• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૮)

0:000:00

સૌ શ્રીજીમહારાજનાં વચન સામી સુરત રાખજો. આપણે સત્સંગમાં મૂર્તિ સિદ્ધ કરવા આવ્યા છીએ તે કામ રહી જાય અને બીજે માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. શ્રીજીમહારાજની મૂર્તિ મંદિરોમાં અનેક સ્વરૂપે બિરાજે છે તે અને જે અક્ષરધામમાં તેજોમય મૂર્તિ રહી છે એ બેમાં રોમનો ફેર નથી, માટે સદાય પ્રત્યક્ષભાવ રાખી તેમના રાજીપાની તાણ રાખજો. શ્રીજીમહારાજે ગઢપુરનું મંદિર થતું હતું તે વખતે પોતે સોનેરી પાઘ ઉપર પાણો ઉપાડી સેવાનો તથા મંદિરનો મહિમા જણાવ્યો છે. વડતાલનું મંદિર થતું હતું તે વખતે પણ એક પટેલીએ કહ્યું હતું કે, ‘મહારાજ, તમે આવી મહેનત કરો છો તે ઠીક નથી લાતું. કહો તો હું દહાડિયા તથા ગાડાં મોકલાવું, પણ તમે દાખડો ન કરો.’ ત્યારે શ્રીજીમહારાજે તેને એમ કહ્યું જે, ‘અમે જમીનમાંથી સોનાનાં મંદિર તૈયાર કાઢીએ એવા છીએ, પણ આ તો સહુને સેવા થાય તે માટે કરીએ છીએ.’ એવી જ રીતે મૂળીનું મંદિર થતું હતું ત્યારે પાણાની ખાણે પાણીની તાણ પડતાં શ્રીજીમહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપી વાવ બતાવી. આમ જેટલાં મંદિર થયાં છે તેમાં શ્રીજીમહારાજની પ્રસન્નતા બહુ હતી, કેમ કે એવા સ્થાનમાં સૌનાં કલ્યાણ કરવાનો સંકલ્પ છે. અનાદિ મુક્તરાજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, ‘જેને વગર દાખડે પોતાનું કલ્યાણ જોઈતું હોય અને ઝાઝું કાંઈ જાણતો ન હોય તેને એક એક બાઈ, ભાઈનું મંદિર બંધાવી દેવું, એટલે એનું સહેજે કલ્યાણ થાય.’ આવો મોટાનો અભિપ્રાય જાણી આવાં કલ્યાણકારી મંદિરોનો મમત્વ રાખવો અને બનતી સેવા કરવી, પણ પરસ્પર એકબીજાનો દ્રોહ ન થાય એ જાળવવું. આ સત્સંગરૂપ શ્રીજીમહારાજની ફૂલવાડી છે તેનું રક્ષણ કરવું. આ લોકમાં ઝાઝું રહેવાય તેવું નથી, માટે મોટા મોટાના સિદ્ધાંત પ્રમાણે ચાલવું.

શ્રીજીમહારાજ ક્યાં છેટા છે ? અંતર્દૃષ્ટિએ જોઈએ તો આ રહ્યા ! ક્યાંય જવું-આવવું ન પડે. શ્રીજીમહારાજ કહે છે કે, ‘અંતર્દૃષ્ટિવાળાને ભગવાન ને ભગવાનના ધામ અણુમાત્ર છેટા નથી’ માટે કોઈ વાતનો સંકલ્પ કરવો નહિ ને એમની મરજી હોય તેમ સદાય રાજી રહેવું.

આપણે તો શ્રીજીમહારાજને ઘડીએ મૂકવા નહિ એટલું કરવાનું છે. બે જ વસ્તુ : એક શ્રીજીમહારાજ ને બીજા તેમના મુક્ત. એ બેને સંભારે એટલે બધા ય રોગ મટી જાય. બીજું કાંઈ કરવાની ના નથી, પણ જો એમાં શ્રીજીમહારાજ ન ભળે તો કાંઈ કામ ન થાય.

