• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૬)

0:000:00

શ્રીજીમહારાજ સત્સંગમાં અખંડ બિરાજે છે, ભગવાનના ભક્તને એ મૂર્તિનો, આનંદ અને ખુમારી જોઈએ. અક્ષરધામની મૂર્તિ, અહીં શ્રીજીમહારાજે દર્શન આપ્યાં એ મૂર્તિ અને સિંહાસનમાં પ્રતિમારૂપે બિરાજતી મૂર્તિમાં એક રોમનો ય ફેર નથી, કેમ કે શ્રીજીમહારાજમાં ત્યાગભાગ નથી, તેમ એ મૂર્તિનો કે મૂર્તિના સુખનો કોઈથી પાર પમાય તેવું નથી.

શ્રીજીમહારાજ અને તેમના મુક્ત અનંત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે અને સૌને અભયદાન આપી ન્યાલ કરે છે. જુઓને, સભામાં વચનામૃત વંચાય છે તેમાં એ મહાપ્રભુ તથા તેમના લાડીલા મુક્તના વચનરૂપી અમૃત વરસે છે, તે જો અદ્ધરથી ઝીલે તો બહુ ભારે કામ થઈ જાય.

આ સમયે શ્રીજીમહારાજે જીવોના આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે. આપણે એમના ખોળામાં મસ્તક મૂકી દઈએ એટલે જીતનો ડંકો થઈ ગયો, કેમ જે એ તો ન્યાલકરણ છે. અનંત બ્રહ્માંડમાં એમની કોઈ જોડ ન મળે; પણ જીવને એ વાતની ખબર કે મહિમા નહિ. જેમ ખરો ઝવેરી હીરાને પારખે ને કિંમત કરે, તેમ શ્રીજીમહારાજનો મહિમા જેવો છે તેવો અનાદિમુક્ત વિના બીજા કોઈથી જાણી શકાતો નથી; માટે એવા મોટાનો ખપ કરવો. શ્રીજીમહારાજ અને મોટા મુક્ત તો અધમ જેવા જીવ હોય તો ય દૃષ્ટિ માત્રે કલ્યાણ કરી નાખે, એવું એમનું સામર્થ્ય છે.

શ્રીજીમહારાજના અનાદિમુક્ત તો શ્રીજીમહારાજની ભેળા જ રહે છે. એવો જોગ મળે એટલે પૂર્ણ માનવું. કેમ કે કઠણ વેળાએ એ જીવની વહારે ચડે છે અને વાંકગુના સામું જોતા નથી, અને એટલું તો જાણી રાખવું કે, આપણી મોટપ શ્રીજીમહારાજ તથા એવા મુક્તને લઈને છે. એમણે આપણને ન્યાલ કરી મૂક્યા છે, તેથી સુખિયા છીએ.

આ સમયે જે જીવ સત્સંગમાં આવ્યા છે, તેનાં ધન્ય ભાગ્ય છે, કેમ કે શ્રીજીમહારાજના અનાદિમુક્ત જે અખંડ એકતાર મૂર્તિમાં જોડાઈ રહ્યા છે, તેમને શ્રીજીમહારાજે જીવના કલ્યાણ સારુ અહીં મૂક્યા છે. એમનો જોગ આ ટાણે સહેજે મળે છે. એને અને શ્રીજીમહારાજને જરા ય જુદાપણું નથી. મૂર્તિમાંથી રોમરોમનાં સુખ લે છે. આપણે એવા મુક્ત થવું, એટલે શ્રીજીમહારાજથી જરા ય છેટાપણું ન રહે અને મૂર્તિનું સુખ આવે. એ સુખ અતિ અપાર છે, એને કોઈની ઉપમા દેવાય એવું નથી.

