I. વચનામૃતની વિશિષ્ટતાઓ

'मद्रुपमिति मद्वाणी मान्येयं परमादरात्'!

- શિક્ષાપત્રી શ્લો. ૨૦૯

'આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી.'

આ રીતે શ્રીજીમહારાજે પોતાની વાણીને પોતાનું સ્વરૂપ કહ્યું છે. 'વચનામૃત' એ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખ-પરાવણી છે. તેમનું વાડ્.ગમય સ્વરૂપ છે. જીવોના કલ્યાણ માટે વ્યાસજી વગેરે મુનિઓએ વેદ, ઉપનિષદ્, પુરાણ, શ્રીમદ્દ ભાગવત, ભગવદગીતા આદિ અનેક સત્શાસ્ત્રોની રચના કરી છે, પરંતુ જીવોના આત્યંતિક કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણના 'વચનામૃત' જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી. 'વચનામૃત' એ સર્વાંગ-સંપૂર્ણ, પરાવિદ્યારૂપ પરમ કલ્યાણકારી અધ્યાત્મ શાસ્ત્ર છે.

વેદ - ઉપનિષદ - પુરાણ - શ્રીમદ્દ ભાગવત - રામાયણ આદિ સનાતન સદ્દશાસ્ત્રોમાંથી કોઈ એક એવું સદ્દશાસ્ત્ર નથી કે જેમાં જીવના પરમ કલ્યાણની રીતિ જેવી શ્રીહરિજીના વચનામૃતમાં કહી છે તે બધી આવી જતી હોય; પરંતુ શ્રીહરિજીના વચનામૃતમાં તો બીજાં કોઈ પણ સદ્દશાસ્ત્રમાં બતાવેલી મોક્ષરીતિ સમ્યક રીતે વણાઈ જ ગયેલી છે. આમ, વચનામૃત ગ્રંથ સર્વોપરી છે. જેમ હાથીનાં પગલાંમાં અન્ય સૌ જીવપ્રાણીમાત્રનાં પગલાં સમાઈ જાય, તેમ વચનામૃત ગ્રંથમાં જ સર્વે જીવના હિતને કરનારી સર્વે વાતો આવી જાય છે.

વચનામૃતમાં સર્વે શાસ્ત્રોનો સાર સમ્યક રીતે વણાયેલો છે જ, તદુપરાંત જીવના આત્યંતિક કલ્યાણની રીત વિશેષપણે પ્રકાશિત થયેલી છે. જેમ નાના-મોટા ઝરણાઓ નદીઓમાં ને નદીઓ સમુદ્રમાં વિલિન થઈ જાય છે, તેમ વચનામૃતરૂપી મહાસાગરમાં વિવિધ મતમતાંતરોરૂપી ઝરણાઓ તથા નદીઓ વિલિન થઈ જાય છે. તેવું વચનામૃતના તટસ્થ અભ્યાસુને જણાયા વગર રહેતું નથી.

શ્રીહરિ પોતે કહે છે -

'આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે, તો વેદશાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે તે સારનું પણ સાર છે.'

- વચ. ગ. મ. પ્ર. ૨૮

શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપના સાક્ષાત્કારની દિવ્ય સ્થિતિને અખંડ અનુભવતા ને શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના આદ્ય સંસ્થાપક અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ તો વચનામૃતને 'સર્વોપરી અધ્યાત્મશાસ્ત્ર, કહે છે. કારણ કે વેદ તો વૈરાજ નારાયણમાંથી ઉત્પન્ન થયેલા છે ને મૂળપુરુષ સુધીનો જ મહિમા કહે છે, જ્યારે 'વચનામૃત' તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાંથી ઉદભવેલી પ્રણવરૂપ પરાવાણી છે. વચનામૃત દ્વારા મુમુક્ષુ સર્વોપરી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણનું યથાર્થ માહાત્મ્ય, જ્ઞાન, ધ્યાન, ઉપાસના સમજી આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરવા પાત્ર બને છે ને શ્રીહરિના અનાદિમુક્તનો જોગ-સમાગમ-સેવા દ્વારા કૃપા મેળવી પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી તે દિવ્ય સ્વરૂપનું અદ્વિતીય સુખ અનુભવે છે.

