૨૧ - વર્તમાનની દ્રઢતા - આજ્ઞા

પ્ર.૭૭-૧, પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું કે તમે અસુરનો પક્ષ લીધો છે તે અમે નહિ માનીએ. એમ કહીને અધર્મની વાત ખોટી કરી નાખવી.

પ્ર. ૧૮-૩, સત્સંગ મોર ગમે તેવા કુપાત્ર જીવને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો તેને સત્સંગ બહાર કાઢી મૂકવો. અને જો ન કાઢે તો તેમાંથી ઝાઝું ભૂંડું થાય છે. કુપાત્ર જીવનો તત્કાળ ત્યાગ કરજો.... કોઈએ અમારો વાદ લેવો નહિ. વાદ લેનારનું અતિ ભૂંડું થાય છે.

રહસ્યાર્થ પ્રશ્ન-૬, કેવી રીતે વર્તે તો વાદ લીધો કહેવાય?

ઉત્તર - શ્રીજીમહારાજ જેમ જેને સમાસ થાય તેમ આચરણ તથા લીલાઓ કરતા. તેમ ત્યાગી-ગૃહીએ ન કરવું. ત્યાગી-ગૃહીએ તો જેમ શ્રીજીમહારાજે પોતપોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે જ વર્તવું. પણ મહારાજ કરતા માટે આપણે શો બાધ છે? એમ જાણીને તેવી ક્રિયાનું આચરણ કરે તો વાદ લીધો કહેવાય. તેવાનો ત્યાગ કરવો.

પ્ર. ૭૮-૧૪, કેવી રીતે વર્તવાથી ભગવાન ને તેમના સંત રાજી થાય?

- પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ એમાં કોઈ રીતે ખોટ ન આવવા દઈએ તો ભગવાન ને સંત પ્રસન્ન થાય. તેમાં લેશમાત્ર સંશય નહિ.

૨૨-૩, ભગવાનની જેમ ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રિતી કરનાર ભક્ત ખોટો છે, તે પાપી છે. સત્સંગી ભક્ત પર કુદ્રષ્ટિથી જોનાર અતિ પાપી છે, તેનો કોઈ કાળે છૂટકો થાતો નથી.

લો. ૬-૧૮, અમારી ભેળાં સ્ત્રી આદિકનાં દર્શન થતાં હોય ત્યાં અમારી આજ્ઞાથી પણ ન બેસવું. કોઈ મિષ લેઈને ઊઠી જવું.

પ્ર.૨૫-૨, વર્તમાન છે તે ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવી. સત્સંગ ને ભગવાનની આજ્ઞામાં ફેર પાડનાર પર ભગવાન કુરાજી થાય છે. ભગવાનનું મહાત્મ્ય, વૈરાગ્ય, આત્મજ્ઞાનની સમજણના કેફે કરી છકી જઈને જેમ - તેમ કરવા લાગે તો જાણીએ જે અગ્નિમાં બી નાખ્યું તે બળી ગયું.

રહસ્યાર્થ પ્ર.૬, કેવી રીતે વર્તે તો છકી ગયો કહેવાય?

ઉત્તર - શ્રીજીમહારાજના જ્ઞાનનો અને મહિમાનો ઓથ લઈને વર્તમાનમાં ફેર પાડે ને સત્સંગના ધોરણ પ્રમાણે ન વર્તે, ને બીજાથી પોતાને અધિક માને, તે છકી ગયો કહેવાય. તેને પ્રથમ શ્રીજીમહારાજની કૃપા થઈ હોય તેણે કરીને કંઈક શુભ ગુણ પ્રાપ્ત થયા હોય તે જતા રહે ને ઊલટો શ્રીજીમહારાજનો કોપ થાય.

સા.૧૦-૧, ચોરી, પરસ્ત્રીસંગ, મદ્યમાંસ ભક્ષણ, વટલવું - વટલાવવું એ કર્મોથી ભરપૂર હોય તેનો સંસારમાં કોઈ વિશ્વાસ ન કરે, પોતાનાં સગાં પણ વિશ્વાસ ન કરે... કલ્યાણ ઇચ્છનારે અધર્મીના માર્ગે ન ચાલવું.

છે. ૩૮-૨, સાધુએ વિષયથી છેટે રહેવું, પોતાના નિયમો ત્યજી વિષયનો સંબંધ રાખનારનો ઠા ન રહે.

મ. ૧૧-૧, ધર્મ, અર્થ, કામમાં પ્રીતિ રાખનાર નરક ચોરાસીમાં જાય છે.

મ. ૫૩-૧, ભગવાનના ચરિત્ર અને સમજણને વિશે દોષ દેખાડનાર વિમુખ, અધર્મી અને સર્વ મુર્ખાઓનો રાજા છે.

છે. ૩૨-૨, ભગવાન તો પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે તે માટે કોઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી મહાત્મ્યની ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. એવી સમજણવાળો ઉપરથી ભક્ત જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો. તેનો તો સંગ ક્યારેય ન કરવો.

મ. ૩૯.૧, અમને દંભી ભક્ત ન ગમે. તેને દેખીને મન રાજી ન થાય. મોટેરાઓએ નિષ્કામરૂપ ધર્મ અવશ્ય રાખવો. તેની કાચ્યપ ન ચાલે.

મ. ૩૯-૨, અમારી બાંધેલી મર્યાદા લોપે છે તેની અધોગતિ થાય છે.

પ્ર. ૩૬-૧, ત્યાગીએ પરમેશ્વર સિવાય અન્ય પદાર્થમાં પ્રિતી રાખે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં અપ્રીતિ રાખે તે પાપી છે.

જે. ૫-૧, અમારા સત્સંગના નિયમ નહિ પાળો તો મહાદુઃખ પામશો તેમાં અમારે ને તમારે લેણા દેણા નથી.

છે. ૩૮-૨, દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠ્યા - ઊઠ્યાની વાસના આદિક છ વાનાં વાળાને જીવતાં ને મરીને પણ સુખ થાય નહિ.

મ. ૩૫-૪, ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા ઇચ્છનારની જેમ મોક્ષ કઠણ છે. તે ધર્મ વગરનાને ચંડાળ જાણવો.

મ. ૩૩-૧, એક નિષ્કામ વર્તમાન દ્રઢ હોય તેને આલોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ. અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહિ. અમે અહીંના હરિભક્તના અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને અહીં રહ્યા છીએ.

મ. ૩૩-૧, સત્સંગમાં કોઈ પુરુષ અથવા સ્ત્રીને કદાચિત નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશોમા. તેની વાર્તા સાંભળીએ ત્યારે વાંઝિયાને ઘેર દીકરો આવીને મરી જાય તેટલો શોક અમને થાય છે. મનમાં એમ વિચારીએ છીએ જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે નિષ્કામ રૂપ વર્તમાન રાખે તે જ અમને વહાલો છે. અને તેને ને અમારે આ લોકમાં અને પરલોકમાં દ્રઢ મેળાપ રહેશે.

લો. ૬-૧૫ - રહસ્યાર્થ પ્રશ્ન - ૩૯૭ - નિષ્કામશુદ્ધિ, ધર્મામૃતની આજ્ઞા લોપતા હોય તેની બરાબર વર્તવાનું નથી કહ્યું, તેનો તો સંગ જ ન કરવો.

બાપાશ્રીનું જીવનવૃત્તાંત - પાન -૪૭, ૭૪ "ત્યાગી સાધુ દ્રવ્ય રાખે ને સ્ત્રી સાથે બોલે તે ત્યાગી સાધુની કથા વાર્તા મોક્ષાર્થીએ ન સાંભળવી. ને સાંભળે તો ચંદ્રાયણ વ્રત કરવું."

બાપાશ્રીનું જીવનવૃત્તાંત - પંચવર્તમાન દ્રઢ રાખવાં. તે આજ્ઞા પ્રમાણે કહેવાય. તેમાં ફેર હોય તો તે સાધુ કહેવાય નહિ. ત્યાગી થઈને સ્ત્રી-દ્રવ્યનો પ્રસંગ રાખતા હોય તેનો સંગ રાખવો નહિ. ને ગૃહસ્થે તેવા સાધુની વાર્તા પણ સાંભળવી નહિ.

પ્ર. ૫૩-૧, જે પંચવર્તમાનની મર્યાદા છે તેમાંથી કોઈ વર્તમાનનો સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો.

લો.પ. - રહસ્યાર્થ પ્ર-૨ પ્ર. ૫૩માં પંચવર્તમાનનો ભંગ કરનારનો અવગુણ લેવાનું કેમ કહ્યું?

ઉત્તર - પંચવર્તમાન ભંગ કરનારનો ગુણ લે તો તેને વિશે સત્પુરુષની બુદ્ધિ રહે; તેથી તેનો ત્યાગ કરીને ધર્મવાળાનો સમાગમ થઈ શકે નહિ. તેથી રૂડા ગુણો આવે નહિ. ને એવી નબળી સોબતે કરીને ઘટી જાય. માટે જે શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે તેનો સંગ કોઈ પ્રકારે ભૂલે પણ ન કરવો એ સિદ્ધાંત વાત છે.

પં-૬- રહસ્યાર્થ પ્ર.-૩ અવળું વર્તાઈ જશે તો પણ કલ્યાણ થશે એમ કહ્યું તે અવળું શું જાણવું?

ઉત્તર - ભૂંડા, દેશકાળાદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત કરે તો જ કલ્યાણ થાય; અને પ્રાયશ્ચિત્ત ન કરે તો તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે. અને જે જાણીને વર્તમાન લોપે તે તો જીવતો જ બ્રહ્મરાક્ષસ છે ને મરીને નરકમાં જાય છે.