૭. સ્વામી-સેવકભાવ
છે. વ. 39 માં :- 'અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી ને જો ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય.'
ભાવાર્થ :- આમાં પરમએકાંતિક મુક્તના તથા અનાદિ-મુક્તના, તથા મૂળઅક્ષર તથા સર્વ અવતારના સ્વામી, સુખદાતા ને નિયંતા અમે સ્વામિનારાયણ ભગવાન એક જ છીએ, અને મુક્ત તથા અવતાર તે પણ કોઈ અમારા જેવા થવાને સમર્થ નથી એવો ભાવ છે.
કા. વ. 10 માં : - 'અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી-સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.'
લો. વ. 13નો ભાવાર્થ :- નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, 'તમારા અક્ષરધામમાં નિર્ગુણપણે કરીને રહ્યા અને તમારા સાર્ધમ્યપણાને પામેલા એવા પરમએકાંતિક ને અનાદિમુક્ત છે, તે સર્વે મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા જે તમે, તે તમારામાં અને તમારા મુક્તમાં કેમ ભેદ સમજવો?' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, 'જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહિ? તથા જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સાર્મથ્ય, ઐશ્વર્ય વગેરે સર્વોપરી છે. તેમ પુરુષોત્તમ નારાયણ જે અમે તે સર્વકર્તા, સર્વકારણ ને સર્વનિયંતા છીએ અને અતિ રૂપવાન, અતિ તેજસ્વી ને અતિ સમર્થ છીએ અને કર્તા, અકર્તા ને અન્યથા કર્તા છીએ. તે અમને તથા બીજા અનાદિમુક્તને તથા પરમએકાંતિક મુક્તને તથા અવતારને સરખા કહે છે તે દુષ્ટમતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા ને તેનાં દર્શન પણ કરવાં નહિ. અને અમને લઈને જેને વિષે મોટપ કહીએ તેને વિષે સંભવે. અને અમને લઈને તો બ્રહ્માદિક સર્વેને ભગવાન કહેવાય છે; અને અમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી? અને અમને લઈને અમારા મુક્તને અમારા જેવા કહેવાય છે અને અમને લીધા વિના તો અનાદિમુક્તને પણ અમારા જેવા ન કહેવાય; આવી રીતે સ્વામી-સેવકભાવ સમજવો.'