આ સમય એવો છે કે જેમ લોહ ચમકને ખેંચે તેમ અનાદિમુક્ત જીવને શ્રીજીમહારાજની મૂર્તિમાં ખેંચી લે છે. એ મૂર્તિમાં નકરું સુખ જ છે, પણ જીવને બહિર્દૃષ્ટિ ઘણી થઈ ગઈ છે, તેથી એ સુખ લઈ શકતો નથી.

આપણે તો શ્રીજીમહારાજ મળ્યા ત્યારથી રોજ રોજ બ્રહ્મયજ્ઞ થયા કરે છે. એ સાત્વિક યજ્ઞની રીત જુદી ને આવા યજ્ઞની રીત પણ જુદી. આમાં હજારો સંત-હરિભક્તો ભેગા થાય, જમે, રમે ને કથાવાર્તા કરી સુખિયા થાય. ત્યારે સાત્વિક યજ્ઞમાં તો મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જતાં કોઈ જાણે ય નહિ.

એક શ્રીજીમહારાજને સંભારવા ને એમ જાણવું જે, મારી પાસે એ મહાપ્રભુ અખંડ બિરાજે છે. એ મૂર્તિ અલૌકિક દિવ્ય છે. જુઓ તો ખરા ! આ દિવ્ય સભા કેવી શોભી રહી છે ! જેનાં બહુ જ મોટાં ભાગ્ય હોય તેને આવો જોગ મળે.

શ્રીજીમહારાજ અક્ષરધામમાંથી પોતાની દિવ્ય સભા લઈને પધાર્યા છે અને આ બ્રહ્માંડમાં મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે, તે સત્સંગમાં આપણે બધા ય જાણીએ છીએ, પણ જેને જેટલી સમજણ ને મહિમા તેને તેટલું સુખ.

અમારો સંકલ્પ એવો છે કે, આ બ્રહ્માંડમાં જેટલાં જીવ-પ્રાણીમાત્ર છે તે સૌને શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઈ જઈને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપે. શ્રીજીમહારાજ અનેક જીવનાં કલ્યાણ કરે છે, પણ કેટલાક આવી વાત જાણી શકતા નથી; એટલે સંકલ્પ કરે છે.

શ્રીજીમહારાજ તો આપણા ભેળા જ છે. એમનું કામ હોય ત્યાં એ દર્શન આપે જ.

જે સ્થાનમાં શ્રીજીમહારાજે ઘણી લીલાઓ કરી હોય તેનો મહિમા કહેવાને તો કોઈ સમર્થ જ નથી. પણ જીવને ઝાઝો મહિમા કહીએ તો મનાય નહિ. આ ગામમાં મોટા મોટા યજ્ઞો થાય છે તેમાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, માણકીએ ચડીને ફરે છે, પંક્તિ ટાણે દિવ્યરૂપે સંત-હરિભક્તો પર અમૃત નજર કરી સુખિયા કરે છે. એ વાતની બહિર્દૃષ્ટિવાળાને ખબર ન પડે.

શ્રીજીમહારાજ આપણને જેમ રાખે તેમ રાજી રહેવું અને એમને અખંડ સંભાર્યા કરવા. આગળ મોટામોટાને શરીરમાં ક્ષય, ઝાડા, તાવ, તણખિયા વા વગેરે રોગ જણાતા, પણ એ પરી સેવાને અર્થે હતા; કેમ જે, કેટલાયને એ નિમિત્તે સેવા મળે. વળી ઔષધિ કે ફળ-ફૂલ જે કાંઈ મોટાના ઉપયોગમાં આવે તેનું રૂડું થાય. માટે શરીરમાં વ્યાધિ જણાતી હોય તો ય ધીરજ રાખવી અને દેહદૃષ્ટિ બદલાવી મૂર્તિ આકારે વૃત્તિ કરી દેવી, પણ કોઈ રીતે મૂંઝાવું નહિ. ટાણું થશે એટલે શ્રીજીમહારાજ ને મુક્ત આવીને ઊભા રહેશે.

