૮. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સર્વકર્તાપણું તથા સદા દિવ્ય સાકારપણું
ગ. પ્ર. વ. 27નો ભાવાર્થ : - 'પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે, તથા ચાય તો કોઈ માન કરો તથા અપમાન કરો, તથા રૂપવાન એવી યૌવન સ્ત્રી તથા કુરૂપવાન એવી વૃદ્ધ સ્ત્રી તથા સોનાનો ઢગલો તથા પથ્થરનો ઢગલો તે સર્વેને વિષે જેને સમાન બુદ્ધિ છે, ઇત્યાદિક જ્ઞાનવૈરાગ્યાદિ ગુણે યુક્ત એવો ભક્ત તેના આત્મામાં ભગવાન જે અમે તે અખંડ નિવાસ કરીને રહીએ છીએ, પછી તેને અનાદિમુક્ત કરીને અમારી મૂર્તિમાં રાખીએ છીએ.'
ગ. પ્ર. વ. 37માં શ્રીજીમહારાજ બોલ્યા જે, 'જેના હૃદયમાં ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, જેવા આ પ્રગટ ભગવાન (શ્રી સ્વામિનારાયણ) પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા ભગવાનના (અમારા) ભક્ત ભગવાનની (અમારી) સમીપે વિરાજે છે, તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે, અને આ ભગવાન ને ભગવાનના ભક્ત એ સદા સાકાર જ છે એમ સમજતો હોય ને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ, અને એમ જાણે જે આ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ, અને એમ જાણે જે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનને (અમારે) વિષે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે ને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી, અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની (અમારી) એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલાં શાસ્ત્ર સાંભળે, અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના (અમારા) સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને (અમને) કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુ:ખવતા થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છતા નથી, એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઇચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું ક્લ્યાણ ઇચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે, અને એવા જે ભગવાનના (અમારા) સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના (અમારા) ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની (અમારી) હજૂરમાં (મૂર્તિમાં રસબસ) રહે છે; અને એવી નિષ્ઠા જેને ન હોય તેણે બીજાં સાધન જો કર્યાં હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના (અમારા) ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના (અમારા) દર્શન તુલ્ય છે, અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.' એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી છે.
વ. વ. 2 માં પ્રશ્ન : - 'ભગવાન રાજી કેમ થાય?' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, 'જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય, ત્યારે કહેશો જે દ્રોહ તે શું? તો જે આ સર્વે જગતના કર્તાહર્તા ભગવાન છે તેને કર્તાહર્તા ન સમજીએ ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ, અથવા માયાને જાણીએ, અથવા કર્મને જાણીએ, અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનો દ્રોહ છે; કેમ જે ભગવાન સર્વના કર્તાહર્તા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતના કર્તાહર્તા કહે છે માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે, અને વળી ભગવાનને નિરાકાર કહેવા એ જ ભગવાનનો (અમારો) દ્રોહ છે; કેમ જે ભગવાન છે તે કર-ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે ને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે, તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા, ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે ભગવાનની સંપૂર્ણ પૂજા કરી અને તે વિના તો ચંદનપુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે, માટે ભગવાનને (અમને) જગતના કર્તાહર્તા જાણે ને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. (અમે રાજી થઈએ છીએ.)'
ભાવાર્થ : - કાળ, કર્માદિકને કર્તા જાણે તેને દ્રોહી કહ્યો, તે કેવી રીતે સમજે તો કાળાદિકને કર્તા જાણ્યા કહેવાય?
ઉત્તર : - શ્રીજીમહારાજની પ્રેરક શક્તિ વિના પ્રલયના કર્તા કાળને જાણે તો કાળને કર્તા જાણ્યો કહેવાય. અને શ્રીજીની પ્રેરક શક્તિ વિના જગતની ઉત્પત્તિ-કર્તા માયાને જાણે તો માયાને કર્તા જાણી કહેવાય. અને શ્રીહરિની પ્રેરક શક્તિ વિના કર્મે કરીને જ સુખ-દુ:ખ ભોગવાય છે ને મોક્ષ થાય છે એમ જાણે, પણ શ્રીહરિને કર્મફળપ્રદાતા ને મોક્ષકર્તા ન જાણે તેણે કર્મને કર્તા જાણ્યું કહેવાય. અને શ્રીહરિની પ્રેરક શક્તિ વિના જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે સ્વાભાવિક જ થયા કરે છે એમ જાણે, તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય.
