૩. શ્રીજીનું માહાત્મ્ય તથા અનાદિમુક્તની સ્થિતિ

વાર્તા 6 : બાપાશ્રી બોલ્યા જે, 'શ્રીજીમહારાજ આ મુક્તમાં રહીને બોલે છે, જમે છે, જુએ છે, સર્વે ક્રિયા મહારાજ પોતે કરે છે; અને મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં જ રહે છે પણ સુખ વિના બીજું જોતા નથી. માટે જોગ કરનારાને એમ જાણવું જે, આજ શ્રીજીમહારાજ મુક્તદ્વારે સત્સંગમાં સુખ આપે છે ને મુક્તદ્વારે પોતે ઉપદેશ કરે છે. એમ સર્વે વચન શ્રીહરિજીનાં જાણીને વિશ્વાસે સહિત ગ્રહણ કરવાં; તેમાં પણ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તે કરતાં વધારે મહિમા મોટા કહેતા હોય તો તે વચન સત્ય માનવાં, પણ શાસ્ત્રની સાખ લેવા જેવું નહિ... આજ મહારાજનું સુખ મુક્તદ્વારે મળે છે, તે મોટા એક મિનિટમાં આપી દે, જો પૂરો વિશ્વાસ હોય તો. એવો આ મોટાનો પ્રતાપ છે માટે આ સંગ જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી કરી લેવો.' 1

વાર્તા 8 : બાપાશ્રી બોલ્યા કે, "પર્વતભાઈએ શ્રીજીમહારાજ આગળ વાત કરી હતી જે, 'હે મહારાજ! મને લોકો કહે છે : જે તમને સાઠ વર્ષ થયાં, પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ રહ્યો છું; બીજું કાંઈ દેખતો નથી.' - એમ મુક્ત અકર્તા છે." 2

વાર્તા 13 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'મુક્ત વિના પરબારું મહાપ્રભુજીનું સુખ કોટિ સાધને પણ મળતું નથી;... મુક્તદ્વારે જ મહારાજ સુખ આપે છે ને પોતે તો અકર્તા રહે છે તો પણ મહારાજની મરજી વિના મહારાજના ગુણ કે જ્ઞાન કે મૂર્તિ કોઈ મુક્તથી આપી શકાય નહિ. એ તો શ્રીજીમહારાજે સંકલ્પ કરીને જે મુક્તને મૂક્યા હોય તેને પોતાના સુખની કૂંચી આપી હોય તે મુક્ત શ્રીજીમહારાજના જેટલું કામ કરે. શા માટે જે શ્રીજીમહારાજનો સંકલ્પ છે અને શ્રીજીમહારાજની વતી આવ્યા છે અને એ મોક્ષ કરવા રૂપી મૂળ સંકલ્પ છે. મૂળઅક્ષરો પાસે સૃષ્ટિ કરાવીને જીવોને દેહ ધરાવીને આવા મુક્તનો યોગ થાય ને મહારાજ પાસે આવે, માટે સૃષ્ટિ કરાવવી એ બીજો સંકલ્પ છે. તો પણ પોતે અકર્તા રહે છે ને કલ્યાણ કર્તા મુક્તને મુખ્ય રાખે છે. અને જીવકોટિને કર્મફળ આપવાં તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિને એ સર્વેને ઐશ્વર્ય આપવાં, તે પોતાના તેજ દ્વારે કરે છે ને ઉત્પત્ત્યાદિક ક્રિયા તે મૂળઅક્ષરો દ્વારે કરાવે છે, અને તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે, ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવબ્રહ્મ પાસે કરાવે છે અને ઉત્પત્તિરૂપ ક્રિયા-તે મૂળપુરુષ દ્વારે કરાવે છે અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે,.... પણ પોતાને માથે લેતા નથી.' 3

વાર્તા 34 : બાપાશ્રી બોલ્યા જે, "આપણને અવિનાશી મૂર્તિ જે મહાપ્રભુજી મળ્યા ને અવિનાશી મુક્ત મળ્યા છે માટે કામ થઈ ગયું છે.... મોટા મોટા અવતારાદિકને પણ આ જોગ મળવો ઘણો દુર્લભ છે; આ જોગ બહુ ભારે મળ્યો છે. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં... બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ મળ્યો છે - એમ કહ્યું છે. તેમાં બ્રહ્મા તે મૂળઅક્ષરને ક્હ્યા છે; કેમ જે સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. મૂળ સૃષ્ટિ કર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે, તેને પણ આ જોગ દુર્લભ છે, આ તો છેલ્લો જોગ છે. આ મુક્તની દૃષ્ટિ જેના ઉપર પડે છે તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાય છે; તો જે અમારા થઈને રહ્યા છે અને અનુવૃત્તિમાં રહે છે તેમને લઈ જઈએ એમાં શું કહેવું! એ તો લઈ જઈએ જ, માટે ખરેખરા મોટાના થઈ રહેવું. 'જંઈનો વેપાર ને લાખનો લાભ' એવું છે. જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે તેમ મહારાજની મૂર્તિમાં એક વૃત્તિ રાખીને મોટાનો જોગ કરવો. મોટાનો જોગ તે મહામંત્ર છે." 4

