• અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનાં દિવ્ય સંસ્મરણો (વિભાગ ૩)

0:000:00

વિભાગ ૩

મુક્તરાજ અબજીબાપાશ્રી પાસે અખંડ બ્રહ્મયજ્ઞ થયા કરતો. વહેલી સવારથી માંડીને મધ્યરાત્રિ સુધી સતત કથામૃતની લહાણ ને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપમાં જોડી દેવારૂપ સેવા ચાલુ ને ચાલુ રહેતી. બાપાશ્રી મુખ્યત્વે શ્રીજીમહારાજના મહિમા-ઉપાસના-સુખની વાતો ઘણી કરતા. પોતે કહેતા : ‘‘શ્રી સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી, સદા સાકાર, સર્વ કર્તા-હર્તા ને આનંદ સ્વરૂપ જાણીને એક એ મૂર્તિમાં જ રસબસ-લુબ્ધ રહો, એક મૂર્તિમાં જ જોડાઓ, એક મૂર્તિ જ સિદ્ધ કરો. બીજું બધું પડતું મૂકો. જેમ સૂર્ય ઊગતાં જ રાત્રિ ટળી જાય છે તેમ જ્યારે સ્વરૂપનિષ્ઠા દૃઢ થાય છે ત્યારે પંચ વિષય, પરચા-ચમત્કાર-ઐશ્વર્ય એ સર્વમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. આવી સ્થિતિ થાય તે જ અનુભવ જ્ઞાન-લક્ષ્યાર્થ જ્ઞાન. વાચ્યાર્થમાં પડ્યા રહેવું નહિ, પણ લક્ષ્યાર્થ કરવો.’’ વળી, બાપાશ્રી સતત સમજાવતા રહેતા કે એ અદભુત અનુુુપમેય સ્વામિનારાયણ ભગવાનના નિત્ય નવીન સુખને ભોગવવાની બે સ્થિતિ છેઃ એ મૂર્તિમાં સ્વરૂપ થઈને, પણ સન્મુખ રહીને સુખ ભોગવવું તે પરમ એકાંતિકની સ્થિતિ, અને મૂર્તિ સ્વરૂપ થઈને એ મૂર્તિમાં સાકારપણે રોમેરોમ લુબ્ધ થઈ જવું-ઓતપ્રોત થઈ જવું- તલ્લીન થઈ જવું-તે અનાદિમુક્તની સ્થિતિ છે. તે જ છેલ્લામાં છેલ્લી સ્થિતિ- તે જ આત્યંતિક મોક્ષ.

સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી, વગેરે અનાદિમુક્તો જે વાત સમજાવતા તે જ વાત સ્પષ્ટ કરી કરીને અબજીબાપાશ્રીએ સમજાવી છે : ‘‘શ્રીજીમહારાજના સકામ ભક્ત બ્રહ્માથી લઈ અક્ષર સુધીની પદવીને પામે છે (કા૦ ૧૦) અને નિષ્કામ ભક્ત શ્રીહરિજીના પરમ એકાંતિક કે અનાદિમુક્તની પદવીને પામે છે, પણ ભગવાન શ્રી પુરુષોત્તમ-સ્વામિનારાયણ એક જ ને અદ્વિતીય છે, તે ભગવાનની પદવીને કોઈ પણ પામી શકતા નથી, ને ભક્ત કોઈ દિવસ પોતાના સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને અનાદિમુક્તને રસબસ પોતાની મૂર્તિમાં નિમગ્ન-લુબ્ધ રાખે છે, જેમ દૂધમાં સાકર રહે છે તેમ. છતાં શ્રીહરિજી પોતે સ્વામી છે ને અનાદિમુક્ત સર્વે સેવક છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ છે અને અનાદિમુક્તિ અનેક છે, અનેક થાય છે, ને અનેક થશે; તે સર્વેને શ્રી સ્વામિનારાયણ ભગવાન સુખ આપે છે ને અનાદિમુક્તો એ એક જ મૂર્તિના સુખભોક્તા છે.’’

