૧૦ - ઉપાસના

ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૩૭, ૪૦, ૪૫, ૫૬, ૬૬)

શ્રીજીમહારાજને ને તેમના મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે ને શ્રીજીમહારાજને એકને જ કર્તા જાણે તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. (૩૭)

શ્રીજીમહારાજના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા રાખીને શ્રીજીમહારાજને વિશે સ્વામી-સેવકભાવ રાખે તે ઉપાસના છે. (૪૦)

શ્રીજીમહારાજ મહા તેજોમય ને સદા સાકાર મૂર્તિ છે અને સચ્ચિદાનંદ બ્રહ્મ જે એમનું તેજ તે દ્વારા સર્વત્ર વ્યાપક છે ને તે તેજ વસ્તુતાએ નિરાકાર હોવા છતાં પણ, નિર્મળ અંતઃકરણવાળાને સાકાર જેવું ભાસે છે. (૪૫)

શ્રીજીમહારાજની ઉપાસનાને બળે કરીને જ સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા થવાય છે, તથા પરમપદને પમાય છે. તે જે મૂળ અક્ષરકોટી આદિનાં ઐશ્વર્યમાં ક્યાંય મોહ પામે નહિ ને માયિક વિષય તથા અક્ષરાદિકનાં ઐશ્વર્ય તેને વિશે સમભાવ થઈ જાય તેને સિદ્ધ કહ્યા છે. અને એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દેખે ને સર્વના અંતરને વિશે પ્રવેશ કરે ને સર્વના અંતરનું જાણે તેને સર્વજ્ઞ કહ્યા છે. અને મૂળઅક્ષરની પદવીને પામે તેને દેવતા કહ્યા છે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે તે પરમપદ કહ્યું છે. (૫૬)

શ્રીજીમહારાજના એકાંતિક સંત શ્રીજીમહારાજને સદા દિવ્ય સાકાર, સર્વેના કારણ, સર્વેના અવતારી ને અક્ષરાતીત અનંતકોટી મુક્ત તથા અક્ષરધામના આત્મા જાણે છે. (૬૬)

કારિયાણી પ્રકરણમ્ (૧૦)

શ્રીજીમહારાજને સર્વના કર્તા-હર્તા જાણીને અને સ્વામી-સેવક ભાવે કરીને શ્રીજીમહારાજની ભક્તિ કરવી. અને કોઈ રીતે શ્રીજીમહારાજની ઉપાસનાનું ખંડન થવા દેવું નહિ ને જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી શ્રીજીમહારાજની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી - સેવકભાવ ટળી જાતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (૧૦)

લોયા પ્રકરણમ્ (૧૧, ૧૩, ૧૪)

શ્રીજીમહારાજના આશ્રિતોએ પોતાને મળ્યા જે શ્રીજીમહારાજ તેમની મૂર્તિનું જ ધ્યાન કરવું, પણ શ્રીજીમહારાજના બીજા અવતારોનું ધ્યાન કરવું નહિ, કેમ જે બીજા અવતારનું ધ્યાન કરે તો ભગવાન વિના બીજા દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે ને શ્રીજીમહારાજના અવતારની મૂર્તિઓ દ્વિભુજ છે અને જે ચર્તુભુજ - અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને વિશે અને અન્ય આકારોને વિશે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. (૧૧)

શ્રીજીમહારાજની સત્તાના પ્રભાવ વડે કરીને મૂળઅક્ષરાદિકથી લઈને વિષ્ણુપર્યંત સર્વેને ભગવાન કહેવાય છે ને શ્રીજીમહારાજને લઈને મુક્તાનંદ સ્વામી જેવા અનાદિ મુક્તને શ્રીજીમહારાજ તુલ્ય કહેવાય. પણ શ્રીજીમહારાજને મૂકીને કોઈને ભગવાન કહેવાય નહિ ને અક્ષરપર્યંત કોઈ શ્રીજીમહારાજ જેવા થવા સમર્થ નથી ને શ્રીજીમહારાજ એક જ ભગવાન છે. (૧૩)

શ્રીજીમહારાજ પોતાના જે શ્રીકૃષ્ણાદિક અવતારો તેથી કોટીગણા અધિક છે ને બહુ સમર્થ છે ને એમને વિશે અવતાર - અવતારી ભેદ નથી ને સર્વેના ઉપરી છે ને સર્વેથી પર પરિણામે રહિત ને અનંત એવા તેજના સમૂહને મધ્યે દિવ્ય સિંહાસન ઉપર દિવ્યરૂપે વિરાજમાન છે. ને અનંતકોટી મુક્ત શ્રીજીમહારાજના દર્શન કરે છે તે મુક્તે સહિત શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે જ સુખ માનવું ને એકલું શ્રીજીમહારાજનું તેજ દેખાય તો કષ્ટ પામવું. ને ક્ષર - અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાન તે સદા સાકાર છે. એવી રીતે શ્રીજીમહારાજની ઉપાસના ને ભક્તિ કરવી. (૧૪)

પંચાળા પ્રકરણમ્ (૬, ૭)