વચનામૃત એ તત્ત્વજ્ઞાનની ગહનવાણીને સરળમાં સરળ ભાષામાં કેવી રીતે મૂકી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઘણા લોકો એવી પાયા વગરની દલીલ કરતા જણાય છે કે શ્રીજીમહારાજના વચનામૃત તો સરળ ભાષામાં છે ને સમજી શકાય તેવા છે, તો પછી તેની ઉપર કોઈ ટીકા-વિવેચન કે સ્પષ્ટતા કરવાની આવશ્યકતા જ ક્યાં છે? આ પ્રકારની દલીલ બિલકુલ અસ્થાને છે. કેમ જે શ્રીજીમહારાજ પોતે જ જણાવે છે -

'આવી ભગવતસ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી.'

- વચ. ગ. મ. પ્ર. ૧૩

શ્રીહરિના આ વચનોથી જ પુરવાર થાય છે કે અધ્યાત્મજ્ઞાનના ગહન રહસ્યો સત્પુરુષ અર્થાત્ પ્રભુના સ્વરૂપના અખંડ સાક્ષાત્કારવાળા ને એ સ્વરૂપમાં અખંડ જોડાઈને મૂર્તિના દિવ્ય સુખભોકતા એવા સ્વતંત્ર સિદ્ધ અનાદિમુક્ત દ્વારા જ સમજી શકાય છે.

શ્રીમદ્ ભગવદગીતા ઉપર અનેક મહાન વિવેચકોએ, ચિંતકોએ તથા તત્ત્વવેતા વિદ્વાનોએ ભાષ્યો તથા વિવેચનો કર્યા છે, જેના અભ્યાસથી ભગવદગીતા વધુ સ્પષ્ટપણે સમજી શકાય છે. જ્ઞાનમાર્ગમાં કોઈ બાધ કે સંકુચિતતા હોતાં જ નથી. જો ક્યાંય તેવું જણાય તો તે અજ્ઞાનની જ ઉપજ સમજવી.

સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને સ. ગુ. શ્રી શુકાનંદ સ્વામી જેવા જે વચનામૃતના આચાર્ય કહેવાય છે, તેઓ પણ ઘણી વખત ભરી સભામાં કહેતા કે 'અમે શ્રીજી પાસેથી વચનામૃતો સાંભળ્યાં ને લખ્યાં, પણ અમને પૂરાં સમજાયાં નહોતાં તે શ્રી ગોપાળાનંદ સ્વામીના સમાગમથી બરોબર સમજાયાં ને હવે તો તેનો નવો ને નવો સ્વાદ આવે છે ને સુખ-શાંતિ વર્તે છે.'

વચનામૃતનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતાં જણાય છે કે તે શ્રીહરિ તથા સંત-હરિભક્તો વચ્ચેના પ્રશ્નોત્તરીરૂપ અદભૂત સંવાદ છે, જ્ઞાનગોષ્ઠી છે. શ્રીજીમહારાજ સભામાં શ્રોતાઓની કક્ષા-પાત્રતા જોઈને વાતો કરતા તેથી કેટલીક વાતો બીજરૂપે તો કેટલીક પરોક્ષભાવમાં કહી છે, વચનામૃતમાં શ્રીહરિ ક્યારેક પોતાને ભક્તરૂપે, ક્યારેક સંતરૂપે, ક્યારેક મુક્તરૂપે, ક્યારેક અવતારરૂપે તો ક્યારેક અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણરૂપે વર્ણવે છે. આથી મુમુક્ષુને શ્રીહરિના સ્વરૂપનિર્ણય અંગે દ્વિધા ઉત્પન્ન થાય છે. એટલે વચનામૃતના વિવિધ વિષય મુદ્દાઓ ને ગહન રહસ્યના સ્પષ્ટ ખુલાસા આપતી 'ટીકા' પ્રદીપિકા માર્ગદર્શિકા અત્યંત આવશ્યક છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પટ્ટશિષ્યો સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. નિત્યાનંદ સ્વામી, સ. ગુ. ગુણાતીતાનંદ સ્વામી, સ. ગુ. શુકાનંદ સ્વામી વગેરે અનાદિમુક્તો શ્રીજીમહારાજનાં વચનામૃતોનું સુંદર નિરૂપણ કરી સૌ હરિભક્તોને સમજાવતા, જેમાંથી થોડું ઘણું હરિભક્તોએ પોતાની સ્મૃતિ માટે લખી લીધેલું તે ક્યાંક ક્યાંક મળી આવે છે, પરંતુ બધાં જ વચનામૃતોને આવરી લેતાં નિરૂપણ નોંધ કે ટીકા જોવા મળતાં નથી. વચનામૃતના ઘણા અભ્યાસીઓએ વચનામૃતોની મુખ્ય મુખ્ય બાબતો-મુદ્દાઓ પરથી તે તે વચનામૃતોને જુદાં જુદાં તારવ્યાં છે; દા. ત. સ્વધર્મનાં, વૈરાગ્યનાં, સ્વરૂપનિષ્ઠાનાં, ભકિતનાં, સર્વદેશી સમજણનાં, ઉપાસનાનાં, સંત સમાગમનાં વગેરે. વળી, વચનામૃતોમાં કેટલાં કૃપાવાક્યો છે, કેટલાક પ્રશ્નો છે, કોના કોના કેટલા પ્રશ્નો છે, એવી તારવણી કરી છે. લુણાવાડાના પ. ભ. દવે કાશીરામભાઈ શ્રીજીમહારાજના અનન્ય ઉપાસક હતા ને વચનામૃતના ખૂબ અભ્યાસી હતા. પોતે વ્યવસાયે પ્રોફેસર હતા ને અમદાવાદમાં રહેતા. કવિસમ્રાટ નાનાલાલ એમને પોતાના ગુરુ માનતા. તેમણે વિગતથી નોંધ કરી વચનામૃતોની તારવણી કરી છે જે 'કાશીરામભાઈવાળાં વચનામૃત' તરીકે જાણીતાં થયાં છે. તેમાં બધાં વચનામૃતો આવરી લેવામાં આવ્યાં છે ને દરેક વચનામૃતનો ભાવાર્થ કાઢ્યો છે. આવી અન્ય ટીકાઓ પણ પ્રસિદ્ધ થઈ છે.

આ બધી ટીકાઓ કે નિરૂપણોમાં શ્રીજીમહારાજનાં જુદાંજુદાં વચનો વચ્ચેનો સમન્વય કે પૂર્વાપર સંદર્ભ સમજાવેલો નથી. જેને વચનામૃતોની સાચી સમજણ જોઈએ છે તેને આ સમન્વય બહુ જરૂરી છે. દા. ત. ગઢડા પ્ર. પ્ર. ૧૮મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે 'અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું તો અનાદિમુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો.' જેમાંથી સહજપણે એમ સમજાય કે શ્રીજીમહારાજ મુક્ત છે; જ્યારે ગઢડા મધ્ય પ્ર.ના તેરમામાં, અમદાવાદ પ્ર.ના સાતમામાં, જેતલપુર પ્ર.ના ચોથામાં, પાંચમામાં વગેરે જગ્યાએ પોતાને ભગવાન કહ્યા છે. ગઢડા પ્ર. પ્ર.ના ૧૮મામાં પોતાને અનાદિમુક્ત કહ્યા છે, ગઢડા પ્ર. પ્ર.ના 32મામાં નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે. આવા અનેક દાખલા નોંધી શકાય. આમાં કેવી રીતે સમન્વય કરવો?

