૬ - સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી

પર્વતમાંથી નીકળેલી નદી અનેક વિકટ રસ્તાઓ પાર કરી ધીરે - ધીરે જ્યારે પોતાના પ્રવાહમાં વેગ પકડી છેલ્લે સમુદ્રને મળે છે, ત્યારે ક્યાંય સુધી સમુદ્રના ખારા જળને મીઠું બનાવી દે છે. તેવી જ રીતે જેઓ નિઃસ્વાર્થ ભાવે ફક્ત જીવોનું કલ્યાણ જ ઇચ્છતા હોય, જેઓ સાચા પથદર્શક હોય, મહારાજની સર્વોપરિતાનો નિધડક પણે પ્રચાર કરી લોકોને મૂર્તિના સુખમાં પહોંચાડતા હોય. તેઓના એક પછી એક શિષ્યો પણ તે પથ પર ચાલી વર્ષો સુધી દરેકને પથ ચિંધતા હોય અને નદીની જેમ પોતાના જ્ઞાનરુપી મીઠાં જળથી અનેકને સંતુષ્ટ કરે તેમાં નવાઈ શું? આવા જ સદગુરુ ગોપાળાનંદસ્વામીએ પોતાના મંડળના સંતોને જ્ઞાન તથા સુખ આપવામાં મણા નહોતી રાખી. અને આથી જ તેમનું મંડળ સર્વ શ્રેષ્ઠ હતું.

તે મંડળના જ સદગુરુ નિર્ગુણદાસજીસ્વામી જેઓ મહાસમર્થ હતા અને સ્વામીએ ચિંધેલ પથ પર ચાલી અનેકને પાવન કર્યા હતા. તેમના શિષ્ય સાધુ ઈશ્વરચરણદાસજી સ્વામી જેઓએ પણ જીવોના કલ્યાણ કરવાનું કાર્ય યર્થાથપણે કરી બતાવ્યું. જેઓ સાચા અર્થમાં ઈશ્વરચરણનાદાસ હતા. જેમની પાસે મૂર્તિ સિવાય ક્યારેય કોઈ વાત નહિ. જ્યારે જુઓ ત્યારે બ્રહ્મયજ્ઞ ચાલુ જ હોય. મૂર્તિના સુખની જ વાતો. મુમુક્ષુઓ કેમ વધુ ને વધુ મહારાજનું સુખ મેળવે તે એક જ જેમને તાન હતું. જે બાળક સાથે બાળક બની જઈ વાત્સલ્ય વરસાવતા, સત્સંગની રક્ષા કરી સત્સંગના મા બની જતા. તો દુઃખી જીવોની સહાયતા કરી બાપની હૂંફ પણ આપતા. આમ દરેકના મા, બાપ, મિત્ર, ગુરુ બની સૌનું કલ્યાણ કરતા. આવા પ્રેમાળ સંતના જીવન વિશે જાણવાની જીજ્ઞાસા કોને ન થાય? તેમના જીવન મૂલ્યોને પોતાના આદર્શ બનાવવાનું મન કોને ન થાય? વધુમાં તેમના જેવું જીવન જીવવાનું મન કોને ન થાય? તો ચાલો આવા વિરલ સંત વિશે, તેમના જીવન વિશે થોડું જાણી તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ.

સદગુરુના માતા-પિતા થવાનું સદભાગ્ય અશ્લાલીમાં રહેતા માતા-જીબાબા અને પિતા અમથાભાઈને પ્રાપ્ત થયું હતું. આ દંપતિ એટલે ભક્તિરસમાં તરબોળ દુનિયા સાથે ઝાઝી નિસ્બત નહિ. વ્યવહાર ઘણો જ દુર્બળ છતાંય પોતાની દારિદ્રતા વિશે ક્યારેય ચિંતા ન કરે કે ન કરે ક્યારેય સંકલ્પ, ન થાય તે પ્રત્યે ગ્લાની. ખેતી કરે અને પ્રભુ ભજન કરી જીવન વિતાવે. આવા ઘરનો સહેલાયથી ત્યાગ કરી શકાય. એવા આશયથી આપણા સદગુરુવર્ય ઇ.સ. ૧૮૬૨ ને સં. ૧૯૧૮ના આ દંપતિને ત્યાં પ્રગટ થયા. મહારાજના લાડીલા મુક્ત તેમાંય ગળથૂથીમાં જ મહારાજના સર્વોપરીપણાના સંસ્કાર રેડાયા હોય પછી તેમના ઉછેર તથા સંસ્કારમાં ક્ષતિ હોવાને અવકાશ જ નથી. માતા-પિતાએ મુક્તરાજનું નામ બહેચરભાઈ પાડ્યું. બહેચરભાઈ તેજસ્વી મુખારવિંદ અને વિશાળ ભાલ ધરાવતા હતા. નાનપણમાં બહેચરભાઈ મિત્રોને રમુજી ટૂચકા સંભળાવે, પણ તેમાંય મહારાજની મૂર્તિની સ્મૃતિનો ઉપદેશ આવી જાય. તેમના નાનાભાઈ કશીભાઈ પણ એવા જ ભગવદીય. બંને ભાઈ હંમેશાં સંપથી રહે. આમ સમગ્ર કુટુંબે દાખલો બેસાડ્યો કે સુખ-શાંતિથી રહેવા, પ્રભુ ભજવા, તેની મસ્તીમાં રહેવા કંચન હોવું આવશ્યક નથી.

શાળાએ જતાં બહેચરભાઈને કપડાં થીગડાંવાળા હોય અને પગમાં ચંપલ ન હોય, પણ પોતાનું બુદ્ધિ ચાતુર્ય અને સરળ સ્વભાવને કારણે શિક્ષકના માનીતા થઈ ગયા હતા. દરેક સાથે એવો મિલનસાર સ્વભાવ રાખી રહે કે દરેકને તે પોતાના પરમ મિત્ર જ ભાસે. ગામમાં છ ધોરણ સુધી જ અભ્યાસની વ્યવસ્થા હોવાથી ત્યાં સુધીનો જ અભ્યાસ કર્યો. બીજા છોકરાઓની જેમ ગામના ચોરે ટોળટપ્પા ને કુથલી કરવા કરતાં માતા-પિતાની સેવા કરવી અને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેવામાં તેમને વધુ આનંદ આવતો. દરરોજ મંદિરે જતાં સાંજની કથા વાંચનની જવાબદારી પોતે સહર્ષ સ્વીકારી હતી. સ્પષ્ટ ઉચ્ચારણ અને કથા વાંચનની આકર્ષક શૈલીથી આકર્ષાઈ સાંજની કથામાં લોકો વધુ આવતા. આમને આમ બહેચરભાઈનું જીવન વ્યતિત થતું હતું. અને તેમની ઉંમરમાં વધારો કરતું જતું હતું. તેઓ સોળ વર્ષના થયા ત્યારે સદગુરુ નિર્ગુણદાસજીસ્વામી મંડળે સહિત પોતાના આ શિષ્ય મુક્તને નિહાળવા અશ્લાલી પધાર્યા. બહેચરભાઈ પર અતિ પ્રસન્નતા જણાવી અને ભવિષ્યમાં તેઓ મહારાજની સેવાનાં કાર્યો કરશે તેવો અણસાર આપી ગયા.

