૫. મૂર્તિના સુખની ને અનુભવજ્ઞાનની વાતો
વાર્તા 79 : બાપાશ્રી બોલ્યા જે, 'મહારાજનું સુખ તો અપાર છે ને મુક્તનું સુખ પણ અપાર છે. એ સુખની બ્રહ્મકોટિમાં કે અક્ષરકોટિમાં કોઈ ઉપમા દેવાય એવું નથી. એ મૂર્તિના સુખમાં પહોંચ્યા કેડે ધામનું સુખ તે શું? અને મુક્તકોટિનું સુખ તે પણ શું? એવું મૂર્તિનું સુખ છે. આ તો સાંસાગોટીલાં કરો છો પણ જ્યારે એ ધામમાં લઈ જઈને મહાપ્રભુજીની મૂર્તિનું સુખ દેખાડીશું, ત્યારે બીજાં સુખ નજરમાં જ નહિ આવે.' 1
વાર્તા 78 : બાપાશ્રી બોલ્યા જે, 'મોટા વાતો કરે તે નિત્ય નવી નવી આવે; કેમ જે અપાર છે. તેમ જ શ્રીજીની મૂર્તિનું સુખ મુક્તને નવું નવું આવે છે. જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે તેમ મૂર્તિમાં અનંત સુખ છે. જેને સાક્ષાત્કાર થાય તેને તે જણાય છે.' 2
વાર્તા 69 : બાપાશ્રી બોલ્યા જે, 'મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ, અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધા કરે તે અનુભવજ્ઞાન છે. માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય. જે ખોટું છે તેને ખોટું કરવું તેમાં તે શું? પણ સાચાને ખોટું કરવું તે ખોટું કર્યું કહેવાય. તે ખોટું કિયું ને સાચું કિયું? તો મૂળપ્રકૃતિપર્યંત બધું ખોટું છે અને બ્રહ્મકોટિ, અક્ષરકોટિ, શ્રીજીમહારાજનું તેજ અને અનંત ઐશ્વર્ય તે સાચાં છે તેને પણ મૂકીને એક શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન રહે ત્યારે છેલ્લી અવધિ આવી જાણવી. આ જ્ઞાન જે કહીએ છીએ તે મૂર્તિના સુખનું છે માટે જ્ઞાન બધું સરખું નથી. એક તો ખોટાને ખોટું કરે તે પણ જ્ઞાન કહેવાય અને બીજું સાચાને પણ ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે પણ સુખમાં જવું ને સુખ લેવું અને દાતા-ભોક્તાપણું અને સ્વામી-સેવકપણું દૃઢ કરવું ને સુખનું અપારપણું જાણવું' તે અનુભવજ્ઞાન કહેવાય.' 3
ભા. 2, વાર્તા 32 : સ્વામીએ પૂછ્યું જે, 'બાપા! મહારાજની મૂર્તિના સુખભોક્તા મળે એટલે સાધન સમાપ્ત થતાં હશે કે કેમ?' ત્યારે બાપાશ્રી બોલ્યા જે, 'સાધનની સમાપ્તિ ખરી પણ ભગવાનના મહિમાની, ભગવાનની મૂર્તિની, ભગવાનના સુખની અને સુખભોક્તાની અવધિ જ નહિ; તે તો વધતું જ જાય. તેનો અંત નહિ. તે તો અપાર, અપાર ને અપાર જ સમજવું. શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહીને ક્ષણ ક્ષણ પ્રત્યે કોટાનકોટિ નવીન નવીન ઉત્પન્ન થતાં જે સુખ, તેને ઉત્પન્ન થવાનાં સ્થાનક તેણે સહિત એકકાળાવચ્છિન્ન એ સર્વે સુખને જાણતા થકા ભોગવે છે. તે મૂર્તિનો અને સુખનો પાર કોઈ પામી શકતા નથી. એવું એ મૂર્તિનું અકળપણું છે, તેમ પોતે ભોક્તાપણે સર્વેને જાણતા થકા એક સાથે જ સર્વ સુખને ભોગવે છે. એ મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય. મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે, જુદાપણું છે ખરું; કેવી રીતે તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે. મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે. તેમ પુરુષોત્તમના અને અનાદિમુક્તના સાર્મથ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાર્ધમ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે, તો પણ પુરુષોત્તમના સુખનો કોઈ પાર પામી શકતા નથી; અપાર ને અપાર સદા રહ્યા કરે છે અને નિત્ય ક્ષણ ક્ષણ પ્રત્યે અધિક અધિક અપાર અપાર સુખ વધતું જ જાય છે; તેનો અંત જ આવતો નથી, એવા પુરુષોત્તમ ભગવાન છે.' 4
ભા. 2, વાર્તા 97 : બાપાશ્રી એમ બોલ્યા જે, 'શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે, તે તેજ અતિ શ્વેત છે, શાન્ત છે, શીતળ અને ઘાટું છે. તેમાં રહી જે મૂર્તિ તે ચંચળ છે. શ્રીજીમહારાજના રોમ તે શું? તો મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટે છે અને તેજના અનંત બંબ છૂટે છે. તે મૂર્તિને ચારે તરફ તથા સર્વે ઠેકાણે તેજની ઠઠ છે. તે સામસામી તેજની સેડ્યું દોઢે વળે છે અને અનંત તેજના ઢગલા છે, તે અપાર છે. એવી અલૌકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે.' 5
ભા. 2, વાર્તા 99 : બાપાશ્રી બોલ્યા જે, 'જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા મંડે તો ત્રણે શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય, એવો મૂર્તિનો પ્રતાપ છે. આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે. મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન-તેના ફુવારા છૂટે છે, તે જ્ઞાનથી મહારાજ મુક્તને મૂર્તિમાં ખેંચી લે છે. તે સુખ અનાદિ, સનાતન, અનંત ને અપાર છે. જેને એક મહારાજને સુખે સુખિયા થવું હોય તેને તો એ સુખ તરત આવે એવું છે; પણ માંહી બીજું રહી જાય છે, જેથી એ સુખ મળતું નથી.' 6
ભા. 2, વાર્તા 49 : બાપાશ્રી બોલ્યા, જે 'પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી ખુશબો ઊઠે છે, તે ખુશબો મુક્તોને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે. તે અનુભવજ્ઞાન આપણને જ્યાં સુધી... નથી થયું ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરીએ છીએ.' 7
ભા. 2, વાર્તા 101 : બાપાશ્રી બોલ્યા જે, 'ઝળળળ ઝળળળ મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે, એ મૂર્તિમાં મુક્ત સદાય રસબસ રહ્યા છે. એમ દૃઢ નિશ્ચય કરે તો જ મૂર્તિ હાથમાં આવે... અનાદિમુક્ત અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાં ઝીલે છે, તેમ આપણે પણ સદાય મૂર્તિમાં ઝીલવું; મૂર્તિ બહાર નીકળવું નહિ, અત્યારે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી... આદિક મહામુક્તો પ્રત્યક્ષ બેઠા છે એમ જાણવું. 8
આવી રીતે મૂર્તિના સુખની ને અનુભવજ્ઞાનની ઘણીક વાતો છે. તેમાંથી આ તો દિશમાત્ર લખી છે.