૨. ઉપાસના
વાર્તા 171 : બાપાશ્રી વાતો કરતા હતા. પછી સારંગપુરનું 17 મું વચનામૃત વંચાવ્યું, તેમાં ગરુડ પણ આકાશનો પાર પામે નહિ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, 'ગરુડનું દૃષ્ટાંત તો મૂળઅક્ષર સુધી પહોંચે ને તેથી પર એકાંતિક, ને પરમ એકાંતિક, ને અનાદિ એ ત્રણને ગરુડનું દૃષ્ટાંત લાગુ પડે નહિ. તેમાંયે પરમ એકાંતિક ને અનાદિ તો ભગવાનરૂપ છે, તે એકાંતિકને મૂર્તિમાં ખેંચી લે છે. આ છેલ્લા મુદ્દાની વાત છે; હવે ખોળવું બાકી નથી. અક્ષરથી પર એકાંતિક, તેથી પર પરમ એકાંતિક, તેથી પર અનાદિ અને તેથી પર શ્રીજીમહારાજ છે. આ છેલ્લો મુદ્દો હાથ આવ્યો. જેમ સમુદ્ર વેળ લાવે ને ખેંચી જાય તેમ મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આવીને મૂર્તિમાં ખેંચી જાય છે તે કૃપાસાધ્ય છે. 'ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના' તે સમય આજ આવ્યો છે.' 1
વાર્તા 182 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'શ્રીજીમહારાજ ને આ સંત મળ્યા છે તે દિવ્ય છે, તેમને જે દિવ્ય જાણે તે પણ દિવ્ય થઈ જાય. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે, "જેવા અમને ને અમારા મુક્તને જાણશો તેવા કરીશું અને અંતર્યામી જેવા કરીશું". તે અંતર્યામી-એટલે અનાદિમુક્ત સુખ લેતા હોય તેને જાણી શકે અને પરમ એકાંતિકના સુખને જાણે ને એ સર્વેને ઓળખે. અને એ જે સુખ ભોગવતા હોય તે સર્વે દેખે અને તેથી ઓરા જે અક્ષરકોટિ ને બ્રહ્મકોટિ ને ઈશ્વરકોટિ ને જીવકોટિ તેમના અંતરનું જાણે, પણ ઉત્પત્ત્યાદિક કરે, કે એમને કર્મફળ આપે એવા નથી કરવા; પણ ઉપર કહ્યા એવા અંતર્યામી કરવા છે; એમ જાણવું.' 2
વાર્તા 65 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'જેમ શરદઋતુમાં સ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય છે, તેને છીપ સમુદ્રમાં અદ્ધરથી ઝીલે છે. તેનાં મોતી લાખ લાખ રૂપિયાના થાય છે ને પડી પડી ઝીલે તો એક પૈસાનાં મૂઠી ભરાય એવાં ફટકિયાં મોતી થાય છે. તેમ આજ અમે તમને મળ્યા છીએ તે શરદઋતુ બેઠી છે, માટે આ અમારાં વચન અદ્ધરથી ઝીલવાં. અને અમારો સમાગમ બાર મહિનામાં એકવાર ન થાય તો કાળ પડ્યાં જેવું જાણવું... આપણે સંવત 1837 થી (મહારાજ ને મુક્ત પ્રગટ થાય છે ત્યારથી) શરદઋતુ બેઠી છે.' 3
વાર્તા 128 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'તમને છેલ્લો મુદ્દો હાથ આવ્યો છે; કેમ જે બધી સભાઓ ભેદીને છેલ્લા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળ્યા છે. આવો ભાવ આ મુક્તને વિષે રહે તો સુખી થવાય ને રાગ માત્ર ટળી જાય. આ તો છેલ્લા મુક્ત છે, તે મહારાજના સુખમાં વળગાડે છે. તમે કોઈક ઠેકાણે ધૂણીપાણી કરેલાં છે. (સેવા કરેલી છે) તેથી તમને આ જોગ મળ્યો છે. મોટાની ભેળા પૂર્વે જે રહેલા હોય - તે જ મોટાને ઓળખે છે.' 4
વાર્તા 146 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'શ્રીજીમહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી; એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે. તે સર્વત્ર દેખે ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે. એવું સુખ છે. માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.' ત્યારે સ્વામીએ કહ્યું જે, 'આપ કૃપા કરીને ખોટું કરાવો.' ત્યારે બાપાશ્રી બોલ્યા જે, 'મૂર્તિ અમારે આપવાની છે અને પુરુષ-પ્રયત્ન તમારે કરવાનો છે.' પછી વળી સ્વામીએ કહ્યું જે, 'પુરુષ-પ્રયત્ન પણ આપ કૃપા કરીને કરાવો.' ત્યારે બાપાશ્રી બોલ્યા જે, 'તે પણ વખત આવ્યે પૂરું કરીશું ને મૂર્તિ પધરાવી દેશું અને મૂર્તિમાં લઈ જાશું.' 5
વાર્તા 15 : બાપાશ્રીએ વાત કરી જે, 'કોઈકને મૂર્તિમાન મૂળઅક્ષર મનાયું છે, અને કોઈકને તેથી પર જે શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરધામ-તે મનાયું છે, અને કોઈકને તેથી પર જે પરમ એકાંતિક તે મનાયું છે, ને કોઈકને તેથી પર જે અનાદિમુક્ત તે મનાયું છે. તે આવા અનાદિમુક્ત સાથે મન બાંધવું તે ઉત્તમ છે. આ તો સાર્મથ્ય ઢાંકીને બેઠા છીએ. પણ જો પ્રગટ કરીએ તો તમે ઝીલી શકો નહિ.' 6
