• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૫)
શ્રીજીમહારાજ દિવ્ય છે, તેમ આ સંત હરિભક્તોની સભા બધી દિવ્ય છે. આ સભા તુલ્ય કાંઈ નથી, પણ એવો ભાવ બેસતો નથી. એ જ અજ્ઞાન છે. જીવને બહિર્વૃત્તિ બહુ થઈ ગઈ છે, તેથી આવો જોગ મળ્યો છે, તો ય કામ કરી શકતા નથી. તો અંતર્વૃત્તિ કરીને મૂર્તિમાં જોડાય તો કાંઈ બાકી રહે નહિ. મૂર્તિમાં અલૌકિક, અપાર ને અનહદ સુખ છે. કલ્પેકલ્પ વીતી જાય તો ય તૃપ્તિ થાય નહિ. જેમ સૂર્યના રથમાં પ્રકાશ વિના બીજું કાંઈ દેખાય જ નહિ, તેમ મૂર્તિમાં નકરું સુખ, સુખ ને સુખ જ છે અને તે અતિ અપાર છે, ઉપમા વગરનું છે; માટે બધા ય દાખડા કરવા પડ્યા મૂકીને મૂર્તિમાં જોડાવું. જો ખરેખરું મૂર્તિમાં જોડાઈ જવાય તો અખંડ આનંદ વર્તે. જેમ મૂર્તિનું અપારપણું છે, તેમ સુખ, સામર્થ્ય ને પ્રકાશનું પણ અપારપણું છે.
શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને અખંડ આનંદ આપવા સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯થી કલ્યાણનો કળશ ચડાવ્યો છે, તે જે જીવ શરણે આવે તેના જન્મમરણનાં ખાતાં વાળી મૂર્તિને સુખે સુખિયા કરે છે. માટે ખરેખરા પાત્ર થઈ જવું.
એક વાર શ્રીજીમહારાજે સંતની સભા સામી એવી તો અમૃત નજર કરી કે સૌની વૃત્તિ મૂર્તિમાં ખેંચાઈ ગઈ. પછી શ્રીજીમહારાજ ધીરે સ્વરે એમ બોલ્યા જે, ‘‘સંતો, આવો ! અમારા સુખના ભોગી હો તે આવો,’’ એમ કહી ઊભા થયા અને ખેસ ઓઢ્યો હતો, તે ઉતારી ઉઘાડે શરીરે સૌને ભેટ્યા અને ચરણારવિંદ આપ્યા. એટલી વારમાં તો સભામાં અહો અહોપણું ને દિવ્યભાવ સિદ્ધ થઈ ગયો. આમ શ્રીજીમહારાજ ધારે તો પોતાના જનને વાતની વાતમાં સુખિયા કરી મૂકે.
સત્સંગમાં ઘણા ય આમતેમ ભટકે છે, દાખડા ને ઉજાગર કરે છે, જપ, તપ કરે છે અને હેરાન થાય છે; તે સૌને શ્રીજીમહારાજનો ખપ છે, પણ મોટા મુક્ત જે શ્રીજીમહારાજના હજૂરી તેને વિષે દિવ્યભાવ ન હોય, તેથી તેનું મૂર્તિને પામવારૂપ કામ સિદ્ધ થતું નથી. માટે ખરું કરવાનું તો એ છે જે, મહારાજ તથા તેમના મોટા મુક્તને દિવ્ય જાણવા ને તેમનો અખંડ જોગ રાખવો, તો દેહ છતાં જ કૃતાર્થ થઈ જવાય. નહિ તો લાખો જન્મ દાખડા કરે. તો ય મહારાજનું સુખ ન મળે, કેમ જે સુખના ધણી શ્રીજીમહારાજ છે, તે સુખ આપે ત્યારે જ લેવાય. માટે એમની મરજી જાણવી જોઈએ જે, એ કેમ રાજી થાય છે ?
અનાદિમુક્ત છે તે તો શ્રી પુરુષોત્તમરૂપ છે, તેમને તો પુરુષોત્તમનારાયણ વિના બીજું કાંઈ છે જ નહિ, તો પણ આ લોકમાં દેખાય ત્યારે બધો ય વિધિ આ લોકને મળતો દેખાડે. એક વાર અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમના સાધુને રાત્રે પૂછ્યું જે, ‘આ ટાણે કેટલો વખત હશે ?’ સંતો કહે, ‘સ્વામી ! હજી અરધી રાત જેવું લાગે છે.’ પછી બીજે દિવસ બપોર ટાણે વળી એમ જ પૂછ્યું. ત્યારે સંતો કહે, ‘સ્વામી ! અત્યારે બપોર થઈ છે.’ પછી સ્વામીશ્રીએ સંતોને પાસે બેસારીને વાત કરી જે, ‘તમે તો શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ ધારો છો અને તમને બપોર કે રાતની કેમ ખબર પડી ?’ આ વાતથી સંતો સમજી ગયા કે સ્વામીશ્રીએ આપણી કાચપ ઓળખાવી. આપણે મહારાજ વિના રાત કે દિવસનો નિર્ણય શા માટે કરવો જોઈએ ? એમ મોટા મુક્ત આપણી પેઠે સર્વે ક્રિયા કરતા દેખાય, પણ એમને શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ હોય જ નહિ. એવા મોટા મુક્તની છાયા પડે ત્યારે માયા ગોતી જડે નહિ, નબળા ઘાટ સંકલ્પ ટળી જાય. જેમ કમળના ફૂલને પાણીનો પાશ ન અડે અને સૂર્યના પ્રકાશમાં અંધારું રહે નહિ, તેમ મોટાની સમીપે માયા પરાભવ કરી શકે નહિ, એમ જાણી મોટા મુક્ત સાથે આત્મબુદ્ધિ કરવી અને જીવ જડી દેવો.
શ્રીજીમહારાજને જીવનાં કલ્યાણ કરવાનો ખપ તો જુઓ ! અક્ષરધામમાંથી અહીં મનુષ્યરૂપે દર્શન દઈ ગામેગામ ને ઘરેઘર ફર્યા, પોતે ત્યાગની રુચિ જણાવતા તો ય દયાએ કરીને લાખો માણસના ભીડામાં રહ્યા, અજ્ઞાનીના ઉપદ્રવ ને અપરાધ સાંખ્યા, એવું ઘણું ય એમણે કર્યું તો ય જીવને પોતાના કલ્યાણ માટે સંત-હરિભક્તોનો ભીડો ખમવો અને વચનમાં વર્તવું એટલું ય કઠણ પડે છે. જીવને મનનું ગમતું કરવાના ઘણા કાળના સ્વભાવ પડ્યા છે, તેથી દુખિયા વર્તે છે, પણ જો એવા અવળા સ્વભાવ મૂકી આવા મોટાનો જોગ સમાગમ કરે અને સત્સંગની લટક શીખી, ભાગવત્ ધર્મ સિદ્ધ કરે, તો મહારાજ તથા મોટા મુક્ત તેની કાચપ માત્ર ટાળી નાખે.
શ્રીજીમહારાજનાં દર્શન કરવાં ત્યારે જાણે અનંત મુક્ત એ મૂર્તિ ભેળા છે; અને મોટાં મુક્તનાં દર્શન કરવા ત્યારે એવો ભાવ રાખવો જે, અનંત મુક્તે સહિત મહારાજ એમના ભેળા છે.
શ્રીજીમહારાજ મનુષ્યરૂપે દેખાયા એ મૂર્તિ તથા જે પ્રતિમારૂપે દર્શન આપે છે એ મૂર્તિ અને અક્ષરધામમાં અનંત કોટિ મુક્તને અખંડ દિવ્ય તેજોમય દર્શન આપે છે - એ ત્રણેય મૂર્તિમાં એક રોમનો ફેર નથી. આમ સમજણ રાખવાથી દિવ્યભાવ વધતો ને વધતો જાય.
શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે, સેવા અંગીકાર કરે છે, પોતાના ભક્તના મનોરથ પૂરા કરે છે, દેહ મૂકવા સમે દર્શન દઈ તેડી જાય છે, એમ અનંત પ્રકારે મોક્ષનાં દ્વાર ઉઘડ્યાં છેઃ ‘કોઈ આવો ! કોઈ આવો !’ પણ જીવને એ વાત સમજાતી નથી, તેથી રહી જાય છે. માટે મોટા મુક્ત જે શ્રીજીમહારાજના લાડીલા, તેમનો જોગ કરી પોતાનું પૂરું કરી લેવું.
આજ સત્સંગમાં શ્રીજીમહારાજના હજૂરી મુક્ત એવા જબરા છે કે દૃષ્ટિમાત્રે જીવને શ્રીજીમહારાજના સુખમાં મેલી દે છે. જો આવી સભામાં દિવ્યભાવ આવે તો છતે દેહે ધામમાં બેઠા છીએ, એવું થઈ જાય. આ સભા સર્વે અક્ષરધામની છે, એવો મહિમા સમજાય તો માયાનો પડદો ન રહે.
મોટા સંતોએ કેવાં ચમત્કારિક શાસ્ત્રો લખ્યાં છે ! જીવનાં કલ્યાણ સારુ કેવા દાખડા કર્યા છે. તો ય જીવને મહિમાની ખબર નહિ; તેથી જ્યાં ત્યાં માથાં ભટકાવે ને જેના તેના વિશ્વાસ કરે, એ તો સાવ અજ્ઞાન કહેવાય. જો શ્રીજીમહારાજની મોટપ હાથ આવે તો કોઈનો ભાર રહે જ નહિ; કેમ કે શ્રીજીમહારાજની કોઈ જોડ નથી, તેમ કોઈની ઉપમા ન દેવાય એવી એ અલૌકિક દિવ્ય મૂર્તિ છે. એવો મહિમા ન સમજાય ત્યાં સુધી બધું ય કાચું.
આપણે મૂર્તિ વિના બીજું કાંઈ સંભારવું નહિ. શ્રીજીમહારાજ આપણા સામું જોઈ રહ્યા છે, તેમ આપણે એમના સામું જોઈ રહેવું. અક્ષરધામ અને શ્રીજીમહારાજની મૂર્તિ કાંઈ છેટે નથી. આમ અંતર્દૃષ્ટિ કરીને જોઈએ તો દર્શન થાય, એટલી જ વાર છે.
શ્રીજીમહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામ અને અનંત મુક્ત હોય. આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મોટા મોટા મુક્તો પણ છે. શ્રીજીમહારાજને જવા આવવાનું ક્યાં હતું ? એ તો સદાય છે, છે ને છે જ. દિવ્ય દૃષ્ટિ ન થઈ હોય ત્યાં સુધી ક્યાંક હશે એમ જણાય, પણ દિવ્ય દૃષ્ટિવાળાને તો મૂર્તિ, મુક્ત ને ધામ સદાય પાસે જ છે.
ચકોર પક્ષી જેમ ચંદ્રમા સામું જોઈ રહે છે, તેમ આપણે શ્રીજીમહારાજ સામું જોઈ રહેવું. શ્રીજીમહારાજની દયા જીવો ઉપર ઘણી છે ! કેમ કે અનંત મુક્તો સહિત જે મૂર્તિ અક્ષરધામમાં બિરાજે છે, તે જ મહાપ્રભુએ દયા કરી ભક્તિ-ધર્મને ઘેર પ્રગટ થઈ સૌને દર્શન આપ્યાં, સાથે દિવ્ય મુક્તો પણ એવા જ લાવ્યા. માટે એ દિવ્ય મૂર્તિ અને દિવ્ય મુક્તથી ક્યારેય જુદા ન પડવું. મૂર્તિમાં જોડાઈ જવાય તો ત્રિવિધ તાપ કે કાળકર્માદિ કોઈ નડી શકે નહિ. જો પુરુષોત્તમ ભગવાન અને તેમના અનાદિમુક્ત સામું જોઈ રહીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ. આનંદ, આનંદ થઈ જાય.
આ બધી શ્રીજીમહારાજની ફૂલવાડી છે. જેના અતિ મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનું અને આવી દિવ્ય સભાનું દર્શન થાય છે. ક્યાં અક્ષરધામના પતિ ને ક્યાં અલ્પ જેવા જીવ ! આ તો ન બનવાની વાત બની ગઈ છે. શ્રીજીમહારાજ વિના કોટી સાધને આત્યંતિક મોક્ષરૂપ કામ થાય તેવું નથી, માટે એક મૂર્તિ જ મુખ્ય રાખવી.
શ્રીજીમહારાજ ચિંતામણિરૂપ છે, તેમાંથી જે ચિંતવે તે મળે પણ ચિંતવનારની ખોટ છે. નહિ તો શ્રીજીમહારાજ ને તેમના મુક્ત પળમાત્રમાં આત્યંતિક મોક્ષ કરી નાખે તેવા છે. શ્રીજીમહારાજ કહે છે કે, ‘અમારે અનંત મનવારો ભરીને જીવને લઈ જવા છે. વાંકગુના સામું જોવું નથી.’ આવા દયાળુ ભગવાન અને તેમના લાડીલા મુક્તને જીવ ઓળખે નહિ, તેથી રખડે છે. જુઓને, કેવાં શાસ્ત્ર કર્યાં, કેવાં મંદિર બાંધ્યાં, કેવી રીત ચલાવી, આમ અનેક પ્રકારે જીવને ઉગારવાનો મોક્ષમાર્ગ ચલાવ્યો છે, માટે એમના થઈને રહેવું.