આવા સમન્વય સાથે શ્રીજીમહારાજનાં વચનામૃતોને સમજાવે તેવી ટીકા કચ્છમાં ભૂજ પાસે બળદિયા (વૃષપુર) ગામમાં પ્રગટ થઈ ગયેલા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીભાઈએ કરેલી છે, જે ટીકા 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' નામે પ્રસિદ્ધ થઈ છે. મુક્તરાજ શ્રી અબજીભાઈમાં સહજ રીતે સૌને વિરાટ વત્સલતાનાં દર્શન થતાં. તેમના સાંનિધ્યમાં હર કોઈને દિવ્ય હૂંફાળું વાતાવરણ અનુભવાતું. આવા દયાળુ વાત્સલ્યમૂર્તિ અબજીભાઈને પાછલી વયે લોકો 'બાપાશ્રી' એવા સન્માનીય નામથી બોલાવતાં. એમનાં માતુશ્રીને શ્રીજીમહારાજે દર્શન દઈને વચન આપેલું કે અમારા અનાદિમુક્ત તમારે ત્યાં પુત્ર તરીકે અવતરશે. બાળપણથી જ બાપાશ્રીને સમાધિ થતી. 'સમાધિવાળા અબજીભાઈ' તરીકે ધ. ધુ. આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પણ તેમને ઓળખતા. અનેક જીવોને બાપાશ્રીએ શ્રીજીમહારાજમાં જોડી સુખિયા કરેલા. અબજીબાપાશ્રી સદાકાળ શ્રીજીમહારાજની મૂર્તિ સાથે નિર્વિકલ્પ સ્થિતિથી જોડાઈ રહેતા. શ્રીહરિજીની મૂર્તિ અને મૂર્તિના અલૌકિક સુખની જ સદાય વાતો કરતા. અનેક સંતહરિભક્તોને શ્રીજીની દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કાર કરાવેલો. એક સ્થળે રહ્યા થકા બીજે સ્થળે દેખાવું, શ્રીજીની સાથે દર્શન દઈ હરિભક્તોને ધામમાં તેડી જવા, કોઈ હરિભક્તને આવરદા વિના રાખવા વગેરે અનેક ચમત્કારો બતાવતા. આવા, શ્રીહરિજીમાં સદાય જોડાયેલા અનાદિમુક્ત અબજીબાપાશ્રીએ વચનામૃત ઉપર ટીકા કરી છે તે વચનામૃતના દરેક અભ્યાસીએ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર અવશ્ય વાંચવી જોઈએ.

બંગાળના સુપ્રસિદ્ધ સંત શ્રી રામકૃષ્ણ પરમહંસની વાતનો ઉલ્લેખ અહીં અસ્થાને નહિ ગણાય. શ્રી રામકૃષ્ણ પરમહંસને પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિ હતી, પણ આ લોકની દ્રષ્ટિએ ખાસ કાંઈ ભણ્યા ન હતા. તેમના સમકાલીન, બંગાળના ઇતિહાસમાં પ્રસિદ્ધ બ્રાહ્મોસમાજના વડા શ્રી કેશવચંદ્ર સેન તથા અન્ય વિદ્વાનો શાસ્ત્રોના ખૂબ અભ્યાસી હતા, છતાં તેમને જ્યારે જ્યારે શાસ્ત્રોના અર્થ જાણવાની મૂંઝવણ થતી ત્યારે તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે તે જાણવા માટે જતા, અને શ્રી રામકૃષ્ણના ઉત્તરોથી તેઓને ખૂબ સંતોષ થતો ને સમજણ પડતી; ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસને કોઈકે પૂછયું કે આ તો બધા પંડિતો-વિદ્વાનો છે તેમને તમારા જેવા નહિવત્ ભણેલા કેવી રીતે ભણાવે છે? શ્રી રામકૃષ્ણે આપેલો ઉત્તર બધાંએ સમજવા જેવો છે. તેમણે કહ્યું કે માનો કે શાસ્ત્રમાં આંબાના વૃક્ષનું વિવરણ કરી રાખેલું હોય, તે વાંચતાં-વાંચતાં કોઈને શંકા થાય ત્યારે તેમણે તે શંકાના નિવારણ અર્થે એવા માણસ પાસે જવું પડે કે જેણે પોતે આંબાનું વૃક્ષ બરાબર જોયેલું હોય યા જે પોતે આંબો જોઈ રહ્યો હોય તેવો માણસ શંકાનું તરત સમાધાન કરી શકે. આ વાતના ઉલ્લેખનો હેતુ એ છે કે પૂર્ણ પુરુષોત્તમનારાયણ, સર્વ અવતારના અવતારી, જેનો કોઈ પાર પામી શકતાં નથી, જેનો મહિમા સદાયે અપાર છે, તેવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં વચનામૃતો ઉપર ટીકા કોણ કરી શકે? કોની એવી હેસિયત છે? તો એવાંની જ કે જેમણે જાતે તે જ્ઞાન અનુભવ્યું હોય. શ્રીહરિએ કહેલા અસાધારણ જ્ઞાનમાં જેમની સદાયને માટે સ્થિતિ થઈ છે એવા અનાદિમુક્તો જ શ્રીજીમહારાજનાં વચનામૃતો ઉપર પ્રમાણભૂત રીતે કહી શકે, કારણ કે તેઓ તો અનુભવી હોઈ જેમ છે તેમ કહી શકે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં વચનામૃતોનું રહસ્ય કહેવું તે કાંઈ કેવળ બુદ્ધિબળ કે કલ્પનાનું કે બુદ્ધિની સંકલનશક્તિનું કામ નથી. એ તો શ્રીજીમહારાજમાં જેમની સ્થિતિ થઈ હોય, જે શ્રીજીમહારાજનું સુખ ભોગવતા હોય તેવા અનાદિસિદ્ધ મુક્તોનું જ એ કામ છે. અબજીબાપાશ્રી એવા અનાદિ સિદ્ધમુક્ત હતા, તે તો સમગ્ર સંપ્રદાયમાં પ્રસિદ્ધ વાત છે. એવા અનાદિમુક્ત અબજીબાપાશ્રીએ શ્રીજીમહારાજનાં વચનામૃત ઉપર કરેલી 'રહસ્યાર્થ ટીકા' સર્વે મુમુક્ષુને વચનામૃતોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

