નિવેદન
ભગવાન શ્રી સ્વામિનારાયણની શ્રીમુખ પરાવાણી 'વચનામૃત' ગ્રંથ તથા અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીની વાતોમાંથી સદગુરુ મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીએ આજ્ઞા, ઉપાસના, ધ્યાન વગેરેનાં રહસ્યરૂપ વચનો પોતાને મનન કરવા સારુ સંગ્રહ-સંકલન કરી સારાંશરૂપે લખી રાખ્યાં હતાં. આ સંગ્રહ સ્વામીશ્રી પોતે વાંચતા તથા અ. મુ. શ્રી નાગજીભાઈ, મેરાઈ નથાભાઈ કાનદાસ વગેરે હરિભક્તો પાસે અવારનવાર વંચાવતા ને તેનું મનન કરાવતા.
સદગુરુ મુનિસ્વામીશ્રીએ દીર્ઘકાળના આદર્શ ત્યાગાશ્રમ દરમ્યાન શાસ્ત્રોના ઊંડા અધ્યયન ઉપરાંત મોટા સમર્થ સદગુરુઓ અને અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનો અનન્ય નિષ્ઠાપૂર્વક સમાગમ કરી, પોતાનું પ્રધાન અંગ જે ધ્યાન તે દ્વારા શ્રીજીમહારાજની દિવ્યમૂર્તિનું અનુભવજ્ઞાન સિદ્ધ કર્યું હતું ને એ સ્થિતિમાં અખંડ વર્તતા. એવા સંત શિરોમણિ સદગુરુ મુનિસ્વામીશ્રીએ અધ્યાત્મજ્ઞાનના રહસ્યરૂપ 'વચનામૃત ધ્યાનાદિ' નામે એક પુસ્તિકા તૈયાર કરી, જેમાં તેઓશ્રીએ ઉપરોક્ત શ્રીજીમહારાજની દિવ્યવાણી અને બાપાશ્રીની વાતોના મુખ્ય અંશો આવરી લીધા છે.
આવી સર્વજીવહિતાવહ અધ્યાત્મવાતો નિત્ય મનનીય હોઈ, આ લઘુ પુસ્તિકા સં. 2016માં મુનિસ્વામીશ્રીએ પ. ભ. શ્રી મેરાઈ ગટોરભાઈ નથાભાઈ તથા પ. ભ. શ્રી મેરાઈ ચુનિલાલ નથાભાઈ દ્વારા છપાવી પ્રસિદ્ધ કરેલી, પરંતુ તે પ્રકાશન ઘણા સમયથી અપ્રાપ્ય હતું.
આથી સર્વહિતાર્થે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવેલ, જે પુનઃઅપ્રાપ્ય થતાં તૃતીય આવૃત્તિરૂપે તેનું પુનઃપ્રકાશન કરતાં કૃતાર્થતા અનુભવીએ છીએ. વાચકવર્ગને પોતાના આત્માનું શ્રેષ્ઠ શ્રેય સાધવામાં આ પુસ્તિકા ઉપયોગી બની રહે એ જ અભ્યર્થના.
સં. 2058, મહા સુદ ચોથ
ઈ.સ. 2002, 16 ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન