• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૧૦)
ભગવાન અને ભગવાનના સંતની સાક્ષાત્ પ્રાપ્તિ તો પ્રત્યક્ષ નજરે દેખાય તેને કહેવાય. એ વાત એમ છે જે, શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દેતા હોય ત્યારે તે મૂર્તિમાંથી મનુષ્યભાવ ટાળવો જોઈએ અને પ્રતિમારૂપે દર્શન આપતા હોય ત્યારે તેમાંથી પ્રતિમાભાવ ટાળવો જોઈએ. એમ જાણવું જોઈએ કે અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ આ છે, એવા જ્ઞાને સહિત આશ્રય કરે તો સાક્ષાત્ પ્રાપ્તિ કહેવાય.
આ સત્સંગમાં સૌને શ્રીજીમહારાજનો રાજીપો જોઈએ છે, પણ કેટલાક તો કામ, ક્રોધ અને માન આદિ દોષમાં વળગી પડ્યા છે, તે એવા દોષને તથા પંચવિષયને મૂકી શકતા નથી, તેથી એનો દાખડો બધો ય ધૂળમાં મળી જાય છે. આજ તો જોગ બહુ ભારે આવી ગયો છે. તે જો ગરજુ થઈને મોટા કહે તેમ કરે તો તત્કાળ કલ્યાણ થઈ જાય.
આપણે તો શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં એ દિવ્ય મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. મૂર્તિમાંથી તેજ ઝળળ ઝળળ છૂટે છે, પતે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય તો પણ એ સુખમાંથી બહાર અવાય નહીં.
શ્રીજીમહારાજ આ સમે અનેકને ન્યાલ કરે છે, તે મૂર્તિ આપણને મળી છે. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો આવી ગયા જેવું છે. તેમના મુક્ત પણ મહાસમર્થ છે, એવા મોટા સાથે જેને હેત થયું હોય તે તો ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચી ગયા. આ લોકમાં શ્રીજીમહારાજ તથા એ મૂર્તિમાં રહેનારા મુક્ત મળવા દુર્લભ છે, તે આજ દયા કરીને સુલભ થયા છે, નહિ તો આવો જોગ ક્યાંથી મળે !
શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે, તે સર્વેને જોઈ રહ્યા છે, પણ જતા રહ્યા નથી અને જે એમ જાણે છે કે જતા રહ્યા, તેમનાથી આજ્ઞા નહિ પળાય.
સત્સંગમાં જેને દિવ્યભાવ આવે તેને શ્રીજીમહારાજ અને મુક્ત સર્વે તેજોમય ભાસે. એ મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે, તે પણ સર્વે તેજોમય છે. જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એટલે મૂર્તિને ફરતું તેજ, તેમાં ચારેકોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે. શ્રીજીમહારાજના અનાદિમુક્તનો વિશ્વાસ હોય તેને આ વાત મનાય. ક્યાં શ્રીજીમહારાજ ! ને ક્યાં એમના અનાદિમુક્ત ! આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે, પણ જીવને એવો અલૌકિક ભાવ આવતો નથી તેથી અપૂર્ણપણું રહે છે. આપણે તો સદાય આનંદમાં રહેવું.
આપણને શ્રીજીમહારાજની પ્રાપ્તિ થઈ છે, તેનો કેફ રાખવો. આપણા પર એ મહાપ્રભુની કૃપા બહુ છે, તેથી આવી દિવ્યસભાનો યોગ મળ્યો છે, માટે બીજે ઠેકાણેથી વૃત્તિ ઉખાડી મૂર્તિમાં જોડાવું, અને જાણવું જે, આ લોક, ભોગ સર્વે સ્વપ્ન તુલ્ય છે અને નરકરૂપ છે. ખરું સુખ તો એક શ્રીજીમહારાજની મૂર્તિમાં છે, બીજે તો એ સુખ ઘણું દુર્લભ છે, માટે સર્વે ક્રિયામાં મૂર્તિ સાથે જ રાખવી અને શ્રીજીમહારાજના સુખરૂપ અમૃતના સમુદ્રમાં ઝીલવું, પણ બીજે જ્યાં ત્યાં વલખાં ન મારવાં. અમૃતના સમુદ્રમાંથી એક ચાંચ ભરી હોય તો ય અમર થઈ જવાય, પણ ભરતાં આવડવી જોઈએ ! આપણે સર્વે જુદા નથી, એક મૂર્તિમાં જ છીએ, પણ આવો જોગ હોય તેને એમ રહે. સહુ આવું અને આવું બળ રાખજો. આવો અને આવો દિવ્યભાવ રાખજો. આ લાભ બહુ મોટો મળ્યો છે. અક્ષરધામમાં જઈએ ત્યારે મળાય ચે અહીં સહેજે મેળાપ થાય છે. આ બધી શ્રીજીમહારાજની દયા છે.
શ્રીજીમહારાજના જે સંત-હરિભક્ત છે એ તો મૂર્તિને સન્મુખ રમે છે. જેમ ભમરો પુષ્પ ઉપર ગુંજારવ કરે છે અને સુગંધ લે છે, તેમ જો મૂર્તિ સન્મુખ રમે તો કારણ શરીર બળી જાય, પણ કાર્યમાં અથમગથમ કર્યા કરે તો કારણ શરીર બળે નહિ અને મૂર્તિનું સુખ પણ ન આવે. માટે મૂર્તિને બાઝી રહેવું. એ મૂર્તિ વિના અણુમાત્ર ક્યાંય ખાલી નથી.
સર્વે ક્રિયામાં મૂર્તિ મુખ્ય રાખવી, તો સુખિયું થવાય, તે વિના કોટિ સાધને કામ થાય એવું નથી. આ જીવને દેહનું આવરણ મોટું છે, એ દેહ ચાળાચૂંથણો છે અને જીવને બહુ પ્રકારે છેતરી જાય છે, માટે તેને દુઃખરૂપ જાણી દેહરૂપે વર્તવુ નહિ.
ક્યાં શ્રીજીમહારાજ ! ને ક્યાં તેમના લાડીલા મુક્ત ! ને ક્યાં જીવ! આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે, જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને તો આનંદ આનંદ વર્તે.