વાર્તા 169 : બાપાશ્રી બોલ્યા જે, 'બીજા અવતાર તો કેટલાક માયામાંથી આવ્યા છે ને કેટલાક માયાથી પર જે ઈશ્વરકોટિ તેમાંથી આવ્યા છે, અને કેટલાક બ્રહ્મકોટિમાંથી આવ્યા છે, અને આ તો બ્રહ્મકોટિથી પર અક્ષરકોટિ અને તેથી પણ પરના જે પરમ એકાંતિક ને અનાદિમુક્ત-તે આવ્યા છે, અને શ્રીજીમહારાજ તો તેથી પણ પરના આવ્યા છે. બીજા અવતારોના ઐશ્વર્ય તો શ્રીજીમહારાજ લઈ લે છે ને પોતે તો સ્વતંત્ર છે. જેમ આકડાનું ફળ ને આંબાનું ફળ તે સરખાં નથી તેમ મહાપ્રભુજી અને બીજા મૂળઅક્ષરાદિક તે સરખા નથી. જો આ મહારાજનો મહિમા સમજાય તો કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે દોષ જતા રહે ને દેહ ખોખું થઈ જાય.' 7
વાર્તા 95 : બાપાશ્રીએ વાત કરી જે, 'તમને મળ્યા છે તે સનાતન-સ્વરૂપ છે. અને ધામ પણ અનાદિ છે; એવું બીજું કોઈ ધામ નથી અને મહારાજ જેવા કોઈ પતિ નથી અને મુક્ત જેવા કોઈ ગુરુ નથી, માટે તમને મૂકીને બીજે ક્યાંય સારપ રાખવી નહિ... શ્રીજીમહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે ને ધામ જે તેજ તે પણ શ્રીજીમહારાજની મૂર્તિને આધારે છે. જો ધામને આધારે મહારાજ રહ્યા છે એમ કહીએ તો મહારાજનું કારણ ધામ થાય માટે એમ ન સમજવું; કારણ ને આધાર તો મહારાજ છે અને અનાદિમુક્ત પણ મહારાજની મૂર્તિની અંદર છે માટે અનાદિમુક્તના આધાર પણ મહારાજ છે; પણ ધામ આધાર નથી. કારણ વસ્તુને જ આધાર કહેવાય, પણ કાર્ય વસ્તુને આધાર ન કહેવાય.' 8
વાર્તા 91 : બાપાશ્રી બોલ્યા જે, 'આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે, તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ. એમની સેવા પણ સનાતન છે; તે કેવી તો (એક શાકનુ ફોડવું હાથમાં લઈને બોલ્યા જે,) આ એક શાકનો પીતો છે તે આ મુક્તને અર્પણ કરે તો અર્પણ કરનારને અનંતકોટિ બ્રહ્માંડના જીવોને આત્યંતિક મોક્ષ કરવાની સામર્થી મળે; એટલું ફળ તો આ પૈસાભારનું એક ફોડવું છે તેટલી સેવાનું થાય છે; તો મોટા મુક્તની સેવા ને પ્રસાદીનો મહિમા ને મહારાજના સુખની વાતો સાંભળવી તેના સુખનો તો પાર જ ક્યાંથી પમાય? એવી દિવ્ય સેવા મળી છે તેને પામવાનો આ જીવને ખપ થતો નથી ને બીજા રસ, રૂપ, સ્નેહ, માન - એમાં હેત અને ત્વરા બહુ રહે છે, એવી જીવની ઉંધાઈ છે. આ ટાણે માળા, માનસીપૂજા, ભક્તિ, નિયમ, ધર્મ, કથા, વાર્તા કરો છો તેનું ફળ મહારાજની મૂર્તિનું સુખ છે તે અમે સર્વેને રાજી થઈને આપીશું.' - એ વર દીધો. 9
વાર્તા 147 : બાપાશ્રી બોલ્યા જે, 'નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ ભુલાવે છે. ઇંદ્ર-બ્રહ્માથી લઈને અક્ષરકોટિ સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે. માટે આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ - તે તો સર્વેથી પર છે.' 10
વાર્તા 171 : બાપાશ્રી બોલ્યા કે, 'જે મૂર્તિ અક્ષરધામમાં છે, તે જ મૂર્તિ મનુષ્યરૂપે ને પ્રતિમારૂપે દર્શન આપે છે એમ સમજાય તો કામ નીકળી જાય, મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી ભાવ સારો આવ્યો છે કે નથી આવ્યો એમ ભાવ જોવો નહિ; કેમ જે અક્ષરધામમાં મૂર્તિ છે. તે જ પ્રતિમા છે પણ એક રોમનો ફેર નથી. જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય. આજ ધણીએ મોટા મળ્યા ને પ્રાપ્તિએ મોટી મળી માટે હવે તો કરવા મંડવું. જો ન કરે તો કૃતઘ્ની કહેવાય. આ દેહે કરીને શું ન થાય? જે કરે તે સર્વ થાય એવું છે. આ અમારી આજ્ઞા પાળશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં લઈ જાશું અમે તો મૂર્તિમાંથી આવ્યા છીએ, તે તમને મૂર્તિમાં લઈ જાશું. અને જો આજ્ઞા નહિ પાળો તો તમારે અમારે લેણા દેણા નથી' - એમ વર ને શાપ આપીને વાર્તાની સમાપ્તિ કરી. 11
આવી રીતે સર્વ અવતાર અને બ્રહ્મકોટિ-અક્ષરકોટિ અને એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્ત એ સર્વેના નિયંતા શ્રીજીમહારાજ છે એવી ચોખ્ખી ઉપાસના સમજવી એ બાપાશ્રીનો મુખ્ય સિદ્ધાંત છે.