આ લોકની વસ્તુ આવા મોટાને અર્થે વપરાય તો જીવને કાંઈ કરવું બાકી રહે નહિ. જીવ બીજા દાખડા ઘણા કરે, પણ આવું ન કરે. સૂર્યને વાંસે રાખીને પડછાયો પકડવા જાય તો ક્યાંથી પકડાય ! તેમ જીવ શ્રીજીમહારાજ તથા મોટાને સન્મુખ થયા વિના સાધન કર્યા કરે તેનો પાર ન આવે.

આપણે તો એમ જાણવું જે, શ્રીજીમહારાજ ભેળા સદાય છીએ. બીજા ઠરાવ મૂકી દેવા અને આ લોકમાં એ મૂર્તિ વિના બીજો સંકલ્પ ન થાય એવું કરી નાખવું.

અમારે યજ્ઞ-સમૈયા કરવામાં આ લોકની મોટાઈ વધારવી કે બીજો કોઈ ઠરાવ નથી, પણ જીવનાં કલ્યાણ કેમ થાય, એટલો જ સંકલ્પ છે. આમ અમારો ઠરાવ જીવોને શ્રીજીમહારાજના સુખમાં લઈ જવાનો છે. કોઈ જુદું સમજતા હોય તો એ જાણે.

શ્રીજીમહારાજનો પ્રતાપ બહુ જબરો છે. આવા જોગમાં જે કોઈ આવી જાય તેનું કલ્યાણ થઈ જાય છે એ વાતની દેહ મૂકવા સામે ખબર પડે અને જો સત્સંગ કરી શ્રીજીમહારાજને તથા મોટાને આશરે જાય તો દેહ છતાં ખબર પડે.

શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત સર્વે દિવ્ય તેજોમય છે, એવી અખંડ સ્મૃતિ રાખવી. આ લોકનું તો બધું ય ફરી જાય તેવું છે. આપણે અવરભાવમાં રહ્યા થકા ઠરાવ તો પરભાવનો જ રાખવો. આ તો સર્વે દિવ્ય સભા છે. શ્રીજીમહારાજ કહે છે કે આ સભા બધી તેજોમય છે, માંહીથી તેજની છટાઓ છૂટે છે, વચ્ચે શ્રીજીમહારાજ બિરાજે છે, મુક્તો સર્વે એક નજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, મૂર્તિમાં પણ મુક્તની ઠઠ્ઠ છે, તે સર્વે મૂર્તિ આકારે દિવ્યરૂપ થકા ભેળા ને ભેળા રહે છે. ‘રસબસ હોઈ રહી, રસિયા સંગ’- તેમ રસબસભાવે મૂર્તિમાંથી સુખ લીધા જ કરે છે, એમ સદાય મૂર્તિ ભેળું રહેવું શ્રીજીમહારાજ વિના એકે ય સંકલ્પ કે એકે ય ઠરાવ રાખવો નહિ.