વાર્તા 50 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'મુક્ત અનાદિ છે પણ ભજીને થયેલા નથી. જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજીમહારાજ એકલા હોવા જોઈએ પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે. અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઇચ્છાથી અહીં મનુષ્યરૂપે દેખાય છે, તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે; અહીં આવતા જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે, ને જીવને ઉપદેશ પણ મુક્તદ્વારે મહારાજ કરે છે. જે મુક્તદ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને તે મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે.' 5

વાર્તા 79 : બાપાશ્રી બોલ્યા જે, 'આ મુક્ત મળ્યા છે તે વસ્તુ મૂળઅક્ષરથી તથા અક્ષરધામથી પણ પર છે; કેમ જે મૂર્તિમાં રહ્યા છે અને ધામ તો શ્રીજીમહારાજનું ને અનાદિમુક્તનું તેજ છે. બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ પણ આ મુક્તની પ્રાર્થના કરે છે અને મૂર્તિનું સુખ માગે છે, એવા મોંઘા આ મુક્ત છે. લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે; કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય એવા આ મુક્ત છે.' 6

વાર્તા 80 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'મહિમામાં જ સુખ છે, માટે પંચવર્તમાને યુક્ત એવા ને શ્રીજીમહારાજના યથાર્થ નિશ્ચયવાળા સંત-હરિભક્તોનો મહિમા સમજવો. આજ અમે જીવોના ઉપર દયા કરીને શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન આપીએ છીએ તે મહિમા ન કહીએ તો જીવના જાણ્યામાં શું આવે? અને શી રીતે જીવ ભગવાનને અને મુક્તને વળગે? માટે જીવના ઉપર દયા કરીને મહિમાની વાતો કરીએ છીએ, પણ અમારી સારપ વધારવા સારુ અમારો મહિમા નથી કહેતા. અમે તો સદા મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ ને મૂર્તિના સુખમાં જ કલ્પેકલ્પ વીતી જાય છે, માટે અમારે આ લોકની મોટપ કે પ્રસિદ્ધિ સારુ વાત નથી કરવી. અમારે તો સદા મૂર્તિનું સુખ છે પણ દેહ નથી. આ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી દેહ દેખાય છે ને શ્રીજીનો સંકલ્પ છે તેથી વાતો કરીએ છીએ; કેમ જે તમને સર્વેને અમારા જેવા કરવા છે, તે જ્યારે માયાનો પડદો તાણી લઈશું ત્યારે માયા ગોતી પણ જડશે નહિ ને બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ પણ ક્યાંય મહાપ્રભુજીના તેજનાં કિરણોમાં લીન થઈ જશે; એક મહારાજની મૂર્તિ ને મુક્ત એ બે જ રહેશે, માટે કેડ બાંધીને ધ્યાન કરવા મંડી જવું.' 7

વાર્તા 85 : બાપાશ્રી બોલ્યા કે, 'મહારાજનો ને અમારો સિદ્ધાંત એવો છે જે, જેને વિશ્વાસ આવે તે સર્વેને ભેળા લઈ જવા છે. જેને અંત અવસ્થા વર્તે તેને તો આ ટાણે છતા દેહે અક્ષરધામના જેવું સુખ આવે; માટે મુક્તનો વિશ્વાસ રાખવો. જે અક્ષરધામમાં મુક્ત છે તે જ આ પોતે છે ને જેવું દેખે છે તેવું કહે છે; એવો વિશ્વાસ આવે તેનું કાર્ય થઈ જ રહ્યું છે.'8

વાર્તા 210 : બાપાશ્રી બોલ્યા જે, "શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના 13 મા વચનામૃતમાં કહ્યું છે જે, 'માતાના ઉદરમાં મૂર્તિ દેખતા' તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટા પુરુષને મહારાજે મોકલ્યા છે માટે આ દાવ હારવો નહિ. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય ને એક એક શબ્દ લાખ કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદઋતુ જાણી હોય તો જેમ ફળ-પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે શ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈનાં કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદઋતુ ન કહેવાય; આ જ શરદઋતુ ખરી આવી છે. તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જે 'શરદઋતુમાં આવે જો શ્યામ, રંગભર રમીએ.' 9

આવું મહારાજનું માહાત્મ્ય તથા અનાદિમુક્તની સ્થિતિ ઓળખવી એ બાપાશ્રીનું મુખ્ય રહસ્ય છે.