૩. શ્રીજીના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય

ગ. પ્ર. વ. 30 માં : - 'આ સત્સંગનો પ્રતાપ એવો છે કે, જે ગુણના ઘાટ થાતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે ને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું (અમારું) ચિંતવન થાય છે.' આમાં સત્સંગ કરવો એ જ અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય બતાવ્યો છે.

ગ. પ્ર. વ 44 માં : - શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, 'ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે?' પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'તમને તો સ્નેહની દીશ જ જડી નહિ અને તમે જે પિંડ - બ્રહ્માંડથી નિ:સ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો એ સ્નેહનું રૂપ નહિ; એ તો વૈરાગ્યનું રૂપ છે અને સ્નેહ તો એનું નામ જે, ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ ને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને (અમારે) વિષે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ, તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે.' આમાં અખંડ વૃત્તિ રહેવાનો ઉપાય પરમેશ્વરને વિષે પ્રીતિને જ કહેલ છે.

ગ. પ્ર. વ. 49 માં : - બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, 'ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે. અને જગત પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે?' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ અને તેને તો એ જ ફિકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થશે.'

પછી વળી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, 'એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે?' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એનું સાધન તો અંર્તદૃષ્ટિ છે, તે અંર્તદૃષ્ટિ તે શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંર્તદૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના ષટ્-ચક્ર દેખાય અથવા ગોલોક-વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંર્તદૃષ્ટિ નહિ માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંર્તદૃષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બ્રાહ્યદૃષ્ટિ છે.' આમાં અંર્તદૃષ્ટિ એ જ અખંડ વૃત્તિ રહેવાનો ઉપાય છે એમ કહ્યું છે.

ગ. મ. વ. 4 માં શ્રીજીમહારાજ બોલ્યા કે, 'જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાળ પડે ને કાંઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક ચિંતવન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહિ અને ભગવાનનું અખંડ જે ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે.'

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, 'અમે જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે?' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછપ છે. અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે, માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષ આવ્યા છે તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.' આમાં માહાત્મ્ય સમજવું એ જ અખંડ વૃત્તિનો ઉપાય છે.

ભાવાર્થ :- પ્રકૃતિપુરુષમાં અન્વયપણે રહ્યા છે તો પણ તેની ઉપાધિ અડતી નથી અને બ્રહ્માંડમાં જીવના મોક્ષ કરવા મનુષ્યરૂપે આવ્યા છે તો પણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા જ દિવ્ય છે.

ગ. મ. વ. 36 માં : - મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, 'ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેને શો ઉપાય છે?' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એનો ઉપાય તો ચાર પ્રકારનો છે, તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંડાટે ત્યાં ચોંટી જાય, તે જેમ પુત્રક - લત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે, માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઊપજે તે વિચારે કરીને ઘાટ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહિ અને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે, તે જેને અનેક જન્મનાં સુકૃત ઉદય થયાં હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે; ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિષે હેત થાય છે અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે ને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી, તે તો કૃતાર્થ છે.' આવી રીતે અખંડ વૃત્તિ રાખવાના ઉપાય બતાવ્યા છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય નિરંતર કરવો.