બહેચરભાઈને તો સ્વામી પ્રત્યે અનેરું આકર્ષણ થઈ ગયું. સદગુરુને જાણે મન સમર્પી દીધું અને વારંવાર સદગુરુશ્રીના દર્શને જવાની ઇચ્છા પ્રબળ થવા લાગે. પિતાશ્રીની ઉત્તરક્રિયા બાદ તે નિમિત્તે તેમને સ્વામીના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો. સ્વામીએ તેમને મહારાજની અખંડ સ્મૃતિ રાખવી અને વચનામૃતનો અભ્યાસ ખંતપૂર્વક કરવો વગેરે ઉપદેશ વચનો કહ્યા. અને ઉમેર્યું 'સમય થશે અને મહારાજનો હુકમ થશે ત્યારે તેડી લઈશું. અત્યારે ઘરે જાવ.' સાંભળતાં બહેચરભાઈ મસ્તીમાં આવી ગયા. ઘરે પાછા ફરતા સતત સ્વામીના વચનોનું મનન કરતા સમગ્ર વાતાવરણ આનંદમય લાગવા લાગ્યું. સ્વામીના કહ્યા મુજબ વચનામૃતનો અભ્યાસ ને મહારાજની અખંડ સ્મૃતિ રાખવાનો અભ્યાસ શરૂ પણ કરી દીધો. સાથે - સાથે મંદિરમાં સંતો પાસે બેસી મોડી રાત સુધી મહારાજના મહિમાની વાતો સાંભળે ને બળ મેળવે. ઘરમાં માતા અને ભાઈને સ્વામીએ કહેલ હુકમ વિશે વાત કરી હોવાથી ત્રણેય જણ રાહ જોતા. રાહ જોતા તેઓને દિવસો લાંબા થઈ પડ્યા અને રાતના ઉજાગરા વધવા લાગ્યા. છતાંય મનમાં સંપૂર્ણ વૈરાગ્ય રાખી દરેક કાર્ય આનંદમાં રહી શ્રીજીનું સોપેલું માની કરતા. આઠ- આઠ વર્ષોના વ્હાણા વીતી ગયા છતાંય મનની અધિરતા અને વ્યાકુળતામાં ઓટ નહોતી આવી. સ્વામીના વચનોમાં કેટલો વિશ્વાસ! અંતે સં. ૧૯૪૨ના એ આનંદમય ઘડી આવી પહોંચી. બીજા જીવોની જેમ જીબાબાએ ક્યારેય પુત્રને પરણાવવાના અભરખા રાખ્યા ન હતા. તેઓએ પોતે વૈરાગ્ય પૂર્યો હતો તો પછી ગૃહસ્થાશ્રમમાં રહેવાનું તો ક્યાંથી કહે. આથી આજ્ઞા થતાં સમગ્ર કુટુંબે સ્વામીના કહેવાથી એક પણ લૌકિક સંકલ્પ કર્યા વગર ક્ષણ માત્રમાં ગૃહત્યાગ કરી ત્યાગ, વૈરાગ્યનો દાખલો બેસાડી દીધો. અને સદગુરુએ બહેચરભાઈને અમદાવાદમાં ધ.ધુ. આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ પાસે વિધિવત્ ત્યાગાશ્રમની દીક્ષા અપાવી અને સાધુ ઈશ્વરચરણદાસજી એવું નામ આપ્યું.

