ત સર્વે ભેળા ને ભેળા જ રહે છે. જેમ શ્રીજીમહારાજ અનાદિ, તેમ એ મુક્ત પણ અનાદિ. મૂર્તિ આકારે આકાર. સળંગ રસબસભાવે જોડાઈ રહ્યા છે. એવા અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ અરસપરસ એકતાર રહે છે. એ સભા દિવ્ય છે; સૌના શ્રીજીમહારાજ જેવા આકાર છે અને જે સન્મુખ રહીને સુખ ભોગવે છે, તે પરમ એકાંતિક મુક્ત કહેવાય, ‘સૌને સન્મુખ ભાસે રે, સૌના સામું જોઈ રહ્યા.’ એવા દિવ્ય તેજોમય શ્રીજીમહારાજ સર્વે મુક્તોને એક કાળે સુખ આપે છે.

આજ તો અક્ષરધામમાંથી શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત કૃપા કરીને પધાર્યા છે. આવા મુક્ત મળ્યા હોય તો ય દુખિયું રહેવાય, એ તો બહુ ખોટ ગણાય ! જીવનો ઝાઝો વાંક તો એ છે કે, મહારાજે બાંધેલી આજ્ઞામાં ગોટા વાળે છે; પણ તેમ ન કરવું. શ્રીજીમહારાજ તથા મોટાની આજ્ઞા પ્રમાણે બરાબર વર્તીને પોતાની ખોટ હોય તે ટાળી નાખવી. આજ ખરેખરું ટાણું આવ્યું છે. આવું ટાણું વારેવારે ન મળે. આવો અવસર ભૂલ્યા પછી ઓરતો થાય એ શું કામનું ? હજાર જન્મે કે લાખ જન્મે પણ વચનમાં વર્તીને ચોખવટ કર્યે છૂટકો છે. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તનો ખરેખરો મહિમા જાણ્યો હોય તો એમાં શું કઠણ પડે ? અનેક જન્મ ધરે તો ય આવો જોગ ક્યાંથી મળે ? માટે આવા જોગમાં મૂર્તિ સિદ્ધ કરી લેવી. મોટા અનાદિની કૃપાએ જેને દિવ્ય દૃષ્ટિ થાય તેને એમ જણાય જે, ‘શ્રીજીમહારાજ સદાય પ્રત્યક્ષ બિરાજે છે. ફરતી મુક્તની ઠઠ્ઠ છે. મૂર્તિમાંથી નકરું અમૃત વરસે છે, તે અમૃતનું પાન કરવું.’ ‘‘અમૃત રસ મેલી રે, વિખ હું નહિ ચાખું.’’ એમ કરી નાખવું. જીવને બહિર્વૃત્તિ બહુ છે, તેથી આવી અલૌકિક વસ્તુની ખબર પડતી નથી.

સૂર્યનાં પ્રત્યક્ષ દર્શન વાલખિલ ઋષિને થાય છે, પણ બીજાને તો એમનો પ્રકાશ દેખાય છે. તેમાં જન્મ આંધળાને તો સૂર્ય કે તેજ એ બેમાંથી એકેયનું દર્શન નથી, પણ અનુમાને જાણે કે સૂર્ય ઊગ્યો છે, તેમ આ સત્સંગમાં જે દેહાભિમાને રહિત ભક્ત છે, તે તો મુક્ત દ્વારે શ્રીજીમહારાજને દેખે છે અને હજૂરમાં રહેનારા જે મુક્ત તેને તો સાક્ષાત્‌ દર્શન થાય છે. અને દેહાભિમાનવાળા તો (આંધળાની પેઠે) અનુમાને જાણે જે ‘ભગવાન સર્વત્ર રહ્યા છે.’ પણ તે તો એ બે સ્વરૂપમાંથી એકેયને દેખે નહિ, તેથી મોક્ષ પણ ન થાય, તે માટે શ્રીજીમહારાજે દયા કરી જીવોને સુખિયા કરવા પોતાના મુક્તોએ સહિત પૃથ્વી પર મનુષ્યરૂપે દર્શન આપ્યાં છે તેમ જાણી સાવધાન થઈને દેહાભિમાન, રસાસ્વાદ તથા કામ, ક્રોધ, લોભ, માન આદિ સર્વે દોષ ટાળી શ્રીજીમહારાજ તથા મોટા સાથે જોડાઈ જવું, તો તત્કાળ મોક્ષ થઈ જાય.

આપણને શ્રીજીમહારાજની મૂર્તિરૂપ ચિંતામણિ મળી છે. તેને જતન કરીને સાચવી રાખવી અને એમ જાણવું જે એમાં બધું ય છે. એ મહાપ્રભુનો મહિમા આવા અનાદિમુક્તના યોગે યથાર્થ સમજાય છે. પણ તે વિના કોટિ કલ્પે અને કોટિ સાધને પોતાની મેળે સમજાય નહિ. માટે આખી પૃથ્વીનું રાજ્ય મળ્યું હોય, તો ય તેને મૂકી દઈને આવા મુક્તનો જોગ કરી મહારાજની મૂર્તિમાં ધ્યાને કરી જોડાવું. મહારાજને પ્રથમ કેવા ધારવા, તો કોટિ કોટિ સૂર્ય-ચંદ્રમા જેવી તેજોમય મનોહર મૂર્તિ છે જેમની, અને કમળની પાંખડી સરખાં અણિયાળાં નેત્ર વડે દિવ્ય સભા ઉપર જાણે અમૃત વરસાવતા હોય તેમ દૃષ્ટિ કરતા, અને કંઠને વિષે કૌસ્તુભમણિ આદિક અલંકારો તથા અંગોઅંગમાં દિવ્ય શણગાર શોભી રહ્યા છે એમ ધારવા, અને જ્યારે સર્વત્ર સચ્ચિદાનંદ ચિદ્‌ઘન તેજરૂપ પોતાનું સ્વરૂપ મનાય ત્યારે તો મહારાજ પણ દિવ્ય તેજોમય જેવા છે તેવા જણાય. એટલે અહો ! અહો ! થઈ જાય. એ મૂર્તિમાં અદભુત શોભા છે. અનંત મુક્ત એ સુખમાં થીજી રહ્યા છે. એ સભાનું પરિમાણ કોઈથી થાય તેમ નથી; અપાર ને અપાર છે. એ સુખનો અવધિ નથી. આવું સુખ અંતરમાં ઊતરે તો દીવાના, મસ્તાના થઈ જવાય. એ સુખ આ સમયે શ્રીજીમહારાજ અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં પ્રવર્તાવે છે, પણ જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી એ સુખ મળે નહિ. શ્રીજીમહારાજ અને મુક્તની તો અપાર દયા છે, તેથી એ જીવની કેડે કેડે ફરે છે, પણ જીવને એ વાતની ખબર નહિ, તેથી દુખિયા રહે છે. આ તો જેમ પારસથી પારસ બને તેમ અનાદિને જોગે અનાદિ થવાય. એવું ટાણું આવી ગયું છે. માટે ખબરદાર થઈને શ્રીજીમહારાજના મહિમારૂપ જ્ઞાન-યજ્ઞ કર્યા કરવો. એ મૂર્તિમાં સુખ સુખ ને શાંતિ શાંતિ રહ્યાં છે. સત્સંગનું ને સર્વ સાધનનું ફળ એ કારણ મૂર્તિ છે. મુક્ત અને શ્રીજીમહારાજ તો સદાય ભેળા જ છે. જેમ ચમક લોહને ખેંચે તેમ જીવ ખરેખરો પાત્ર થાય તો શ્રીજીમહારાજ અને મુક્ત તેને ખેંચી લે છે. પછી તેને કોઈ વિઘ્ન નહિ પણ, જળે જળે કમળ ન હોય અને વને વને અગર ન હોય, તેમ ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે શ્રીજીમહારાજનો જેમ છે તેમ મહિમા જાણી એ મૂર્તિમાં જોડાવું અને અનાદિમુક્તનો અખંડ જોગ રાખવો. તે વિના અક્ષરકોટિ આદિ કોઈની ગણતરી રાખવી નહિ.