૧૫ - સાંખ્ય યોગ
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૫૨)
સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની છે. (૫૨)
પંચાળા પ્રકરણમ્ (૨)
યોગવાળાએ જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિપુરુષથી લઈને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વેને શ્રીજીમહારાજના ભક્ત સમજવા ને અંશઅંશીભાવ ટાળવો. અને આત્યંતિક પ્રલયને વિશે અક્ષરધામમાં શ્રીજીમહારાજ રહે છે તે પૃથ્વીને વિશે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. અને સાંખ્યવાળાએ તત્ત્વથી જીવ-ઈશ્વરને ભિન્ન સમજવા અને પ્રકૃતિ-પુરુષથી થયું એને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. ને તે બંનેએ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને શ્રીજીમહારાજની ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ બીજા કોઈનું કરવું નહિ. (૨)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૨૪)
સાંખ્યનિષ્ઠાવાળા ભક્ત સર્વના સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને શ્રીજીમહારાજને વિશે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય; અને યોગનિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો શ્રીજીમહારાજ વિના બીજે લોભાય નહિ. કેમ જે શ્રીજીમહારાજ વિના બીજા સર્વેના સુખને નાશવંત જાણે ને શ્રીજીમહારાજને વિશે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ. (૨૪)