સં. ૧૯૪૨નું વર્ષ તો સાધુ ઈશ્વરચરણદાસજી માટે અમૃતની વર્ષા કરતું આવ્યું. જીવનની અવિસ્મરણીય ઘટનાઓ લઈને આવ્યું. આ સાલમાં જ પોતાને બહેચરભાઈમાંથી ઈશ્વરચરણદાસ સ્વામી બની જઈ સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીના સતત સાંનિધ્યમાં રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. અને આ જ વર્ષમાં તેમને સદાય મૂર્તિના સુખમાં લુબ્ધ રહેનારા, અનેકને મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવનારા, નજરે ચડનારા જીવનું આત્યંતિક કલ્યાણ કરનાર, સમાધિમાં રહેનાર, ક્ષણમાત્ર જેઓ મૂર્તિથી જુદા ન રહેતા; અનેકને અનાદિની સ્થિતિનું જ્ઞાન કરાવનારા ને અનેકને એવી સ્થિતિ કરાવનારા એવા કચ્છના ગામ બળદિયામાં પ્રગટ થયેલ મહાન અનાદિ મહામુક્તરાજ પ. પૂ. શ્રી અબજીભાઈના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો. પ્રથમ દર્શને જ અબજીભાઈ જેમને બધા ભાઈશ્રી કહેતા તેમની અનેરી આકર્ષક પ્રતિભાને કારણે વૃત્તિ ભાઈશ્રીમાં સ્થિર થઈ ગઈ. પૂર્વની ઓળખાણ ને પ્રીત હોય તેમ મન મળી ગયું. અને આ મિલન સદાયને માટે કાયમ રહ્યું. ભાઈશ્રી અને સ્વામીનું જીવન એકબીજા સાથે એવા ગૂંથાયેલા છે કે એકની વાત કરો એટલે બીજાનો ઉલ્લેખ આવશ્યક બની જાય. સ્વામી તો જાણે ભાઈશ્રીનો પડછાયો. બંનેની એક જ રૂચિ, એક જ મત. જીવોને મહારાજ ઓળખાવવા અને અનાદિની સ્થિતિનું જ્ઞાન કરાવવું. બંનેને એકબીજા પ્રત્યે હેત પણ એવું જ કોઈ એકબીજાનું કષ્ટ જોઈ ન શકે. બંને સમર્થ છતાં પોતાના દુઃખ દૂર ન કરે. સ્વામી ક્યારેય દુઃખ દૂર કરવા પ્રાર્થના ન કરે, પણ ભાઈશ્રી સંકલ્પ માત્રમાં તે ટાળી નાંખે. અને સ્વામીની પ્રાર્થના સાંભળી ભાઈશ્રીએ ઘણી વખત દેહ ત્યાગના સંકલ્પો ફેરવ્યા છે.

સ્વામીના જીવન સાથે સંકળાયેલા બીજા એક સંત પણ છે. સ્વામી વૃંદાવનદાસજી. જેઓ પણ હંમેશાં સ્વામી સાથે જ રહેતા. ભાઈશ્રીએ આ બંનેની જોડી બનાવી હતી. આથી વૃંદાવનદાસજી સ્વામી અને ઈશ્વરચરણદાસજી સ્વામી કચ્છમાં સદાય સાથે જ આવતા ને ભાઈશ્રીનો જોગ-સમાગમ કરી વચનામૃત સમજતા અને મહારાજનું સ્વરૂપ ઓળખતા. યજ્ઞમાં કે બીજે ક્યાંય પણ જવું હોય તો આ જોડી હંમેશાં સાથે જ હોય. તેઓ પ્રખર જ્ઞાની હતા. ભાઈશ્રી પણ તેમને જ્ઞાનગુરુ કહેતા. ભાઈશ્રીએ તેમને મહારાજનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. વચનામૃતની ટીકામાં સ્વામી વૃંદાવનદાસજીનો ફાળો અમૂલો છે.