શ્રીજીમહારાજ આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે. આ સભા દિવ્ય છે, અલૌકિક છે, આપણે તો એક મૂર્તિના સુખનો જ આહાર કરવો. બીજે અક્ષરકોટિ આદિમાં ક્યાંય અટકવું નહિ અને શાસ્ત્ર પણ એવાં ભણવાં તે આપણાં શાસ્ત્ર ક્યાં ? તો વચનામૃત, ભક્તચિંતામણિ, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ આદિ તથા શ્રીજીમહારાજ અને તે મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્તોની વાણી, મોટા સંતોએ આપણા સારુ એવાં સદાવ્રત બાંધી દીધાં છે. આ શ્રીજીમહારાજની દિવ્ય સભા છે. આ ટાણે અમૃત લૂંટાય છે અને સ્વાંત વરસ છે. આજ શરદ ઋતુ બેઠી છે તેથી દિવ્યભાવવાળા ન્યાલ બની જાય છે. મોટા રાજી થઈને કહે માગોે !’ ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી અને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું.
શ્રીજીમહારાજ કહે છે કે, ‘અમારે કથા, કીર્તન, વાર્તા અને ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ થતી નથી.’ એમ કહીને આપણને આજ્ઞા કરી છે જે, ‘તમારે પણ એવી જ રીતે કરવું, માટે જ્યાં જવું ત્યાં સદાય આવો ને આવો આનંદ રાખવો.’ આ બધી અક્ષરધામમાં પૂજાઓ થાય છે. આપણા ભેળા શ્રીજીમહારાજ અને અનંત મુક્ત છે, તેથી સભા સર્વે દિવ્ય, અલૌકિક છે, એમ જાણી મૂર્તિના સુખથી ભર્યા રહેવું, પણ ક્યારેય ખાલી ન રહેવું. ખાલીના કોઈ ધણી નથી.
શ્રીજીમહારાજ તો અખંડ એક જ સ્થિતિમાં દર્શન આપે છે અને સદાય પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ જેવા જેવા પાત્ર તે રીતે તેને અલૌકિકભાવ જણાય. સૌથી મોટામાં મોટા પાત્ર અનાદિ છે, તેથી જેવું અનાદિમુક્ત રસબસભાવે દર્શનનું સુખ લે છે, તેવું પરમ એકાંતિકને ન કહેવાય ને જેવી પરમ એકાંતિકને સુખ લેવાની ગતિ છે, તેવી એકાંતિકને ન કહેવાય. બીજા દેહધારીને તો જેવી પાત્રતા તેવું સુખ પણ શ્રીજીમહારાજ તો સર્વેને એક જ રીતે દર્શન આપે છે અને જે ફેર રહે છે તે પોતાની સ્થિતિનો છે.
ધામની મૂર્તિ છે તે જ મનુષ્યરૂપે અને મૂર્તિરૂપે દર્શન આપે છે, કેમ કે પોતે જેવા તેજોમય છે, તેવા ને તેવા દર્શન આપે, તો તે સ્વરૂપનું કોઈ જીવ દર્શન કરવા સમર્થ થાય નહિ. માટે દયા કરીને તેજ, ઐશ્વર્ય-પ્રતાપ ઢાંકીને શ્રીજીમહારાજ વર્તે છે, એમ જાણી સદાય અલૌકિકભાવ રાખવો. શ્રીજીમહારાજના અનાદિ પણ એવા જ દિવ્ય છે ને સભા બધી દિવ્ય તેજોમય છે. ‘‘મારી મૂર્તિ રે, મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત.’’ એમ શ્રીજીમહારાજ કહે છે, માટે સર્વે સમાજ અલૌકિક દિવ્ય છે, એમ જાણવું.
જીવને બીજું બધું ય મળે, પણ મહામોંઘી વસ્તુ જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત ન મળે; તે દયા કરીને મળ્યા છે, પણ એવું જણાતું નથી, ત્યાં સુધી મહિમા સમજાતો નથી અને જીવમાંથી રાંકપણું જતું નથી. પણ શ્રીજીમહારાજ જેવા ભગવાન અને આવા મુક્ત અનંત કોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી. શ્રીજીમહારાજ તથા અનાદિમુક્તના મહિમાની ખબર જે તેના પારખું તેને જ પડે.