કા. વ. 10 માં : - શ્રીજીમહારાજે કહ્યું છે કે, 'જીવનું કલ્યાણ તો આટલી વાતમાં છે જે, પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થાતું નથી એવી રીતે ભગવાનને (અમારે) વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે ભગવાન વિના બીજા જે કાળ-કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ.'
કા. વ. 7 માં : - શ્રીજીમહારાજનો પ્રશ્ન જે, 'આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વ ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય?'
ભાવાર્થ : શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહીને સળંગ મૂર્તિનું સુખ અખંડ અનુભવાય તેવી અનાદિમુક્તની સ્થિતિ કેમ પ્રાપ્ત થાય? ને અખંડ મૂર્તિમાં રહીને સુખભોક્તા એવા અનાદિમુક્તની સર્વ ક્રિયાને વિષે કેવી સ્થિતિ હોય? તેનો ઉત્તર :-
શ્રીજીમહારાજ બોલ્યા જે, 'પીંડ-બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીશ તત્ત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિપુરુષ તથા મહાકાળ તે વાસુદેવબ્રહ્મની પાસે જઈને રહે છે. અને વાસુદેવ ને તેમના ઉપરી અક્ષર તેમનો પ્રલય થતો નથી ને ત્યાં કાળની ગતિ નથી અને તેઓ અમારા (શ્રીજીમહારાજના) પ્રકાશરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મનાં કિરણોમાં રહે છે. અને તે સર્વેનું આધાર અને કારણ એવું મારી મૂર્તિના પ્રકાશરૂપ ચિદ્ઘન તેજરૂપ અક્ષરધામ છે તેમાં દિવ્યમૂર્તિ એવા શ્રી સ્વામિનારાયણ પુરુષોત્તમ ભગવાન જે અમે, તે સદા વિરાજમાન છીએ અને તે મારા ધામમાં મારી પાસે અનંતકોટિ મારા સાર્ધમ્યપણાને પામ્યા એવા પરમએકાંતિક મુક્ત રહ્યા છે, તે સર્વે મારા દર્શન-સ્પર્શ કરીને આનંદ પામે છે અને કિલ્લોલ કરે છે. અને મારા પરમ સાર્ધમ્યપણાને પામ્યા એવા અનંતકોટિ મારા અનાદિમુક્ત છે તેમને મારી મૂર્તિમાં રાખ્યા છે, તે સર્વે મુક્ત મારા સ્વરૂપમાં લીનપણે જોડાઈ રહીને મારી સળંગ મૂર્તિનું સંપૂર્ણ સુખ અખંડ અનુભવે છે. આવા સર્વ મુક્તના સ્વામી, સુખદાતા, નિયંતા, આધાર ને કારણ એવા અમે શ્રી સ્વામિનારાયણ ભગવાન છીએ. અને અમે અમારા પ્રકાશનાં કિરણોએ કરીને અક્ષર ને પ્રકૃતિપુરુષના કારણ, આધાર અને સુખ, સાર્મથ્ય ને પ્રકાશ તેના પ્રદાતા છીએ અને તે અક્ષર ને પ્રકૃતિપુરુષરૂપે કરીને સર્વે બ્રહ્માંડોના જીવ-ઈશ્વરના સુખ, સાર્મથ્યને પ્રકાશના પ્રકાશક એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, તે જ અમે પોતે દિવ્ય મૂર્તિ થકા અમારા પ્રેમી ભક્તને લાડ લડાવવા અને અમારા સાર્ધમ્યપણાને પમાડવા અને મુક્ત કરીને અમારી મૂર્તિનું સુખ આપવા મનુષ્યરૂપે પ્રગટ થયા છીએ, પણ જેવા અક્ષરધામમાં દિવ્યમૂર્તિ છીએ તેવા ને તેવા જ દિવ્યમૂર્તિ છીએ. તો પણ અણસમજુ જીવ છે તે અમને તથા અમારા મુક્તને માયિક ગુણે યુક્ત કહે છે, પણ અમે તો સદા અક્ષરાતીત દિવ્યમૂર્તિ જ છીએ. અને આ અમારું મનુષ્ય સ્વરૂપ છે તથા પ્રતિમા સ્વરૂપ છે તેને જે અમારાં વચનરૂપ શાસ્ત્ર છે તે, તથા મુક્તાનંદ સ્વામી આદિ સંત છે, તે દિવ્યરૂપે કરીને પ્રતિપાદન કરે છે.' આવી શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા તે જ આત્યંતિક કલ્યાણ છે અને તે ભક્ત સિદ્ધદશાને પામે ત્યારે સર્વ ક્રિયાને વિષે અખંડ અનાદિમુક્તની સ્થિતિ ભોગવે છે.