શ્રીજીમહારાજ વાસુદેવાદિક સર્વે અવતારના અવતારી છે. એવા સર્વોપરી જાણીને શ્રીજીમહારાજની દ્રઢ ઉપાસના કરવી ને શ્રીજીમહારાજને વિશે આવી રીતની ઉપાસનાની દ્રઢતા હોય ને તેનાથી કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ અંતે તેનું કલ્યાણ થાય છે. (૬)

શ્રીજીમહારાજ સદા સાકાર મૂર્તિ છે ને એમની મૂર્તિમાં ત્યાગ-ભાગ નથી ને અક્ષરધામમાં રહ્યું જે સ્વરૂપ ને પૃથ્વી પરનું પ્રત્યક્ષ સ્વરૂપ તથા પ્રતિમા સ્વરૂપ તે સર્વેને એક જ સમજીને એ મૂર્તિનું જ ધ્યાન - ઉપાસના - ભક્તિ કરવા. અને શ્રીજીમહારાજની આવી દ્રઢ ઉપાસનાવાળાને કુસંગને યોગે અથવા પ્રારબ્ધે કરીને અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય છે, પણ તે વિના તો ઊર્ધ્વરેતા ને મહા ત્યાગીનું પણ થતું નથી. (૭)

ગઢડા મધ્ય પ્રકરણમ્ (૩, ૧૩, ૨૭, ૩૧)

પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ ને આધાર ને નિર્વિકાર ને નિરંશ ને વ્યાપક એવું જે બ્રહ્મ તે શ્રીજીમહારાજનું તેજ છે. ને એ બ્રહ્મના પણ કારણ ને આધાર ને મૂર્તિમાન શ્રીજીમહારાજને સમજે ને એ બ્રહ્મરૂપ થઈને શ્રીજીમહારાજની સ્વામી-સેવકભાવે ઉપાસના કરે તો નિર્વિઘ્ન થકો પરમપદ જે શ્રીજીમહારાજની હજૂર સેવા તેને પામે છે. (૩)

શ્રીજીમહારાજ અક્ષરાતીત કહેતાં તેમના તેજરૂપ અક્ષરધામ તેથી અતીત એટલે પર છે ને કૈવલ્ય મૂર્તિ છે ને સર્વ અવતારના કારણ છે ને સર્વ અવતાર શ્રીજીમહારાજમાંથી પ્રગટ ને લીન થાય છે ને એમના સંબંધને પામ્યા જે જગ્યા, પદાર્થ ને સેવક તે સર્વે નિર્ગુણ થાય છે. ને જે શ્રીજીમહારાજને આવા જાણે તેના કલ્યાણના માર્ગમાં વિઘ્ન થતું નથી ને તે સ્વતંત્ર થાય છે. (૧૩)

જે અતિશે ત્યાગી થાય છે તે ભક્તિએ રહિત થાય છે ને તેને ભગવાનની ઉપાસનાનો નાશ થાય છે. તેથી ભગવાનની ઉપાસના અખંડ ચાલે તે સારુ શ્રીજીમહારાજે મંદિર કરાવ્યાં છે; અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. ને ત્યાગનો પક્ષ મોળો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને શ્રીજીમહારાજની ભક્તિ - ઉપાસના કરવી એ શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. (૨૭)

શ્રીજીમહારાજ સર્વ કારણના કારણ, અક્ષરાતીત ને પુરુષોત્તમ છે ને પુરુષ દ્વારા માયાને વિશે વીર્ય ધારણ કરે છે તે પુરુષ થકી વૈરાજપુરુષ થાય છે ને વૈરાજપુરુષ તથા વ્યષ્ટિ જીવોના પ્રકાશક પુરુષરૂપે કરીને શ્રીજીમહારાજ છે ને એ વૈરાજપુરુષ પણ વ્યષ્ટિ જીવની પેઠે બદ્ધ છે ને વૈરાજપુરુષ તથા જીવ તે જ્યારે શ્રીજીમહારાજની ઉપાસના કરે, ત્યારે માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે ને મોક્ષને પામે છે. (૩૧)

ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૭, ૩૬, ૩૮)

જે ભક્ત પોતાના મનને શ્રીજીમહારાજના ચરણારવિંદને વિશે એટલે મૂર્તિને વિશે દ્રઢ કરીને રાખે તે છતે દેહે જ શ્રીજીમહારાજના ધામને પામી રહ્યો છે. (૭)

શ્રીજીમહારાજની ઉપાસના ને ધ્યાન એ બે હોય તો જ આત્મા તથા બ્રહ્મ દેખાય છે. (૩૬)

શ્રીજીમહારાજ ને તેમના મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશે પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ ને દ્વિભુજ છે. અને શ્રીજીમહારાજ મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવે છે અને સર્વોપરી છે ને દયાએ કરીને જીવોના કલ્યાણ કરવા પૃથ્વી પર પ્રગટ થયા છે. ને તેમનું મનુષ્ય - સ્વરૂપ ને ધામનું સ્વરૂપ એક જ છે ને અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વકારણના કારણ ને સર્વાવતારી છે ને પોતાના ભક્તોના ઇષ્ટદેવ છે. તેમની સેવાને અંગીકાર કરે છે ને તે ભક્તોને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. (૩૮)