અનાદિમુક્ત સ. ગુ. ગોપાળાનંદ સ્વામીથી જ્ઞાન ને સાક્ષાત્કારની સ્થિતિ પામેલ સ. ગુ. નિર્ગુણદાસજી સ્વામી (જેમની વાતોનું પુસ્તક પ્રસિદ્ધ છે)ના શિષ્ય સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીએ આ વચનામૃત રહસ્યાર્થમાંના પ્રશ્નો પૂછીને નોંધ્યા છે. સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીને અબજીબાપાશ્રીએ સાક્ષાત્કારની સ્થિતિ કરાવેલી એવા સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીએ પૂછેલા પ્રશ્નો જો કોઈ અભ્યાસી એક ચિત્તે બરાબર સમજે તો એને જરૂર જણાય કે પ્રશ્ન પૂછનારા સ્વામીશ્રીનો પણ વચનામૃતનો અભ્યાસ અસાધારણ છે. આમ દરેકેદરેક વચનામૃત ઉપરના નાના-મોટા, પૂર્વાપર સંબંધના પ્રશ્નો ચૂંટી ચૂંટીને કાઢ્યા છે. અબજીબાપાશ્રીએ પોતે એ પ્રશ્નો સાંભળીને ઉત્તર કર્યા છે. ઘણી વેળાએ તેઓ ઉત્તર કરતાં કરતાં ઉપશમ-અવસ્થામાં જતા રહેતા અને બધા સંત-હરિભક્તો એમ ને એમ બેસી રહેતા. થોડે સમયે અબજીબાપાશ્રી ફરી વાતો કરવા માંડતા ને પ્રશ્નના યથાર્થ ઉત્તર કરતા, જે અક્ષરશઃ નોંધી લેવાતા. આમ, દરેક વચનામૃત ઉપર પ્રશ્ન પૂછીને ઉત્તરો લખી લેવાનું કામ જ લગભગ પંદર વર્ષના લાંબા ગાળા સુધી ચાલેલું. પાંચ વર્ષ સુધી તેનું સંકલન-છપાઈ થતાં વીસ વર્ષના અપાર પરિશ્રમના પરિપાકરૂપે આ 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' તૈયાર થઈ છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં આવાં અદ્દભુત વચનામૃતો ઉપરની અબજીબાપાશ્રીની કરેલી રહસ્યાર્થ ટીકાની કેટલીક વિશિષ્ટતાઓ તો ખાસ ઉલ્લેખનીય છે :

૧. દરેક મૂળ વચનામૃતોને યોગ્ય પરિચ્છેદોમાં મૂકવામાં આવેલાં છે. શ્રીજીમહારાજે પૂછેલા કે શ્રીજીમહારાજને પુછાયેલા પ્રશ્નો, શ્રીજીમહારાજના કૃપાવાક્ય વગેરેને નંબર આપવામાં આવેલા છે. કોઈ એક પ્રશ્ન કે કૃપાવાક્યોમાં ઘણી વાર બેત્રણ જુદી જુદી બાબતો ચર્ચેલી હોય તો તે પણ નંબરવાર છુટ્ટી પાડવામાં આવી છે.

૨. દરેક વચનામૃત પછીથી તે વચનામૃતનો સાર ટૂંકમાં આપેલો છે. તેમાં પણ આપણે તે વચનામૃત કેવી રીતે સમજવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે. શ્રીજીમહારાજની મૂળ શૈલી પ્રમાણે જ દરેક વચનામૃતનો સાર તે વચનામૃતની રહસ્યાર્થ ટીકાની શરૂઆતમાં આપેલો છે.

