૪. ધ્યાનપ્રધાન

વાર્તા 20 : બાપાશ્રી બોલ્યા જે, 'શ્રીજીમહારાજે માળા, માનસીપૂજા જે જે બતાવ્યાં છે તે સાધનકાળનાં બતાવ્યાં છે ને કેટલાંક સિદ્ધકાળનાં બતાવ્યાં છે, માટે માનસીપૂજામાં ચૈતન્યને વિષે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડતાં અને વસ્ત્ર-ઘરેણાં પણ મૂર્તિના જેવાં જ દિવ્ય તેજોમય ધારવાં; પણ ચિત્રવિચિત્ર ન ધારવાં સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી પણ જુદાં જુદાં સ્થાન કલ્પવાં નહિ, એમ કરતાં કરતાં ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું. બીજો સંકલ્પ કરવો નહિ. મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપકર્તા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થયો હોય તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું અને ધ્યાન કરવું. ધ્યાન કરતાં અકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે, એમ જાણવું; અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે, એમ જાણવું; અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવ સત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય છે. જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહિ. જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રી છે જ નહિ, તેમ ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે પણ જીવને આગ્રહ થતો નથી. અંતર્વૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખિયો થઈ જાય, એવું મૂર્તિનું સુખ છે. તે સુખ આવે તો સર્વે વિષય, માન, મહોબત, સેવાભક્તિ, તે જેમ પાણીમાં વસ્તુ નાખીએ તે દેખાય જ નહિ તેમ વિસરી જાય અને એક મૂર્તિ જ દેખાય માટે મૂર્તિની સ્મૃતિ અખંડ રાખવી.' 1

વાર્તા 167 : બાપાશ્રીએ વાત કરી જે, 'પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી, તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથાવાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે. એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે, તે જેમ ઘવરાવવા લીધા હોય ને શું? એમ થઈ જાય છે પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર-કમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય પણ કહ્યું કરે નહિ, તેમ કહી કહીને થાકી ગયા તો પણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલાં ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે તે પંથ કેમ કપાય? તેમ જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેડ્ય આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે. જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી... પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને.... જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય, .... માટે આ કરો, આ કરો. બીજું સર્વે પડ્યું મૂકો. પગલાં-પદાર્થ કાંઈ કામના નથી. મૂર્તિ રાખો.... આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો, ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી.' 2

વાર્તા 250 : બાપાશ્રી બોલ્યા જે, 'ઝેરનું ઝાડ મેલીને સ્વામિનારાયણની એક મૂર્તિમાં તેલધારા અખંડ વૃત્તિ રાખવી.... માયિક ઇંદ્રિયે કરીને માયિક વસ્તુ ઝેર જેવી થઈ જાય ને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે તો છ મહિનાની અંદર મૂર્તિ સિદ્ધ થઈ જાય. જ્યારે ખારું-ખાટું, તીખું-તમતમું આદિકના ભાવ એકેય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમરૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. આ દેહનું સુખ ભેળું રાખવું અને મૂર્તિનું સુખ લેવું તે થાય નહિ; રસના આદિક મૂકે તો થાય, પણ ભગુડી ભેંસનું દૂધ સારું એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે? અમે ક્યાંથી આવ્યા? આજ મહારાજ મૂર્તિ દેખાડે છે, હરે છે, ફરે છે, સુખ આપે છે પણ નાસ્તિકભાવ છે. આ દેહનું જ સુખ જોઈએ. ખાવા, પીવા, પહેરવા ને શોખ માણવા, તો મૂર્તિ ક્યાંથી દેખાય?' 3

વાર્તા 44 : બાપાશ્રી બોલ્યા જે, 'આવો વખત મળ્યો છે તોપણ મૂર્તિનું સુખ લેવાતું નથી અને પંચવિષયમાં તણાઈ જવાય છે, તેનું કારણ એ છે જે, મહિમામાં કસર છે; જો મહારાજની મૂર્તિનો મહિમા જણાય.... તો આ લોકનાં સુખ કચરા જેવા થઈ જાય.' 4

વાર્તા 67 : બાપાશ્રી બોલ્યા જે, 'શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે પણ તપ આદિક સાધને કરીને કારણે દેહ શેકાય નહિ.... જો શ્રીજીમહારાજની મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બધું ખોટું થઈ જાય.' 5

વાર્તા 170 : બાપાશ્રી બોલ્યા જે, "પ્રકૃતિપર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય છે અને પ્રકૃતિ પર અક્ષરપર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય કહેવાય. તેમ જ જ્ઞાન પણ ઘણા પ્રકારના છે, પણ અનુભવજ્ઞાન ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય, 'રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પય માંહી ભળી' એમ મૂર્તિમાં જ રહેવું પણ બહાર નીકળવું નહિ, મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ એને કાંઈ જોઈએ જ નહિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ, કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ. એક મૂર્તિ જ રહે." 6

વાર્તા 150 : બાપાશ્રી બોલ્યા જે, 'શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહેવું, ને એક મૂર્તિની ને મૂર્તિના સુખની ઇચ્છા રાખવી. ઐશ્વર્યની કે કાંઈ જોવાની કે નિરાવરણ થાવાની કે અંતર્યામીપણાની ઇચ્છા રહે, તો તે જગતની કોરનો લોચો કહેવાય. તે મૂર્તિ વિના નકરું મૂર્તિનું તેજ જે અક્ષરધામ તે દેખાય તે પણ લોચો છે. એક મૂર્તિ ને મુક્ત બે જ સર્વત્ર દેખાય એ અંતર્વૃત્તિ કહેવાય અને તે લોચાથી રહિત કહેવાય માટે મૂર્તિમાં રસબસ થઈ રહેવું.' 7

આવી રીતે બધેથી વૃત્તિ પાછી વાળીને ધ્યાન કરવાનો આગ્રહ રાખવો, એવો બાપાશ્રીનો મુખ્ય અભિપ્રાય છે.