સ્વામી પણ પ્રખર જ્ઞાની હતા. તેમને ૨૭૩ વચનામૃતો જીહવાગ્રે હતા. વચનામૃતની રહસ્યાર્થ ટીકા ભાઈશ્રી સાથે કરવાની શરૂઆત કરી ત્યારે પોતે એવા ઝીણા-ઝીણા પ્રશ્નો શોધી લાવે કે સામાન્ય જીવોની બુદ્ધિમાં પણ ન આવે. કોઈ વિષય રહી ન જાય તેની ખાસ તકેદારી રાખે. દરેક વચનામૃત જીહવાગ્રે તેથી એકમાં બીજા વચનામૃતનો સંદર્ભ પણ આપે. આમ વીસ વર્ષના અથાગ્ પરિશ્રમ બાદ આજે આપણને વચનામૃતોના ગુઢ રહસ્યો સમજવામાં સરળતા પડે છે. અને તે આરામથી વાંચીએ છીએ. તે પુસ્તક અને પાછળ આપેલી શબ્દોની અનુક્રમણિકા જોતાં તેમણે લીધેલ પરિશ્રમ વિશે ખ્યાલ આવે છે. ભાઈશ્રી જેમને પછીથી લોકો બાપાશ્રીના નામથી ઓળખતા તેઓ સભામાં જે વાતો કરે તે સ્વામી નોંધી રાખતા. પછી તેને ફેર કરે, તેમાં પણ ઘણો પરિશ્રમ કરી આજે સત્સંગને મહાન ભેટ 'બાપાશ્રીની વાતો' રૂપે બે ભાગમાં પ્રસિદ્ધ કરી. જે આપણા માટે મહાન તેમ જ દિવ્ય ભેટ છે. બે મહાન પુસ્તકોનું કાર્ય સાથે - સાથે ચાલે સદાય કાર્યરત રહે, છતાંય પોતે હંમેશાં આનંદમાં રહે. સદાય પ્રફૂલિત અને હળવા ફૂલ જેવા દેખાય. દેહભાવ તો ક્યારેય જણાવે જ નહિ. એક વખત પોતાના દાંત દુઃખતા હતા ત્યારે ડૉક્‌ટર પાસે જડબાને બહેરું બનાવ્યા વગર જ દાંત પડાવી નાંખ્યો. સદાય મૂર્તિમાં રહેનાર માટે આ સામાન્ય બાબત છે પણ સામાન્ય જીવો માટે આ બનાવ મુગ્ધ કરી દે તેવો છે.

સ્વામીની મહારાજ ઓળખાવવાની રીત એટલી સરળ હતી કે મુમુક્ષુના જીવમાં તરત હા પડી જાય. નાનામાં નાની વાતમાં પણ મહાન ઉપદેશ આપી દેતા. ઘણી વખત શિષ્યવર્ગને અનાદિની સ્થિતિનું જ્ઞાન એવી સહજ રીતે સમજાવતા કે દરેકને સમજાઈ જતું કે કરી - કરીને કરવાનું આ જ છે કે મૂર્તિમાં તદરૂપ થઈ રસબસ ભાવે મૂર્તિનું સુખ લેવું. આવું જ્ઞાન અનેક મુમુક્ષુઓને કરાવ્યું અને છતે દેહે કલ્યાણની પ્રતીતિ કરાવી. પોતે સાધુતાના દરેક લક્ષણ સાચવતા અને બીજાને તે પ્રમાણે રહેવા કડક રીતે પાલન કરાવતા. કોઈનામાં ઉણપ હોય તો પ્રથમ બળની વાતો કરે અને પછી પ્રાયશ્ચિત આપી તે ઉણપ દૂર કરે.

મુક્તોને આવવા જવાપણું હોતું જ નથી. સદાય તેઓ મૂર્તિના સુખમાં જ હોય છે. પણ અવરભાવની રીતે બાપાશ્રી અદ્રશ્ય થતા સ્વામી હવે એકલતા અનુભવતા. દર વર્ષે કચ્છમાં બાપાશ્રીના દર્શને જતા તે હવે બંધ હતું. દિવ્યરૂપે સદાય સાથે જહતા, પરંતુ તેમને મળવું, વાતો કરવી, પ્રશ્નો પૂછવા વગેરે હવે બંધ થયું હતું. શ્રીજીમહારજની ઇચ્છા અને બાપાશ્રીએ તેમને સોપેલું કાર્ય તેમણે યોગ્ય રીતે પાર પાડ્યું હતું. ગામડે - ગામડે સ્વયં ફરી, પોતાના દેહના દુઃખને ન ગણીને, સદાય કાર્યરત રહી, અથાગ પરિશ્રમ કરીને જીવોને મહારાજની મૂર્તિનું સુખ શું છે, અનાદિની સ્થિતિ શું છે, મહારાજનું સુખ મેળવવા મુક્તને રાજી કેવી રીતે કરવા વગેરે મૂર્તિના સુખ માટે આવશ્યક દરેક બાબતો જીવો સુધી પહોંચાડી હતી. જીવો કૃતાર્થ પણ થયા હતા. અને તે પંથે ચાલવા પણ લાગ્યા હતા. ઉપરાંત હવે સ્વામી અવસ્થા પણ જણાવતા હતા. પોતે સ્વતંત્ર મુક્ત હતા, પરંતુ પોતાના દયાળુ સ્વભાવને કારણે જીવોને સેવા મળે અને કલ્યાણ થાય એવા આશયથી દેહમાં મંદવાડ ગ્રહણ કર્યો. તે પણ પાછો લાંબો ચાલાવ્યો જેથી અનેકને સેવાનો લાભ મળે. મંદવાડ પણ તેમની મરજી પ્રમાણે વધે ઘટે. નાડીના ધબકારા મંદ પડી જાય છતાંય પોતે વાતો કરતા જ હોય. ડૉક્‌ટરો પણ કહેતા - રોગને પણ આમના કહ્યામાં રહેવું પડે છે. મંદવાડમાં એક ઓપરેશન એનેસ્થેશીયા લીધા વગર કરાવ્યું. આમ દેહભાવ જરાપણ જણાવતા નહિ. મંદવાડમાં પણ દરેકના સંકલ્પો સિદ્ધ કરી દરેકને રાજી કરતા. છેલ્લે હીરજીભાઈનો સંકલ્પ કે, હું આવું ત્યાં સુધી આમને આમ દર્શન આપજો. તે પણ હીરજીભાઈને તાર કરી બોલાવ્યા અને તેમણે દર્શન કર્યા ત્યાં સુધી પાળ્યું. હીરજીભાઈ આવ્યા અને સ્વામીએ થોડું પાણી પીધું ને નાડી મંદ પડવા લાગી. તેમનો અત્યંત લાડીલો શિષ્યવર્ગ મહારાજની ધુન બોલવા લાગ્યો. ત્યાં તો તડ-તડાટના અવાજ સાથે શંકુ આકારના તણખા સ્વામી ઉપર પડ્યા. સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને શિષ્યો સ્વામી દાઝ્યા તો નથી ને તે જોવા લાગ્યા. પણ આ તો મહારાજના લાડીલા મુક્ત પર તેજની પુષ્પ વર્ષા હતી. હાજર રહેલા સ્વામીની કુંકુંમ પુષ્પથી છેલ્લી પૂજા કરતા હતા. ધુન તો ચાલુ જ હતી, તેનો અવાજ સર્વત્ર ગુંજતો હતો, પણ હવે ફક્ત અવાજ જ ગુંજતો રહ્યો. સ્વામી રહ્યા ન હતા. તેમણે દેહની લીલા સંકેલી લીધી હતી. સં. ૧૯૯૮ના આસો વદ અમાસ દિવાળીનો દિવસ અને ઈ.સ. ૧૯૪૨ની નવેમ્બર માસની આઠમી તારીખ રવિવારની રાતના સવા અગિયારનો સમય. લોકો દિવાળીનો ઉત્સવ મનાવતા ઘરે-ઘરે દીવા પ્રગટાવી રહ્યા હતા, દિવાળીનો આનંદ માણી રહ્યા હતા, જ્યારે મંદિરમાં સ્વામીના શિષ્યવર્ગને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી હતી. સમગ્ર વાતાવરણ શાંત હતું. આજે શ્રીહરિ તથા તેમના પરમ લાડીલા દીવડાઓમાંની એક જ્યોત અનેકના હૈયામાં જ્યોત જલાવી દીધા બાદ બધાને એકલા મૂકી બૂઝાઈ ગઈ હતી. અને તે બૂઝાઈ જતાં ત્યાં ફક્ત નિરવ શાંતિ પ્રસરી હતી.