શ્રીજીમહારાજ અને મોટાની કૃપા તો ઘણી છે, પણ જીવ ગરજુ થઈને કૃપાનો ઉપયોગ કરી શકતો નથી. મોટા મોટાએ આ દેહ ચિંતામણિ જેવો કહ્યો છે. તેથી, જો સવળું ચિંતવતાં આવડે તો શ્રીજીમહારાજના સુખમાં ચાલ્યુ જવાય, પણ જીવને ત્રણ ગુણ બહુ નડે છે. સત્ત્વગુણ સારો કહેવાય છે, પણ એ મલિન સત્ત્વ છે. મલિન સત્ત્વવાળાને જરાક છંછેડ્યો હોય તો ક્રોધે ભરાઈ જાય. પછી એ ક્રોધ વડે શ્રીજીમહારાજ તથા મોટા મુક્તમાં દોષ પરઠે, તેથી એને ઘણું નુકસાન થઈ જાય, પણ એ ત્રણ ગુણે રહિત થઈને વર્તે, ત્યારે તેને કોઈ ઉપર ક્રોધ કે બીજા ઘાટ થાય નહિ. પછી શ્રીજીમહારાજ ને મોટાની કૃપાએ અલૌકિક દૃષ્ટિએ વર્ત્યા કરે અને ભગવાનને સુખે સુખિયો થઈ જાય.

જેવો ધામના મુક્તનો મહિમા છે તેવો જ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર વર્તતા હોય તેનો મહિમા સમજે તો ઝટ કામ થઈ જાય. આ વખતે શ્રીજીમહારાજે સત્સંગમાં અનાદિમુક્તને મોકલ્યા છે, તે શ્રીજીમહારાજની મૂર્તિનો રસ લઈને તે રસ સત્સંગમાં સહુને આપે છે, તેણે કરીને નાના મોટા અનેક સુખિયા થાય છે. ભગવાનનું સુખ તો જે ઠેકાણેથી આવતું હોય ત્યાંથી જ પમાય. મુક્ત તો શ્રીજીમહારાજના પડછંદા છે, તે જેમ આ ડુંગરામાં જઈને કોઈ બોલે તે બોલનારના જેવા જ પડછંદા બોલે તેમ છે. શ્રીજીમહારાજનો મહિમા અને સુખ અપાર છે, તે મુક્ત મળ્યા વિના સમજાય કે પમાય નહિ અને મોટા મુક્તને એ દિવ્ય સુખ આપવું તેમાં કાંઈ વાર ન લાગે, પણ જીવ પાત્ર નહિ તેથી ઝીલી શકે નહિ. જેમ માટીના વાસણમાં પાણી નાખેલ હોય, પણ કાણું પડે કે પાણી નીકળી જાય, તેમ પાત્ર થયા વિના શ્રીજીમહારાજનું સુખ ટકી શકે નહિ. માટે, પાત્ર થઈને મોટાનાં વચન અદ્ધરથી ઝીલવાં. આપણે તો શ્રીજીમહારાજ પ્રગટ થયા ત્યારથી શરદઋતુ બેઠી છે ને સ્વાંતના વરસાદ થાય છે; જો અનાદિમુક્તના શબ્દ શ્રદ્ધા ને વિશ્વાસ સહિત ઝીલે તો પુરુષોત્તમરૂપ થઈ જાય. આજ તો પુરુષોત્તમના અનાદિમુક્ત આવ્યા છે. તેણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની સભામાં જીવોને બેસાર્યા છે. પણ જીવ જો અપૂર્ણપણું રાખે તો તેના અભાગ્ય. શ્રીજીમહારાજ અને મોટા મુક્ત તો કેવળ દયાએ કરીને જીવોના મોક્ષ કરવા સારુ આ પૃથ્વી પર દેખાય છે એવું જાણી, તેમનો મહિમાએ સહિત કેફ રાખવો. આ લોકમાં પણ સહુને વધારે પૈસા હોય તેવા જેવા થવાના સંકલ્પ રહે છે, તેમ આપણે શ્રીજીમહારાજની આજ્ઞા પાળી મોટામોટા મુક્તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા થવાની ત્વરા રાખવી. જગતમાં કોઈ વાઘરીના વૈભવને ઇચ્છતા નથી, તેમ સત્સંગમાં ઊતરતા જેવા થવા ઇચ્છવું નહિ. શ્રીજીમહારાજના મુક્તનો મહિમા તો અતિશય સમજવો, કારણ કે શ્રીજીમહારાજના સુખનું દ્વાર મુક્ત છે, પણ સમજ્યા વિના મહિમા કહે ને આજ્ઞા ઉપર સુરત ન રાખે તો મોટી ખોટ આવે, કેટલાક તો એકબીજામાં દાદાખાચર, મૂળજી બ્રહ્મચારી, બ્રહ્માનંદ સ્વામી એવાં નામ ઠરાવી મોટપ કહે અને આજ્ઞા પાળવાનું તો કાંઈ ઠેકાણું ય ન હોય તેથી મોક્ષરૂપી કામ ન સરે. ઊલટો મહારાજનો કોપ થાય માટે આજ્ઞામાં ખબરદાર રહેવું.

જીવને વર્તમાન ધરાવે, એટલે અનંત જન્મનાં કાર્ય શ્રીજીમહારાજને ચરણે મુકાવે છે, ત્યાર પછી કર્મ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે કર્મ ચાર પ્રકારનાં છે : જો ઝીણાં જંતુઓ અજાણતાં મરી જાય, તો ‘શ્રી સ્વામિનારાયણ’ નામના મહામંત્રનો જપ કરવો, તેણે કરીને એ જંતુનો મોક્ષ થાય અને આપણું પ્રાયશ્ચિત્ત થાય. બીજું મનમાં વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્તને સંભારી પ્રાર્થના કરવી અને જતાં આવતાં જે કોઈ હરિભક્ત રસ્તામાં મળે તેને હેતે સહિત બે હાથ જોડી ‘જય શ્રી સ્વામિનારાયણ’ કરવા. ત્રીજું દેશકાળે વર્તમાનમાં ફેર પડી જાય, તો સંતોને પૂછીને એ કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું. ચોથું પશુ, પક્ષી કે કૂતરાં, બિલાડાં આદિ અજાણતાં મરી જાય તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કરી નાખવું ને ભગવાનના ભક્તનો અવગુણ તો ક્યારેય લેવો જ નહિ અને જાણે અજાણે જો ભગવાનના ભક્તનો અવગુણ લેવાઈ જાય તો દીન આધિન થઈ માફી માગવી.

શ્રીજીમહારાજના મુક્તને વિષે મનુષ્યભાવ ન આવે અને સદાય દિવ્યભાવ રહે, તો અખંડ આનંદના સમુદ્રમાં ઝીલાય. મુક્ત તો પુરુષોત્તમ ભગવાનના સભાના છે; તો પણ કેટલાક અક્ષરના મુક્ત કહે છે, તે તો પ્રથમથી શબ્દ પ્રવર્તેલ છે. તેથી એમ કહેવાય છે; પણ જે અક્ષર દરજ્જાવાળા છે, તેની સભા તો જુદી જ છે અને અક્ષરધામ છે, તે તો શ્રીજીમહારાજના અંગનો પ્રકાશ છે. શ્રીજીમહારાજ તથા મોટાની દયાએ તમે સહુ અક્ષરધામમાં જ છો. એમ જાણી સદાય આનંદમાં રહેવું.

વચનામૃતમાં અક્ષરધામ સોતા ભગવાન પૃથ્વી પર બિરાજે છે એમ કહ્યું છે, પણ અક્ષરધામ તે શું ? તો શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ તે સર્વે મૂર્તિ ભેળો જ છે; તો ય આ લોકમાં શ્રીજીમહારાજ દર્શન આપે, ત્યારે આ લોકની રીતે જ મનુષ્યભાવ દેખાડે, પણ બંધુ ય એમાં છે, એમ જાણવું, મૂર્તિમાંથી તેજ ઝળળ ઝળળ છૂટે છે, ફરતી મુક્તની સભા બેઠી છે, તે સર્વે દિવ્ય તેજોમય છે, અનંત મુક્ત મૂર્તિમાં રહ્યા થકા સુખ લે છે. જેમ ઝાડ સાથે રસ ને છાલ હોય તેમ અનાદિ ને પરમ એકાંતિક સાથે જ હોય છે; પણ બહિર્દૃષ્ટિવાળાને એ વાતની ખબર ન પડે. એ તો જ્યારે શ્રીજીમહારાજના લાડીલા અને હજૂરી મુક્ત મળે, ત્યારે તેમના જોગે એ વાત સમજાય.

સંતો ! તમારા બળની તમને ખબર પડતી નથી, પણ તમારા તો સંકલ્પ ચાલે છે ! જેમ બળદેવજીને પ્રલંબાસુર દૈત્ય ઉપાડી ગયો અને આકાશવાણી થઈ ત્યારે તેમને ખબર પડી, તેમ બધા શાસ્ત્રમાં તમારો મહિમા ગવાય છે; તમે તો શ્રીજીમહારાજની હજૂરમાં રહ્યા છો, તમે જે જે સેવા-પૂજા કરો છો તે શ્રીજીમહારાજ દયા કરીને અંગીકાર કરે છે. આવી દિવ્યસભામાં શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત અખંડ બિરાજે છે અને સૌના મનોરથ પૂરા કરે છે. સંત-હરિભક્તો પર અમૃત નજર કરી રહ્યા છે, પણ જીવને બહિર્દૃષ્ટિનો અભ્યાસ થઈ ગયો છે, તેથી એમ ને એમ ખબર વિના આળપંપાળમાં આવરદા ખોઈ નાખે છે; પણ જેને એ સુખમાં દૃષ્ટિ પહોંચે, તે તો આવી દિવ્ય સભા તથા દિવ્ય શ્રીજીમહારાજને ઘડીએ મૂકે નહિ. મૂર્તિમાંથી તેજના બંબ છૂટે છે, અતિ અપાર તેજોમય મૂર્તિ છે. અનંત મુક્તો એક નજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે.

શ્રીજીમહારાજનો એવો સંકલ્પ છે કે, જે જીવ સત્સંગમાં આવ્યા છે, તેને ગમે તે રીતે પોતાનું મહા અલૌકિક સુખ આપવું છે. સભામાં સંતો વાતો કરે તે પણ એવી જ. કોઈને વર્તમાન ધરાવે તો ય શ્રીજીમહારાજની મૂર્તિ આપવાનો ઠરાવ. આમ આ સમયની વાત બહુ જબરી છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એ મુદ્દો હાથ રાખવો અને આવા સંત દિવ્ય કલ્યાણકારી છે એમ જાણી હેત રાખવું. શ્રીજીમહારાજ તથા તેમની દિવ્ય સભા આવીને બિરાજમાન થાય ત્યાં માયા કે એવું બીજું કોઈ ઊભું રહી શકે નહિ. અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે શ્રીજીમહારાજ, તેમનાં દર્શન જે સ્થાનમાં થાય તે સ્થાનનો મહિમા મુખથકી કહી શકાય નહિ.

જે ઠેકાણે શ્રીજીમહારાજ બેઠા હોય, જમ્યા હોય કે નહાયા હોય અથવા જે જે ચમત્કારી લીલા કરી હોય તે સ્થાનને જે કોઈ સંભારે તેને એ દિવ્ય નિર્ગુણ મૂર્તિ સાંભરે એટલે છેલ્લો જન્મ થઈ જાય.

અમારો ઠરાવ તો એક શ્રીજીમહારાજની મૂર્તિ આપવાનો છે, પણ જીવને એ વાતની ખબર ન પડે. તેથી સમજણ વિના આ લોકનું જે જે માગ્યા કરે. જો બીજે ઠેકાણેથી વૃત્તિ તોડી મૂર્તિ સામું નિશાન રાખે તો બહુ ભારે કામ થઈ જાય. બીજું માગ-માગ કરે તેને એવું ન મળે. અમારે ખેડૂતને ખેતરમાં ખળાં ભરાઈ જાય ત્યાં કોઈ માગવા આવે તેને ખોબે ખોબે આપે, કાં સુપડાં ભરીને આપે, પણ કાંઈ ગાડું ભરીને કોઈ આપે ? તેમ પ્રસન્નતાનાં સાધન કર્યાં વિના અમથું માગવાથી થોડું મળે ? શ્રીજીમહારાજ કોઈને દયા કરીને આપે તો તેની ના નહીં, કેમ કે એ ધણી છે. લોકમાં કેટલાક એમ બોલે છે કે, ‘ભાઈ ! કોઈ ધણીનો ધણી છે ?’ તેમ શ્રીજીમહારાજ પણ ઝાડ, પહાડ, પશુ, પક્ષી આદિનો દૃષ્ટિમાત્રે મોક્ષ કરી નાખે. એ તો એમની અપાર દયા કહેવાય, પણ આપણે તો મન, કર્મ, વચને એમના થઈ રહેવું, તેમાં ઘણો લાભ છે.

સર્વેના કારણ એક શ્રીજીમહારાજ છે, એ મૂર્તિ વિના કોઈ જ્યાં બાઝે તેને બહુ દુઃખ થાય છે. અને કોઈ બીજો ભગવાન થવા જાય તેને તો ભૂખ, દુઃખ ને માર જ જડે. આપણે તો શ્રીજીમહારાજ વિના બીજા કોઈમાં એવું હેત ન રહે તેવી ચોખ્ખી સમજણ કરવી. પતિવ્રતાની ભક્તિ પણ તેની જ કહેવાય. કારણ મૂર્તિ વિના બીજી તાણ રહે તો શ્રીજીમહારાજનો મહિમા જણાયો જ નથી. શ્રીજીમહારાજમાં શું નથી; બધુંય છે. અનાદિમુક્ત કોટનકોટિ કલ્પ વીતી જાય તો ય મૂર્તિના સુખમાંથી તૃપ્ત થતા નથી, અને સુખમાં લુબ્ધ થઈ સળંગ જોડાઈ રહ્યા છે. સુખમાં થીજી રહ્યા છે, કિલ્લોલ કરે છે, સુખમાં ચાલ્યા જ જાય છે, અપાર ને અપાર સુખ અનુભવે છે. સ્વતંત્ર થકા એ સુખનો આહાર કરે છે, પણ ક્યારેય એ મૂર્તિના સુખનો પાર પામી શકતા નથી, તો પરમ એકાંતિક મુક્ત તો ક્યાંથી પાર પામી શકે ? એમ જાણી જળ સ્નેહી મીન અને ચંદ્ર સ્નેહી ચકોરની પેઠે મૂર્તિમાં જોડાવું. મૂર્તિના સુખની જ તાણ રાખવી. બીજી બધી તાણ મૂકી દેવી. આવો મોટા મુક્તનો અભિપ્રાય છે, કેમ કે એમને મૂર્તિ વિના બીજો રસ નથી. એમની તો વાત જ નોખી છે. એમની દૃષ્ટિમાં જે કોઈ આવે તેને પલમાત્રમાં ન્યાલ કરી, મૂર્તિના સુખમાં પહોંચાડી દે. જુઓને, અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કેવડી દયા ! અજ્ઞાની બ્રાહ્મણોએ સંતોની નિંદા કરવા માંડી તો ય પોતાની કૃપાદૃષ્ટિએ તેમને દેહ મેલાવી ધામમાં મૂકી દીધા, એ ક્યાંય મળતું ન આવે, પણ એવા મોટા મુક્તની તો એ રીત જ છે, શ્રીજીમહારાજ ને તેમના મુક્તનો તો જીવને સુખિયા કરવાનો જ ઠરાવ છે. ભગવાન કે મોટા પુરુષના જોગમાં જે આવે તેના ભાગ્યનું માપ થાય નહિ. અમે પણ ઝાડ, પહાડ, પશુ, પક્ષી, આદિ જે કોઈ નજરમાં આવે તેના મોક્ષ થવાના સંકલ્પ કરીએ છીએ. આવો મહિમા ન જાણે તેથી લૂખાપણું મટે નહિ. આ લોકમાં ચિંતામણિ, કલ્પવૃક્ષ પણ કેવાં કામ કરે છે ? તો શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત મોક્ષ કરે તેમાં શી નવાઈ ! મહારાજાની મૂર્તિમાં નકરું તેજ જ ભર્યું છે. એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમની દિવ્ય સભા આપણને મળી તે કામ બહુ ભારે થઈ ગયું છે. એમની કૃપાએ આત્યંતિક મુક્તિ એટલે છેલ્લીા મોક્ષ પ્રાપ્તિ થઈ. આવી દિવ્ય સભામાં મૂર્તિનું સુખ તત્કાળ મળે છે. આપણે તો કારણ મૂર્તિનું અનુસંધાન અખંડ રાખ્યા કરવું. શ્રીજીમહારાજનું કામ શ્રીજીમહારાજ કરે છે, એટલે પુરુષોત્તમનારાયણ પોતે જ કૃપા કરે ત્યારે સાધર્મ્યપણું પમાય અને ત્યારે જ પૂરું થાય. જ્ઞાન-ધ્યાન પણ એ જ. એને જ ખરી પ્રાપ્તિ કહેવાય.