૩. દરેક વચનામૃતને અંતે તે વચનામૃતના તત્ત્વજ્ઞાન વર્ણવતા અઘરા શબ્દો અંગેના તથા બીજાં વચનામૃતો સાથેના પૂર્વાપર સંબંધથી થતા પ્રશ્નો અને તેના સ્પષ્ટ શૈલીમાં ઉત્તરો રહસ્યાર્થ ટીકામાં આપેલા છે.

૪. ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે આ રહસ્યાર્થ ટીકામાં વચનોમૃતોના જ સંદર્ભ (reference) લેવામાં આવ્યા છે. સર્વાવતારી શ્રીહરિજીનો જેમને સંબંધ નથી તેવાં પરોક્ષ શાસ્ત્રોથી શ્રીજીમહારાજનો પૂરેપૂરો મહિમા કહી શકાય જ નહિ. શ્રીજીમહારાજનું જ્ઞાન સમજવામાં પરોક્ષ શાસ્ત્રની સાખ્ય શોધવી તે શ્રીજીમહારાજનું માહાત્મ્ય સમજવામાં ખોટ છે, તેથી શ્રીજીમહારાજના વચનામૃતને સમજવા માટે અન્ય વચનામૃતોની જ સાખ્ય લેવાય, બીજાં કોઈનીય નહિ. વચનામૃતોનું સંસ્કૃત ભાષાંતર 'श्रीहरिवाक्यसुधासिंधु' નામે થયું છે, તેમાં મૂળ વચનામૃતના અમુક શબ્દો વધારે સ્પષ્ટ કરેલા જોવા મળે છે, પણ તે ય વચનામૃતો જ હોવાથી વચનામૃતો સમજવામાં તેની સાખ્ય ચાલે. તે મુજબ કેવળ વચનામૃતોની સાખ્યને આધારે જ રહસ્યાર્થ ટીકા કરવામાં આવી છે.

૫. વચનામૃતમાં શ્રીહરિજીએ સાંભળનારાંઓની પાત્રતા મુજબ ક્યારેક પોતાને ભક્ત તરીકે, ક્યારેક અવતાર તરીકે, તો ક્યારેક સર્વોપરી અવતારી તરીકે, એમ જુદીજુદી રીતે વર્ણવ્યા છે, આમાં કેવી રીતે સમજવાનું છે તે રહસ્યાર્થ ટીકામાં સ્પષ્ટ કરેલું છે.

૬. શ્રીકૃષ્ણ, ગોલોક, પુરુષોત્તમ, અક્ષર, ગુણાતીત વગેરે શબ્દો પૂર્વાપર સંબંધ વિના ઘણાંને ગૂંચવે છે. તે બધાને ક્યારે કયો અર્થ કયા સંદર્ભમાં સમજવો તેની યોગ્ય સમજણ રહસ્યાર્થ ટીકામાં સ્પષ્ટ કરેલી છે.

૭. રહસ્યાર્થ ટીકા દ્વારા દરેકેદરેક જગ્યાએ શ્રીજીમહારાજનું જેવું છે તેવું માહાત્મ્ય સ્પષ્ટ રીતે કહેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વે અવતારો અને સર્વે મુક્તોથી પૃથક્, સર્વે અવતારો તથા સર્વે મુક્તોના સ્વામી, સર્વેને સુખ-સામર્થ્યના આપનારા, જેમના સુખનો ક્યારેય પાર નથી પામી શકાતો તેવા સુખમય મૂર્તિ, અનાદિશ્રીકૃષ્ણ નામક છે.