લાખો જન્મ ધરે તો ય મોક્ષ ન થાય તે આજ દેહ છતાં થાય છે. એવો શ્રીજીમહારાજનો ને મોટાનો પ્રતાપ છે. આવો મહિમા સમજાય તો કાંઈ બાકી રહે નહિ; પણ જીવને સાધનના તથા ક્રિયાના ફેર ચડી જાય છે, કાં તો એમને વિષે મનુષ્યભાવ પરઠે. પણ શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત તો જેવા અક્ષરધામમાં છે, તેવા ને તેવા જ દિવ્ય છે અને અનેક જીવને સુખિયા કરે છે, એમ જાણે તો કાંઈ વાંધો રહે નહિ. આ જોગ ને આ વખત બહુ સારો છે. આ ટાણે મૂર્તિના સુખરૂપ અમૃતના ઘન વરસે છે, આવું સુખ કોણ મૂકી દે ? આપણે મુખ્ય વાત તો એ રાખવી જે, શ્રીજીમહારાજ અને મોટા મુક્તને ઘડી યે મૂકવા નહિ અને એ વિના બીજું કાંઈ જોવાનો ઠરાવ ન રાખવો. મોટા મુક્ત તો મૂર્તિથી ક્ષણમાત્ર જુદા રહેતા નથી. એટલે એ જ્યાં હોય ત્યાં શ્રીજીમહારાજ હોય અને શ્રીજીમહારાજ હોય ત્યાં એ હોય, એમ અરસપરસ છે. આ સભામાં એ મહાપ્રભુ અખંડ બિરાજે છે અને સૌને અભયદાન આપે છે. તેમણે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે એવા નથી. એ મૂર્તિમાં નકરું સુખ, સુખ ને સુખ જ છે - સુખની સીમા નથી. જેમ શ્રીજીમહારાજ તેજોમય, મુક્ત તેજોમય, તેમ આ સભા પણ તેજોમય, દિવ્ય અને અખંડ છે.
આ સભા પુરુષોત્તમ ભગવાનની છે. શ્રીજીમહારાજ કહે છે કે, ‘સર્વથી પર ચિદ્ઘન તેજમાં અમે અખંડ રહ્યા થકા અહીં મનુષ્યરૂપે દર્શન આપીએ છીએ અને જેમ અમે દિવ્ય છીએ, તેમ અમારી સભા પણ દિવ્ય છે.’
શ્રીજીમહારાજને અનંત મુક્તો સદાય ભેળા ને ભેળા જ છે એવી સમજણ દૃઢ રાખજો, એટલે કાંઈ વાંધો નહિ રહે.
શ્રીજીમહારાજની ફૂલવાડી કેવી ફૂલી રહી છે. ‘‘અલબેલાને અંગે સર્વે ફૂલી ફૂલવાડી, બ્રહ્માનંદ કહે એ છબી જોવા આવીશ હું દા’ડી.’’ એ ફૂલ મૂર્તિમાંથી શ્રીજીમહારાજ દેખાડે છે. ‘‘વ્હાલા તારા ઊરમાં વિનગુણ હાર જોઈને નેણાં ઠરે રે લોલ.’’ એ ફૂલ વાડીમાંથી લાવવાં ન પડે, તેમ પરોવવાં ન પડે. મહારાજ એ બધું મૂર્તિમાંથી દેખાડે.
શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ઝળક ઝળક થાય છે. ત્યાં આ સભા બેઠી છે. આપણે મૂર્તિ રાખવી. જે શ્રીજીમહારાજને આગળ ન રાખે તે લૂંટાય છે, કેમ કે માયા બહુ ભૂંડી છે; તે શ્રીજીમહારાજની મૂર્તિ મૂકી દે તેને ખરેખરી ખુવાર કરે. કેટલાક બહુ મોટા કહેવાતા હોય છે અને પછી તો કાંઈ ઠેકાણું ય રહેતું નથી, તેનું કારણ પણ એ જ છે. માટે શ્રીજીમહારાજ મુખ્ય રાખવા. ‘હરિ મેરે હારલકી લકડી પકડી સો પકડી’ એવું રાખવું. આપણે કાંઈ વેષ કાઢ્યો નથી. આ તો શ્રી સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે અને એના કહેવાણા છીએ. આપણે તો ખરેખરા ખબરદાર થઈને મૂર્તિમાં જોડાઈ જવું, એટલે માયા ગોતી યે જડે નહિ; મોટા મોેટાએ આપણા સારુ દિવ્ય શાસ્ત્રો લખી મૂક્યાં છે, તે સામું જોતા રહેવું અને કોઈ વાતમાં ફેર ન પાડવો.