૨. દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૧)
શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય તો બધી તાણ પૂરી થઈ જાય. મૂર્તિ વિના મોટા મોટા રાજાને ઘેર રાજ્ય હોય તો ય સુખ નથી મળતું. અજ્ઞાની જીવો આવી વાત જાણ્યા વિના રાત ને દિવસ હેરાન થાય છે, પણ એ બિચારાને ખબર નથી. આપણા ઉપર તો શ્રીજીમહારાજની દયા ઘણી છે, તેથી આપણને તો વધુ સુખિયા કર્યા છે.
આપણે તો શ્રીજીમહારાજની મૂર્તિથી જરા વારે ય જુદા ન રહેવું. સૂવું ય નહિ ને જાગવું ય નહિ, ખાવું ય નહિ ને પીવું ય નહિ, જેનું કામ છે તે તો સાથે જ છે. પછી બીજી વાત શું કરવા કરવી પડે !
મને તો એ મૂર્તિ સિવાય બીજું કાંઈ નજરમાં જ આવતું નથી.
આપણે તો મૂર્તિની વાતમાં ધ્યાન રાખવું. પ્રકૃતિનું કારખાનું સર્વે વિસારવાનું છે. મૂર્તિ રાખે તેને મારું-તારું ન હોય, હર્ષ-શોક ન હોય.
આપણે શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ જોવું નહિ.
આપણે તો શ્રીજીમહારાજ હોય તો હય્યો.
શ્રીજીમહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. આપણે એ મૂર્તિમાં જોડાઈ જઈએ એટલે દેહ છતાં જ જાણે ધામમાં બેઠા. મૂર્તિ ન મળી હોય તેને આવરણ છે.
શ્રીજીમહારાજનાં દર્શન થોડાં ભાગ્યવાળાને નથી મળતાં. માટે મૂર્તિ વિના બીજા સંકલ્પ ન કરવા. સદા દિવ્ય, સાકાર અને તેજોમય એવા જે સર્વોપરી પુરુષોત્તમનારાયણ ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા અનેક જીવનાં કલ્યાણ કરવા આ પૃથ્વી પર ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા અને એ જ મહાપ્રભુ પ્રતિમા રૂપે દર્શન આપે છે, તેની પ્રાપ્તિ થયા પછી શું કરવાનું બાકી રહે ? મોટા મોટા ઋષિમુનિ રાત્રિ દિવસ ધ્યાન કરીને થાકી જાય છે, તો ય સ્વપ્નમાં પણ દેખાતા નથી, એવા મોંઘા શ્રીજીમહારાજ અને તેમના મુક્ત આપણી સાથે વાતો કરે તે કેવડાં મોટાં ભાગ્ય ?
શ્રીજીમહારાજ સદાય આપણી ભેળા ને ભેળા છે, તેથી મનમાં અન્ય ઘાટ-સંકલ્પ ન કરવા. એક મૂર્તિ ધારવી. આ લોકમાં શ્રીજીમહારાજ વિના કોઈમાં માલ નથી. સર્વે દુઃખદાયી છે. કોઈ જૂઠાને સાચું માને તેણે કરીને શું એ સાચું થાય ? સાચા તો એક શ્રીજીમહારાજ છે. શ્રીજીમહારાજ સૌને દર્શન દે છે, હેત જણાવી સુખ આપે છે. સર્વે દિવ્ય મૂર્તિઓ ને દિવ્ય સુખ છે.
શ્રીજીમહારાજ અને દિવ્ય સભા ભેગી ને ભેગી રાખવી. જે જે ઠેકાણે શ્રીજીમહારાજ તથા સંતનાં દર્શન કરીએ, ત્યાં ત્યાં અક્ષરધામની સભાના જેવો દિવ્યભાવ રાખવો. સંત-હરિભક્તને પરસ્પર મળીએ ત્યારે પણ શ્રીજીમહારાજ તથા અનંત મુક્તને મળ્યા એમ જાણવું.
આપણે શ્રીજીમહારાજ તથા તેમના લાડીલા મુક્તને પળમાત્ર મૂકવા નહિ ને બીજે ક્યાંય ભાગ ન કરવો. આવી દિવ્ય સભા અહીં બેઠી છે ને કેટલાક વાટ જુએ જે ‘ક્યારે શ્રીજીમહારાજ તથા મોટાનાં દર્શન થશે ?’ તે તો અજ્ઞાની કહેવાય. આજ શ્રીજીમહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે. જુઓને ! આવીસભા અક્ષરધામ વિના બીજે ક્યાંય છે ? મૂર્તિમાંથી તેજ ઝળહળાટ થઈ રહ્યું છે. આવી સભાનાં દર્શન બહુ દુર્લભ છે. આ તો શ્રીજીમહારાજ દુર્લભ હતા તે સુલભ થયા છે. આંખો મીંચીએ તો ય શ્રીજીમહારાજ દેખાય, ને આંખો ઉઘાડીએ તો ય આ દિવ્ય સભા દેખાય માટે બહુ જબરી પ્રાપ્તિ થઈ છે એમ જાણજો, ચિંતામણિ મળી પછી શું બાકી રહે ? શ્રીજીમહારાજની મૂર્તિ એવી છે. આ વાત જે જાણતા હશે તેને તો સદાય આનંદ ને આનંદ હશે, માટે અદ્ધરવૃત્તિ ન રાખવી. આ સભામાં શ્રીજીમહારાજ, મુક્ત ને અક્ષરધામ બધું ય તેજોમય છે. એ તેજમાં શ્રીજીમહારાજ ઝળક ઝળક ઝળકે છે. અનંત મુક્ત તેજોમય એ મૂર્તિના સુખમાં તદાકારપણે રહ્યા છે, સન્મુખ પણ તેજોમય દિવ્ય સભા બેઠી છે. શ્રીજીમહારાજ સૌને સન્મુખ જણાય છે. એ સભા અખંડ છે, અનાદિ છે, સનાતન છે, તે આપણને મળી છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે ને પોતાના કર્યા છે નહિ તો આવું સુખ ન મળે. એ મૂર્તિથી ક્યારેય નોખા ન પરડવું. એ વિના બીજું કોઈ સુખદાયી નથી. મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો આવે છે; એ ખુશબોથી તૃપ્ત રહેવું, બહિર્વૃત્તિ ન કરવી. જીવને ભગવાનનું સુખ લેતાં ન આવડે, તેથી પંચ વિષયમાં માલ માને છે. આપણે તો એ માર્ગ જ બંધ રાખવો.
જુઓને ! વચનામૃતમાં તેજમાં મૂર્તિનું પહેલું વર્ણન કરી કહ્યું જે, એ મૂર્તિ અમે પોતે જ છીએ, તેમ આ બધાં દર્શન અનંત જીવોને પોતાની મૂર્તિમાં ખેંચી લેવા કરાવ્યા, પણ એ સર્વેના કારણ પોતે જ છે. માટે આપણે તો એ કારણ મૂર્તિમાં જ જોડાવું. આજ એ નામનું ચાલણ છે. એના વિના આત્યંતિક મોક્ષ કોઈથી થાય તેમ નથી, માટે એ કારણે મૂર્તિ ને એ મૂર્તિના રસભોગી મહામુક્ત તે બે વિના ક્યાંય નાતો રાખવો નહિ. દૃઢ નિષ્ઠાવાળા જ એ મૂર્તિના સુખમાં પહોંચે છે; જેવાતેવાની ત્યાં ગતિ નથી. સાધન તો દહાડિયું કરવા જેવા છે. દહાડિયું કર્યે શું વળે ? શ્રીજીમહારાજ ને મોટા મુક્ત રાજી થાય તો જ મોક્ષ થાય.
શ્રીજીમહારાજે તો આ ફેરે હદ વાળી નાખી છે, અનંત મુક્તો પોતાની સાથે લાવ્યા, અદભુત કાર્યો કર્યાં, મોટાં મોટાં ધામ બાંધી મોક્ષનાં સદાવ્રત ચલાવ્યાં, દર્શનમાત્રે કલ્યાણ કર્યાં, જ્યાં એ મહાપ્રભુ ત્યાં અક્ષરધામ, અનંત કોટી મુક્ત સાથે ને સાથે. આ ટાણે પણ એવું ને એવું જ સુખ વર્તે છે. પણ દિવ્ય દૃષ્ટિ થયા વગર એ વાત સમજાય નહિ. જીવને આ લોકનાં દૃષ્ટાંત ને આ લોકની વાતોમાં ગતિ પહોંચે, પણ શ્રીજીમહારાજના લાડીલા મુક્તને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. એ તો અવરભાવનું કાંઈ જોતા જ નથી.
આપણે તો શ્રીજીમહારાજના ઠરાવે ઠરાવ છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, તે વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા સંતો કરતા, ત્યારે કેટલાક તો સમજતા જ નહિ. પર્વતભાઈ જેવા મહાસમર્થ અનાદિમુક્તને પણ કોણ જાણી શક્યા છે ? જેવા છે તેવા જાણ્યા હોય તો તેમનાં વચન કેમ ન મનાય ? એવા મોટાની વાત કોઈ કોઈ પાછી વાળતા ને સામો ઉપદ્રવ કરતા, તેથી શ્રીજીમહારાજ ઘણી વાર ઉદાસ થઈ જતા. હવે ફરી સત્સંગમાં જે આવ્યા છે તે આવી વાત સમજી શકે છે. નવાને તો હજી એ વાત મનાતી નથી. આ વખતે તો શ્રીજીમહારાજે અનાદિમુક્તની સ્થિતિની વાત સમજાવવા સંકલ્પ કર્યો છે, તે સમજાવશે. શ્રીજીમહારાજના સંકલ્પને કોણ રોકનાર છે ?
અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ પોતે અનંત જીવોના આત્યંતિક મોક્ષ કરે છે અને અનંત મુક્ત દ્વારે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે, એમ સમજાય છે ત્યારે ખરું સુખ આવે. શ્રીજીમહારાજની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ક્યાં સુખ છે ? સર્વ ઠેકાણે ભૂખ, દુઃખ ને માર છે. માટે આવા અક્ષરધામ જેવા સ્થાનમાં બેસી મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરવો. આપણે હવે બીજું તાન ન રાખવું. આ જોગ બહુ ભારે મળ્યો છે. એમ જાણી મૂર્તિના સુખનોજ લોભ રાખવો.
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને જેવા છે તેવા ઓળખાવવા બહુ ભારે વાતો કરી છે, પણ જીવને અજ્ઞાન ઘણું, તેથી એ વાતમાં જ અટકી પડે છે. સાધન ઘણાં કરે પણ ટાણું ન ઓળખે, એવા જીવના સ્વભાવ છે. મોટા મુક્ત અને મહારાજ તે તો દૃષ્ટિ દ્વારે જીવોનાં કલ્યાણ કરી નાખે એવા સમર્થ છે. સ્વામીશ્રી એમ કહેતા કે બીજાનું જ્ઞાન ફટાકડા જેવું છે ને આ જ્ઞાન ફિરંગીની તોપ જેવું છે. જું વીંઆય ત્યારે લીંખ આવે ને હાથણી વીંઆય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે તેમ બીજા અવતાર જેવા શ્રીજીમહારાજને જાણે તેણે તો શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણ્યા જ નથી. માટે આપણે તો શ્રીજીમહારાજને સર્વના કારણ, સર્વના આધાર, સર્વના નિયંતા એ જેવા એ એક જ, એમની કોઈ જોડ નથી એવા જાણવા.
આપણે એક મૂર્તિના સુખનો જ આહાર કરવો, એ વિના બીજું કોઈ વહાલું રાખવું નહિ, કેમ કે શ્રીજીમહારાજ તથા તમ જેવા સંત વિના બીજે ક્યાંય સુખ નથી.
આજ આપણને અવિનાશી મહાપ્રભુ મળ્યા છે. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે. શ્રીજીમહારાજે દયા કરીને આપણો હાથ ઝાલ્યો છે, તેથી એ કારણ મૂર્તિને સુખમાં ગુંજારવ કરે છે, એમણે આપણને ન્યાલ કર્યા છે, નહિ તો મહાપ્રભુની ઓળખાણ કોણ કરાવે ? જીવ તો ધૂળનો વેપાર કરે એવા છે તેને ગોળખોળની ખબર નથી. એવા જીવને મહાપ્રભુના લાડીલા અનાદિમુક્ત મૂર્તિના સુખમાં પહોંચાડે છે, કેમ કે એ અનુભવી છે. તમારે તો આ ટાણું ભારે આવી ગયું. આવી દિવ્ય સભાનો વિશ્વાસ રાખશો તો ઠેઠ મૂર્તિમાં પહોંચશો. બ્રહ્મવિદ્યાના ભોમિયા આવા મુક્ત છે તે દૃષ્ટિમાત્રે ઠેઠ પહોંચાડે એવી એમની પાસે કળા છે. અનાદિ મુક્તરાજ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી જેવા આપણને અહીં દેખાતા હોય, પણ એ તો સદાય મૂર્તિ ભેળા જ છે. તેને જે જાણતા હોય તે જાણે. એવા મોટા સંતના જોગમાં આ દિવ્ય સભાનું સુખ આવે. આ તો અખૂટ ખજાનો ને અમૃતનો સમુદ્ર છે. ચિંતામણિ, પારસમણિ, કલ્પતરુની ઉપમા શ્રીજીમહારાજ તથા તેમના લાડીલા મુક્તને ઘટે નહિ. પણ બીજું કયું દૃષ્ટાંત આપવું ? એ વસ્તુ માયાથી પરની નથી ને આ તો પોતે ય દિવ્ય મૂર્તિ અને જે તેમની દૃષ્ટિમાં આવે તે પણ દિવ્ય થાય. અનાદિ મુક્તરાજ પર્વતભાઈ જેવા મહાસમર્થ મુક્તોએ અનેકને દૃષ્ટિમાત્રે મૂર્તિના સુખમાં પહોંચાડ્યા. એવા તો અનંત મુક્ત છે, તે શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન દે છે. માટે આવી સભાને દિવ્ય જાણી દિવ્ય થઈ જવું. શ્રીજીમહારાજનું કામ શ્રીજીમહારાજ પોતે જ કરશે. એની અનંત કોટિ બ્રહ્માંડમાં નજર પહોંચે છે. આપણે એમના છીએ ને એ આપણા છે.
શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ફરરર, ફરરર નિકળ્યે જ જાય છે. એ તેજ સિંહાસનરૂપે શોભે છે. માટે એ તેજની અલૌકિક અદભુત શોભા છે; અને મૂર્તિમાં પણ અનંત મુક્ત કિલ્લોલ કરે છે. અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે ત્યાં જ છે, મંદ મંદ હસે છે ને સુખ લીધા જ કરે છે. મહારાજની મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય. પણ એ મૂર્તિનો ને એ મૂર્તિના સુખનો પાર આવે નહિ.
અહીં શ્રીજીમહારાજની મૂર્તિ ને અક્ષરધામમાં દિવ્ય તેજોમય મૂર્તિ એ બેયમાં એક રોમનો ફેર નથી એમ શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે. એટલે જ્યાં શ્રીજીમહારાજનાં દર્શન થાય ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું જોઈએ. આવા મહાપ્રભુ આપણને પ્રગટ મળ્યા તે કાંઈ જેવી તેવી વાત નથી. ‘અક્ષર પર આનંદઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ’ એ કારણ મૂર્તિનાં દર્શન ક્યાંથી મળે ? આ તો સર્વોપરી ભગવાન ! વળી સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ, અકળ મૂર્તિ, આને કોની ઉપમા દેવાય ? તેમ આ વસ્તુ શાસ્ત્રમાંથી ખોળતાં પણ હાથ આવે તેવી નથી, કેમ કે અક્ષરધામ ને અનંત મુક્તથી પણ પર છે. એ મૂર્તિના સુખમાં અનંત કોટિ મુક્ત અનંત કલ્પ થયા પૂર્ણકામપણે રહ્યાં છે. તો પણ એ સર્વેને સુખનું અપારપણું વધતું ને વધતું જ રહે છે. એવા શ્રીજીમહારાજ અને તેમના મુક્ત આપણી સાથે વાતો કરે, મળે, બોલાવે, જે જમાડીએ તે જમે, ને સંભારીએ ત્યાં દર્શન દે, એ કેવી અલૌલિક વાત ! પણ દેહધારીને આ વાતની ગમ ન પડે ! અનંત જીવોના દૃષ્ટિમાત્રે કલ્યાણ કરે એવા તો એમના મુક્ત છે, તે જુઓને ! આમ ઘેર ઘેર ફરી જીવોને મહાપ્રભુની ઓળખાણ પડાવી, કાળ, કર્મ ને માયાના બંધન થકી છોડાવે છે ને મૂર્તિરૂપી અભયદાન આપે છે. આવા અવસરે જે પોતાનું પૂરું કરી શકે નહિ, તેને બીજું શું કહેવું ? આપણે તો એ કારણ મૂર્તિને પળમાત્ર મૂકવી નહિ ને દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી એમનું કોઈ વચન લોપવું નહિ. આવા મોટા મુક્તને સદાય દિવ્ય જાણવા, એમના વિના માયાનું આવરણ ટળે એવું નથી, અને એ ધારે તો અનંતનાં આવરણ સંકલ્પમાત્રે ટાળી નાખે એવા એ સમર્થ છે. જ્યાં શ્રીજીમહારાજ ત્યાં મુક્ત ને જ્યાં મુક્ત ત્યાં મહારાજ, એમ અરસપરસ એકતા છે. તેથી કરુણાના દરિયા, દીનબંધુ, ગરીબ નિવાજ, એમ એમને જે કહીએ તે કહેવાય, કેમ કે એ તો મૂર્તિરૂપ જ છે. આવા શ્રીજીમહારાજ ને તેમના લાડીલા મુક્ત જેને મળ્યા તેને શું કરવાનું બાકી રહે ? બહારનો દેખાવ ન કરવો, માંહી ભર્યા રહેવું. શ્રીજીમહારાજ ને મોટા બધું ય જાણે છે. મહિમા જાણવો, પણ ટાણું ઓળખવું, નહિ તો કેટલાક સમજણ વગરના ઊંધું સમજી પોતાના જીવનું બગાડી નાખે છે, તેમાં શ્રીજીમહારાજ રાજી ન થાય. માટે આપણે ખટકો રાખવો. શ્રીજીમહારાજ કહે છે કે અમારે અનંત જીવ ઉદ્ધારવા છે, તેથી કોઈનું બગડે નહિ તેમ કરવું ને પાત્ર પ્રમાણે વાત કરવી. આજ તો, ‘‘અમૃતના સિંધુ ઊલટ્યા ને રંગડાની વાળી રેલ’’ એવું છે. ‘શ્રીજીમહારાજ ન્યાલકરણ’ પધાર્યા ને સૌને ન્યાલ કર્યા. અનંત મુક્તોએ પણ એ જ કામ કર્યાં છે. આ ટાણે પણ એવા મોટા પધાર્યા છે, તે પળમાં ન્યાલ કરી શ્રીજીમહારાજની મૂર્તિમાં મૂકી દે છે. જો ઓળખાય તો કામ થઈ જાય. શ્રીજીમહારાજમાં બધું ય છે. એને ગમતું હશે તેમ કરતા હશે. આપણે તો એમના ગમતામાં રાજી રહેવું. શ્રીજીમહારાજનાં કેવાં કામ છે ? જીવ ગમે તેવાં ડહાપણ કરે, પણ એના પાસે કોઈનું ધાર્યું કામ ન આવે. અને એ ધારે તો પળમાં ચહાય તેમ કરે. જીવ શ્રીજીમહારાજ તથા મોટાને સંભારે તો અચાનક આવીને ઊભા રહે, પણ જીવને સંભારવાની ખામી, તેમાં શ્રીજીમહારાજ શું કરે ?
અમારે તો શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ ખપતું જ નથી. કોઈ મહિમા જાણે કે ન જાણે, રાજી થાય કે કુરાજી થાય, પણ અમારે તો શ્રીજીમહારાજ વિના કોઈનું કામ નથી. બીજા તો જેવું જેને ખપતું હશે તેવું લેશે. તેમાં અમારે લેવાદેવા નથી. અમારે તો શ્રીજીમહારાજની મૂર્તિ રાખે તેનું કામ. અમારા હશે તે તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે ચાલશે. ખરું સુખ તો શ્રીજીમહારાજ પાસે ને તેમના મુક્ત પાસે છે; બીજે આ લોકમાં ક્યાંય નથી. તો ય જીવ સુખ લેવા ચારેકોર વલખાં મારે છે, પણ ક્યાંથી મળે ? મસાણના લાડવામાં એલચીની સુગંધ કેવી ? તેમ બીજે તો નકરું દુઃખ જ છે. અખંડ અને અવિનાશી સુખ તો એક શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. માટે આપણે તો એ મૂર્તિ સામું જોઈને સુખિયા રહેવું. આપણા પર તો શ્રીજીમહારાજે દયા કરી કાળ, કર્મ ને માયાનો હુકમ ઉઠાડી મૂક્યો છે અને દિવ્ય ચૈતન્યમય કરી પોતાની મૂર્તિ આપી છે, તેથી ન્યાલ થયા છીએ. હવે તેમનું કોઈ નાનું મોટું વચન લોપવું નહિ, એટલો ખટકો આપણે રાખવો જોઈએ.