૮. શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, તેમનાં સુખ-ઐશ્વર્ય પણ સર્વોપરી છે. તેવા અનવધિકાતિશય સુખને શ્રીહરિજીના મુક્તો કાં તો સન્મુખપણે રહીને ભોગવે છે (જેમને સ. ગુ. ગોપાળાનંદ સ્વામી 'વિદેહી મુક્તો'ને અબજીબાપાશ્રી 'પરમ એકાંતિક મુક્તો' શબ્દથી વર્ણવે છે), યા તો અતિશય સ્નેહે કરીને શ્રીહરિની મૂર્તિમાં લીન થઈને ભોગવે છે (જેમને સ. ગુ. ગોપાળાનંદ સ્વામી 'કૈવલ્ય મુક્તો' શબ્દથી, અબજીબાપાશ્રી 'અનાદિમુક્તો' શબ્દથી ઓળખે છે). શ્રીહરિની મૂર્તિમાં લીન થઈને સુખ ભોગવવું એ અદ્દભુત અનુપમેય સુખ ભોગવવાની ઉત્તમોત્તમ સ્થિતિ છે. પરમ એકાંતિક મુક્તોને પણ શ્રીહરિજીનું પરમ સુખ છે, છતાં મુક્તોને સુખ ભોગવવાની ઉત્તમોત્તમ સ્થિતિ તો શ્રીહરિજીની મૂર્તિમાં લીન રહીને સુખ ભોગવવાની જ છે. (સ. ગુ. ગોપાળાનંદ સ્વામીની વાતો, સં. ૨૦૩૧, પાન ૫૬). જ્યારે શ્રીહરિજીની જીવાત્મા ઉપર પરમ કૃપા થાય છે ત્યારે જીવાત્મા નિરાકાર મટીને દિવ્ય સાકાર સ્વરૂપે થાય છે. તે દિવ્ય સાકાર સ્વરૂપ શ્રીહરિજીના જેવું જ છે. અક્ષરધામમાં રહેલા સર્વે મુક્તો શ્રીહરિજીના જેવા સ્વરૂપના જ છે. શ્રીહરિજીના દિવ્ય ચૈતન્ય સ્વરૂપમાં લીન થઈને રહેલા દિવ્ય ચૈતન્ય મુક્તો જળમાં જળવત્ લીન થતા નથી, પણ તે મુક્તોનું વ્યક્તિત્વ-વ્યક્તિતા (Identity) અલગ રહે છે. શ્રીહરિજી સુખ આપે છે ને સૌ મુક્તો સુખ ભોગવે છે. શ્રીહરિજી સ્વામી છે, ધણી છે, સ્વતંત્ર છે, મુક્તો શ્રીહરિજીના સેવક છે, દાસ છે, શ્રીહરિજી પાસે પરતંત્ર છે. આમ, આ દેહે કરીને પરમ સુખકારી સર્વોપરી શ્રીહરિજીના પરમ સુખને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી ઉત્તમોત્તમ રીતે ભોગવતા થવું તે જ જીવનધ્યેય છે તે વાત રહસ્યાર્થ ટીકા દ્વારા તથા અબજીબાપાશ્રીએ પોતાની વાતો (જે બે ભાગમાં આશરે ૯૦૦ પાનામાં છપાઈ પ્રસિદ્ધ થઈ છે) દ્વારા સુસ્પષ્ટ રીતે વર્ણવેલી છે. અબજીબાપાશ્રીની પોતાની એવી અનાદિમુક્તની અદ્દભુત સ્થિતિ હતી, ને અન્ય અનેક મોક્ષભાગી જીવાત્માઓને શ્રીહરિજીનું જ્ઞાન આપી એવી અનાદિમુક્તની અદ્દભુત સ્થિતિ કરાવી આપી હતી. આવી અનાદિમુક્તની સ્થિતિની સમજણ શ્રીજીમહારાજે વચનામૃતો-શિક્ષાપત્રીમાં કહેલી છે. સ. ગુ. ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. બ્રહ્માનંદ સ્વામી, સ. ગુ. નિષ્કુળાનંદ સ્વામી વગેરે મહામુનિઓએ પણ તે વર્ણવેલી છે, પણ શ્રીહરિ-ઇચ્છાથી અબજીબાપાશ્રીએ આ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની ઉત્તમોત્તમ સ્થિતિની વાત ખૂબ ખુલાસાપૂર્વક વિગતવાર વર્ણવેલી છે. રહસ્યાર્થ ટીકામાં પણ તે અનાદિમુક્તની સ્થિતિની વાત સ્પષ્ટ રીતે દરેક જગાએ જણાવેલી છે.

૯. મૂળમાયાની અંદર માયાબદ્ધ રહેલી અને મૂળમાયાથી બહાર ચૈતન્યસ્વરૂપે રહેલી સર્વે ભૂમિકાઓની યથાયોગ્ય સમજણ આપેલી છે. માયાબદ્ધ જીવાત્માથી માંડીને છેક (સૃષ્ટિકર્તા) મૂળઅક્ષર સુધી કોઈને ય શ્રીહરિજીની વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી. બધાયમાં શ્રીહરિજી અન્વય સ્વરૂપે રહેલા છે તે વાત રહસ્યાર્થ ટીકામાં અબજીબાપાશ્રીએ સ્પષ્ટ રીતે સમજાવેલી છે.

૧૦. શ્રીજીમહારાજના મુક્તોને જ શ્રીહરિજીની વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે, અને મુક્તોને શ્રીહરિજી સાથે સ્વામી-સેવક સંબંધ છે. અન્ય અવતારો, અન્ય ભૂમિકાઓને સ્વામી-સેવક સંબંધ નથી, પણ કાર્ય-કારણ સંબંધ છે તે વાત 'રહસ્યાર્થ ટીકા'માં અબજીબાપાશ્રીએ સ્પષ્ટ સમજાવી છે.

૧૧. વચનામૃતમાં આવતા જુદાજુદા વિષયો તથા રહસ્યાર્થમાં વર્ણવાયેલા જુદા જુદા વિષયો ઉપર એક વિગતવાર અનુક્રમણિકા તૈયાર કરીને રહસ્યાર્થ ટીકાની સાથે આપેલી છે, જેનાથી એક શબ્દ કે વિચારને આધારે તેને વર્ણવતાં વચનામૃતો શોધવાની સુગમતા રહે છે.

૧૨. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈએ વચનામૃતના મુખ્ય વિષય મુદ્દાઓની પણ એક અનુક્રમણિકા તૈયાર કરીને મુકી છે, જેથી કયા વચનામૃતમાં કયા વિષય-મુદ્દાઓ છે તે સંક્ષિપ્તમાં જાણી શકાય.

આ રીતે અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ વચનામૃત ગ્રંથ ઉપર 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા'ની રચના કરી શ્રીજી કથિત અગાધ આધ્યાત્મિક રહસ્યોનું સરળ ભાષામાં સ્પષ્ટીકરણ કરી મુમુક્ષુ ઉપર મહદ્ ઉપકાર કર્યો છે.

આ ગ્રંથની વિસ્તૃત વિશિષ્ટતા જિજ્ઞાસુ વાચકને સ્વત: ગ્રંથમાંથી મળી રહેશે. આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ, વિવિધ ચૈતન્ય ભૂમિકાઓ, પરમાત્માનું સાકાર-નિરાકારપણું, સગુણ-નિર્ગુણપણું, ઉપાસનાભેદ વગેરે તત્ત્વજ્ઞાનના અનેક ગહન મુદ્દાઓ સરળતાથી સમજી પોતાની સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટેનો અદ્વિતીય માર્ગદર્શક ગુરુસમ બની રહે તેવો આ ગ્રંથ છે.

અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ વિશુદ્ધભાવે, એકાગ્રચિત્તે, પ્રભુના સ્વરૂપના સ્મરણસહ, મોટા મુક્ત પાસે પંચવર્તમાનના સૂક્ષ્મ અર્થ સમજી તે પ્રમાણે પવિત્રપણે વર્તીને આ ગ્રંથની પારાયણ કરનારને નીચે મુજબ અલૌકિક આશીર્વાદ આપ્યા છે.

"સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે - આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાનું પારાયણ કરે તો શું ફળ થાય? ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નહાતા હોય તે પાણીમાં મહિમાએ સહિત નહાય અથવા પાણી માથે ચડાવે તેનાં પંચ મહાપાપ બળી જાય.

પછી વળી સ્વામીએ પૂછયું જે - કેટલાં પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાંચ પારાયણે અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય."

- બાપાશ્રીની વાતો ભાગ-૧ વાર્તા-૨૨૫

આવો, આપણે સૌ આપણા જ્ઞાનના દ્વારને ખુલ્લા મૂકી બધી સંકુચિતતા, પૂર્વગ્રહો ને નબળાઈઓને દૂર કરી આવા અદભૂત ગ્રંથની વાણીનું પાન કરી પરમકૃપાળુ અબજીબાપાશ્રીએ આપેલા આર્શીવચનોનો અલૌકિક સ્પર્શ માણી આપણું જીવન સાર્થક કરીએ!