શ્રીજીમહારાજ પોતાની ઇચ્છાથી અહીં મનુષ્યરૂપે દર્શન આપે તેમાં જેમ દેહ-દેહીભાવ નથી, તેમ મોટા મુક્તનું જે દેખાવું છે, તે પણ શ્રીજીમહારાજના સંકલ્પથી જ છે અને એ મુક્ત તો મૂર્તિમાં લુબ્ધ જ રહે છે; માટે શ્રીજીમહારાજે જે મુક્ત દ્વારા અનેક જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ કર્યો હોય તે મુક્ત સ્વરૂપ પણ દિવ્ય છે, પણ તેમાં મનુષ્યભાવ નથી. મુક્ત સ્વરૂપ છે અને શ્રીજીમહારાજ સ્વરૂપી છે. અહીં દેખાય છે, તો પણ મૂર્તિમાં જ રહેલા છે, ક્યારેય જુદા રહેતા નથી. રસબસભાવે ભેળા રહે છે અને એવા મુક્તનું બોલવું, ચાલવું, ખાવું, પીવું એ સર્વે શ્રીજીમહારાજને આધીન છે. જેમ સાધનદશાવાળા ખાય, પીએ, ઊઠે, બેસે, તે બધું દેહને આધીન થકા કરે છે, તેમ મુક્તની સર્વે ક્રિયા શ્રીજીમહારાજને આધીન છે. શ્રીજીમહારાજ સ્વામી અને મુક્ત સેવક. શ્રીજીમહારાજ સુખના દાતા ને મુક્ત સુખના ભોક્તા, એમ જુદાપણું છે. એવા મુક્ત મૂર્તિમાંથી અખંડ સુખ લીધા જ કરે છે, તો ય તેને અપારપણું મટતું નથી. અને મૂર્તિમાંથી નવીન નવીન સુખ આવતાં જ જાય છે, તેથી પોતાને આનંદ પણ વધતો અને વધતો જ જાય છે. એવા અનંત મુક્ત શ્રીજીમહારાજના સુખમાં ગરકાવ થકા અખંડ રહે છે.

શ્રીજીમહારાજે પાંચ વર્તમાન કહ્યાં છે, એટલું જીવ પાળે ને શ્રીજીમહારાજનો દૃઢ આશરો હોય તો પછી તેને અક્ષરધામમાં જતાં કોઈ રોકે નહિ, પણ એ વિના તો મોક્ષ ન થાય.

સત્સંગમાં આવીને શ્રીજીમહારાજ તથા મોટાને મન, કર્મ, વચને રાજી કરવા એથી અધિક બીજું કાંઈ નથી. તમે બધા ય આ દિવ્ય લીલા જાણી સંભારજો. ખરે ટાણે આ સેવાનું ફળ દેખાશે ત્યારે અહો ! અહો ! થઈ જશે. ક્યાં શ્રીજીમહારાજ ! ક્યાં એમના મુક્ત ! આ તો અલૌકિક પ્રાપ્તિ થઈ છે. આ સભામાં શ્રીજીમહારાજ અને અનંત મુક્ત છે, તેથી એમના સંબંધને જે પામે તે નિર્ગુણ થઈ જાય.

આવી દિવ્ય સભા શ્રીજીમહારાજના ઘર વિના બીજે ક્યાંય નથી. આજ તો શ્રીજીમહારાજના સંકલ્પથી સહેજમાં મોક્ષ થઈ જાય છે. આવા અનાદિમુક્ત પણ એ મૂર્તિનો રસ રેલાવે છે. આવો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ બાકી રહે નહિ, પણ ખરા ભાવે જોગ કરવો જોઈએ. મોટાની દયાનો પાર નથી. એ તો મૂર્તિના સુખમાં તુરત પહોંચાડે, જરા ય વાર ન લાગે. આ જીવ અલ્પ છે તેથી ભગવાનનો મહિમા જાણી શકતો નથી, પણ બ્રહ્માંડાભિમાની અને ધામાધિપતિઓને પણ દુર્લભ એવા ભગવાન આ સમે મળ્યા છે, એમ સમજાય તો આઠે પહોર આનંદ વર્તે. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘પોતાને જે મૂર્તિ મળી હોય તેનું જ ધ્યાન કરવું.’ તે આપણને કોણ મળ્યા છે ? તો સર્વોપરી એવા જે ભક્તિધર્મના પુત્ર સહજાનંદ સ્વામી ભગવાન તે મળ્યા છે; મૂર્તિઓ પણ એ જ છે. એ બેમાં જરા ય ફેર નથી. એ મૂર્તિનું વાતે વાતે બીજ લાવવું. શ્રીજીમહારાજ વિનાની બધી વાત નિર્બીજ જાણવી, આગળ મોટા મોટા મુક્તો ક્રિયા કરતા જણાતા પણ મટકું ભરે તેટલી વાર પણ મૂર્તિ ભૂલતા નહિ.