ગઢડા પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃત પ્રમાણે જે વસ્તુ જાણવી-જોવી હોય તે વસ્તુરૂપ થયા વિના તે વસ્તુ યથાર્થ જોઈ-જાણી શકાતી નથી, તે રીતે મુક્તો પુરુષોત્તમરૂપ છે. અનાદિમુક્ત સ્વયં પુરુષોત્તમ નથી, પણ પુરુષોત્તમરૂપ છે. અનાદિમુક્ત સદા સુખમાં જ લુબ્ધ રહે છે ને સુખ લીધા જ કરે છે પણ તે સુખ મૂકી બીજો સંકલ્પ કરતા જ નથી, બીજું કાંઈ જોતા જ નથી. જ્યાં મૂર્તિ ત્યાં અનાદિમુક્ત. જેવું મૂર્તિ બોલે તેવું જ અનાદિમુક્ત બોલે, કેમ કે અનાદિમુક્ત રસબસ રીતે શ્રીહરિજીના ભેગા ને ભેગા જ છે. તે છતાં શ્રીજીમહારાજ સુખના આપનારા છે, ને અનાદિમુક્તો એ સુખ ભોગવનારા છે.

આમ શ્રીજીમહારાજના અનાદિમુક્તની અદભુત સ્થિતિ વાત સમજાવતાં અબજીબાપાશ્રી કહેતા : ‘‘સાચા મુક્ત હોય તે પુરુષોત્તમરૂપ વર્તે પણ પંડે પુરુષોત્તમ થતા નથી, અને તે મૂર્તિમાં જ જોડે પણ પોતામાં ન જોડે.’’

‘શ્રીજીમહારાજના દિવ્ય સાકાર સ્વરૂપમાં તેમના જેવા જ દિવ્ય સાકાર સ્વરૂપે થઈ તેમનામાં રસબસપણે જોડાઈ જવું -તેવી સ્થિતિને સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી ‘કૈવલ્ય મુક્ત’ કહેતા. અબજીબાપાશ્રી ‘અનાદિમુક્ત’ કહેતા. દરેક મુમુક્ષુ જીવાત્માને આવી ‘અનાદિમુક્ત’ની સ્થિતિની પ્રાપ્તિ થાય તે જ પરમ આદર્શ છે. અબજીબાપાશ્રીએ એ સ્થિતિનું વિવેચન વિગતવાર કર્યું છે, એટલું જ નહીં, પણ પરમ કૃપા કરી અનેકને એવી અદભુત સ્થિતિને પમાડ્યા છે, ને એ સ્થિતિનો સાક્ષાત્કાર કરાવ્યો છે.

કહે છે પારસ-સ્પર્શમણિ પણ વિવિધ પ્રકારના હોય છે. લોખંડને અડાડે ને લોખંડનું સુવર્ણમાં રૂપાંતર થઈ જાય તેવા પારસમણિ સામાન્ય ગણાય, પણ જે પારસમણિ લોખંડને અડાડે તેનાથી લોખંડનું પારસમણિ જેવા જ બીજા પારસમણિમાં રૂપાંતર થઈ જાય તે પારસમણિ ઉત્તમ ! એ રીતે અબજીબાપાશ્રીએ અનેક મુમુક્ષુઓને પુરુષોત્તમરૂપ કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં જોડી દીધા.

એવી જ રીતે, અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી શ્રીજીમહારાજની આજ્ઞા પાળવા ઉપર ખૂબ ખૂબ ભાર મૂકતા. પોતે કહેતા કે મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું. પોતાના હેતવાળા સંત-હરિભક્તોને વારંવાર કહેતા : ‘‘અમને કોઈ ખતરાવશો નહિ, આ જોગ-સમાગમ-સત્સંગને વગોવાવશો નહિ. શ્રીજીમહારાજની આજ્ઞામાં દૃઢપણે રહેજો.’’ જ્યારે કોઈ શ્રીજીમહારાજની બાંધેલી ધર્મમર્યાદાનો ભંગ કરે ત્યારે પોતે ઘણા જ દિલગીર થઈ જતા અને તેનમો પક્ષ નહિ રાખતા. ધર્મનો જ પક્ષ રાખી તેને પ્રાયશ્ચિત્ત આપતા-અપાવતા, એવો તેમનો ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ હતો.

સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પોતાના હેતરુચિવાળા સર્વે સંત-હરિભક્તોને એવી આજ્ઞા-ભલામણ કરેલી કે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડવા માટે શ્રીજીમહારાજે અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીને મોકલ્યા છે, તેથી તેમનાં દર્શન-સેવા-સમાગમનો જરૂરાજરૂર લાભ લેવો; કોઈએ એવું મનમાં ન રાખવું કે અબજીબાપાશ્રી ગૃહસ્થ છે ને આપણે ત્યાગી-સંત-પાર્ષદ છીએ કે સત્સંગ-વ્યવહાર કાર્યમાં મોટેરા છીએ તેથી તેમનો સમાગમ શું કરવો ? આ ભલામણ અનુસાર સદગુરુશ્રીના શિષ્ય સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા અન્ય મોટા મોટા સંતો વર્ષોવર્ષ અબજીબાપાશ્રીનો સમાગમ કરવા વૃષપુર જતા. તે વખતે મુક્તરાજશ્રી શ્રીજીમહારાજના મહિમાની કે આજ્ઞા-ઉપાસનાની વાતો કરતા ને સાંભળનારા સૌ સંત-હરિભક્તો એ રસપાનમાં તન્મન થઈ જતા. ભવિષ્યમાં આવનારી પેઢીઓને એ અદભુત વાતોનો લાભ મળે તેવા પરમ હિતકારી સંકલ્પથી સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ અબજીબાપાશ્રીની સંમતિ લઈ તેમની વાતો લખી લેવા માંડી. તે વાતો બે ભાગમાં- હજાર પાનાંથી વધારે પાનાંમાં છપાઈને પ્રસિદ્ધ થઈ છે, જેનો લાભ લઈ અનેક મુમુક્ષુઓને શ્રીહરિજીના અદભુત સ્વરૂપમાં સ્થિતિ થઈ છે.

સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને શ્રીજીમહારાજનાં વચનામૃતોનો અસાધારણ અભ્યાસ હતો. તેઓશ્રીને બધાં જ વચનામૃતો કંઠસ્થ હતાં, વળી સઘળાં વચનામૃતોમાં શ્રીહરિજીનો કહેવાનો રહસ્ય અભિપ્રાય પોતે પોતાના સમર્થ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસેથી બરાબર જાણ્યો હતો. પછી પોતાના ગુરુની સૂચનાથી જ્યારે સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનો સમાગમ કરવા વૃષપુર જવા લાગ્યા, તે ત્યાં સભામાં વચનામૃતની કથા વખતે અબજીબાપાશ્રીના મુખ થકી વચનામૃતોનું રહસ્ય સાંભળ્યું ત્યારે તેઓશ્રીને અહો ! અહો ! થઈ ગયું. ‘વચનામૃત’ જે પુરુષોત્તમનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય પરાવાણી છે ને એમનું અનન્ય સ્વરૂપ છે, તે વચનામૃતોમાં રહેલો શ્રીજીમહારાજનો રહસ્ય અભિપ્રાય અબજીબાપાશ્રીની અનુભવસિદ્ધ વાણીમાં સૌ કોઈને જાણવા મળે તો મોક્ષભાગી મુમુક્ષુઓ ઉપર પરમ ઉપકાર થાય, એમ વિચારી સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ અબજીબાપાશ્રીને વિનંતી કરી કે વચનામૃતનાં રહસ્યોનો અર્થ સમજાવતી પ્રદીપિકાટીકા લખાવે તો તે આત્યંતિક કલ્યાણનું એક શાશ્વત સદાવ્રત બની રહે. શ્રીજીમહારાજના સંકલ્પથી અબજીબાપાશ્રીનું વિચરણ એ હેતુ માટે જ હતું,તેથી અબજીબાપાશ્રીએ પ્રશ્નોત્તરૂપે વચનામૃતોની યથાર્થ સમજૂતી આપતી ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’ લખાવી. તેમાં દરેક વચનામૃતોનો યથાર્થ ભાવાર્થ સમજાવી, તે વચનામૃતમાંથી ઉદભવતા પ્રશ્નોના અનુભવપૂર્ણ સચોટ ઉત્તરો આપી જિજ્ઞાસુ અભ્યાસીને ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેનાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જેવો છે તેવો મહિમા સમજાય છે ને શ્રીહરિજીની મૂર્તિમાં રહેવારૂપ આત્યંતિક કલ્યાણની સ્થિતિ સુલભ થાય છે.

સં. ૧૯૭૪માં મુક્તરાજ અબજીબાપાશ્રીએ ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો. પોતાની મિલકત વગેરેની વ્યવસ્થા અંગે છેલ્લી ભલામણો પણ કરી નાખી હતી, ત્યારે સ. ગુ. સ્વામી શ્રી ઈશ્વચરણદાસજી, સ. ગુ. સ્વામી શ્રી વૃંદાવનદાસજી, સ. ગુ. બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી, સ. ગુ. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી વગેરે હેતવાળા સંતો તથા હરિભક્તોએ ગદગદ થઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અતિશય પ્રાર્થના સ્તુતિ કરી તેથી શ્રીજીમહારાજે બાપાશ્રીના મંદવાડને રજા આપી ને પરમ કૃપાળુ બાપાશ્રીએ બીજાં દસ વર્ષ સુધી આ લોકમાં વિચરી અસંખ્ય જીવો ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા વરસાવી.

અબજીબાપાશ્રી કહેતા : અનાદિમુક્ત અહીં દેખાય તો પણ તેઓ મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે. જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર દેખાય છે, તેમ અનાદિમુક્ત તે સુખમાં લુબ્ધ જ છે ને શ્રીજી ઇચ્છાથી મનુષ્યરૂપે દેખાય છે. તેમને તો એક મહારાજ જ કર્તા છે. વચનામૃતમાં કહ્યું છે કે સમુદ્રના કિનારે ઊભેલાને ઝાડ, પહાડ, મનુષ્ય, પશુ, પક્ષી તેમ જ સમુદ્ર એ સર્વે પૃથક્‌ પૃથક્‌ દેખ્યામાં આવે છે, પરંતુ તે જ્યારે વહાણમાં બેસી સમુદ્ર મધ્યે જાય ત્યારે ઊંચું-નીચું સર્વત્ર જળ જ દેખે, પણ બીજું કાંઈ દેખે જ નહિ, તેમ વહાણને દૃષ્ટાંતે, મૂર્તિમાં જ નિમગ્ન રહે તેને એક મૂર્તિ જ દેખાય છે. મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહિ. જ્યાં સુધી આવો અપરોક્ષ અનુભવ થતો નથી ત્યાં સુધી આ વાત જેમ છે તેમ સમજાતી નથી.

અબજીબાપાશ્રીનો સમાગમ એટલે દિવ્ય આનંદ ઉત્સવની હેલી ! સૌના અંતરમાં આનંદ ને શાંતિના ઓઘ વળતા. આત્યંતિક કલ્યાણનો અપૂર્વ ઉદ્યાન જે શ્રીજીમહારાજે સ્વયં સ્થાપેલો છે તેને મુક્તરાજ અબજીબાપાશ્રીએ અનેક રીતે સંતોષણ કરી મઘમઘતો કર્યો.

આવી રીતે અબજીબાપાશ્રીએ અનેક મુમુક્ષુઓને શ્રીહરિજીના દિવ્ય સુખમાં જોડી, સં. ૧૯૮૪ના અષાડ સુદ પાંચમ ને શુક્રવારને દિવસે પોતે દેહોત્સર્ગલીલા કરી અંતર્ધાન થયા.

શાસ્ત્ર માત્રનો ગલિતાર્થ એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને તેમના અનાદિમુક્તોને ઓળખી પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ કરી લેવું. એ રીતે, જેણે જેણે અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીને ઓળખ્યા, સેવા કરી, એમના થકી શ્રીજીમહારાજનો હૃદ્‌ગત અભિપ્રાય જાણ્યો, તેમનાં ધન્ય ભાગ્ય ! વિજળીના ઝબકારામાં જેમણે મોતી પરોવી લીધું એટલે આત્યંતિક મોક્ષ સિદ્ધ કરી લીધો તે જીતી ગયા.

આવો ! આપણે પણ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનાં રહસ્યરૂપ વચનો મુજબ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં જોડાઈ, તેમાં રસબસ થઈ રહીએ !!