છે. વ. 31 નો ભાવાર્થ : - 'આ અમારી પ્રત્યક્ષ મનુષ્યરૂપ મૂર્તિ અને અક્ષરધામમાં મૂર્તિ છે, તે બેમાં લગાર પણ ફેર નથી; બે ય એક જ છે, એમ સમજે તેને તે મૂર્તિનું ધ્યાન થાય છે.'
મ. વ. 13નો ભાવાર્થ :- 'આ અમારી મનુષ્યરૂપ મૂર્તિનું ધ્યાન કરે છે તેને આ જ મૂર્તિ અક્ષરધામમાં છે તેવી જ તેજોમય કૈવલ્ય સ્વરૂપે દેખાય છે અને ધ્યાનનો કરનારો છે, તે માયાથી મુક્ત થાય છે.'
પંચાળાના 7 નો ભાવાર્થ :- 'સર્વ કારણના કારણ ને સદા દિવ્ય સાકાર મૂર્તિ, એવા પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારી મૂર્તિને વિષે સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ સમજવો નહિ, ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન - ઉપાસના - ભક્તિ કરવાં, પણ તેથી કાંઈ પૃથક્ ન સમજવું અને અમારે વિષે જે દેહભાવ દેખાય છે તે તો નટની માયાની પેઠે સમજવો; કેમ જે અમારાં જન્મ, કર્મ ને મૂર્તિ દિવ્ય છે ને દિવ્ય જાણે તે માયાથી મુક્ત થઈને અમને પામે છે. અને અમે તો ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વ કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છીએ, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી; સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન છીએ. આવી અમારા પ્રત્યક્ષ સ્વરૂપને વિષે જે દૃઢ નિષ્ઠા તે જ મુક્ત તથા અનાદિમુક્તની સ્થિતિ પામવાનું કારણ છે. અને શ્રીજીમહારાજ ને મુક્તની કૃપાથી મુક્ત તથા અનાદિમુક્તની સ્થિતિ જ્ઞાને કરીને થાય છે, ત્યારે તે ભક્તને શ્રીજીમહારાજ ને મુક્ત વિના પીંડ-બ્રહ્માંડના વિષયભોગના સુખમાં તથા અક્ષર-પુરુષાદિકના ઐશ્વર્યભોગના સુખમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. અને તેનો આત્મા શ્રીજીમહારાજરૂપ થાય છે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં દૃઢ પ્રીતિ - અનુવૃત્તિએ યુક્ત વર્તે છે અને હું અનાદિમુક્ત છું; મૂર્તિના સુખમાં થીજી રહ્યો છું; એક શ્રીજીમહારાજ છે; બીજું કાંઈ નથી. એવી જ્ઞાને કરીને દૃઢ અનાદિમુક્તની સ્થિતિ થાય છે તેને આવી રીતે વર્તે છે. અને જ્યારે સિદ્ધદશાને પામે છે ત્યારે તેને મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ અખંડ ભોગવાય છે, પણ મૂર્તિ વિના બીજું અણુમાત્ર દેખાતું નથી.' આવી રીતે ભગવાનનું સર્વકર્તાપણું તથા સદા દિવ્ય સાકારપણું સમજવું.