શ્રીજીમહારાજ અને મોટા તો એનું એ કહે છે. એમને તો મૂર્તિ આપવાનું જ તાન છે. આપણે પણ એક કારણ મૂર્તિને જ બાઝવું. એ મૂર્તિનું સુખ અનાદિમુક્તના જોગે તત્કાળ આવે, તો પણ એમ જાણવું જે સુખ તો શ્રીજીમહારાજ આપે છે, કેમ કે ગંગાજળનું પાણી ગૌમુખીમાંથી આવે, તો પણ ગંગાજીનું જ છે. અજાણ્યો હોય તે એમ જાણે જે ગૌમુખીમાંથી આવે છે. જેમ કોઈના ઘેર મોટો વરો હોય અને ત્યાં સહુ જમતા હોય ત્યારે જમનાર જાણે જે આ પીરસનાર જમાડે છે, તો તેને જમાડનારકોણ છે તેની ખબર ના પડી, કેમ કે જમાડનાર ધણી જુદો છે અને એ જ એ સૌને જમાડે છે, તેમ પીરસનાર મુક્ત દેખાય છે, પણ માલના ધણી તો એક શ્રીજીમહારાજ છે અને જે મુક્ત હોય તેને તો શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ હોય જ નહિ. જેમ શ્રીજીમહારાજ સદાય દિવ્ય તેજોમય થકા મનુષ્યરૂપે દેખાય છે તેમ એવા મુક્ત પણ દિવ્ય તેજોમય જ છે. એમને દેહરૂપ ન કહેવાય. એમની ક્રિયા નટની માયા જેવી છે, તો પણ દેખનારની દૃષ્ટિને લઈને દેહ ધરે છે, દેહ મેલે છે, એમ દેખાય. તે જુઓને ! શ્રીજીમહારાજે પણ દેહ ધર્યો, દેહ મેલ્યો એમ કહેવાપણું, પણ એ દિવ્ય મૂર્તિને શું હોય ? એ તો જેમ છે તેમ ને તેમ જ છે. એ મૂર્તિનો મહિમા સમજયા તેને બીજું કાંઈ નજરમાં જ ન આવે.

શ્રીજીમહારાજની મૂર્તિ સદાય દિવ્ય તેજોમય છે અને તેજરૂપ અક્ષરધામનો પ્રકાશ શીતળ, શાંત છે. તેને કોની ઉપમા દેવાય ? અગ્નિ જડ છે તો ય કેવો પ્રકાશ કરે છે ! સૂર્ય, ચંદ્રનો કેવો પ્રકાશ છે ! તેથી વળી માયાથી પર પુરુષકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિ ઐશ્વર્યાર્થીમાં તો અનંતગણો પ્રકાશ છે, પણ શ્રીજીમહારાજની મૂર્તિ આગળ એ બધાયના પ્રકાશ શું લેખામાં ? એવા અલૌકિક શ્રીજીમહારાજ તે આપણને દયા કરી પ્રત્યક્ષ મળ્યા છે. આવો મહિમા સમજ્યા વિના અવતાર-અવતારી એક જ છે, એમ કેટલાક કહે છે પણ તેમને મોટા મુક્તોનાં સિદ્ધાંત વચનો સમજવામાં જ નથી આવ્યાં. નહિ તો એમ કહે જ નહિ.

શ્રીજીમહારાજ રંગભીના કહેવાય છે. તેમ મુક્ત પણ શ્રીજીમહારાજના રંગમાં રસબસ છે. એને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.

અનાદિ મુક્તરાજ પર્વતભાઈએ મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું કે સાંભળ્યું હોય અથવા કાંઈ ભોગવ્યું હોય તે માટે પાંચસો પરમહંસના સમ ખાધા ત્યારે કોઈએ શ્રીજીમહારાજને રાવ કરી જે, ‘મહારાજ ! પર્વતભાઈએ આ રીતે પરમહંસના સમ ખાધા’ ત્યારે શ્રીજીમહારાજે તેમને ઠપકો આપ્યો કે ‘તમે અજાણે બોલો ને અમથા નિર્ણય કરો, પણ પર્વતભાઈ જેવા મુક્તનો મહિમા તમે શું જાણો ? એમને તો અમારી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.’ આમ મોટાની વાત જાણ્યા વિના કેટલાક કહે છે કે, મૂર્તિમાં મુક્ત કેમ રહેતા હશે ? પણ એ વાત મૂર્તિરૂપ થએલા મુક્તની છે. તે દેહધારીને ક્યાંથી સમજાય ? એ તો મોટા મુક્તને દિવ્ય જાણી તેમનો વિશ્વાસ રાખે અને મન, કર્મ, વચને જોગ કરી કૃપા મેળવે તો સમજાય. આ તો બહુ ભારે વાત છે. આ સમે શ્રીજીમહારાજ સૌને પળમાં ન્યાલ કરે છે, કેમ કે ન્યાલકરણ મૂર્તિ છે. એમને જેમ છે તેમ જાણે ને અખંડ જોગ રાખે તો કામ થઈ જાય, તે વિના બીજા સાધને કલ્પેકલ્પ વીતી જાય પણ કામ ન થાય. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તને તો મૂર્તિનું સુખ આપવું છે, તે લેવાની ખરી તાણ રાખવી. આ સભામાં અખંડ મૂર્તિની જ વાતો થાય છે, માટે વ્યાવહારિક વિક્ષેપ ન હોય ત્યારે તો મૂર્તિનું જ ધ્યાન કર્યા કરવું. ધ્યાન ન થાય એ ટાણે વળી જ્ઞાને કરીને એ જ વિચાર કર્યા કરવો અને આપણા જોગમાં કોઈ આવે તેને પણ સર્વે વાતમાં ભગવાનનું જ મુખ્યપણું રાખવાની વાત કરવી અને ઘડીભર શ્રીજીમહારાજથી છેટા રહેવું નહિ, તેમ શ્રીજીમહારાજને છેટા રાખવા નહિ, આજ્ઞામાં પણ ખબરદાર રહેવું. મૂર્તિની સ્મૃતિ રાખ્યા વિના સાધનથી કામ ન સરે. માટે અખંડ સ્મૃતિ રાખવી. શ્રીજીમહારાજે તો ‘અમારી મૂર્તિમાં વૃત્તિ ન રાખે તે અમારો ભક્ત જ નહિ’ એમ કહ્યું છે.

શ્રીજીમહારાજે વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ તથા બ્રહ્મપુર આદિ ધામોની સભાથી પોતાની સભા અધિક કહી છે, તેનું કારણ શું ? તો પોતે સર્વોપરી કારણ મૂર્તિ છે, તેથી એ સર્વે ધામના ધામી શ્રીજીમહારાજના અદભુત પ્રતાપને જાણી રાજી કરવા આ સત્સંગમાં આવેલા. આવી અલૌકિક દિવ્ય સભા આપણને મળી છે એમ જાણવું પણ શ્રીજીમહારાજ હવે જતા રહ્યા, આગળ મોટા મોટાએ બહુ સુખ લીધું, આ ટાણે એવું નથી; એમ જાણે તેને શ્રીજીમહારાજનો મહિમા ન કહેવાય અને તેના અંતરમાં સુખ ન આવે. શ્રીજીમહારાજે પોતાના મુક્તનો મહિમા પણ એવો જ કહ્યો છે એમ વર્ણન કરે પણ મનુષ્યભાવ દેખી મોહ પામે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય.